Essays Archives

એક-બે વ્યક્તિ હોય, નાનો સમૂહ હોય કે વિશાળ સભા હોય કે હરિભક્તો હોય; સાધુઓ હોય કે નવાગંતુકો હોય, હર્ષદભાઈ એટલા જ ઉત્સાહથી વાતો-કથાવાર્તા કરે. કોઈ યજમાનને ઘરે ઊતર્યા હોય, કોઈ અફસર કે અધિકારીને મળવા ગયા હોય, ટ્રેઈન કે પ્લેનમાં કોઈ સહયાત્રી હોય, નવો સત્સંગી હોય કે સાધુ થવા આવેલો કોઈ મુમુક્ષુ હોય, ઉચ્ચ શિક્ષણ પામેલો કોઈ બુદ્ધિશાળી યુવક કે હરિભક્ત હોય અથવા કોઈ પણ રુચિવંત શ્રોતા હોય - તોપણ હર્ષદભાઈ તરત જ તેને વાતો કરવા બેસી જાય.
અનેકમાં તેમણે ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને અનુરાગ પ્રેર્યા હતા. શ્રીજીમહારાજ પ્રત્યે, અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત પ્રત્યે અને પ્રગટ સત્પુરુષ પ્રત્યે તેમણે અનેકને નિષ્ઠા દૃઢ કરાવી હતી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે તો સંતોને પણ હર્ષદભાઈના કથા-સમાગમનો નિયમિત લાભ લેવાનો આદેશ આપ્યો હતો. ‘ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ છે અને શ્રીજીમહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, સર્વાવતારી છે તથા પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે’ એ વાતો કરતાં કરતાં કલાકો વીતી જાય તોપણ કોઈ દિવસ થાક ન લાગે. ક્યારેક સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની વાતો નીકળે તો તેમાં કેટલો સમય પસાર થઈ જાય તેનો પણ ખ્યાલ તેમને ન રહે.
આત્મસ્વરૂપદાસ સ્વામી એક પ્રસંગની સ્મૃતિ કરતાં કહે છે : ‘એક વાર રાત્રે અમે યુવકો દાદર મંદિરે ધર્મચર્ચામાં ઊતર્યા અને ક્યાંક ગૂંચવાઈ ગયા. ‘વચનામૃત’ જેવો ગહન ગ્રંથ અને અમારી સીમિત બુદ્ધિ, તેમાંથી બહાર નીકળવા અમે પૂજ્ય હર્ષદભાઈને ત્યાં દોડ્યા, ત્યારે રાતના 11-30 થયા હતા, તે તો સાવ વીસરાઈ ગયું હતું. મંદિરની નજીકના તેમના નિવાસસ્થાને આવ્યા. ઊંઘમાંથી ઊઠી, આંખો ચોળતાં તેમણે દરવાજો ખોલ્યો, અમને આવકાર્યા. પછીથી વાતચીતની શરૂઆત થઈ. તેમણે તો બધી મૂંઝવણ સાંભળી સવિસ્તર વાત કરવા માંડી. તે વખતે તેમના એક સ્વજન ઊંઘમાંથી ઊઠી આવ્યા. તેમણે જોયું તો હર્ષદભાઈ નાદુરસ્ત તબિયત છતાં યુવકો સાથે ચર્ચા કરતા હતા. તેમને સ્વાભાવિક રીતે ઠીક ન લાગ્યું. તેથી કહ્યું : ‘અડધી રાત્રે ? તમારી તબિયત વધુ બગડશે. કાલે વાતો ન ચાલે ?’ આ સાંભળી હર્ષદભાઈએ ઠાવકાઈથી કહ્યું : ‘ભાઈ ! તને ખબર છે ? આ તો અક્ષરમુક્તો છે ? તેમની જિજ્ઞાસા તો જો.’ પછી પાછા શાંતિથી વાતો કરવા વળગ્યા.
કોઈ એવો પ્રશ્ન નહીં હોય કે જે તેમને અનુત્તર રાખી શક્યો હોય ! શાસ્ત્રોના આધાર સહિત વિષયનું સમર્થન કરવું એ એમની આગવી પ્રતિભા હતી. મુખેથી સરસ્વતી વહેતી ત્યારે સૌ કોઈ એમાં તરતા ને માણતા !
એક વખત જયપુરમાં લાયન્સ સંસ્થામાં તેમનું પ્રવચન ગોઠવાયું. જયપુરના બૌદ્ધિકોની સભામાં તેમણે ભગવાન સ્વામિનારાયણનાં જીવન-કવન અને તત્ત્વજ્ઞાન વિષે લગભગ એક કલાક પ્રવચન કર્યું. તે પછી લગભગ 40 મિનિટ પ્રશ્નોત્તરી થઈ. સૌને ખૂબ જ આનંદ થયો. રાત્રે કિશોરભાઈ દવેના ઘરે ઉતારે તેઓ આવ્યા ત્યારે કિશોરભાઈએ કહ્યું : ‘તમારાં પ્રવચનોની અસર બહુ સારી થઈ.’ તેમણે નિર્લેપભાવે કહ્યું, ‘શ્રીજીમહારાજનો સંદેશો આજે આપણે ઘણા બૌદ્ધિકો સમક્ષ પહોંચાડી શક્યા એનો મને આનંદ છે.’
આટલા બધા ગુણોનો સમન્વય અને બહુમુખી પ્રતિભા હોવા છતાં તેઓ તદ્દન હળવા. ક્યાંય તેમની મહત્તા કે મોટપનો ભાર દેખાય નહીં. બીજા પર પણ એનો ભાર લાવે નહીં. નવયુવાન સંતો અને યુવકો કરતાં ઉંમરમાં મોટા, વડીલ. જ્ઞાનમાં તો જાણે ગુરુપદે જ, સંતોને પણ ઉપદેશ આપે તેવી ક્ષમતા છતાં અત્યંત મિત્રભાવ રાખે. સંપ્રદાય અંગેની કેટલીય સૂક્ષ્મ અને અંગત વાતો પણ યુવકો સાથે નિખાલસ ભાવે ચર્ચે ત્યારે સંપ્રદાય પ્રત્યેની તેમની લાગણી, વિશાળ દૃષ્ટિ વગેરે સ્પષ્ટ દેખાય. એમના તરંગોમાં તરવાનું સંતો પણ ભાગ્યે જ ચૂકતા. છેલ્લાં વર્ષો દરમ્યાન તો એમની લેખનપીઠની આજુબાજુ દરરોજ સાંજે નાનકડી સંતસભા રચાઈ જતી. સત્સંગના ઇતિહાસો, જૂના સંતોની ત્યાગછટા, સમજણનો કેફ, પ્રાપ્તિની ખુમારી, સેવાની ધગશ, સાધુતાનો આદર્શ આદિ સાધુજીવનને સ્પર્શતી બાબતો એમની વાણીમાં વણાઈ જતી. ગૃહસ્થ હોવા છતાં ત્યાગ, શીલ, સંતોષ, અપરિગ્રહ આદિ સદ્ગુણોનાં મોજાં એમની વાતો અને વર્તનમાં ઊછળતાં.
યોગીજી મહારાજે સ્થાપેલ યુવક મંડળોને કથાવાર્તા કરી સત્સંગાભિમુખ કરવામાં અને તેમાંથી મોટા ભાગનાને બળભરી વાતો કરી સાધુ થવાની પ્રેરણા આપી તૈયાર કરવામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો. સંતોને મુંબઈ રાખ્યા પછી પણ તેમને કથાવાર્તાથી પુષ્ટિ કરી તેમના પ્રશ્નોમાં અંગત રસ લઈ ખૂબ સાચવ્યા. તેમના વિકાસમાં, અભ્યાસમાં ડગલેપગલે માર્ગદર્શન આપ્યું. સંતોને વિદ્વાન બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.
શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાનકાળે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રગટપણાની નક્કર પ્રતીતિ તેમને સહજ હતી. તેમની સિદ્ધાંતનિષ્ઠા અપૂર્વ હતી. સત્સંગના સિદ્ધાંતો, મર્યાદા અને પ્રણાલિકાનો ભંગ થાય તે તેમનાથી સહન ન થતું અને ગમે તેવા ચમરબંધીને સ્પષ્ટ અને નીડરપણે, કડવું લાગે તોપણ કહી દેતા. શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સિદ્ધાંતોનો ભંગ થતો જણાય તો આકરા થઈ જતા અને ગમે તે ભોગે તે અટકાવતા. તેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના એક પ્રખર પ્રહરી હતા. સંસ્થાની સેવા, રક્ષા અને પ્રગતિ પ્રાણના ભોગે પણ કરવાનું તેમનું પ્રણ હતું.
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા અને અક્ષરપુરુષોત્તમ ચેરિટેબલ ટ્રસ્ટના એક સમર્પિત અને સતત જાગ્રત ટ્રસ્ટી તરીકે તેમણે માર્ગદર્શન અને સેવા આપેલ છે. સંસ્થાનું એટલું મમત્વ કે સંસ્થાના ઉત્કર્ષ માટે ટ્રસ્ટીની મીટિંગમાં કંઈ કડવું કહેવું પડે તોપણ નિધડકપણે અચકાયા વગર કહેતા.
પ્રગટ ગુરુહરિની આજ્ઞા અને અનુવૃત્તિ પ્રમાણે જ તેમણે સંસ્થામાં દરેક નિર્ણય અને પગલાં લેવામાં પોતાનો ફાળો આપ્યો. સંનિષ્ઠાથી સંસ્થાના દરેક પ્રશ્ન અને પ્રવૃત્તિમાં રસ લીધો. તેને સમજવાનો અને તેનાં દૂરગામી પરિણામોનો વિચાર કર્યા પછી સાચાં સલાહ-સૂચનો આપ્યાં. સંસ્થાના દરેક કાર્ય અને પ્રશ્નો પ્રત્યે સંસ્થા પ્રત્યેની વફાદારીની સાથે સાથે તેમનું પ્રત્યેક સૂચન પ્રગતિવાદી અને ઉત્કર્ષમૂલક રહ્યું હતું. તેમનું વલણ સકારાત્મક અને વ્યવહારુ રહ્યું હતું. તેમની વિશાળ દૃષ્ટિ તેમજ અનેક સંપ્રદાયો અને સંસ્થાઓના ઊંડા અભ્યાસને કારણે તેઓ સંસ્થાને પ્રગતિવાદી વિચારો તરફ દોરી જઈ શકતા. દેશ ને સમાજના બદલાતા જતા દાયકાઓ, બદલાતી જતી રાજકીય-સામાજિક-આર્થિક તથા સાંસ્કૃતિક પરિસ્થિતિ, સંસ્થાનાં ધ્યેયો અને આદર્શો-આ સર્વેની પૂરતી જાણકારી અને જાગરૂકતાથી તેઓએ સેવા આપી છે.
મુંબઈના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અને સત્સંગપ્રવૃત્તિના વિકાસમાં શરૂઆતથી જીવનપર્યંત તેમણે અપૂર્વ યોગદાન આપ્યું. તે અંગેની નાની-મોટી બધી જ પ્રવૃત્તિમાં તેમણે જીવંત રસ લીધો અને ખૂબ પુરુષાર્થ કર્યો. મુંબઈ મંદિરનો આજનો વિકાસ મુખ્યત્વે તેમની સેવાને આભારી છે. આ સેવા કરવામાં તેમણે કદીયે પોતાના શરીરસુખ સામું જોયું નથી.
સંપ્રદાયમાં આટલું ઊંચું સ્થાન હોવા છતાં સત્સંગના નાનામાં નાના સત્સંગી પ્રત્યે મહિમાપૂર્વક આદર ધરાવતા, પ્રત્યેકને મળતા, નમતા, તેમના પ્રશ્નોમાં રસ લેતા. કોઈને નોકરી અપાવતા તો કોઈનાં સરકારી કામો પણ કરી આપતા. કોઈ યુવકને કૉલેજમાં એડ્મિશન મેળવવાનું હોય કે પછી કોઈને હૉસ્ટેલમાં રહેવા માટેની જરૂર હોય તો તરત જ હર્ષદભાઈ તે કામે લાગી જતા. આવા કાર્ય માટે કોઈને ભલામણ કે આજીજી કરીને પણ સૌનું કામ કરી આપતા.
નિયમ, નિશ્ચય અને પક્ષ એ ત્રણે અંગ તેમણે આત્મસાત્ કર્યાં હતાં. સત્સંગની સાહિત્ય સેવા કરવા માટે કોઈ પણ યુવક કે સંત, બહેનો કે પરદેશીઓ સૌને પ્રોત્સાહિત કરતા અને માર્ગદર્શન આપતા. સાહિત્ય ઉપરાંત સંગીત, ચિત્રકામ, કળા વગેરેમાં પણ તેમને ઊંડો રસ અને સારી સૂઝ હતાં. સંસ્થામાં તેના વિકાસ માટે પણ તેમના પ્રયત્નો અખૂટ, અને એ માટે પણ સૌમાં ઉત્સાહ પ્રેરતા.
તેમની સૌથી મોટી સેવા એટલે તેમણે ગુણિયલ અને બુદ્ધિશાળી પુત્રની સત્સંગને કરેલ સોંપણી. સન 1961માં ગઢડામાં ઊજવાયેલા કળશ-જયંતી પર્વે 51 યુવકોને દીક્ષા આપવાનો યોગીજી મહારાજનો તીવ્ર સંકલ્પ હતો. એ સુશિક્ષિત અને તેજસ્વી યુવાનોની હરોળમાં પોતાના સુપુત્રનું પહેલું સમર્પણ કરનારાઓમાં હર્ષદભાઈ અગ્રેસર હતા. જ્યારે તેમને વ્યવહારની અતિશય મુશ્કેલી હતી અને બી.એસસી.માં સારા માર્ક્સથી પાસ થઈ જ્યારે પોતાનો પુત્ર ઘરનો બધો ભાર સંભાળી લે તેવો તૈયાર થયો ત્યારે તેમણે તેને સ્વામીશ્રીનાં ચરણોમાં સોંપી દીધો. તેમનું આ સમર્પણ અપૂર્વ હતું. પરિણામે સંસ્થાને નિષ્ઠાવાન અને કાર્યરત એવા એક સદગુણી વરિષ્ઠ સંત પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી મળ્યા, જેમણે પણ વિશાળ સાહિત્યના સર્જન સાથે બાળ-યુવા-સત્સંગપ્રવૃત્તિ, સત્સંગ સાહિત્યનાં પ્રકાશનો, દિલ્હી-ગાંધીનગરનાં ભવ્ય અક્ષરધામ પરિસરો, સંસ્થાના ભવ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવો, દેશ-વિદેશની અનેકવિધ સંસ્થાકીય પ્રવૃત્તિઓ વગેરેમાં એક દૂરંદેશી સૂત્રધાર તરીકે અનન્ય યોગદાન આપી રહ્યા છે.
આર્થિક કમાણીની કેટલીય ઉજ્જ્વળ તકો યોગીજી મહારાજના વચને સેવા માટે તેમણે જતી કરી હતી. આથી, સન 1954 પછી હર્ષદભાઈને પંદરેક વર્ષ ખૂબ સંઘર્ષમય અને આર્થિક સંકડામણભર્યાં હતાં. છતાં હર્ષદભાઈ હંમેશાં પ્રસન્ન-વદન રહ્યા. કોઈનેય ફરિયાદ કરી નહીં. કોઈને અણસાર સુધ્ધાં આવવા દીધો નહીં. પોતાનો તમામ આર્થિક વ્યવહાર ભગવાન ભરોસે છોડી દઈને સંપૂર્ણપણે સંસ્થાની સેવામાં જોડાઈ જનાર હર્ષદભાઈના ગુણો સંભારતાં એકવાર યોગીજી મહારાજ ભાવમાં આવી બોલી ઊઠ્યા હતા : ‘હર્ષદભાઈએ આપણને સાધુ થવા માટે મુક્ત આપ્યા ને શાસ્ત્રીજી મહારાજનું જીવનચરિત્ર લખ્યું. કેવી અલૌકિક સેવા કરી ! એમને પાંચ હજાર રૂપિયા દર મહિને આપીએ તોપણ ઓછા છે. પણ આપણે ગરીબ રહ્યા, એટલે શું આપી શકીએ?’
હર્ષદભાઈનું આગવું મેનેજમેન્ટ કૌશલ્ય ઉત્સવ-સમૈયાઓનાં આયોજનોમાં નીખરી ઊઠતું. સંસ્થાના ઉત્સવ-સમૈયાઓમાં તેમની સૂઝ, વ્યવહારદક્ષતા અને વહીવટી શક્તિનાં દર્શન થતાં. આથી બી.એ.પી.એસ. સંસ્થાના સમૈયા-ઉત્સવો ઉત્તરોત્તર વધુ સુંદર અને નવીન અભિગમ સાથે ઊજવાયા, તે ઉત્સવો વધુ સફળ થયા અને લાખો લોકો સંપ્રદાય તરફ ખૂબ આકર્ષાયા.
યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ સાથે ચાર વખત વિદેશયાત્રા કરી સત્સંગ પ્રચાર અને ભગવાન સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાન અને મહિમાના વિસ્તરણમાં પણ તેમણે અમૂલ્ય ફાળો આપ્યો. પરદેશીઓને અંગ્રેજીમાં સ્વામીશ્રીના કાર્યની મહત્તા સમજાવવામાં તેઓ અગ્રેસર હતા.
મુંબઈમાં 1961 નવેમ્બરમાં મંદિર થયું ત્યારે તેમને જાણે તેમનું સાચું ઘર મળી ગયું. સવારે નિત્યકર્મથી પરવારી મંદિરે લેખન માટે પહોંચી જાય. બપોરે જમવા આવે. કલાક આરામ કરે ને ફરી મંદિરે આવે. રાત્રે તેમનો ઘેર આવવાનો સમય નિશ્ચિત ન હોય. મંદિરનું કામ બધું જ પોતાનું સમજી કરે. મંદિરના નાનામાં નાના કામમાં રસ લે. તે અંગે કોઈને મળવા જવાનું હોય તો જાય, લેખનકાર્ય બધું જ ચાલ્યા કરે. રાત્રે 9-00 પછી ઘરે પાછા આવે ત્યારે ઘરસભા યોજાઈ જાય. એક ‘વચનામૃત’ વંચાવે ને દસ ‘સ્વામીની વાતો’ વંચાવે, સંતો-ભક્તોનાં આખ્યાનો કહે.
તેમનામાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, ધર્મ વગેરે અનેક ગુણો હતા. વાણી અને વર્તનની પવિત્રતા હતી. સત્સંગ બોલવાનો જ કેવળ નથી પણ આચરવાનો છે - તેમ તેઓ દૃઢપણે માનતા, કહેતા અને જીવતા. એક આદર્શ અને એકાંતિક ભક્તની ઉત્તમ સ્થિતિએ બિરાજતા છતાં હર્ષદભાઈ અત્યંત નિરભિમાની હતા. કોઈ કૃતજ્ઞભાવે તેમને હાર પહેરાવવા આવે કે ચરણસ્પર્શ કરે તો સ્પષ્ટતાથી ના પાડી કહે કે ‘આમ કરવાથી ગુરુભાવનો અભિનિવેશ થઈ જાય ને અહંકાર વધતાં સત્પુરુષ ગૌણ થઈ જાય છે.’ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પરદેશ પ્રવાસમાં તેમની 62મી જન્મજયંતી ઊજવવાની એક વાત તેમના મિત્રવર્ગ તરફથી આવી હતી. તે તેમણે નમ્રભાવે નકારી દીધી હતી.
આ સંપ્રદાય અને સંસ્થાના અનુયાયી-માર્ગદર્શક-પરામર્શક તરીકે તેઓ અંત સુધી જીવ્યા. આ બધું હોવા છતાં તેમનો માર્ગ નિષ્કંટક ન હતો. પુસ્તકોના પ્રકાશનમાં કે વહીવટી બાબતોમાં શું ? તેમની મહત્તા ન ખમી શકનાર કેટલાક તેજોદ્વેષીઓએ તેમને નમાવવા અને નીચા પાડવા, હંફાવવા અને હેરાન કરવા ઘણી વખત ઉપાધિઓ સર્જેલી. તેમનો વિરોધ કરવો, અપમાનિત કરવા, ખોટા આક્ષેપો કરવા અને તેમની પ્રગતિમાં અંતરાય કરવાના અમુક વર્ગે અનેક પ્રયાસો કર્યા, પણ એ બધાથી નિર્લેપ રહી એ વિરોધોને તેઓ ન ગણકારતાં, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામીને વચને મૌન રહી બધું સહન કર્યું. આ બધી અગ્નિ-પરીક્ષામાં ‘સોનાના દોરા જેવી’ તેમની સ્થિતિનાં સૌને દર્શન થયાં છે.
આવા સત્સંગપરાયણ, એકાંતિક સ્થિતિ સંપન્ન, શ્રીહરિના વખતના મહાન પરમહંસો-મુક્તોની પંક્તિમાં બેસે એવા ઉચ્ચ કોટિના મુક્તરાજ હતા શ્રી હર્ષદભાઈ દવે.
સન 1971માં મુંબઈમાં પોતાના જીવનની છેલ્લી પળોમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે હર્ષદભાઈને પોતાની પાસે બોલાવીને કહ્યું હતું : ‘હવે દેહ નહીં રહે.’
ત્યારે હર્ષદભાઈ ગદ્ગદ થઈ ગયા. હાથ જોડી પૂછ્યું : ‘બાપા ! અમારો આધાર તો આપ છો. આપ નહીં હો ત્યારે અમારું કોણ ?’ સ્વામીશ્રી તરત જ બોલી ઊઠ્યા : ‘પ્રમુખસ્વામી છે ને ! મારા કરતાં સવાયું સુખ આપશે !’
યોગીજી મહારાજના એ છેલ્લા આદેશ અનુસાર હર્ષદભાઈએ પ્રમુખસ્વામી મહારાજના એક અનન્ય અને અદના સેવક બનીને નિષ્ઠા અને પક્ષપૂર્વક અદ્વિતીય સેવા કરી તેમને પ્રસન્ન કરી લીધા હતા. એટલે જ, સંસ્થાના વરિષ્ઠ સદગુરુ પૂજ્ય સંતવલ્લભદાસ સ્વામીએ કહ્યું હતું કે, “હર્ષદભાઈ ધામમાં જશે, ત્યારે શ્રીજીમહારાજ દોડીને ભેટીને તેમને આવકારશે.” આવા એ મહાન હતા.
તા. 28-10-1982ના રોજ બપોરે 12-15 વાગે જ્યારે પ્રમુખસ્વામી મહારાજ જસલોક હૉસ્પિટલમાં શ્રી હર્ષદભાઈને જોવા પધાર્યા અને કહ્યું, ‘દસ દિવસમાં શાંતિ થઈ જશે.’ તે વખતે કોઈનેય કલ્પના નહીં કે શ્રી હર્ષદભાઈને સ્વામીશ્રી અક્ષર-અમૃત એવા ભગવાનના ધામના સુખની પરમ શાંતિના ભોગી બનાવશે. દસ જ દિવસમાં રોગ ઝડપથી પ્રસરી ગયો અને તેઓ અક્ષરનિવાસી થયા. જોકે માંદગી વખતે તેમની પાસે કિશોરભાઈ દવેએ ગ.અં.7 વચનામૃત વાંચ્યું ત્યારે તેઓ બોલ્યા હતા કે ‘આપણે મરીને ધામમાં જવાનું નથી, આપણને પ્રમુખસ્વામી મહારાજમાં નિષ્ઠા થઈ છે તેથી આપણે તો છતી દેહે જ ભગવાનના અક્ષરધામમાં જ બેઠા છીએ.’ અને સૌને પ્રતીતિ હતી કે હર્ષદભાઈ છતી દેહે અક્ષરધામનું દિવ્ય સુખ ભોગવી જ રહ્યા છે.
તેમના જીવનમાંથી સત્સંગના પક્ષની, મમત્વની, અક્ષરપુરુષોત્તમના શુદ્ધ જ્ઞાનની, સત્યનિષ્ઠાની, સેવાની, નિર્માનીપણાની અને સત્સંગની સમર્પિતભાવે સેવા કરવાની પ્રેરણા લઈશું તો ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થશે એ નિઃશંક છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS