Essay Archives

અભિમાનનો ત્યાગ કરીને નમ્રતા આત્મસાત્‌ કરો, તો સિદ્ધિ દીપી ઊઠશે

આ દુનિયામાં ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પરંતુ જો તમે અભિમાની હો તો તમને એ સિદ્ધિ શોભતી નથી અને સદતી નથી. જાણીતા મિસાઇલ મેન, પૂર્વરાષ્ટ્રપતિ અને ઘણીબધી સિદ્ધિઓ હાંસલ કરનારા, ડૉ. અબ્દુલ કલામ સાહેબે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને કહ્યું હતું કે ‘‘You are a great teacher, my ultimate teacher because you have taught me how to remove ‘I’ and ‘Me’.’’ (તમે એક મહાન ગુરુ છો, મારા સર્વશ્રેષ્ઠ ગુરુ છો, કેમ કે આપે મને ‘અહમ્’ અને ‘મમત્વ’નો ત્યાગ કેવી રીતે કરી શકાય તે શીખવ્યું છે.)
ડૉ. કલામ સાહેબ કે જેમણે ભારતને સમગ્ર દુનિયામાં નામના અપાવી તેઓ કહે છે કે ‘આ દુનિયામાં અત્યાર સુધીમાં મને ‘અહમ્’ અને ‘મમત્વ’થી પર કોઈ લઈ જઈ શક્યું નથી અને જો ‘અહમ્’ અને ‘મમત્વ’ને દૂર કરવામાં સક્ષમ કોઈ હોય તો તે પ્રમુખસ્વામી મહારાજ છે, જેમણે મને અહમ્રહિત બનાવ્યો.’
ડૉ. કલામ એથી પણ આગળ કહે છે કે ‘‘જ્યારે પ્રમુખસ્વામી મહારાજ સામે જોઉં છું ત્યારે મને તેમનું નિર્માનીપણું સ્પર્શી જાય છે અને દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનનો પ્રસંગ તાદૃશ્ય થઈ જાય છે કે તે સમયે નામાંકિત લોકોએ પાંચ મિનિટ, ૧૦ મિનિટ, ૧૫ મિનિટ પ્રવચન આપ્યું હતું અને આખી દુનિયાના લોકોએ અક્ષરધામની વાહ-વાહ કરી હતી ત્યારે એકમાત્ર આપ જ કશું નથી બોલ્યા. આપને મેં જ્યારે કહ્યું કે ‘આપનું આ કાર્ય અદ્ભુત છે’ ત્યારે આપે મને જવાબ આપ્યો હતો કે ‘આ કાર્ય મારું નથી, આ તો ભગવાનનું કાર્ય છે.’ એટલે કે પ્રમુખસ્વામી મહારાજની અહમ્્શૂન્ય નમ્રતાને કારણે જ હું તેમને નમું છું અને તેઓ મારા સર્વશ્રેષ્ઠ ગુરુ છે.’’
પ્રમુખસ્વામી મહારાજ મહાન અને પૂજનીય છે તેનું કારણ છે તેમની નમ્રતા. નમ્ર બનો! આપણે બુદ્ધિશાળી હોઈએ, દુનિયા બદલી નાખતા હોઈએ, આપણી નીચે ૧૦૦૦-૧૫૦૦ માણસો કામ કરતા હોય, છાપામાં આપણું નામ સતત છપાતું હોય, લોકો આપણને નેતા કહીને બોલાવતા હોય ત્યારે આપણે અહમ્શૂન્ય રહી શકીએ? દરેકે પોતપોતાના જીવનમાં એક ડોકિયું કરીને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
Appleના કો-ફાઉન્ડર એવા સ્ટીવ જોબ્સનું નામ કોણે નથી સાંભળ્યું? સ્ટીવ નવા-નવા વિચાર કરીને આગળ વધતો હતો. તે સર્જનાત્મકતા; પૂર્ણતાનો આગ્રહી હતો. વર્ષ-૨૦૦૭માં જ્યારે તેણે પ્રથમ iPhone લોન્ચ કરવાનો હતો, તે સમયનો પ્રસંગ છે. સ્ટીવે જે ટચસ્ક્રીન ફોન બનાવ્યો હતો તેને લોન્ચ કરતાં પહેલા iPhoneને એક મહિનો પોતાના ખિસ્સામાં રાખીને ચકાસ્યો. તે સમયે પ્રથમ iPhoneનો સ્ક્રીન પ્લાસ્ટિકનો હતો. પોતાના ખિસ્સામાં ચાવી, પૈસા, પેન હોવાને કારણે એક વાર પ્લાસ્ટિકના સ્ક્રીન ઉપર સ્ક્રેચ પડ્યો એટલે તેણે નક્કી કર્યું કે મારે પ્લાસ્ટિકને બદલે કાચનો ટચસ્ક્રીન બનાવવો છે.
