Essays Archives

સંસ્થાના વિરાટ કાર્યમાં હજારો લોકો જોડાતા હોય ત્યારે સૌની વ્યક્તિગત અપેક્ષાઓ સંતોષાવી — એ અસંભવિત છે. સંસ્થાના સૂત્રધાર માટે ક્યારેક એ સૌથી કપરી કસણીનો વિષય બની જાય છે, જ્યારે તેમણે સંસ્થાના હેતુઓ અને સાથીઓની વ્યક્તિગત અપેક્ષાઓનું સંતુલન જાળવવાનું હોય ! શાસ્ત્રીજી મહારાજ એવી અતિ દુઃસાધ્ય તુલાના પાર્થ હતા, જેઓ બંને પલ્લાનું સંતુલન જાળવીને લક્ષ્યવેધ કરવામાં માહેર હતા.
જેમના પ્રચંડ પુરુષાર્થથી આફ્રિકા ખંડમાં અક્ષરપુરુષોત્તમ જ્ઞાનનો પુંજ પ્રકાશ્યો, જેમની લેખિની પુસ્તક કદના પત્રો લખવામાં ક્યારેય થાકી નથી; આફ્રિકામાં સત્સંગ-જ્ઞાન વૃદ્ધિ પામે તેના માટે જેમણે ૧૮ મણ અર્થાત્‌ ૩૬૦ કિલોગ્રામ વજન થાય તેટલા પત્રોના ગંજ ખડક્યા; ગમે તેવું સરકારી-દરબારી કામ હોય તેને શિરસાટે કરવામાં તત્પર, સિંહ સમાન પ્રતિભા ધરાવનાર એવા સદ્‌ગુરુ નિર્ગુણદાસ સ્વામીની આ વાત છે.
સારંગપુરમાં મંદિર-નિર્માણ થઈ ગયા પછી સન્‌ ૧૯૨૦-૨૧નો સમય હતો. નિર્ગુણદાસ સ્વામીને શારીરિક પ્રકૃતિને કારણે રાત્રે વારંવાર લઘુશંકા માટે ઊઠવું પડતું. તેઓ જે ઓરડામાં ઊતરતા ત્યાંથી ચોકડી સારી એવી દૂર હતી. વળી, પાણી પીવા માટે પણ દાદરા ઊતરવા પડતા. એટલે ઓરડીની નજીક એક એવી ચોકડી બાંધવાનું તેમણે નક્કી કર્યું, જેથી ત્યાં પાણીની માટલી પણ રહી શકે અને લઘુશંકાની પણ ત્યાં વ્યવસ્થા હોય. ચોકડી બાંધકામનું કાર્ય શરૂ થયું. શાસ્ત્રીજી મહારાજને આ વાતની જાણ થઈ. તેમણે કહ્યું : 'ચોકડી નથી કરવાની. ત્યાં ગંદવાડ થાય, વાસ આવે. અગાસી ને બધું બગડે.' એમ કહીને કડિયાને પણ વિદાય આપી દીધી.
નિર્ગુણદાસ સ્વામીને ખબર પડી એટલે ધૂંઆપૂંઆ થતાં શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા ને કહે : 'કેમ ચોકડીની ના પાડો છો? એમાં શું ગંધાવાનું?'
'ચોકડી નથી કરવી. જરૂર નથી. અહીં નજીકમાં જ મારી ચોકડી છે ને! ત્યાં આવી જજો ને !'
'તમારી ચોકડી મારાથી કેવી રીતે વપરાય?!'
શાસ્ત્રીજી મહારાજે સમજાવતાં કહ્યું : 'જુઓ, આપણે આ ચોકડી કરીએ, પછી બીજા બધાને પણ થાય કે 'હુંય કરાવું.' આપણે મોટા છીએ. એટલે મોટાએ થોડું સહન કરવું. થોડો ભીડો વેઠી લેવો.'
નિર્ગુણદાસ સ્વામી સમજી ગયા. રાજી થઈને કહે : 'ઠીક, જેવી તમારી મરજી.' એમ કહી કથાવાર્તા કરવા ગયા અને શાસ્ત્રીજી મહારાજનો અપરંપાર મહિમા ગાવા લાગ્યા.
સંસ્થાના વિકાસ યજ્ઞમાં હોમાઈ જનારને જ્યારે થોડી વ્યક્તિગત સગવડની અપેક્ષા જાગી ત્યારે તરત જ સંસ્થાના સંવાહક શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના હેતુઓ સ્પષ્ટ કર્યા. પોતામાંથી બીજા પ્રેરણા લઈને મનધાર્યું કરવા માંડે એ એક સિદ્ધિનાં શિખરો સર કરતી સંસ્થાના પાયામાં લાંબે ગાળે તિરાડ પણ પડી શકે છે. એ વાતથી સારી રીતે સુવિદિત હતા શાસ્ત્રીજી મહારાજ. અને એટલે જ સામેવાળાનું માનસ સમજી-સમજાવી, રાજી કરી, સંસ્થાના હેતુઓ - સિદ્ધાંતોમાં ક્યારેય તિરાડ પડવા દીધી નથી.
કહેવાયું છે કે —
'Management is doing things right,
Leadership is doing the right thing.'
મેનેજમેન્ટ એ કે જે થઈ રહ્યું છે તેને સાચું કરવા પ્રયત્ન કરે છે અને જે લીડરશિપ છે તે સાચું હોય એ જ કરે છે.
ક્યારેય ન ધાર્યું હોય, ન કલ્પ્યાં હોય તેવાં વિરોધ અને સંકટોનાં વંટોળમાં માણસને પરિસ્થિતિ આગળ પામર થવું પડે છે. પણ એક આદર્શ નેતાની એક આગવી લાક્ષણિકતા એ છે કે એવા સંજોગોમાં પણ તે સંસ્થાના હેતુઓને સંતુલિત કરી શકે છે — સરળતાથી, સાહજિકતાથી.
વાત એમ હતી કે ગોંડલ મંદિરનું બાંધકામ ચાલુ હતું, તેવામાં કેટલાક સર્વોપરિ નિષ્ઠાના અત્યંત હિમાયતી સત્સંગીનું એમ કહેવું હતું કે 'અક્ષર મંદિર' ગોંડલમાં ભગવાન સ્વામિ-નારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી સિવાય કોઈની મૂર્તિઓ પધરાવવી ન જોઈએ.' તેમનો આગ્રહ હતો કે હનુમાનજી કે ગણપતિ કે એવા કોઈ જ દેવ ન પધરાવવા. જે સમયે ગોંડલમાં શ્રાવણ માસની કથામાં ચાર વ્યક્તિ આવે તેની પણ નોંધ યોગીજી મહારાજ તા.૮-૮-૧૯૩૮ના પત્રમાં કરે છે. આવા સમયે એ 'આગ્રહી મંડળ'ના ૧૫૦ હરિભક્તોનું વૃંદ કહેતું હતું : 'અમારે હવે અક્ષર મંદિરમાં આવવાનું બંધ કરવું પડશે !!'
પોતે ગોંડલ જેવું તીર્થસ્થાન છોડી અલગ રીતે ભજન કરવાની ચીમકી આપે તે કેટલી આઘાતજનક વાત કહેવાય!
પણ, બધા દેવોને આદર — એ તો ભગવાન સ્વામિનારાયણનો હૃદ્‌ગત અભિપ્રાય હતો. સર્વોપરિ ઉપાસના-નિષ્ઠાની સાથે હિન્દુ સનાતન ધર્મના પાંચેય મુખ્ય દેવોને આદર આપવો — એ સંસ્થાના લક્ષ્યની બહાર કેવી રીતે હોય? એવા સંજોગોમાં લોકોની અમુક અપેક્ષાઓ સંતોષવા ઝુકી જવાનું સ્વીકારે એવા નહોતા શાસ્ત્રીજી મહારાજ. જ્યારે શ્રીહરિએ સ્વયં દેવતાઓને પધરાવ્યા હોય ત્યારે સંપ્રદાયની પ્રણાલિકાઓની સામે પડવાનો શો અર્થ?
શાસ્ત્રીજી મહારાજે એ 'આગ્રહી મંડળ'ની અપેક્ષાઓ સામે સંસ્થાના હેતુઓનું એ રીતે સંતુલન કર્યું, એ રીતે પગલાં લીધાં કે બધાનો હઠ-આગ્રહ સંમતિમાં પરિણમી ગયો. વિરોધનાં વાદળો વિલીન થઈ ગયાં અને પ્રતિષ્ઠા પણ થઈ ગઈ. કોઈને કાંઈ બોલવાનું ન રહ્યું.

લીડરશીપ એ છે કે સાચું હોય એ જ કરે. વ્યક્તિગત અપેક્ષાઓ પોતાના સ્થાને છે અને સંસ્થાના હેતુઓ તેના સ્થાને. બંનેનું સંતુલન કરી, વ્યક્તિને કે પછી સંસ્થાને ઊની આંચ ન આવવા દે એ સાચા સૂત્રધાર. શાસ્ત્રીજી મહારાજે સંસ્થાની ગગનચુંબી ઇમારતનું એ રીતે ચણતર કર્યું હતું કે તેના સિદ્ધાંતોની એક કાંકરી પણ ન ખરે, અને તેમાં જ સૌને પોતાની વ્યક્તિગત અપેક્ષાઓની સંતુષ્ટિ મનાય !  


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS