રણબંકા કાઠીઓએ પણ ‘જય સ્વામિનારાયણ’નો નાદ ગજાવ્યો જાણે ભટ્ટના ખોરડેથી નળિયાં ઊડ્યાં! જેવો દરવાજો ઊઘડ્યો કે કાળજાળ કાઠીઓએ ઘોડાઓને પુરપાટ દોડાવી જમાતમાં ઝીંક્યા. પીઠ પર બેઠેલા શૂરવીર યોદ્ધાઓને વિજયની હાવળ્યો દેતાં આ ઘોડાઓ પણ જાણે કે રણના ખેલૈયા બન્યા હતા! ‘જય સ્વામિનારાયણ’ના નાદ સાથે પચાસ કાઠી નરબંકાઓ સાતસો બાવાઓની વચ્ચે યુદ્ધ ખેલવા લાગ્યા.
અસ્ત્ર-શસ્ત્ર વાપરી જાણનાર રણખેલૈયા કાઠી-દરબારો પાસે એના પગ હટવાં લાગ્યા.
ખરાખરીના ખેલ જોવા સૂરજ આજ થંભી ગયો હતો.
તલવાર-ખડગની ઝાકાઝીક ઝાકાઝીક ને ત્રિશૂળ-ધારિયાંની બટાજટી બોલવા માંડી. પટા ખેલનાર કાઠીઓ અસૂરોએ હથિયાર કળપૂર્વક પૃથ્વી પર પટકાવવા લાગ્યા. ભગુજીને શરીરે ઘણા ઘા પડી ચૂક્યા હતા.
એક એક અસવારે જાણે અનેક રૂપ ધર્યાં હતાં!
ઘોડે બેસીને યુદ્ધ કરતા આ કાઠીઓએ મોવડીઓને નિશાન બનાવ્યા હતા. બંધિયાના મૂળુભા ને રામસિંહ, ભગુ ખાંટ ને માતરો ધાધલ, સૂરો અને સોમલો - એક એકની રણરમત જોવા જેવી હતી. સળકારા મારતી એમની સમશેરો જ્યાં પડતી ત્યાં પાકેલાં ગલકાં ખરે એમ એક જ ઝાટકે અસુરોનાં મસ્તક ટપોટપ ખરી પડતાં. તેમાં ચાર મોટા મોવડીને પ્રથમ ધરતી પર ઢાળી દીધા ને જમને દ્વાર મોકલી દીધા.
મોતનું ઘમસાણ ભાળી ‘ત્રાહિમામ્’ પોકારતાં સૌ ભાગવા લાગ્યા. લોલંગર તો ક્યારનો ક્યાંય સંતાઈ ગયો હતો.
જંગ જીતી ગયેલા શૂરા ભક્તોને શ્રીહરિ ભેટ્યા. કેટલાકનાં શરીર પર ઘા પડ્યા હતા તેના પર પ્રભુએ પોતાનો અભય હસ્ત ફેરવ્યો. સૌનાં અંતરમાં અદમ્ય શાતા વળી ગઈ.
શ્રીહરિએ કહ્યું: ‘સૌને શાબાશ છે. આજે ખરો ક્ષત્રિય ધર્મ બજાવ્યો. આતતાયીઓને હણવા, ભક્તોની રક્ષા કરવા પ્રભુ યુગે યુગે પ્રગટે છે. આજે એ કામ અમે તમારા દ્વારા કર્યું છે. અધર્મના ઉચ્છેદ અને ધર્મના રક્ષણ કાજે આજ તમારી શૂરવીરાઈ ખપમાં લાગી ગઈ. સૌને ધન્ય છે.’
કરુણાનિધાનની કરુણામાં તરબોળ ભક્તો વાલમને નતમસ્તક વંદી રહ્યા.
ઇતિહાસ કહે છે કે લોહલંગર બાવાની જમાત સમાજને ત્રાસ આપતી, કેર વર્તાવતી, અડિંગો જમાવતી. પેશ્વાનો સૂબો આ જમાતને પોષતો. એના દ્વારા ગરીબો કે ધનિકો સૌને પીડતો. સામે માથું ઊંચકનારને કચરી નાખતો. કર્ણાવતીમાં પણ એ સૂબાની છૂપી મદદ હોવાથી જ ‘સ્વામિનારાયણને પકડવા કે મારી નાખવા’ની મેલી મુરાદ લોહલંગરે સેવી હતી, પણ એની બધી બાજી ધૂળમાં મળી ગઈ.