આ નિર્ણય ફેરવ્યો ત્યારે ફોન લોન્ચિંગ કરવાને માત્ર એક જ મહિનાની વાર હતી. દુનિયામાં ફોન લોન્ચ કરવા તાત્કાલિક કામ કરવાનું સખત પ્રેશર હતું. માત્ર એક જ મહિનાનો ઓછો સમયગાળો, પરંતુ આ હતો સ્ટીવ જોબ્સ. તે સામા વેણે તરવામાં માહેર હતો.
તે તાત્કાલિક કાચનો સ્ક્રીન બનાવવા માટે ચીન પહોંચ્યો. ત્યાં શેનઝેનમાં એક જ અઠવાડિયામાં ૧ મિલિયન ડોલરના ખર્ચે ચીનના વેપારીઓએ આખી ફેક્ટરી ઊભી કરી દીધી અને બે અઠવાડિયાંમાં તો ૮,૭૦૦ એન્જિનિયરોને કામે રાખી કાચના સ્ક્રીન બનાવીને ફોનમાં સેટ કરવાનો આરંભ કરી દીધો.
સ્ટીવ જોબ્સ કહે છે કે ‘અમેરિકામાં ૮,૭૦૦ એન્જિનિયરને કામે રાખવા હોય તો તેમની નિમણૂક કરવાની પ્રક્રિયા જ નવ મહિના ચાલે.’ પણ સ્ટીવે તે કાર્ય પૂર્ણ કર્યું અને કાચના સ્ક્રીન સાથેનો પ્રથમ iPhone બહાર પડ્યો. એટલું જ નહીં સ્ટીવની આ મહેનતને પરિણામે ૧ મિલિયનને બદલે ૨૦૦ મિલિયન iPhone વેચાયા હતા.
આ હતી, સ્ટીવ જોબ્સની કાર્ય પ્રત્યેની નિષ્ઠા. તમને એ પણ ખબર હશે કે પ્રથમ iPhone કાળા રંગનો આવ્યો હતો, કેમ? સ્ટીવ જોબ્સને કારણે? તેણે એપલ iPhoneનો સફેદ રંગ પસંદ કરવા માટે એક વર્ષ પસાર કર્યું. માત્ર વ્હાઇટ નહીં, ચોકવ્હાઇટ, મૂનવ્હાઇટ, ઓફવ્હાઇટ, સ્નોવ્હાઇટ... આવા ૧૦૦ જેટલા સફેદ રંગના શેડ્સના ફોન બનાવે અને પસંદ ન પડે તો રિજેક્ટ કરે. એક વર્ષની મથામણના અંતે વ્હાઇટ iPhone લોન્ચ થયો. તે કયો વ્હાઇટ હતો, તો એપલ વ્હાઇટ. આવી વિશિષ્ટ પ્રતિભા ધરાવનારા સ્ટીવ માટે કહેવાય છે કે સ્ટીવ હોશિયાર, તીક્ષ્ણ બુદ્ધિશાળી, આવડતવાળો હતો પણ તે નમ્ર નહોતો, અભિમાની હતો. એટલે એની જોડે કામ કરનાર તેને માટે સારું ન બોલે. તેના અંગત મિત્રે મને રૂબરૂ કહ્યું હતું કે ‘મેં સ્ટીવ જોબ્સનું અંગત જીવન નજીકથી જોયું હતું. તે અતિ બેચેન, અતિ દુ:ખી હતો.’ એટલું જ કહેવાનું કે તમે દુનિયાને સારી કરી શકશો, પણ પોતાના અહમ્ ને સર નહીં કરો - જો તમે નમ્ર નહીં બનો ત્યાં સુધી તમે દુ:ખમાં જ ડૂબેલા રહેશો. પછી ભલે તમે રાજા હો કે રંક.
પ્રમુખસ્વામી મહારાજ શીખવે છે કે Be Humble-નમ્ર બનો. જો તમે પ્રમુખસ્વામી મહારાજના જીવનને જુઓ તો વિશ્વભરમાં આટલાં મંદિરોથી માંડીને, ૧૬૦થી વધુ માનવઉત્કર્ષની પ્રવૃત્તિઓ ચલાવવી, ઉપરાંત અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા છતાં તેઓને લેશમાત્ર અભિમાન નથી.
એક વાર કોઈએ પ્રમુખસ્વામી મહારાજને પ્રશ્ન કર્યો હતો કે ‘As the Guru of millions what is your role in the world?’(કરોડો લોકોના ગુરુ તરીકે આ દુનિયામાં આપની ભૂમિકા શું છે?)
ત્યારે પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું હતું કે ‘કરોડોના ગુરુ તો એકમાત્ર ભગવાન છે, અમારી ભૂમિકા તો એક સેવક તરીકેની છે અને ભગવાનના કહેવા મુજબ અમે સેવા કરીએ છીએ.’
જે કોઈ પ્રમુખસ્વામી મહારાજને મળે છે, તેમને પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતાનાં દર્શન થાય છે.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સાથે નાની વયના પ્રમુખસ્વામી મહારાજ હાથ જોડીને બેઠા છે, એવો ફોટો પણ સૌએ અનેક વાર જોયો છે. એ ફોટો પાડવાના સમયનો પ્રસંગ પણ પ્રમુખસ્વામી મહારાજ સ્વયં અનેક વાર કહેતા કે,
‘‘એક વાર જ્યારે શાસ્ત્રીજી મહારાજ બેઠા હતા અને તે સમયે ફોટોગ્રાફર આવ્યો હતો. ફોટોગ્રાફરની ઇચ્છા શાસ્ત્રીજી મહારાજનો ફોટો પાડવાની હતી. શાસ્ત્રીજી મહારાજ પલાંઠી વાળીને બેઠા અને યાદ કરતાં કહે કે, ‘ક્યાં ગયા નાનકડા નારાયણસ્વરૂપદાસ(પ્રમુખસ્વામી મહારાજ)?’ ત્યારે હું તો ફોટા માટે શાસ્ત્રીજી મહારાજની બાજુમાં બરાબર ગોઠવાઈ ગયો. તરત જ શાસ્ત્રીજી મહારાજે મને કહ્યું કે, ‘હાથ જોડીને બેસવું.’ અને હું તરત જ હાથ જોડીને બેસી ગયો! એ ઘડી અને દિવસથી, આજદિન સુધી મેં હાથ જોડીને જ રાખ્યા છે, ક્યારેય હાથ ઊંચા કર્યા નથી.’’
કેવી નમ્રતા! આપણને તો કોઈ નાનકડી સિદ્ધિ મળી જાય તોપણ ફુલાઈ જઈએ છીએ અને ફોટામાં પણ રુઆબ, ભપકો ચોક્કસ જોવા મળે. ત્યારે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી જે રીતે વિશ્વવિખ્યાત વિજ્ઞાની અને ભારતના રાષ્ટ્રપતિ ડૉ. કલામ અને અન્ય મહાનુભાવોએ - ‘અહમ્’ અને ‘મમત્વ’નો ત્યાગ કરવાની પ્રેરણા લીધી છે, તે મુજબ આપણે પણ અભિમાનનો ત્યાગ કરીને નમ્રતા અને અહમ્શૂન્યતાને આચરણમાં ઉતારીશું તો તે સિદ્ધિ દીપી ઊઠશે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS