નોંધ: કલ્યાણભાઈના ત્રણ દીકરા : 1. દેવજીભાઈ, 2. શામાભાઈ, 3. ડાહ્યાભાઈ. ત્રણેને સત્સંગ દૃઢ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની દૃઢ નિષ્ઠા.
ડાહ્યાભાઈની સ્થિતિ તો સદ્ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી (જૂનાગઢ) જેવાએ વખાણી હતી. તેઓ વિ.સં. 1948માં પારાયણ પ્રસંગે વડતાલ પધારેલા. સભામંડપના મેડે ગઢડાના રામચરણદાસ સાથે તેમનો ઉતારો હતો. આ જ મેડે એક થાંભલે ડાહ્યાભાઈનું આસન હતું. કોઠારીએ મોકલેલું ગાદલું-ગોદડું વીંટો કરી ડાહ્યાભાઈએ ઓઠીંગણે મૂક્યું હતું. રામચરણદાસજી વૃદ્ધ સંત હતા, એથી રાત્રિના ત્રણ-ચાર વાર લઘુ કરવા ઊઠતા. બધી વાર તેમણે જોયું તો ડાહ્યાભાઈ સ્વામિનારાયણનું ભજન કરતાં માળા ફેરવતા હોય! આઠ દિવસ સુધી ક્યારેય લાંબો પગ કરી સૂતેલા ન જોયા! તેમણે બાલમુકુન્દદાસ સ્વામીને આ વાત કરી ત્યારે તેમનો વધુ મહિમા સમજાયો.
મંદિરમાં સાધુઓને ગોદડાં કરવાં હતાં, તેથી ડાહ્યાભાઈને માપ અંગે પૂછ્યું. તેઓ કહે: ‘સ્વામી! જેણે ગોદડું ઓઢ્યું-પાથર્યું હોય તેને ખબર પડે!’
તેઓ બાર વાગ્યા પછી નિદ્રા આવવા માંડે ત્યારે બેઠાં થકાં જ ઊંઘી લેતા. તેમણે ગાદલું-ગોદડું જન્મારામાં વાપર્યું નહોતું. ફક્ત હાથવણાટની એક જાડી પછેડી રાખતા, તે બહુ ટાઢ વાય ત્યારે ઓઢતા!
વંથળીમાં સૂર્યકુંડમાં વહેલા સ્નાન કરવા જતા. એક વાર સોનાનાં સાંકળાં કોઈ બહેન ભૂલી ગયેલાં. ડાહ્યાભાઈએ આ જોયું. શ્રીજીઆજ્ઞાનુસાર પારકી વસ્તુને હાથ અડાડાય નહીં. શું કરવું?
ઘડી વાર ધ્યાન રાખતાં બેઠા, પણ કોઈ ધણી આવ્યું નહીં. છેવટે લાકડી વડે ઊંચકી બાજુમાં ઊભેલી હાથલિયા થોરની વાડમાં સંતાડી ઘેર ગયા...
આટલી પ્રક્રિયા પણ તેમણે ધર્મવિરુદ્ધ ગણી તે દિવસે ઉપવાસ કર્યો. જેમનાં સાંકળાં હતાં તે બાઈએ કુંડ પર બધે તપાસ આદરી. લોકો કહે: ‘વહેલા તો એક ડાહ્યાભાઈ આવે છે...’ તેમને પૂછતાં સાંકળાં હાથ લાગ્યાં, પણ ડાહ્યાભાઈએ પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કર્યો જાણી વધુ અહોભાવ થયો!
ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય યોગેશ્વરદાસ સ્વામી સાથે ડાહ્યાભાઈને ઘણું હેત. સંવત 1957માં યોગેશ્વરદાસ સ્વામીએ અંતિમ બીમારી ગ્રહણ કરી, તે વખતે ડાહ્યાભાઈએ આર્તનાદથી શ્રીજીમહારાજને તથા ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે ‘હમણાં લઈ ન જશો.’ શ્રીજીમહારાજ અને સ્વામી યોગેશ્વરદાસ સ્વામીને લેવા પધાર્યા હતા પણ પાછા ગયા. ડાહ્યાભાઈ જ્યારે દર્શને ગયા ત્યારે યોગેશ્વરદાસ સ્વામીએ કહ્યું: ‘તમે મહારાજ-સ્વામી પધાર્યા હતા તેમને ધક્કો ખવરાવ્યો ને મને ધામમાં જવા ન દીધો!’
ડાહ્યાભાઈ કહે: ‘મારે તમારા પહેલાં ધામમાં જવું છે...’ કહી હસી પડ્યા.
સંવત 1958ના જેઠ મહિનામાં ડાહ્યાભાઈ ધામમાં ગયા પછી યોગેશ્વરદાસ સ્વામી ધામમાં ગયા!