Essays Archives

યુગો થઈ ગયા, ભારત આદિકાળથી ભક્તિની ભાગીરથીમાં વહેતું રહ્યું છે. અહીં જ જ્ઞાનના પાંચ પર્વમાં 'ભક્તિ'ને 'પર્વ' કહીને તેને સન્માનિત કરવામાં આવી, અહીં જ श्रवणं, कीर्तनं, विष्णोःस्मरणं કહીને તેના નવ પ્રકારોને વધાવવામાં આવ્યા. ભક્તિના આવા પ્રકારોનાં જીવંત સ્વરૂપો સમા ભક્તોનું જન્મસ્થાન પણ આ જ ભૂમિ રહી છે ! શ્રવણ-ભક્તિ માટે આપણાં શાસ્ત્રોએ મહારાજા પૃથુનો મહિમા ગાયો છે. તો કીર્તનભક્તિ માટે શુકદેવજીનો ! સ્મરણભક્તિ માટે પ્રહ્‌લાદજીને આપણે આજે પણ સ્મરીએ છીએ અને પાદસેવન માટે લક્ષ્મીજીને. દાસત્વભક્તિ હનુમાનજીના જીવનનો ધબકાર હતી, તો વંદનભક્તિ અક્રૂરજીનો શણગાર ! આત્મનિવેદન ભક્તિના આદર્શો પર બિરાજમાન રહ્યા બલિ અને સખ્યભક્તિના સિદ્ધ ભક્ત અર્જુન ગણાયા.
આ નવ ઉપરાંત દયારામે જેને દસમાં સ્થાન આપ્યું એ પ્રેમલક્ષણા ભક્તિમાં ઓતપ્રોત ગોપીઓને તો શ્રીહરિએ પણ વચનામૃતમાં વારંવાર વખાણી છે.
સંસાર-જીવન એક જળ છે અને ભક્તિ એક નૌકા ! હલેસાંની જગાએ તપ અને ત્યાગ છે, પણ સુકાનનું સ્થાન ધર્મ અને સદાચાર વિના બીજું કોનું હોઈ શકે!? જે ભક્તિના પ્રવાહમાં વહેતા ભક્તને સાચી દિશા બતાવે તેનાથી મહત્ત્વનું બીજું માધ્યમ કયું હોઈ શકે ?
જે ભક્તિને નારદજીએ પરમ પ્રેમસ્વરૂપા, આત્મરૂપા, અમૃતસ્વરૂપા અને નિષ્કામરૂપા કહી છે, એવી ભક્તિ કરનાર ભક્તનું હીર કેવું હોઈ શકે ? શાસ્ત્રો કહે છે કે આવો ભક્ત સહજ જિતેન્દ્રિય હોય, એ આત્મારામ હોય, નિર્વૈર અને વીતરાગી હોય, પ્રશાંત અને સ્થિર હોય, એવો ભક્ત આત્મક્રીડ એટલે કે આત્મામાં રમમાણ રહેનારો હોય !
ભારતમાં આવી ભક્તિને કારણે જ મંદિરો, ઉત્સવો, પર્વો, સત્સંગ પારાયણો, પદયાત્રાઓ અને આવી અગણિત પરંપરાઓનો આરંભ થયો હતો ! નાના નાના ક્રિયાકાંડોની પવિત્ર પ્રણાલિકા પણ ભક્તિને કારણે જ નિષ્પન્ન થઈ હતી !
પરંતુ કાળાંતરે એ સુવર્ણમય ભક્તિ પરંપરામાં માનવની વિકૃતિના ભેગ ભળવા લાગ્યા ! ઉત્સવોમાં સ્વેચ્છાચાર, ક્રિયાકાંડોમાં અંધશ્રદ્ધા, પાખંડ અને ત્રાસ ફેલાવે તેવી દેવદાસી જેવી વિલાસી પ્રથાઓ, માંસાહારની તૃષ્ણાએ યજ્ઞવિધિમાં પશુબલિએ સ્થાન લેવા માંડ્યું. અઢારમી શતાબ્દી આવતાં આવતાં તો આખાયે સમાજમાં આ વિકૃતિઓએ દાવાનળનું સ્વરૂપ ધારણ કરી લીધું.
ભક્તિના નામે અધર્મની વિકૃતિઓથી પીડાતા તત્કાલીન સમાજનો આંખે દેખ્યો અહેવાલ આપતાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે,
'કહે દેવ પિતૃના શ્રાદ્ધમાં, મદ્ય માંસ જેવું કાંઈ નથી;
જો ઇચ્છો અચિરફળ પામવા, તો પૂજજ્યો સહુ એહથી.
ધર્મની ઓટ્ય લઈ અધર્મી, ધિરવી ધન નારી હરે;
શાસ્ત્રના અર્થ ફેરવી, પ્રેરે જેમ પોતે કરે.
દ્વિજકુળે જેણે તન ધર્યાં, તે મકાર… માહાત્મ્ય કહે કથી;
મદ્ય માંસ મૈથુન જેવું, કલ્યાણ અર્થે કોઈ નથી.
વેદ શાસ્ત્ર સંતની વળી, કુળ મર્યાદા નહિ રતિ;
સત્યવાદી સંત દેખી, અંતરમાં દાઝે અતિ.
નામ વૈરાગી વૈરાગ્ય નહિ, વાટે ઘાટે વશ્યા જઈ; ગુરુ થઈ દંભ ફૂંક દઈ, એમ જીવ ઠગ્યા કંઈ.
ભામિનિયોને ભાવતી, વળી ભક્ત ભક્તિ આદરે;
ખેલ ઉત્સવ ઓસર મેળા, ભેળા થઈ ભૂંડાઈ કરે.
ભક્તિ નામે ભ્રષ્ટવાડો, આચરણ એ અસુર તણાં;
નરનારી વિકાર વિના, ગોતતાં ન મળે ઘણાં.'
(ફૂટનોટ - … - પાંચ મકાર : મદ્ય, માંસ, મૈથુન, મુદ્રા અને મત્સ્ય.)
ગુજરાત સાહિત્ય સંમેલનના ૧૨મા અધિવેશનમાં ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે કહ્યું હતું કે, '(૧૮મી શતાબ્દીમાં) ગુજરાતમાં મુખ્યત્વે શૈવ, વૈષ્ણવ, જૈન અને શાક્ત એ સંપ્રદાયો જોરમાં પ્રચલિત હતા, પરંતુ સમય અને સંયોગને બળે શાક્ત મત વધારે પ્રસરતો હતો. વળી, ગુજરાતના પેશ્વાના સૂબા પણ શાક્ત હતા. આ અરસામાં મહેમદાવાદમાં એક બ્રાહ્મણના ઘરમાંથી મહાજને ૬૦ મણ માંસ કઢાવ્યું હતું જે તેણે પ્રીતિ-ભોજન માટે તૈયાર કરાવ્યું હતું. આ એક જ દૃષ્ટાંત (તત્કાલીન) વસ્તુસ્થિતિનું સ્વરૂપ સમજવાને બસ થશે.' (શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ઐતિહાસિક સમાલોચના, ધર્મ અને તત્ત્વજ્ઞાન વિભાગ, પૃ. ૩૬)
આવી સ્થિતિમાં આખીયે ભક્તિ પરંપરાને ઉગારવા એક સમર્થ તારણહારની તાતી જરૂર હતી. ન સહેવાય તેવી આગમાં ભક્તિનાં પવિત્ર મૂલ્યો સળગી રહ્યાં હતાં અને જેમને કાંઈ જ કહી ન શકાય તેવા પાખંડીઓ, પોતાની મનઘડંત વિકૃતિઓની ખીણોમાં આખા લાùકસમુદાયને ધકેલી રહ્યા હતા !
જે લોકો ભક્તિના નામે ધૂર્તતા કરીને પ્રજાને ડરાવી રહ્યા હતા, તેવા લોકોને આખા દેશની પરંપરાઓ, પ્રણાલિકાઓ અને પ્રતિષ્ઠાના લીરા ઉડાડવાનો જાણે પરવાનો મળી ગયો હતો.
'ઐતિહાસિક સંદર્ભમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન' લેખમાં અભ્યાસી વિદ્વાન તરીકે શ્રી યશવંત શુક્લ સ્પષ્ટ રીતે નોંધે છે કે 'મોગલ સામ્રાજ્યની અવનતિ થઈ તે પછી મરાઠી રિયાસતો આવી. તે ગાળામાં આખો દેશ છિન્નભિન્ન હતો અને ગુજરાત પણ ધણીધુરી વિનાનો પ્રદેશ હતો. મુલકગીરી, ઇજારાશાહી, વેઠની પદ્ધતિ, દુકાળો, ખોટા રિવાજો, અંધશ્રદ્ધાઓ, જ્ઞાતિ સંસ્થાની જડતા, વહેમો-ભૂતપ્રેતના, વળગાડના આ બધો આપણો પરિવેશ હતો... રાજાઓ પણ લૂંટારા જેવા હતા... એક લૂંટણખોરી વચ્ચે લોકો જીવતા હતા.' (ઐતિહાસિક સંદર્ભમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રદાન, પૃ. ૧૨૫)
આવા સમયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ક્રાંતિની મશાલ પોતાના હાથમાં લીધી. પોતાના આચરણના સ્વર્ણતેજથી એમણે પાખંડીઓને પડકાર્યા ને સુધાર્યા. પોતાના પવિત્ર સંતોની ફોજ એમણે ગામોગામ, કસ્બે-કસ્બે, વહેતી મૂકી અને પરિવારના મૂળ સુધી પહોંચી ગયેલી બદીઓનાં મૂળ ખેંચીને સૌનાં હૈયે શુદ્ધિનાં બીજ વાવી દીધાં. આચારની સંજીવની છાંટી.
ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ વખત સોય ઝાટકીને સ્પષ્ટ કર્યું : સદાચારરૂપી ધર્મ વિના ભક્તિ ક્યારેય ફળદાયી ન નીવડે. સદાચાર યુક્ત ભક્તિની આ વિભાવના શરૂઆતમાં સૌને નવીન લાગી, પરંતુ એનાં મૂળ તો પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં હતાં, એટલે એ સત્યતા ધીમે ધીમે સૌનાં હૈયાંમાં ઠરવા લાગી.
શ્રીહરિએ શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કર્યું : 'ધર્મો જ્ઞેયઃ સદાચારઃ શ્રુતિ-સ્મૃતિ-ઉપપાદિતઃ' અર્થાત્‌ વૈદિક શ્રુતિઓ અને સ્મૃતિ શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો સદાચાર તે જ ધર્મ. ધર્મની આવી સરળ વ્યાખ્યા સમજાવીને શ્રીહરિએ સદાચારમાં બે બાબતો પર સૌથી વધુ જોર આપ્યું :
(૧) મન-કર્મ-વચને અહિંસા.
(૨) બ્રહ્મચર્ય અને સ્ત્રી-પુરુષ મર્યાદા.
અને હા, ભક્તિને ભ્રષ્ટ કરતી અંધ પરંપરાઓમાં આ બે જ મુખ્ય બાબતો હતી, જેને સમૂળ સંસ્કારવાની મહાન ક્રાંતિ ભગવાન સ્વામિનારાયણે કરી, અને કવિવર ન્હાનાલાલના શબ્દોમાં કહો તો, 'ગુજરાતને સરયૂનીરથી ધોઈને બ્રહ્મભીનો કીધો...'
ભગવાન સ્વામિનારાયણ ન પ્રગટ થયા હોત તો ? તો ૨૦૦ વર્ષ પહેલાં ભક્તિના નામે વકરી ગયેલી એ અંધપરંપરાઓ આજે ક્યાં જઈને પહોંચી હોત ? એ માત્ર અટકળો અને કલ્પનાનો વિષય બની રહે છે. ભગવાન સ્વામિનારાયણે આદરેલાં ધર્મયુક્ત ભક્તિના વિરાટ આંદોલન પર એક નજર કરીએ.
ભક્તિના નામે ચાલતી હિસાનો નિષેધ :
ભગવાનને રીઝવવા થતા યજ્ઞોની પરંપરા વૈદિક યુગથી ભારતમાં ચાલી આવી છે. પરંતુ એ ભક્તિના ભાગરૂપે ભળી ગયેલો પશુ-બલિ ચઢાવવાનો ક્રૂર રિવાજ, લાખો અબોલ પશુઓને ભરખી ગયો હતો. યજ્ઞના નામે ચાલતી માંસાહારની એ વિકૃત પ્રથાને સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણે પડકારી. આ એ યુગ હતો, જ્યારે રાજા-મહારાજાઓથી માંડીને બ્રાહ્મણો અને ધર્મગુરુ સુધ્ધાં હિંસામય યજ્ઞના ઈશ્કી હતા, એ સમય હતો જ્યારે 'એનિમલ ક્રૂઅલ્ટી'નાં આંદોલનો કે પ્રાણીઓના અધિકારોની આંતરરાષ્ટ્રીય ચળવળોનો જન્મ થવાને બસ્સો વર્ષોની વાર હતી. પરંતુ ભગવાન સ્વામિનારાયણે પ્રાણીઓની રક્ષા કરતી સૌપ્રથમ પહેલ કરી, અહિંસામય યજ્ઞની ને માંસાહાર વિરુદ્ધ શાકાહારની ! ભુજના દીવાન જગજીવન સેંકડો પશુઓનો બલિ ચઢાવતો યજ્ઞ માંડીને બેઠા હતા, ત્યાં રૂબરૂ જઈને જાતનું જોખમ વહોરી લઈને પણ શ્રીહરિએ એ ક્રૂરતાને રોકવાની અનન્ય હિંમત દાખવી. અમદાવાદના મરાઠા સૂબા વિઠ્ઠલરાવ બાલાજીએ તો શ્રીહરિને મારી નાંખવાનાં કાવતરાં રચ્યાં, તોપણ એમણે અહિંસામય યજ્ઞનો જોરશોરથી પ્રચાર કર્યો. જાતે મહાન અહિંસામય યજ્ઞો પ્રયોજ્યાં. ભગવાન સ્વામિનારાયણે સામાન્ય પ્રજાથી લઈને બ્રાહ્મણો સુધી સૌને શિક્ષિત અને દીક્ષિત કર્યા, વેદમંત્રોનાં સાચાં રહસ્યો સમજાવ્યાં, એમણે હિંસાનો સડો દૂર કરવા સમાજને શિક્ષિત કરતાં કહ્યું : 'પશુઓ તો ભગવાનનાં સંતાનો કહેવાય, એને મારીને, એનું માંસ ખાઈને ભગવાનને કેવી રીતે રાજી કરી શકાય ? માટે માંસાહાર તો યજ્ઞના પ્રસાદના નામે પણ ન જ લેવાય.'
અને આમ, ભક્તિના નામે ચાલતી માંસાહારની તામસી પ્રથાને તેમણે સમૂળ ઉખેડી નાંખી. વર્ષોના એમના એ શાંત આંદોલનને કારણે ગુજરાતમાંથી હિંસામય યજ્ઞની જડ ઊખડી ગઈ. આજે ગુજરાતમાં ક્યાંય યજ્ઞના નામે બલિપ્રથા - પશુહિંસાનો અંશ દેખાતો નથી, કે ભક્તિના નામે માંસાહારની તામસી પ્રથા જોવા મળતી નથી, એનો પૂર્ણ યશ ભગવાન સ્વામિનારાયણને ઘટે છે. ઇતિહાસ-સમીક્ષકોનું માનવું છે કે ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે ગુજરાતમાં ચાલેલી અહિંસામય યજ્ઞની એ પ્રથા ધીમે ધીમે અન્ય પ્રાંતોમાં પણ વિસ્તરી ગઈ અને ત્યાં પણ તેની આભા છવાઈ ગઈ.
ભક્તિના નામે ચાલતા હિંસાચારનું એક બીજું વરવું સ્વરૂપ હતું : કમળપૂજા અથવા આત્મહત્યા. તે સમયે સમાજમાં એવી વિકૃત માન્યતા પ્રસરી હતી કે મંદિર કે તીર્થમાં જઈને આત્મહત્યા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. અથવા કાશી, ગિરનાર જેવાં પવિત્ર સ્થળોએ જઈને આત્મહત્યા કરવાથી મોક્ષ મળી જાય છે. આવી જડ માન્યતાનો ભગવાન સ્વામિનારાયણે સજ્જડ વિરોધ કર્યો. તેમણે કહ્યું : આત્મહત્યા તો તીર્થમાંયે નહીં ને ઘરમાંય નહીં! મોક્ષ માટે આત્મહત્યા નહીં, આત્મ-ઉન્નતિ કરવી પડે અને એ માટે સાચા સંતનો સત્સંગ કરવો જોઈએ. ભગવાનને પ્રસન્ન કરવા માટે પણ તેમણે સાચા સંતના સત્સંગની દિશા ચીંધી.
ભક્તિના નામે ચાલતી આવી ભાત-ભાતની હિંસાઓમાંથી શ્રીહરિએ સમાજને મુક્ત કર્યો અને ભક્તિને નિર્મળ અને પરિશુદ્ધ કરી. શ્રીહરિના સમકાલીન સંતોએ નોંધેલી કેટલીક ઘટનાઓ પર નજર કરીશું તો ઉપરોક્ત વિધાનો વધુ સ્પષ્ટ થાય છે અને શ્રીજી-મહારાજના સ્વરૂપમાંથી એક સનાતન હિંદુ ધર્મના ભક્તિ માર્ગને શુદ્ધ કરનાર ક્રાંતદ્રષ્ટા યુગપુરુષની વિમલ છબિ ઊપસી રહે છે.
બીજી ઘટના છે નવજાત બાલિકાને 'દૂધપીતી' કરવાની. આ પ્રથા ઘણું કરીને ક્ષત્રિય અને વૈશ્યોમાં પ્રચલિત હતી. કારણ કે કન્યાને વરાવવામાં ખૂબ દહેજ આપવું પડતું. આથી, તેને જન્મતાંવેંત દૂધના પાત્રમાં ડુબાડીને મારી નખાતી. શ્રીહરિએ એ વિકૃતિને ડામી દેવા સઘન પુરુષાર્થ કર્યો. સંતોને ગામડે ગામડે આ માટે વિચરતાં કર્યા અને પોતાના આશ્રિત ભક્તોને દહેજ ન લેવા માટે આદેશ આપ્યો. વળી, ગરાસિયાઓની કન્યાઓ માટે ઉત્તમ યુવકો તૈયાર કરવાની પણ બાંયધરી આપી હતી. અહીં એક પ્રસંગ દ્વારા તેમની માત્ર એક ઝલક જોઈએ.
ગોંડળના મહારાજા દેવાજીએ એક વાર શ્રીહરિને પોતાના મહેલમાં નિમંત્ર્યા હતા. મહારાજાએ શ્રીહરિને પ્રણામ કરી વિનંતી કરી, 'પ્રભુ ! આપ અનેક નાના-મોટા સૌને સમાધિ કરાવી જુદાં-જુદાં ધામોની અલૌકિક ભૂમિકાઓનાં દર્શન કરાવો છો તો મને પણ એવી સમાધિનો લાભ આપીને કૃતાર્થ કરો.'
આ સાંભળી શ્રીહરિ તેમને કહેવા લાગ્યા, 'રાજન્‌, કહો તો આપને એક દિવસ કે બે દિવસની જ નહીં મહિના કે છ મહિનાની પણ સમાધિ કરાવીએ, પણ અમે કહીએ તેમ કરશો ?'
'જી મહારાજ !' દેવાજીએ હાથ જોડી મહારાજ પાસે આજ્ઞાપાલનની બાંયધરી આપી દીધી.
મહારાજે તેમને સ્પષ્ટરૂપે જણાવ્યું કે જો ગરાસિયાઓે ક્યારેય પોતાની દીકરીઓને મારે નહીં (એટલે કે દૂધપીતી ન કરે) તે માટે બંદોબસ્ત કરો, તમારા રાજ્યના વગડાઓમાં ક્યારેય શિકાર માટે બોકડાઓ ન મૂકો, હરણિયાઓનો શિકાર ન કરો અને શિકારની મહેફિલોથી દૂર રહો. એટલી વ્યવસ્થા ઊભી કરો તો તમે કહો તેટલા દિવસની સમાધિ કરાવી અમે તમને અક્ષરધામનું સુખ બતાવીએ.' આ સાંભળી દેવાજીએ શ્રીહરિ પાસે હાથ જોડીને એવા જ કાયદાઓ ઘડવા માટે વચન આપ્યું હતું. (ભાયાત્માનંદ સ્વામીની વાતો : ૪૨)
આ જ રીતે પતિ મૃત્યુ પામે તેની પાછળ પત્ની સતી થતી હતી. શ્રીહરિએ એ પ્રથા પણ બંધ કરાવી. અને વિધવા નારીને 'સાંખ્યયોગી'નું બિરુદ આપ્યું. જે સધવા કરતાં પણ વિશેષ પૂજનીય બની. આમ, ગામોગામ સતી થતી વિધવા સ્ત્રીઓને શ્રીહરિએ બચાવી લીધી.
શ્રીહરિના કાર્યકાળ બાદ થોડા જ સમયે બંગાળમાં પણ આ સતીપ્રથા નાબૂદીનું ઉલ્લેખનીય કાર્ય રાજા રામમોહનરાયે પણ કર્યું હતું, પરંતુ શ્રીહરિ તથા તેઓના કાર્યની તુલના કરતા પ્રસિદ્ધ ઇતિહાસકાર હેનરી જ્યોર્જ બ્રિગ્સ જણાવે છે કે જ્યારે રામમોહનરાય પ્રસિદ્ધ વિચારક રોંસ્કોઈના સૂત્રોના આધારે સુધારાની જોરદાર ચર્ચા ચલાવતા હતા તે સમયે સહજાનંદ સ્વામી, બિશપ હેબર જેવાને પણ પોતાના સંપ્રદાયના સિદ્ધાંતો વિદ્વત્તાથી સમજાવતા હતા. રામમોહનરાય તર્કનિષ્ઠ હતા, તો સહજાનંદ સ્વામી કલ્યાણકારી કર્મવીર હતા. એમણે કોઈ સત્તાવાળા કે શ્રીમંતોની સહાય વિના પણ હજારો લોકોને ખોટે માર્ગેથી પાછા વાળી સત્યના માર્ગે દોર્યા હતા. રામમોહનરાયનું ગણ્યા ગાંઠ્યા સાથીઓનું વિચારક જૂથ હતું. જ્યારે સ્વામી સહજાનંદજી રાજાથી રંક અને વિદ્વાનોથી અભણ દરેકમાં સરખા પૂજાતા. તેમની તેજસ્વી બુદ્ધિએ ધર્મના નામે ચાલતાં પાખંડો ટાળ્યાં અને શિક્ષણના કોઈ વ્યાપક સાધન વિના સતીપ્રથા કે દૂધપીતી જેવા જંગલી ગણાય તેવા આચારો સામે વિવાદ ન કરતાં ફક્ત સદાચારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી તે પ્રથાઓ મહદંશે નાબૂદ કરી હતી. સીધી સમજ દ્વારા તેઓએ હજારો લોકોને સદાચારના માર્ગે વાળ્યા. ગુજરાત આ માટે સદા તેમનું ૠણી રહેશે. (સદાચારના સર્જક સ્વામી સહજાનંદ, ગોરધનદાસ સોરઠિયા, પૃ. ૧૧૪-૧૧૫) 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS