Essays Archives

પ્રત્યેક હિંદુ માટે વરસને અંતે દિવાળી આનંદ અને ઉત્સવનું પર્વ છે. નૂતન વર્ષના આગમનને વધાવવા લોકો ઘેર ઘેર દીવા પ્રગટાવે છે. બાળકો ફટાકડા ફોડીને વાતાવરણને ગજવે છે. આ દિવસોમાં ઘેર ઘેર સૌ પોતપોતાની સ્થિતિ પ્રમાણે મીઠાઈઓ અને ફરસાણના સ્વાદ માણે છે અને થોડા દિવસોમાં આ માહોલ સમયના વહેણ સાથે પસાર પણ થઈ જાય છે... પરંતુ સદ્ગુરુ ભૂમાનંદ સ્વામી ભગવાનના ભક્તોને ખૂબ જ મહત્ત્વની સત્ય હકીકત તરફ ધ્યાન દોરે છે કે આમ ને આમ આપણું જીવન કોઈપણ પ્રકારની સાચી આધ્યાત્મિક પ્રગતિ વિના પસાર થઈ જવાનું.
પરમ કૃપાળુ પરમાત્માએ આ અદ્ભુત સૃષ્ટિનું સર્જન કર્યું છે જેમાં ૮૪ લાખ યોનિમાં જીવો ભમે છે. તેમાં એકવીસ લાખ શરીરની જેવા કે જૂ, ચાંચડ, માખી, મચ્છર વગેરે અગણિત જીવાતોની ઉત્પત્તિ ભેજમાંથી થાય છે; એકવીસ લાખ પ્રકારનાં શરીર જેવાં કે વિવિધ પ્રકારના સાપ, વિવિધ પ્રકારનાં પક્ષીઓ વગેરેની ઉત્પત્તિ ઈંડાંમાંથી થાય છે; એકવીસ લાખ પ્રકારનાં શરીર વનસ્પતિનાં છે, અને એકવીસ લાખ પ્રકારના શરીર - પ્રાણીઓ, મનુષ્યોની ઉત્પત્તિ વીર્યમાંથી થાય છે - આ ૮૪ લાખ પ્રકારનાં શરીરની રચના ભગવાન જ કરે છે. તેમાં મનુષ્ય છે તે ભગવાનનું સર્વોપરિ સર્જન છે. ભગવાને મનુષ્ય ઉપર અનહદ કૃપા કરી સર્વાંગ સુંદર શરીર આપ્યું છે. શ્રીજીમહારાજ ભૂગોળ-ખગોળના વચનામૃતમાં જણાવે છે કે વિરાટબ્રહ્માના એક દિવસમાં આપણાં ૮ અબજ, ૬૪ કરોડ વર્ષ વીતે, એવા તેના ૩૬૫ દિવસનું એક વર્ષ, એવાં ૧૦૦ વર્ષ બ્રહ્મા જીવે. તેનો દેહ પડે ત્યારે એક પ્રાકૃતપ્રલય થાય. એવા સાડા ત્રણ કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે આ જીવ લખચોરાશી ઘૂમીને ફરી મનુષ્યદેહ પામે છે. આવા દુર્લભ મનુષ્ય દેહને પામીને શું કરવાનું છે તે ભગવાન કહે છે.
'बुद्धीन्द्रिय-मनः-प्राणान् जनानामसृजत् प्रभुः।
मात्रार्थं च भवार्थं च ह्यात्मनेऽकल्पनाय च॥'
એ શ્લોકમાં એમ કહ્યું છે જે, 'સર્વ જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા; તે જીવને વિષયભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે.' (વચનામૃત કારિયાણી ૧)
કવિ નારાયણદાસે પણ ગાયું છે, 'નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી...' અર્થાત્ મનુષ્ય દેહ તો નાશવંત છે તેમ છતાં અનંત વરસોથી લખ-ચોર્યાશીમાં દુઃખ પામતા આપણા જીવાત્માને મોક્ષ એટલે કે અખંડ સુખ-શાંતિ પ્રાપ્ત થાય તેનાં સાધન પણ તેનાથી થાય છે. આત્માના મોક્ષની સાધના તો કેવળ મનુષ્ય દેહથી જ થાય છે. એટલે જ ભૂમાનંદ સ્વામી ટકોર કરે છે, 'અવસર આવિયો રે, તેમાં તારું લેને સુધારી કાજ...'
સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણનો દૃઢ આશરો કરીને, તેમના આપેલા નિયમ-ધર્મનું પાલન કરીને ભજન-ભક્તિ સેવા કરીએ છીએ તેથી તેઓ દેહના મૃત્યુ પછી આપણા આત્માને અક્ષરધામમાં લઈ જશે, પરંતુ ભૂમાનંદ સ્વામી તો દેહ છતાં જ જીવન-મુક્તિ એટલે કે દેહ છતાં જ આપણે અખંડ સુખ-શાંતિ કેવી રીતે માણીએ તેની વાત કરી રહ્યા છે. અખંડ-શાશ્વત સુખ તો ભગવાનમાં જ રહ્યું છે. એવા અંખડ સુખના નિધાન ભગવાનને આપણા હૃદય-મંદિરમાં પધરાવવાના છે. તેથી જ ભૂમાનંદ સ્વામી ગાય છે —
'શુદ્ધ ચિત્તરૂપી સિંહાસન ઉપરે રે,
મંદિરમાં પધરાવ મહારાજ...'
આપણા હૃદયમંદિરમાં મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાન ક્યારે અખંડ બિરાજમાન થાય? એકદમ નિર્મળ હૃદય હોય ત્યારે, એટલે કે નિર્વાસનિક થઈએ ત્યારે.
એક વખત કેટલાક હરિભક્તો શ્રીજીમહારાજનાં દર્શન-સમાગમ માટે પધાર્યા હતા. તેઓ જ્યારે વિદાય થવાના હતા ત્યારે સૌ મહારાજની આજ્ઞા લેવા ગયા. સૌએ મહારાજને પ્રાર્થના કરી, 'હે મહારાજ! અમો હવે આપની રજા લેવા આવ્યા છીએ તો અમારા ઉપર દયા રાખજો.' ત્યારે શ્રીજીમહારાજ પણ હસતાં હસતાં બોલ્યા, 'તમે પણ અમારા ઉપર દયા રાખજો.' હરિભક્તો તો જવાના તાનમાં હતા એટલે નીકળી ગયા. પરંતુ થોડુંક ચાલ્યા પછી કોઈએ શંકા રજૂ કરી, 'જ્યારે આપણે મહારાજની રજા લેવા ગયા ત્યારે, પ્રાર્થના કરી કે અમારા ઉપર દયા રાખજો; પરંતુ તેઓશ્રીએ શા માટે આપણને એમના ઉપર દયા રાખવા જણાવ્યું?'
અંદરોઅંદર સૌ ચર્ચા કરવા લાગ્યા, પરંતુ સંતોષકારક સમાધાન ન થતાં વિચાર્યું કે હજુ ક્યાં આપણે દૂર ગયા છીએ? ચાલો ને પાછા મહારાજને જ પૂછી આવીએ. એટલે સૌને પાછા આવેલા જોઈ શ્રીજીમહારાજ બોલ્યા, 'કેમ સૌ પાછા આવ્યા?' ત્યારે સૌ હરિભક્તોએ તેમની શંકા રજૂ કરી, 'આપ તો અમારા ઇષ્ટદેવ છો છતાં આપે પણ શા માટે અમારી પાસે દયાની માંગણી કરી હતી?' ત્યારે શ્રીજીમહારાજે હસતાં હસતાં કહ્યું હતું કે, 'તમારા શરીરમાં મુઠ્ઠી જેટલું હૃદય છે તેમાં મારે રહેવાનું સ્થાન છે, તે તમે ચોખ્ખું રાખજો.'
સૌને મર્મ સમજાઈ ગયો. હૃદય ચોખ્ખું હોય ત્યારે જ ભગવાન તેમાં વિરાજે.
આપણે પણ આપણા હૃદય-મંદિરમાં ભગવાનને બિરાજમાન કરવા ચિત્તરૂપી સિંહાસનને એકદમ સ્વચ્છ કરવું પડશે, જે ખરેખર અત્યંત કઠણ કાર્ય છે. કારણ કે ત્યાં તો અહમ્-મમત્વરૂપી માયાએ સ્થાન લઈ લીધું છે. તેમજ કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા આદિ અંતઃશત્રુઓએ કબજો જમાવ્યો છે. જન્મજન્માંતરની વાસના છવાઈ ગઈ છે. એટલે આવી ભયંકર ગંદકી ભરેલા સિંહાસન ઉપર શ્રીજીમહારાજને કેવી રીતે બિરાજમાન કરી શકાય? હૃદયમંદિરના એ સિંહાસન ઉપર ભગવાનને બિરાજમાન કરવા ચિત્તનું શુદ્ધીકરણ કરવું જ રહ્યું.
ચિત્તરૂપી સિંહાસનને અતિ શુદ્ધ કરવું એ ખૂબ જ અઘરી સમસ્યા છે. તે માટે દૃઢ શ્રદ્ધા, ખૂબ જ ધીરજ, સઘન પુરુષાર્થ અને સતત પ્રાર્થનાની જરૂર પડે છે. તે ભગીરથ કાર્યની શરૂઆત આપણી ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા થકી થશે.
શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્રકરણ ૧૮માં કહે છે, 'પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે, અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે.' ખટકો રાખીને નિયમમાં રહીને ઇન્દ્રિયોને અઘટિત આહાર-વિહારથી વેગળી રાખવાની છે. સત્સંગમાં આવ્યા પહેલાં તેમજ પૂર્વજન્મમાં ભોગવેલા અયોગ્ય પંચવિષયની અયોગ્ય સ્મૃતિ આત્મવિચાર તેમજ પ્રગટની પ્રાપ્તિના વિચારથી ટાળી શકાય છે (વચનામૃત ગઢડા મધ્ય ૨).
અયોગ્ય આહાર-વિહારને કારણે અંતઃકરણમાં અઘટિત ઘાટ-સંકલ્પ થવાથી અશાંતિ થાય છે. તે માટે પણ શ્રીજીમહારાજે ઉપાય દેખાડ્યો છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ૩૦માં, આપણને જે આ દિવ્ય અને ભવ્ય સત્સંગ મળ્યો છે તેની વાતો ધારવા અને વિચારવા જણાવ્યું છે. તેમજ વચનામૃત ગઢડા પ્રકરણ૩૮માં મનને ભગવાનનાં લીલાચરિત્રોમાં ગૂંચવી મેલવા આદેશ આપ્યો છે. આ પ્રમાણે શ્રીજીમહારાજે સૂચવેલા ઉપાયો પ્રમાણે પુરુષાર્થ કરવાથી આપણા ચિત્તને અનંત વરસોના પંચવિષય માણવાના હેવા પડ્યા છે તે ઊતરવા માંડશે અને પરિણામે ચિત્તમાં પંચવિષયના ચિંતવનને બદલે શ્રીજીમહારાજનું ચિંતવન થવા માંડશે.
જમીન ઉપર ઊગેલાં ઘાસ આદિ સામાન્ય વનસ્પતિને પાવડાથી મૂળિયાં સાથે ખોદી શકાય, પરંતુ વરસો જૂનાં મોટાં વૃક્ષો હોય તેનાં મૂળિયાં જમીનમાં એટલાં ઊંડાં ઊતરેલાં હોય છે કે તેને કાઢવા ખૂબ ઊંડે સુધી ખોદકામ કરવું પડે. તેમ આપણા જીવે અમુક વિષયો એટલા તીવ્રપણે ભોગવ્યા હોય છે કે તે જીવ સાથે એકરસપણાને પામી ગયાં હોય છે. તે જીવનમાં કામ, ક્રોધ, લોભ, માન જેવા ભયંકર સ્વભાવરૂપે દેખા દેતા હોય છે. તેને ટાળવા અત્યંત કઠણ છે. વિશ્વામિત્ર ૠષિએ હજારો વર્ષ તપ કર્યું પરંતુ મેનકાના મોહપાશમાં ફસાયા. પરાશર ૠષિ મત્સ્યગંધામાં મોહ પામ્યા. સૌભરિ ૠષિથી માછલાનું મૈથુન જોવાઈ ગયું તો વિષયવાસના ઉદય પામી અને માંધાતા રાજાની ૫૦ કુંવરીઓ પરણ્યા અને હજારો વરસ પાણીમાં તપ કર્યું હતું તે પાણીમાં ગયું. ખરેખર, આ દોષો ટાળવા અત્યંત અઘરા છે. પરંતુ શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્રકરણ ૫૮ તથા ૭૩માં તેનો પણ ઉપાય બતાવે છે, 'મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભ, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય.'
આ ઉપાય આપણને જેટલો સહેલો લાગે છે તેટલો સહેલો નથી. કારણ કે જેમ કોઈને કમળો થયો હોય તો તેને બધું પીળું જ દેખાય, તેમ જ્યાં સુધી આપણામાં દોષો પડેલા છે ત્યાં સુધી સત્પુરુષ આપણને નિર્દોષ મનાતા નથી. અને શ્રીજીમહારાજના જણાવ્યા અનુસાર જ્યાં સુધી સત્પુરુષ આપણને નિર્દોષ મનાતા નથી ત્યાં સુધી આપણા દોષો ટળતા નથી.
પરંતુ શ્રીજીમહારાજે તો કૃપા કરીને તે સમસ્યાનું પણ નિરાકરણ કર્યું છે. વચનામૃત વરતાલ ૧૧માં તેઓશ્રી જણાવે છે કે, 'પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય છે ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ દોષ ભાસે નહિ.'
અર્થાત્ સત્પુરુષમાં પ્રીતિ કરો. સંસારમાં જેમ માતાને પોતાના બાળકને વિષે અતિશય હેત હોય છે એટલે તેના બાળકના ગમે તેવા અવગુણ હોય તેની નજરમાં આવતા નથી. બાળક ભારે તોફાન-મસ્તી કરીને આવ્યો હોય અને લોકો તેની ફરિયાદ કરે પણ તેની માતા તો એમ જ કહેશે કે મારો દીકરો તો સારો જ છે. તેવી રીતે સત્પુરુષને વિષે દૃઢ આત્મબુદ્ધિ થયા પછી હેત-પ્રીતનું એવું આવરણ છવાઈ જાય છે કે પછી તેમને પ્રત્યે અખંડ દિવ્યભાવ રહે છે. જેને જે સંગાથે દૃઢ હેત હોય તેને તેમાં કોઈ પ્રકારે અવગુણ આવે જ નહીં અને તેનાં વચન પણ સત્ય મનાય. નાનું બાળક મળ-મૂત્રથી ખરડાયેલું હોય તો તેના સગા પિતા પણ તેડે નહિ, પરંતુ બાળકની માતા બાળકને સ્નાન કરાવી, સ્વચ્છ કપડાં પહેરાવે તો તેના પિતા ગમે તેટલા ઉતાવળમાં હોય પણ થોડા સમય માટે તો તેડે જ. તેવી જ રીતે સત્પુરુષ જ આપણને આપણા સ્વભાવ, દોષો, વાસનાથી મુક્ત કરી ભગવાનની કૃપાના અધિકારી બનાવી શકે.
અંતમાં, ભૂમાનંદ સ્વામી કહે છે 'અવસર આવિયો રે, તેમાં તારું લેને સુધારી કાજ...'
આવા પવિત્ર ભારત દેશમાં અતિ દુર્લભ મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ, તેમાં વળી સર્વોપરિ ભગવાન સ્વામિનારાયણ અને તેઓશ્રીના અખંડધારક સંતસમ્રાટ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની અલૌકિક-અદ્ભુત પ્રાપ્તિ થઈ, આનાથી બીજો કયો રૂડો અવસર હોઈ શકે? આપણી સમક્ષ વિવિધ પ્રકારની ઉત્તમ વાનગી પીરસેલો થાળ મૂકવામાં આવ્યો હોય પછી તેને આરોગી આનંદ માણવા સિવાય બીજુ _ કાંઈ રહેતું નથી. તે જ રીતે શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૨૧,૨૨,૨૩માં સરળ અને સચોટ ઉપાય બતાવ્યા અનુસાર ઊઠતાં, બોલતાં, ખાતાં-પીતાં, હરતાં-ફરતાં દરેક ક્રિયા કરતાં ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને યાદ કરીને અંતરમાં અખંડ પ્રાપ્તિનું સુખ માણીએ. આપણે સૌ મન, કર્મ, વચને તેઓશ્રીનો દૃઢ પ્રસંગ કરી તેઓશ્રી સાથે દૃઢ પ્રીતિ કરીને આપણા ચિત્તરૂપી સિંહાસનમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કે જેમણે અખંડ શ્રીજીમહારાજને ધારી રાખ્યા છે તેમને પધરાવી પ્રત્યેક દિવસને દિવાળી બનાવીએ.
'રાજ મારે દિન દિન દિવાળી રે,
વહાલા મળતા તમને વનમાળી રે...'


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS