Essays Archives

આપણું કર્તવ્ય

‘તમે તાત્કાલિક જતા રહો ! સરકારના કરોડો રૂપિયા હું કોઈ સંજોગોમાં બગડવા નહીં દઉં અને તમે મને કોઈ પણ રીતે ખરીદી નહીં શકો. 'આમ ગર્જના કરનારા એ સરકારી અધિકારીની વાત ગતાંકમાં ચાલી રહી હતી. લાખો રૂપિયાની લાંચ આપીને સરકારના કરોડો રૂપિયા અંકે કરી લેવાનો કારસો ઘડનારા લોકોને એ સરકારી અધિકારીએ આમ પડકાર્યા હતા.
પરંતુ વાત ત્યાં પૂરી થઈ નહીં. થોડાંક મહિનાઓ પછી તેમને જાણવા મળ્યું કે, તેમણે જેમને હાંકી કાઢ્યા હતા એ લોકોએ એક બીજા જિલ્લામાં પોતાનો હેતુ સિદ્ધ કરી લીધો છે. જો એક જિલ્લામાં આમ થયું હોય તો સંભવ છે કે અન્ય જિલ્લાઓમાં પણ આમ થયું હશે. એમણે તપાસ કરાવી તો ખરેખર તેમ જ બન્યું હતું.
એ સરકારી અધિકારી ખિન્ન થઈ ગયા.એ જ રાત્રે બે વાગ્યા સુધી કોમ્પ્યૂટર પર બેસીને ગણતરી કરી, કુલ ખર્ચ કેટલો થાય ? ઓછામાં ઓછા 150 કરોડ! તે રાત્રે તેમની ઊંઘ ઊડી ગઈ. બીજા દિવસે તેઓ ગાંધીનગર પહોંચ્યા. સરકારમાં એવા ઘણા પ્રામાણિક વફાદાર અધિકારીઓ છે. એવા એક ઉચ્ચ અધિકારી સમક્ષ તેમણેપોતાની મૂંઝવણ કહી અને કહ્યું, ‘પ્રજાના કરોડો રૂપિયાનો આ ધુમાડો શું યોગ્ય છે?’
અને બીજા જ દિવસે એ નિષ્ઠાવાન ઉપરી અધિકારીની સહી સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓર્ડર ફરી વળ્યો : ‘જે જિલ્લામાં આવી કાર્યવાહી થશે તેનો ખર્ચ જે તે અધિકારીઓના પગારમાંથી વસૂલ કરવામાં આવશે.’
જો કે એના કારણે શરૂઆતમાં પેલા સરકારી અધિકારીને અળખામણા થવાનો વારો આવ્યો, પરંતુ અંતે સત્યનો જ વિજય થાય છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને ઉપરોક્ત પ્રસંગની જાણ થઈ ત્યારે એમના અપાર આશીર્વાદ વરસી ગયા. એમણે કહ્યું હતું : ‘તમે પ્રામાણિકતા અને નીતિથી કાર્ય કરો છો તેથી ભગવાન તમારી રક્ષા કરશે અને ભગવાન ગમે ત્યાંથી તમારું કામ પૂરું કરશે... શ્રદ્ધા, હિંમત અને ધીરજ રાખજો...’
એ અધિકારી માટે પ્રમુખસ્વામીજીની પ્રસન્નતા એ જ સૌથી મોટી મૂડી બની રહી છે.
છેલ્લાં અઠવાડિયાંઓથી અઢી હજાર વર્ષના ઇતિહાસની આરસી પર ચમકતા ભારતીય નૈતિકતાનાં અજવાળાંને સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા હતા. આપણે જોયું કે અઢી હજાર વર્ષના ઈતિહાસમાં ગ્રીક, રોમન, આરબ, ચીના, પોર્ટુગીઝ, ફ્રેંચ, અંગ્રેજ વગેરેએ ભારતીયોની નૈતિકતાને વિશ્વમાં અજોડ ગણાવી છે, જેનાં પ્રેરક ઉદાહરણો આજેય આપણી વચ્ચે જીવે છે. પરંતુ નૈતિકતાના એ પવિત્ર વારસાને આપણી નવી પેઢીમાં ઊતારવાનું કર્તવ્ય ચૂકી જઈશું તો હજારો વર્ષો પૂર્વેના આપણાં પૂર્વજો આપણને ક્યારેય માફ નહીં કરી શકે.
એ નૈતિકતાનાં અજવાળાં આવનારી અનેક પેઢીઓ સુધી વહાવવાની શક્તિ ભગવાન આપણને સૌને આપે એ જ અભ્યર્થના. 

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS