Essays Archives

મંદિરો માટે ગાંધીજી કહેતા : ‘We, the human family, are not all philosophers. We are of the earth, very earthly, and we are not satisfied with contemplating the invisible God. So I ask you to approach temples not as if they represented a body of superstitions. We have to approach these temples in a humble and penitent mood.’
‘આપણે મોટા તત્ત્વજ્ઞાનીઓ નથી, પણ સામાન્ય માનવો છીએ. આપણે સાવ પૃથ્વીના પાર્થિવ માનવો જ છીએ. આપણે ધામમાં રહેલા ભગવાનની આરાધનાથી સંતોષ પામતા નથી. તેથી હું તો કહું છું કે તમે મંદિરમાં જાવ. મંદિર એ અંધશ્રદ્ધાનું સ્થાન નથી. આપણે નમ્રતા અને પશ્ચાત્તાપની ભાવનાથી મંદિરમાં જવું જોઈએ.’
વળી, તેઓ મંદિર વિનાના સમાજની કલ્પના રજૂ કરતા ખૂબ મંથનપૂર્વક લખે છે : ‘ભક્તોનાં મનમાં મંદિર અને મૂર્તિઓ પથ્થરની ઇમારત નથી, પરંતુ તેમના મનમાં તો આ ચૈતન્ય તત્ત્વ છે. મંદિરોને તોડવાં એ તો આપણા ધર્મનો જ વિનાશ છે, કારણ કે મંદિર એ આપણી ધાર્મિક સભ્યતાનું સંગ્રહસ્થાન છે. લાખો-કરોડો હિન્દુઓ આ મંદિરો દ્વારા આશ્વાસન અને શાંતિ પામે છે, આ મંદિરોને જમીનદોસ્ત કર્યા પછી જોજો કે કેવાં ભયાનક પરિણામો આપણને પ્રાપ્ત થાય છે.’
જર્મનીનાં પ્રસિદ્ધ વિદૂષી અને ભારતીય મંદિર સ્થાપત્યનાં પ્રખર અભ્યાસી સ્ટેલા ક્રેમરીશે મંદિરનો મહિમા ગાતાં મંદિરને ‘ભારતીય જીવનનું કેન્દ્ર’ કહ્યું છે તે યથાર્થ છે. તેમના મતે ભારતમાં સામાજિક, સાંસ્કૃતિક કે આધ્યાત્મિક, કોઈપણ પ્રવૃત્તિમાં; મહોત્સવો, નૃત્યો, સંગીત કે આધ્યાત્મિક સત્સંગ ગોષ્ઠિઓનું સ્થાન એટલે મંદિર. જો ભારતના લોકોના જીવનમાંથી મંદિરની બાદબાકી કરવામાં આવે તો એ લોકો શૂન્યાવકાશ અનુભવશે. અને શૂન્યાવકાશમાં કોઈ જ જીવી શકતું નથી.
તા. 10-4-2003ના રોજ અમરેલીમાં પ્રમુખસ્વામી મહારાજે મંદિરની જરૂરિયાત જણાવતાં કહ્યું હતું કે સ્થાન વગર પ્રભુ ભજાય નહિ. જેમ વેપારીને ઓફિસ કે દુકાન જોઈએ, કલેક્ટરને કચેરી જોઈએ, તેમ સુખેથી પ્રભુ ભજવા માટે મંદિરો જોઈએ.
સ્વામીશ્રીની વાત સાચી જ છે. દેશની અનેક પ્રવૃત્તિના સંચાલન માટે સંસદ ભવન જોઈએ, તો સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ માટે મંદિર જોઈએ જ.
મંદિરમાં સતત પૂજાભક્તિ, સાધના ચાલતાં હોય છે, તેથી મંદિર દિવ્યશક્તિથી ભરેલું હોય છે. એટલે સ્વાભાવિક રીતે તે બહાર પણ સૂક્ષ્મ તરંગો ફેંકે છે. એટલે મંદિર પાસેથી જે કોઈ પસાર થાય છે તેમના ઉપર પણ મંદિરના દિવ્ય વાતાવરણની અસર પડે છે.
મંદિર એ ગામનું ગળણું છે. ગામની સૂક્ષ્મવૃત્તિ-વલણોને એ ચોખ્ખાં રાખે છે. ગામના અધ્યાત્મનો આધાર મંદિર છે. આસ્તિક-પણાનો એ ઉંબરો છે.
સમાજમાં, મંદિરમાં જતો હોવા છતાં માણસ સુધરતો નથી. તે તો જેમ સાબુ વર્ષોથી શોધાયો છે પણ વ્યક્તિ તેનો ઉપયોગ જ ન કરે તો વાંક વ્યક્તિનો કે સાબુનો ? મંદિરો સદાચારનાં વિતરણ- કેન્દ્રો છે. કોઈ એ સદાચાર અપનાવે તો તેમનું જીવન પવિત્ર બની જાય છે. ક્યારેક મંદિરમાં જતો માણસ તાત્કાલિક સુધરી જતો દેખાતો નથી, પરંતુ મંદિરની પવિત્રતાની એક અદૃષ્ટ અસર અવશ્ય ઊપજતી હોય છે.
વિશ્વના લગભગ બધા જ ધર્મોમાં કોઈ ને કોઈ સ્વરૂપે મંદિરો હોય છે. કોઈ તેમાં મૂર્તિ પધરાવે કે ન પધરાવે, ગ્રંથ પધરાવે કે અગ્નિ પધરાવે પણ શ્રદ્ધાનાં સ્થાનો તો દરેક ધર્મને જોઈએ જ.
રામકૃષ્ણ પરમહંસ કહેતા : ‘મંદિરો એ ‘દીવાન-એ-આમ’ છે. દરેક વ્યક્તિ મંદિરોમાં ભેદભાવ વગર પ્રભુને મળી શકે.’
મંદિરમાં સૌ ભેગા થાય એટલે દૈવી ભાતૃભાવ કેળવે. ગુરુતા અને લઘુતાગ્રંથિઓ દૂર થઈ જાય. મંદિર એ સમષ્ટિગત સેતુ છે.
મંદિર શાશ્વત છે. પેઢીઓની પેઢીઓ સુધી મનુષ્યોને પ્રેરણા આપે છે. બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ, દ્વારકા, રામેશ્વર વગેરે મંદિરો બંધાયે સેંકડો વર્ષો થયાં છે. લાખો લોકો દર વર્ષે આ બધાં તીર્થોની યાત્રા કરે છે અને સદ્ધર્મની પ્રેરણા પામે છે.
ભારતમાં લાખો મંદિરો છે. ભારતને એક તાંતણે જો કોઈએ પણ બાંધ્યું હોય, તો તે મંદિરોએ બાંધ્યું છે. યાત્રિક ગંગોત્રીથી ગંગાજળની કાવડ લઈને રામેશ્વર ઉપર તેનો અભિષેક કરે છે. પૂર્વના રહેવાસીને પશ્ચિમના અને પશ્ચિમના રહેવાસીને પૂર્વનાં મંદિરોનાં દર્શનની સતત ખેવના રહે છે. રાષ્ટ્રીય એકતામાં આ મંદિરોનો ફાળો અમૂલ્ય છે.
શંકરાચાર્યે ઉત્તરમાં બદરીનાથમાં દક્ષિણના પૂજારીઓ અને પૂર્વમાં જગન્નાથમાં ગુજરાતના પૂજારીઓ એમ ચારે તીર્થોમાં સામસામેના પ્રદેશના પૂજારીઓ મૂકી રાષ્ટ્રીય એકતા જાળવી છે.
મંદિરો દ્વારા મંદિરમાં પ્રતિષ્ઠિત જે તે દેવોની ઉપાસના ઉપાસકના હૃદયમાં દૃઢ થાય છે, અને ધર્મ પણ દૃઢ થાય છે.
ભગવાન સ્વામિનારાયણે પણ આ હેતુને સમજાવતાં પોતાના વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 27માં કહ્યું છે : ‘માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારુ ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનનાં મંદિર કરાવ્યાં છે, તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણાંક જીવનાં કલ્યાણ થશે... જે અતિશય ત્યાગ રાખીને ને અતિશય દયા રાખીને મૂઠી વાળીને બેસી રહે તેણે ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિએ રહિત થઈ જાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે. તે સારુ અમે મંદિર કરાવ્યાં છે તે અખંડ ભગવાનની ઉપાસના રહેવા સારુ કરાવ્યાં છે. અને જે ઉપાસક હોય તે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થાય જ નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહી ભગવાનની ભક્તિ-ઉપાસના કરવી એ અમારો સિદ્ધાંત છે.’
શાસ્ત્રો ઉપર ભાષ્ય થાય. માણસ શાસ્ત્રોમાંથી ધારે તેવો અર્થ કાઢી શકે. Devil quotes scriptures. અસત્પુરુષ શાસ્ત્રોના અવળા અર્થો કરીને સમાજને ‘શાસ્ત્રોક્ત અનીતિ’ને માર્ગે પણ દોરી શકે ! જ્યારે મંદિરમાં પધરાવેલી મૂર્તિઓ ઉપર ભાષ્ય ન થાય. વર્ષોથી રામેશ્વરનું મંદિર એટલે રામેશ્વરનું મંદિર જ કહેવાય છે. તેને કોઈ દેવીનું મંદિર ન કહી શકે, તેમ જગન્નાથનું મંદિર એટલે જગન્નાથનું જ મંદિર કહેવાય. આમ, જે તે મંદિરો દ્વારા તે તે દેવોની ઉપાસના ‘યાવત્ચંદ્રદિવાકરૌ’ સચવાય છે. એટલે જ કહેવાય છે કે ભગવાનનો વંશ મૂર્તિઓ-મંદિરો પણ છે.
મંદિરો દ્વારા રામનવમી, જન્માષ્ટમી, હરિજયંતી, વસંતપંચમી, એકાદશી, રથયાત્રા, હીંડોળા, ધનુર્માસ, અન્નકૂટ વગેરે પર્વોત્સવોનો ખ્યાલ આવે છે. નહિતર ત્રણસો ને પાંસઠે દિવસ એક સરખા થઈ જાત. મંદિરોમાં આ ઉત્સવો ભવ્યતાથી અને દિવ્યતાથી ઊજવાય છે. તે દ્વારા હરિજનો ભાવ-હીંડોળે ઝૂલે છે. પંદર વર્ષના કવિ દલપતરામ મૂળીના સ્વામિનારાયણ મંદિરે એક સમૈયે ગયેલા અને સ્વામીપંથી થઈને ઘેર આવેલા.
અમેરિકાની સુપ્રસિદ્ધ લિનોક્સહીલ હૉસ્પિટલના હૃદયરોગની શસ્ત્રક્રિયાના નિષ્ણાત ડૉ. સુબ્રહ્મણ્યમે સ્વામીશ્રીને ભરસભામાં નિઃસંકોચ ભક્તિ-ભાવપૂર્વક સાષ્ટાંગ દંડવત્ કર્યા. વેસ્ટ ઇન્ડિઝના વડાપ્રધાન શ્રી વાસુદેવ પાંડેયે પણ સ્વામીશ્રીનાં ચરણસ્પર્શ કરીને વંદના કરી. આ બંનેને પૂછ્યું કે તમે આ ક્યાંથી શીખ્યા ? તો તેમણે જણાવ્યું કે મંદિરે અમને આ શીખવ્યું છે. મંદિરમાં હિંદુ ધર્મના અંગભૂત પ્રદક્ષિણા, દંડવત્, આરતી, પૂજા વગેરે કર્મકાંડ શિખાય છે. દારૂની પાર્ટીમાં કેવાં કપડાં પહેરીને જવાય, કેવી રીતે દારૂ પીવાય, કેવી રીતે ખવાય, કેવી રીતે ડાન્સ થાય વગેરે નિષિદ્ધ ‘કર્મકાંડો’ની કહેવાતા ભદ્ર માણસોને ખબર છે, પણ ઉપર કહ્યાં તેવાં જીવન-ઉદ્ધારનાં કર્મકાંડોની ખબર નથી ! મંદિરો ન હોત તો બધા જ લોકો સાંજ પડ્યે નઠારી ક્લબોમાં બેસી જીવન બગાડત.
મંદિરમાં ઘંટારવ, કથા, કીર્તન, સુગંધ, પ્રસાદ, ચરણસ્પર્શ અને મૂર્તિદર્શનથી પાંચેય ઇન્દ્રિયોની તૃપ્તિ થાય છે અને ઇન્દ્રિયો બીજે ભટકે નહીં. ઘંટારવથી ભૌતિક વિચારોની શૃંખલા તૂટે છે અને કથાથી મન નિર્વિષયી થાય છે. પ્રભુને ચડેલાં પુષ્પો અને અગરબત્તીની સુગંધથી નાસિકા પવિત્ર થાય છે. પ્રભુપ્રસાદથી મનની પવિત્રતા થાય છે. ચરણસ્પર્શથી દિવ્યતાનાં આંદોલનો પ્રવેશ કરે છે. કલાપૂર્ણ મંદિરનાં દર્શનથી સૌંદર્યદૃષ્ટિ ને સાત્ત્વિક આહાર મળે છે. પરમાત્માની મૂર્તિનાં દર્શનથી તેમને પામવાની અદમ્ય આકાંક્ષા જાગે છે.
લંડનના સ્વામિનારાયણ મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળેલી એક વ્યક્તિએ ભક્તિભાવપૂર્વક કહ્યું : ‘હું મંદિરમાં આવી ત્યારે એકલી આવી હતી, હવે ભગવાનને સાથે લઈને જાઉં છું.’
મંદિરથી દેહશુદ્ધિ સચવાય છે. મનુષ્યો સ્નાન કરીને મંદિરમાં જાય છે. મંદિર ન હોત તો કોઈ સ્નાનમાં સમજત જ નહિ.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS