Essays Archives

આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. એલોપથી મેડિકલ વિજ્ઞાન 'એન્ટિડિપ્રેશન' અથવા 'મુડએલિવેટર્સ' ગોળીઓ આપીને તણાવ દૂર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની અનેક આડઅસરો છે. માનસિક તાણના સંજોગોમાં આડઅસર વિનાનો અદ્‌ભુત ઇલાજ ભારતીય આધ્યાત્મિક શાસ્ત્રમાંથી જ પ્રગટેલા યોગ-વિજ્ઞાનમાં છે.
તન અને મનના સ્વાસ્થ્ય માટે યોગ તો સંજીવની સમાન છે. સૌ પ્રથમ ચિંતા, ટેન્શન કે માનસિક તાણના સમયે કેવાં યોગાસનો કે યોગની કઈ પ્રક્રિયા કરવી જોઈએ તેનું એક નિદર્શન જોઈએ.
માનસિક તાણ દૂર કરવા પતંજલિ ૠષિ શવાસન, મકરાસન અને ધ્યાન દર્શાવે છે.
મકરાસન એટલે મગરની જેમ સૂવાની પ્રક્રિયા. આઆસનમાં માણસે બાળકની જેમ છાતીઅને પેટ પર ઊંધા સૂવાનું હોય છે. બાળઅવસ્થામાં માણસને કુદરતી રીતે આ મુદ્રામાં સૂવાની ટેવ હોય છે. પરંતુ મોટી ઉંમર થયા પછી તે ભૂલી જાય છે.
બે હાથની સાંકળ બનાવીને તેના પર માથું ટેકવીને મકરાસનમાં સૂતાં સૂતાં હળવા શ્વાસોચ્છ્‌વાસ લેવાં. પાંચેક મિનિટ સુધી મકરાસન કરવાથી રિલેક્સેશન થશે.
મકરાસનની જેમ શવાસન પણ કરી શકાય. આ આસન સાવ સહેલું છે. બે હાથ અને બે પગ સાધારણ પહોળા કરીને શબની જેમ ચત્તા સૂવું તેનું નામ શવાસન. શવાસનમાં મનનું નિયંત્રણ ખૂબ અગત્યનું છે. શબને જેમ કોઈ વિચાર હોતો નથી, કોઈ હલન-ચલન હોતું નથી, તેમ સમગ્ર શરીરમાંથી મનની વૃત્તિને ખેંચીને આત્મામાં સ્થિર કરવી. જાણે શ્વાસ ચાલતો જ ન હોય તેટલા ખૂબ ધીમા શ્વાસોચ્છ્‌વાસ સહજતાથી ચાલવા દેવા. આ દરમ્યાન મનમાં સ્વામિનારાયણ નામનું સ્મરણ કરી શકાય. તે સિવાય મનના વિચારો શૂન્ય થઈ જવા જોઈએ.
ત્યાર બાદ બેઠા થઈને સહજ-આસન, સુખાસન કે પદ્માસનમાં ટટ્ટાર બેસવું.
હવે પ્રાણાયામની પ્રક્રિયા કરવાની છે.
પ્રાણાયામ ધ્યાનનો પાયો છે. પ્રાણાયામ વિના અંદરની મન અને ઇન્દ્રિયો અંકુશમાં આવતી નથી. માનસિક તાણના સંજોગોમાં પ્રાણાયામ એટલે માત્ર ઊંડા શ્વાસોચ્છ્‌વાસની પ્રક્રિયા કરવાની છે. નાકની એક બાજુથી ઊંડો શ્વાસ લેવો અને બીજી બાજુથી શ્વાસ છોડવો. શક્ય હોય તો નાભી સુધી પહોંચે તેટલો ઊંડો શ્વાસ લેવો. આ પ્રક્રિયા દરમ્યાન શ્વાસને રોકવો નહીં. આ હળવા શ્વાસોચ્છ્‌વાસ દરમ્યાન નાડીઓ વગેરેને એકદમ ઢીલાં છોડવાં. આમ કરવાથી શરીર એકદમ હળવું થઈ જશે.
ત્રણ-ચાર મિનિટ શ્વાસોચ્છ્‌વાસની આ પ્રક્રિયા કર્યા બાદ હવે શ્વાસોચ્છ્‌વાસની પ્રક્રિયાને સરળ બનાવી દો. પ્રયત્નપૂર્વક પ્રાણાયામના ઊંડા શ્વાસોચ્છ્‌વાસને બદલે હવે તેની મેળે થતા શ્વાસોચ્છ્‌વાસ ચાલવા દો. જાણે તમે શ્વાસોચ્છ્‌વાસ કરતા જ નથી તેટલું સહજ ચાલવા દો. આપોઆપ જે શ્વાસ આવશે તે શરીરની અંદરથી જ આવશે જે તમને તણાવથી મુક્ત કરશે.
બે-ત્રણ મિનિટ આંખો મીંચીને શ્વાસોચ્છ્‌વાસ સહજ બન્યા પછી હવે થોડો સમય ધ્યાન માટે વિતાવો.
તમારી નજરની બરાબર સામે, તમારી ઊંચાઈ જેટલા અંતરે ભગવાન સ્વામિનારાયણની કે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજની છબી ગોઠવેલી રાખવી. શ્વાસોચ્છ્‌વાસ સરળ થયા પછી ધીરે ધીરે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ભગવાન સ્વામિનારાયણ કે પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં દૃષ્ટિ રાખો. થોડો સમય વિચારોને એ ચરણારવિંદ પર કેન્દ્રિત કરો. હવે ધીમે ધીમે 'હું ભગવાનનો ભક્ત છું, તેમનો આશ્રિત છું. તેઓ મારા આશ્રયદાતા છે.' એવી ભાવના સાથે આંખો મીંચી જાવ અને ધ્યાનમાં તે ચરણારવિંદને જોવા લાગો. મનમાં સ્તુતિ કરીને ધ્યાનનો આનંદ માણો.
સગવડ હોય તો આ દરમ્યાન ધીમું સંગીત પણ વગાડી શકાય.
સમયની અનુકૂળતા મુજબ રોજ સવારે અને સાંજે પાંચથી દસ મિનિટ આવી પ્રક્રિયા કરશો તો માનસિક તાણમાં રાહત થઈ જશે.
ધ્યાનમાં એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. જે વ્યક્તિ કે જે કારણે તમને ટેન્શન થતું કે થયું હોય તેને બિલકુલ યાદ ન કરો. તે વ્યક્તિનો ચહેરો પણ યાદ ન કરો. બીજા લોકોના દોષને પણ ભૂલી જાવ. તે વખતે માત્ર ભગવાન કે સંતની મૂર્તિ ચિત્તમાં ધરી હોય, તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. ટેન્શનની ગાડી પર આ ધ્યાન એક વિશિષ્ટ બ્રેકનું કામ કરે છે. તમે તેને થોડી પણ બ્રેક લગાવો તો તે રિવર્સ ગિયર થઈ જાય, તેનાથી શાંતિ થાય. અને બ્રેક ન લગાવો તો તેની ગતિ બમણી થઈ જાય.
સામાન્ય સંજોગોમાં આપણી શ્વાસોચ્છ્‌વાસની પ્રક્રિયા નિયંત્રિત અને સરળતાથી ચાલતી હોય છે, પરંતુ માનસિક તાણ થાય છે ત્યારે શ્વાસોચ્છ્‌વાસ ટૂંકા અને ઝડપી બને છે. પરિણામે શરીરને મળતા ઓક્સિજનનું પ્રમાણ ઓછુ _ થાયછે. કાર્બન ડાયોકસાઈડ બહાર કાઢીને ઓક્સિજન ગ્રહણ કરવાની ફેફસાંની પ્રક્રિયા મંદ બને છે. વળી, માનસિક તાણને કારણે શરીરમાં અન્ય પરિવર્તનો પણ આવે છે, જેમ કે સ્નાયુઓ ફરકવા, સ્નાયુઓ કઠણ થઈ જવા વગેરે. તેના કારણે લોહીનું પરિભ્રમણ પણ સરળતાથી થઈ શકતું નથી. પરિણામે શરીરમાં નવા કોષો બનવાની પ્રક્રિયા પર પણ અસર થાય છે. મેડિકલ નિષ્ણાંતો કહે છે કે ઓક્સિજન-ભૂખ્યા કોષોને કારણે જ શરીરમાં કેન્સર, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, હૃદયરોગ, પક્ષાઘાત વગેરે થઈ શકે છે.
તેથી જ માનસિક તાણના સંજોગોમાં પ્રાણાયામ સૌથી વધુ અસરકારક ઈલાજ પુરવાર થયો છે. પ્રાણાયામમાં ઊંડા અને ધીમા શ્વાસોચ્છ્‌વાસને કારણે ફેફસાં પૂરા કાર્યક્ષમ રહે છે. પરિણામે લોહીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે.
વળી, પ્રાણાયામને કારણે વિચારો અને લાગણીઓ પર શાંત અસર પેદા થાય છે, તેના કારણે ચિંતા અને ભયની લાગણી ઓછી થાય છે. તેનો આપણા સમગ્ર ચેતાતંત્ર પર ખૂબ સવળો પ્રભાવ પડે છે.
માનસિક તાણના સંજોગોમાં પ્રાણાયામની સૌથી સાદામાં સાદી પ્રક્રિયા 'નાડીશોધન પ્રાણાયામ' ખૂબ ઉપયોગી બને છે.
નાડી એટલે આપણો પ્રાણ જેમાં વહે છે તેવી ચેતાઓ અને શોધન એટલે શુદ્ધ કરવું. આપણા શરીરમાં ચૌદ પ્રકારની મુખ્ય નાડીઓ છે, જેમાં વહેતો પ્રાણ આપણા મન-શરીરની અનેક ક્રિયાઓનું નિયમન કરે છે. નાડીશોધન પ્રાણાયામ પવિત્ર વિચાર અને ઓક્સિજન દ્વારા નાડીઓને શુદ્ધ કરે છે પરિણામે મન શાંતિનો અનુભવ કરે છે.
આ પ્રાણાયામ નીચે દર્શાવ્યો તે મુજબ કરવો જોઈએઃ
૧. તમારા જમણા હાથની તર્જની અને મધ્યમિકા આંગળીને હથેળી તરફ વાળી દો. હવે અંગૂઠાને જમણા નાક પર મૂકો. ડાબી બાજુ ના નાકને અનામિકા દ્વારા બંધ કરો. હવે જમણી બાજુ થી ધીમે ધીમે ઊંડો શ્વાસ લો. જેટલો લઈ શકાય એટલો વધુમાં વધુ શ્વાસ ફેફસામાં ભરો.
૨. હવે ધીમેથી અંગૂઠા દ્વારા જમણી બાજુ નાકને બંધ કરીને ડાબી બાજુ અનામિકા આંગળીને ઉઠાવી લો અને તે બાજુ થી ધીમે ધીમે શ્વાસ છોડો. શક્ય હોય તેટલો વધુમાં વધુ શ્વાસ બહાર કાઢો.
૩. હવે ડાબી બાજુથી શ્વાસ લઈને તે જ રીતે જમણી બાજુથી શ્વાસ બહાર કાઢો.
૪. આ રીતે નાડીશોધનનું એક આવર્તન પૂર્ણ થયું. આવા પાંચ આવર્તનોથી શરૂઆત કરીને ધીમે ધીમે અનુકૂળતા મુજબ તેની સંખ્યા વધારતા જાઓ. સામાન્ય રીતે દશેક આવર્તનોથી માનસિક તાણ હળવું થઈ જાય છે.
૫. પ્રાણાયામ માટે પૂર્વે જણાવેલ આસનોમાં બેસવું અનિવાર્ય છે. આ આસનમાં ટટ્ટાર બેસવાથી અને ઉરોદરપટલ(ડાયાફ્રામ) વધુ નીચે જવાથી ફેફસાં વધુમાં વધુ પહોળા થઈ શકે છે, તેનાથી વધુમાં વધુ તે ઓક્સિજન ગ્રહણ કરી શકે છે.
૬. પ્રાણાયામ ખાલી પેટે કરવો હિતાવહ છે.
૭. પ્રાણાયામ એક સમાન હળવી ગતિથી થવો જોઈએ. તેમાં વધઘટ થવાથી તેનો હેતુ નકામો માર્યો જાય છે. જેમને દમ કે શ્વાસના રોગોની તકલીફ હોય તેમણે યોગશિક્ષકના માર્ગદર્શન મુજબ જ પ્રાણાયામ કરવા જોઈએ.
નિયમિત પ્રાણાયામથી અંતઃકરણમાં એક પ્રકારનું સંતુલન આવે છે. તેના કારણે નિરાશા અને હતાશાને બદલે ઉત્સાહ અને સ્ફૂર્તિ વધે છે.
યોગશાસ્ત્ર કહે છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું સંતુલન ન હોય તો માણસને બેચેની વધે છે. તેના કારણે માનસિક તણાવ વધે છે. એલોપથીના ચિકિત્સકો દવાઓ આપીને મનને રિલેક્સ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે યોગાચાર્યો પ્રાણાયામથી મનને રિલેક્સ કરે છે અને તેનાથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું સંતુલન થાય છે. જેટલી મન અને ચિત્તની ચંચળતા વધારે તેટલી અશાંતિ વધારે. માનસિક તાણ તે આવી ચંચળતાનું એક પરિણામ છે. પ્રાણાયામ અને ધ્યાનથી માણસનું મન એકાગ્ર બને છે, ચિત્ત સ્થિર બને છે. પરિણામે આપોઆપ તેને શાંતિનો અનુભવ થવા લાગે છે.
માનસિક તણાવ અને અનિદ્રાને પરસ્પર સંબંધ છે. તણાવને કારણે અનિદ્રા વધે છે અને અનિદ્રાને કારણે તણાવ વધે છે.
અનિદ્રામાં યોગ કેવી રીતે સહાયતા કરી શકે છે?
ઘણી વખત અનિદ્રાનું કારણ વાયુની તકલીફ હોઈ શકે છે. વાયુ અથવા ગેસ માણસને બેચેન કરી મૂકે છે. ક્યારેક તે એસિડિટીના સ્વરૂપે પણ હેરાન કરે છે. વાયુની તકલીફ દૂર કરવા માટે આયુર્વેદ કહે છે કે ભોજનનો સમય નિશ્ચિત્‌ હોવો જોઈએ. વળી, સાંજનું જમવાનું સાદું અને હળવું_ હોવું જોઈએ. તીખુંતમતમતું કે તળેલો ખોરાક રાત્રે બંધ કરવો જોઈએ. વળી, જમ્યા પછી સૂવાના સમયમાં ઓછામાં ઓછું અઢીથી ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ. 'હિતભુક' અને 'મિતભુક' થવું જોઈએ એટલે કે હિતકારી અને સંયમપૂર્વક ખોરાક લેવો જોઈએ. જમતી વખતે પાણી પીવાની ટેવ છોડવી જોઈએ અને જમ્યા પછી માત્ર મુખ ધોવા પૂરતું એકાદ ઘૂંટડો પાણી પીને એક કલાક પછી પાણી પીવું જોઈએ. એવી રીતે સૂતી વેળાએ પણ પાણી ન પીવું જોઈએ. વાયુની તકલીફમાં ઇસબગુલનો પ્રયોગ પણ કરી શકાય. હૂંફાળા પાણીમાં એકાદ ચમચી ઇસબગુલ નાંખીને પી જવાથી વાયુનું શમન થશે.
અનિદ્રાની તકલીફ હોય તેમને મકરાસન ઉપયોગી થઈ શકે. સૂતાં પહેલાં મકરાસનમાં સૂઈ જવું. મકરાસન અથવા શવાસનમાં સૂઈ જવું. આ આસનમાં શરીરને એકદમ હળવુંફૂલ કરી દેવું. હળવા શ્વાસોચ્છ્‌વાસ લેવા. કદાચ શરૂઆતમાં તાત્કાલિક ઊંઘ આવી જાય તેવું ન પણ બને, પરંતુ રોજ પ્રયત્ન કરવાથી બે-ચાર દિવસ પછી ઊંઘ આવવા લાગશે. મકરાસનમાં શરૂઆતમાં કદાચ ઊંઘ ન આવે તો પડખું બદલવું. પછી ધીરે ધીરે મકરાસન ઠીક લાગવા લાગશે. મકરાસનમાં સારી ઊંઘ આવવા લાગશે.
આ માટે શરીરને એકદમ હળવું અને તણાવથી મુક્ત કરી દેવું જોઈએ.
માનસિક તાણને કારણે માણસની એડ્રિનાલીન ગ્રંથિ પર અસર પડે છે. તેના કારણે તેનો સ્રાવ અનિયંત્રિત બને છે. તેના કારણે અનિદ્રાનો ઉપદ્રવ થાય છે. આ સ્રાવને નિયંત્રિત કરવામાં આવે તો અનિદ્રાની તકલીફ ઘટી શકે છે.
યોગ તે માટે ત્રણ આસનોનું સૂચન કરે છે.
એક છે વજ્રાસનમાં ટટ્ટાર બેસીને ગળા અને દાઢીની વચ્ચે બે હથેળીઓ મુઠ્ઠી વાળીને હળવેથી મૂકો. તેના પર દાઢીથી દબાણ લાવીને ગળું નીચે નમાવો. શક્ય હોય તેટલું ગળું હળવા દબાણપૂર્વક નીચે લાવો. વળી, ડોક ટટ્ટાર કરો. પુનઃ નીચે નમાવો. આમ ત્રણથી ચાર આવર્તન કરો. આ રીતે નિયમિત કરવાથી એડ્રિનાલીન ગ્રંથિની કસરત થશે.
વજ્રાસનથી કરોડજ્જુને પણ રિલેક્સેશન મળે છે. વજ્રાસન એક એવું આસન છે કે આપ ઓફિસમાં હો, ઘરે હો કે મુસાફરી દરમ્યાન બહાર હો, ગમે ત્યારે પાંચ મિનિટનો સમય મળે ત્યારે કરી શકો છો. તેનાથી પાચનની પ્રક્રિયા પણ સારી થાય છે. વળી, જેમને ગોઠણની તકલીફ ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ સરળતાથી કરી શકે છે.
રિલેક્સેશન માટે પદ્માસનમાં બેસીને એક બીજી પ્રક્રિયા પણ કરી શકાય છે. તેમાં પદ્માસનમાં બેઠા બાદ બે હથેળીઓની મુઠ્ઠી વાળીને તેને પેટની નીચે બે અંગૂઠા સાથે મિલાવીને શરીરને નીચે નમાવો.
એડ્રિનાલીન પર અસર કરતાં એવાં અન્ય આસનો છે - સર્વાંગાસન, ભુજંગાસન અને હલાસન.
આ આસનોની પ્રક્રિયા બાજુના ચોકઠામાં દર્શાવી છે.
આજકાલ લોકોની સહનશક્તિ ઘટતી જાય છે અને તેના કારણે મનમાં પ્રેશર વધતું જાય છે. આત્મામાં પ્રફુલ્લિતતા વધે તે કરવાનું છે.
માણસ અંદરથી પ્રફુલ્લિત બને તો આપોઆપ બહારનું ટેન્શન તેને અસર ન કરે. અંદરથી પ્રફુલ્લિત થવા માટે આમ તો આધ્યાત્મિક સાધના જ શ્રેષ્ઠ છે, પરંતુ કેટલાક આધુનિક ચિકિત્સકો હાસ્ય થેરાપીનો પણ ઉપયોગ બતાવે છે. માનસિક તાણ દૂર કરવા માટે હાસ્ય થેરાપી પણ ચોક્કસ ઉપયોગી બને છે. બે હાથ ઊંચા કરીને ખુલ્લા મને હસો, ઓછામાં ઓછુ દિવસમાં બે-ચાર વખત એ રીતે હસવાની ટેવ પાડો. ક્યારેક ન હસવું હોય તો પ્રયત્નપૂર્વક હસો, ખડખડાટ હસો.
માનસિક તાણમાંથી તમે મુક્ત થાવ તેની અસર તમારા પરિવાર ઉપર પણ પડે છે. તમારા શરીરમાંથી શાંતિનાં પવિત્ર આંદોલનો પણ રેલાય છે જે બીજાને પણ શાંતિ આપી શકે છે.
માણસે પોઝિટિવ એટિટ્યૂડ એટલે કે સવળી દૃષ્ટિ રાખવી જોઈએ. યોગ માણસને સવળી દૃષ્ટિ કેળવવાની પ્રેરણા આપે છે. પ્રાણાયામ અને ધ્યાન સવળી દૃષ્ટિ કેળવવા માટે ઉપયોગી બને છે. આ બંને પ્રક્રિયાઓ માણસને બીજામાંથી દૃષ્ટિ પાછી વાળીને પોતાના તરફ દૃષ્ટિ કરવાની તાલીમ આપે છે. પરિણામે બીજાની કુથલીને બદલે મન આત્મસ્થ થાય છે. યોગનો અર્થ જ આ છે. યોગ એટલે જોડાવું. આત્મા સાથે અને પરમાત્મા સાથે જોડાવું તેનું નામ યોગ. જે આત્મા અને પરમાત્મા સાથે જોડાય તેને સવળી દૃષ્ટિ જ હોય, તેને માનસિક તણાવ ક્યાંથી હોય !
કેટલાક ચિકિત્સકો એમ કહે છે કે મનને ડાયવર્ટ કરો. એટલે કે જે બાબતથી તમને ટેન્શન થતું હોય તેમાંથી મન હટાવીને બીજી બાબતોમાં જોડી દો. રમત-ગમત કરો, વોકિંગ કરો, ગાઓ અને વગાડો, વગેરે વગેરે... શરાબ કે વ્યસનોને રવાડે ચડવા પાછળ પણ આવું જ કોઈ કારણ છે, પરંતુ તેને બદલે જો યોગમાં માણસ જોડાઈ જાય તો મનને ડાયવર્ટ કરવાની તેના જેવી બીજી કોઈ ચાવી નથી.
આજકાલ લોકો પાસે સમયની ખેંચ છે. અનેક કામકાજનો બોજ મસ્તક પર લઈને માણસ સવારથી સાંજ સુધી દોડાદોડી કરે છે. ટાઈમ મેનેજમેન્ટ ન હોવાના કારણે ક્યારેક માણસ રઘવાયો થઈને ફરે છે. પરિણામે ટેન્શન, ચિંતા, ભય વગેરેના પ્રસંગો સતત બનતા રહે છે. તેમાંથી મુક્ત થવા માટે તેને કમ સે કમ થોડી યોગની પ્રક્રિયાઓ અને આધ્યાત્મિક વિચાર કરવો જ જોઈએ.
જોકે યોગની પ્રક્રિયાઓ માટે નિયમિતતા જરૂરી છે. નિયમિતતા તો જ શક્ય બને જો માણસ સમયનું મેનેજમેન્ટ શીખે. નકામા વેડફાતા સમયને બચાવીને માણસે ઓછામાં ઓછુ _ રોજ સવાર અને સાંજ પંદરથી વીસ મિનિટ યોગ માટે કાઢવી જોઈએ. કદાચ બેઉ સમય શક્ય ન બને તો કોઈ પણ એક સમયે તેને કરવું જ જોઈએ. યોગથી તેને રિલેક્સેશન મળશે, તેનાથી દિવસભર સ્ફૂર્તિ રહેશે.
આખા દિવસની દોડાદોડી અને થાક પછી સાંજે ઘરે આવો ત્યારે માત્ર થોડી જ વાર ઉપર જણાવ્યા મુજબ માત્ર પાંચ-સાત મિનિટ પૂરતું પણ શવાસન કરી લો તો તેનાથી પણ કેટલું રિલેક્સેશન મળી જાય! સામાન્ય રીતે સાંજે લોકો નોકરીએથી ઘરે આવે એટલે ચા પીવાની આદતથી ટેવાયેલા હોય છે. પરંતુ ચામાં રહેલાં દ્રવ્યોનો પણ એક નશો હોય છે. તે નશો ઊતરતાં ફરી પાછો માણસ ઢીલો પડી જાય છે. તેના કરતાં યોગથી મળતી સ્ફૂર્તિ વધારે સારી અને કેળવવાલાયક છે.
આજે સૌને સમયની ખેંચ છે. લોકોને બધા માટે સમય છે પણ પોતાના માટે જ સમય નથી!
દરરોજ સવારે પ્રાર્થના સાથે થોડી યોગની પ્રક્રિયા માટે માણસ સમય નહીં કાઢે, તો ક્યારેક સમય તેમને કાઢી નાંખશે.

Other Articles by યોગાચાર્ય બી.એસ. યાદવ (હરદ્વાર)


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS