ઢળેલાં નેણ : સૌમ્ય મુખ : લલાટમાં તિલક-ચાંદલો : ટૂંકું પંચિયું : હાથવણી જનોઈ : બાંધેલી શિખા : પવિત્ર બ્રાહ્મણ - નામ એમનું જીવા જોષી. વહેલા ઊઠે. ભાદરમાં નાહીને નીતરતા આવે. સ્વામિનારાયણ મંત્ર-ઉચ્ચારથી જેતપુરની શેરિયું ગાજે.
જ્યારથી કંઠી બાંધી શ્રીજીનો આશ્રય કર્યો, ત્યારથી જીવા જોષીએ નિયમ-ધર્મના પાલનમાં ચૂક પડવા દીધી નહોતી. એવી ચીવટ કે નાનો નિયમ પણ લોપે નહીં. જળગળણું સાથે જ હોય.
જેતપુરમાં એ ટાણે વાર-તહેવારે ચોરાશી થતી. બ્રાહ્મણો ત્રિપુંડ્ર કરી કરી, બે-બે છોકરાવને અબોટિયાં પહેરાવી આંગળીએ લેતા ને ચોરાશીનો લાભ ઉઠાવતા. ‘ब्राह्मणो ब्राह्मणं दृष्ट्वा’ - બ્રાહ્મણો કોઈ બ્રાહ્મણનો ઉત્કર્ષ ખમી ન શકે. તેમાંય જીવા જોષી સ્વામિનારાયણી બન્યા તેથી વિરોધ વધ્યો. ઈર્ષ્યામાં વધારો થયો. સગાં-વહાલાંઓ પણ વિરોધી થયાં. સત્સંગ મૂકી દેવા કહ્યું, પણ જીવા જોષી અડગ રહ્યા.
તેમને ચોરાશી જમવા પરાણે જવું પડતું ને જમણમાં ઇરાદાપૂર્વક ડુંગળી-લસણ આદિ અભક્ષ્ય વસ્તુઓ પીરસાતી. જોષી ફક્ત લાડુ જમી ઢળેલાં નેણે ભજન કરતાં પાછા ફરતા. ટીકા, નિંદા અને અપમાનોની ઝડિયું પણ જોષીની નિષ્ઠાનું અભેદ્ય કવચ તોડી શકતી નહીં.
એક વાર શ્રીહરિ જેતપુર પધાર્યા. જીવા જોષી એમના બે દીકરા ગોવર્ધન અને શિવપ્રસાદને લઈને સભામાં ગયા. સાષ્ટાંગ દંડવત્ કરી મહારાજની સમીપ ગયા. હાથ જોડ્યા.
મહારાજ કહે : ‘જોષી ! દીકરા મોટા થઈ ગયા, જનોઈ ક્યારે આપી ?’
‘હજુ ક્યાં આપી છે પ્રભુ !
‘કેમ વિલંબાયું ?’
‘દયાળુ ! આપની કૃપા છે, સર્વે વાતે સુખ છે. જરા લક્ષ્મીજી મારી પાસે આવતા સંકોચાય છે.’
સાંભળી મહારાજ મરક મરક હસવા લાગ્યા. કહ્યું : ‘જોષી ! જનોઈ ખર્ચ કેટલોક થાય ?’
‘થાય, મહારાજ ! પાંચસો કોરી જેટલું.’
મહારાજે હૃદયમાં કશુંક નોંધી લીધું. સભા થઈ ને સૌ વિખરાયા. છેલ્લે એક વેપારી શેઠ મહારાજના ચરણસ્પર્શ કરવા આવ્યા. તેમને મહારાજ કહે : ‘અમારે થોડીક ભીડ છે, પાંચસો કોરી જોઈએ છે. આ જોષીને તમારે ત્યાં મોકલીએ છીએ. આપજો.’
વેપારી ગુણભાવવાળા હતા. તેમણે વચન અદ્ધર ઝીલ્યું પાંચસો કોરી લઈ જોષીએ બંને દીકરાની જનોઈનાં મંડાણ કર્યાં. જનોઇનું શુભ મુહૂર્ત લેવાયું. મહારાજ જેતપુરમાં જ વિરાજતા હતા.
સાંજે બંને દીકરાઓને ફુલેકે ચઢાવતાં પહેલાં જોષી શ્રીજીમહારાજ પાસે ગયા ને વિનંતી કરી : ‘કૃપાનાથ ! આપ માણકીએ ચડી ફુલેકું શોભાવો. દયા કરો.’
ભક્તાધીન ભગવાને હા ભણી.
જેતપુરની શેરીએ ગુલાલ ઊડ્યો, ડમરી ચઢી. જેતપુરના ઠાકોર ઉન્નડવાળા શ્રીજીમહારાજ વિષે ભાવવાળા હતા. તેમણે શ્રીહરિનાં આ દર્શન આંખોમાં ભરી લીધાં.
હેમના આભરણમાં માણકી ઠુમક ઠુમક પગલાં ભરતી, ઝાંઝર ઝણકારતી, પીઠ પર બેઠેલા પ્રભુને હેતની હાવળ્યો દેતી, દેવાંશી અપ્સરાનું દર્શન કરાવતી હતી. ફુલેકામાં મોખરે માણકી હતી. આગળ ઢોલ-ત્રાંસાં ગડેડતાં હતાં. સત્સંગીઓ તથા જનતાએ બટુકોને વધાવ્યા તે પહેલાં મહારાજને વધાવ્યા. ઘેર ઘેર ફુલેકું ફર્યું. જયજયકાર થઈ ગયો. મહારાજનાં કરકમળે બંને બટુકોને જનોઈ દેવાઈ.
સગાં-સ્નેહીઓને મોટી સંખ્યામાં નોતરાં અપાયેલાં, પણ કોઈ જમવા આવેલ નહીં. મહારાજ કહે : ‘જોષી ! સત્સંગી આપણી નાત. બધા સત્સંગીને બોલાવો. સંતો, પાર્ષદો જમશે. હરિભક્તો જમશે.’
પછી કહે : ‘બ્રાહ્મણોને વાંધો ક્યાં પડે છે !’
જોષી કહે : ‘પ્રભુ ! શાસ્ત્રની વાત આડે લાવે છે. કહે છે, બાપ છતે છોકરાને બીજો જનોઈ આપે તો તે છોકરાના હાથનું શ્રદ્ધ બાપને ન પહોંચે, પણ જનોઈ દેનારને પહોંચે.’
મહારાજ કહે : ‘અહોહો, એવું છે ! તો તો અમને જે મળશે તે આખા જગતને પહોંચી જશે.’ એમ કહી મર્મ કર્યો કે ‘અનંત કોટિ બ્રહ્માંડના આધાર જે મૂળ પ્રકૃતિ-પુરુષ તેથી પર અક્ષર ને તેથી પર અમે પુરુષોત્તમ છીએ. લોકને શાસ્ત્રની તંતી નડે છે, શું કરીએ !’
મહારાજે તૈયાર રસોઈ સાધુ, પાળા ને સત્સંગીઓને જમાડી જીવા જોષીનું અંતર ઠાર્યું. જોષીની આંખમાંથી હર્ષનાં બુંદ ટપકી ગયાં !
રાત્રે સભા થઈ. મહારાજે જીવા જોષીની નિયમ-ધર્મની દૃઢતાનાં ખૂબ વખાણ કર્યાં ને સભાજનોને મભમમાં કહ્યું કે ‘દીકરાવને જનોઈ દીધી તેના ખર્ચ પેટે શેઠ પાસેથી પાંચસો કોરી ઉછીની લીધી હતી તે પાછી દેવી પડશે ને !’
સાંભળનાર સૌએ હકારમાં માથાં હલાવ્યાં, પણ મર્માળા મહારાજનો કોઈ મર્મ પકડી શક્યા નહીં.