Essay Archives

એ જ વખતે (સં. 1859માં) સુંદરજી સુથાર કચ્છથી માંગરોળ આવેલા તે મહારાજને મળ્યા. પાછા તેઓ કચ્છ જઈ રહ્યા હતા. તેમણે મહારાજ પાસે વિદાય માંગી. મહારાજે એક પત્ર મુક્તાનંદ સ્વામી પર લખેલો તે સુંદરજી સુથારને આપ્યો. મયારામ ભટ્ટે પણ એક પત્ર મુક્તાનંદ સ્વામી પર લખી મોકલ્યો. જેમાં ‘મહારાજે સમાધિનું તરકટ શરૂ કર્યું છે’ વગેરે વાતો લખી.
મુક્તાનંદ સ્વામી આ પત્ર વાંચી તાબડતોબ મેઘપુર આવ્યા ને મહારાજને ઠપકો આપવા લાગ્યા: ‘ફેલી થઈ ગયા છો. સત્સંગની કંઈક મર્યાદા રાખો. આ પાખંડ છોડો.’
મહારાજ કહે : ‘પણ, વાત તો કરો, શું થયું?’
મુક્તાનંદ સ્વામી કહે: ‘આ બધાને સમાધિ કરાવો છો તે શું છે? સમાધિ એમ રેઢી પડી છે, કે જેને તેને થાય?’
મહારાજ કહે: ‘હું તો ગુરુનું ભજન કરાવું છું ને સમાધિ થઈ જાય છે. એમાં હું શું કરું ! જેને થાય છે તેને તો પૂછો.’
મુક્તાનંદ સ્વામીએ બધાના મુખેથી વાત સાંભળી. અહોભાવ, શાંતિ અને સુખના દરિયા - આ બધું સૌ વર્ણવવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ પોતાના જ શિષ્યને સમાધિમાં જઈ જાણકારી લઈ આવવા કહ્યું. છેવટે શિષ્ય થકી તેમને સમાધિમાં પ્રતીતિ આવી ને વાત બેઠી.
મયારામ ભટ્ટ તો આ ધાંધલ-ધમાલમાં મૂક પ્રેક્ષક જ હતા, પણ હવે તેમને બીજાની અનુભવ વાણીથી શ્રીજીમાં પ્રતીતિ ને વિશ્વાસ દૃઢ થયાં.
મયારામ ભટ્ટ શ્રીજીમહારાજ સાથે વિચરણમાં રહેતા. તે વખતે 20 જેટલાં સદાવ્રત ચાલતાં. તે માટે ભટ્ટજી ગામોગામ અનાજ ઉઘરાવતા. મહારાજની અંગત સેવા કરતા. સમૈયામાં ઘણી વાર કારભારું સંભાળતા. સત્સંગ વધારવાની અખૂટ હોંશ. સત્સંગીનો પગ પાછો પડે તો તેને હિંમત આપતા, અભાવ કાઢતા, સૌનો મહિમા કહેતા. પોતાના આચાર-વિચાર એવા શુદ્ધ કે સૌ કોઈ તેમનું માને. પવિત્ર બ્રાહ્મણ. દોરી-લોટો સાથે જ હોય. જાતે પાણી સિંચી લાવે, રસોઈ કરે. ઠાકોરજીને ધરે ને પછી જ જમે. શ્રીજીમહારાજ સાથે ફરે પણ આ નિયમમાં ફેર ન પડવા દે. એવા ધર્મિષ્ઠ.
શ્રીહરિ એક વાર રમૂજમાં કહે: ‘ભટ્ટજી! મેં તમારો થાળ અભડાવ્યો. તમારા લાલજીમાં રહીને અમે જમી ગયા!’
‘અરર ! મહારાજ ! ભારે કરી... મારે ફરી રાંધવું પડશે.’
ભટ્ટજી જાણતા કે ‘મહારાજ તો કાઠીઓનું જમે છે. એટલે એમનું અડેલું મારે કેમ ખપે!’
ભટ્ટજી વર્ણાશ્રમના ધર્મમાં એવા તો ચુસ્ત કે સૌ કોઈને એમની આ રીત-ભાત પર મજાક કરવાનું મન થાય.
એક વાર એક પાળાએ ભટ્ટજીને કહ્યું: ‘ભટ્ટ મહારાજ! તમારી ઘોડીને આજે શ્રીજીમહારાજનું ચળું કરેલું અધરામૃત મળ્યું! ઘોડી કેવી ભાગ્યશાળી ગણાય!’
ભટ્ટજી કહે : ‘અરેરે, પૂછ તો ખરો. એમ ને એમ દોડ્યો જાય છે, ઘોડી પાસે. ઘોડી પર હું બેસું છું કે તું ? બીચારીને અભડાવી મારી.’ કહેતાંક તત્કાળ લોટો પાણી લઈ ઘોડીનું મોં ભટ્ટજીએ સાફ કરી નાખ્યું! જો કે સમજણ દૃઢ થતાં આ ધર્મપાલનની વાતો તેમને નહીંવત્‌ બની ગઈ હતી.
સાંખ્યવિચાર પણ એવો જ. નાના ભાઈ ગોવિંદરામ સાથે પોતે વેપાર કરવા વિચાર્યું. રાત્રે બંને બેઠા. કયો વેપાર કરવો. નફો તોટો કેમ જાળવવો? હિસાબ કેમ મેળવવો, બધું વિગતે ચર્ચાર્યું. એવામાં ‘કૂ...ક રે... કુક્‌...’ કુકડો બોલ્યો. મયારામ ભટ્ટ કહે : ‘અલ્યા, ગોવિંદ! હવે પાણી મૂક, વેપલો કરવો જ નથી. આ વિચારમાં જ સવાર પડ્યું તો વેપાર માંડશું ત્યારે શુંયે થશે!’ આમ, સાંખ્ય કરી નાખ્યો.

© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS