Essays Archives

શિક્ષણનો મહિમા - स्वाध्यायप्रवचने च

જ્યાં શિક્ષણ છે ત્યાં પ્રગતિ છે. ઉન્નતિ છે. જ્યાં શિક્ષણ નથી હોતું ત્યાં પ્રગતિ ન હોય, અધોગતિ હોય અને તે સમાજને દુઃખનો સામનો કરવો પડે. એટલે જ આપણે ત્યાં વૈદિક પરંપરાથી જ શિક્ષણની સતત પ્રેરણાઓ અપાતી રહી છે. આ ઉપનિષદમાં એ જોવા મળે છે. મંત્રના શબ્દો છે - ‘ऋतं च स्वाध्यायप्रवचने च। सत्यं च स्वाध्यायप्रवचने च। तपश्र्च स्वाध्यायप्रवचने च। दमश्र्च स्वाध्यायप्रवचने च।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧૭) વગેરે.. ‘स्वाध्याय’ એટલે અધ્યયન, ભણવું. અને ‘प्रवचन’ એટલે અધ્યાપન, ભણાવવું. આમ ભણવું અને ભણાવવું એ તો આપણે ત્યાં શાસ્ત્રનો આદેશ છે. આ અદકેરા વારસાને આપણે જાળવી રાખવો જોઈએ.


દીક્ષાંત પ્રવચન - आचार्यः अन्तेवासिनम् अनुशास्ति

પદવીદાન સમારંભોની પરિપાટી ભારતવર્ષમાં વૈદિક પરંપરાથી ચાલી આવે છે. શિક્ષાવલ્લીના ૧૧મા પ્રકરણ પર (અનુવાક પર) દૃષ્ટિ પડતાં સહેજે જ તે પરિપાટીનું સ્મરણ થઈ આવે છે. ભારતવર્ષની વૈદિક અધ્યયન પરંપરા મુજબ વિદ્યાર્થી આશ્રમજીવન સ્વીકારી ગુરુકુળવાસ કરે. નિર્ધારિત વર્ષો  સુધી વિવિધ વિદ્યાઓમાં નિષ્ણાત આચાર્યો પાસે અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રોમાં નિપુણતા મેળવે. વિદ્યાભ્યાસ પૂરો થતાં આશ્રમમાં જ તે નિષ્ણાત વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજાય. આચાર્ય પોતે જ વિવિધ વિષયોમાં અધ્યયન પૂર્ણ કરી ઉત્તીર્ણ થઈ ચૂકેલા યુવાનોને વિવિધ પદવીઓથી વિભૂષિત કરી તેની વિધિસર જાહેરાત કરે. આ પદવીદાન સમારંભ એટલે વિદ્યાર્થીઓનો આશ્રમજીવનનો અંતિમ વર્ગ! આજ પછી આ નિષ્ણાતો ગુરુકુળવાસનો ત્યાગ કરી સ્વ અને સર્વના ઉત્કર્ષ માટે સમાજમાં પગલાં માંડશે. એક નવા જીવનનો આરંભ કરશે. તેથી આચાર્ય પણ પોતાના વહાલા આ વિદ્યાર્થીઓને સ્નેહભરેલાં ઉપદેશવચનો સંભળાવે. આ ઉપદેશવચનો એ જ દીક્ષાંત પ્રવચન! તેમાં સમગ્ર શિક્ષણનો સાર સમાયેલો હોય છે. આવો, એ ઉદાત્ત ભાવનામય દીક્ષાંત પ્રવચનના બોધને જાણીએ.

‘वेदमनूत्व्याचार्योऽन्तेवासिनमनुशास्ति’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧૧) વેદોનું અધ્યયન પૂર્ણ થતાં આચાર્ય અંતેવાસી એવા વિદ્યાર્થીઓનું અનુશાસન કરે છે. તેઓને આજ્ઞાવચનો કહે છે - ‘सत्यं वद। घर्मं चर। स्वाध्यायान् मा प्रमदः।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧૧) 'સાચું બોલજે. ધર્મનું આચરણ કરજે. અભ્યાસમાં આળસ ન કરીશ.' ‘मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧૧) 'માતાને દેવસમાન જાણજે. (દેવભાવે તેમની સેવા કરજે. રાજી કરજે.) પિતાને દેવસમાન જાણજે. આચાર્યને દેવસમાન જાણજે. અતિથિને દેવસમાન જાણજે.' ‘यान्यनवद्यानि कर्माणि। तानि सेवितव्यानि। नो इतराणि।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧૧) હે શિષ્ય! હવે પછી લોક અને શાસ્ત્રમાં મળતાં આવતાં હોય, નિર્દિષ્ટ હોય, તેવાં જ કર્મો તું કરજે. તેથી અવળાં, દોષયુક્ત કે નિંદિત કર્મો ન કરીશ. ‘यान्यस्माकं सुचरितानि तानि त्वयोपास्यानि। नो इतराणि। ये के चास्मत्व्छ्रेयांसो ब्राह्मणाः। तेषां त्वयाऽऽसनेन प्रश्वसितव्यम्।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧૧) વળી, 'અમારાં આચરણોમાંથી પણ જે સારાં હોય તેનું જ અનુસરણ કરજે. બીજાં નહિ. અને અહીંથી બીજે ગયા પછી ત્યાં પણ જો અમારા કરતાં પણ કોઈ શ્રેષ્ઠ અધ્યાપક મળે તો તેમનો તું આદર કરજે. તેમને આસન આપી સત્કારજે.' આ રીતે સાચા જીવનનું અનુપમ શિક્ષણ આપી છેલ્લે આચાર્ય કહે છે - ‘एष आदेशः। एष उपदेशः। एतदनुशासनम्। एवमुपासितव्यम्।’ (તૈત્તિરીય ઉપનિષદ ૧/૧૧) 'વત્સ, આ જ અમારો દીક્ષાંત આદેશ છે. ઉપદેશ છે. આ જ અનુશાસન છે. જાવ, આ પ્રમાણે હવે વર્તજો.'

આ રીતે દીક્ષાંત પ્રવચન પૂરું થતાં પુનઃ શાન્તિપાઠ કરી શિક્ષાવલ્લીનું સમાપન કરવામાં આવે છે.

આમ શિક્ષાવલ્લીમાં ભારતવર્ષની અતિ ઉન્નત જીવનદૃષ્ટિ અને શિક્ષણની વિચારસમૃદ્ધ ફિલસૂફીનાં દર્શન થાય છે.

શિક્ષાવલ્લી પછી આ ઉપનિષદમાં આનંદવલ્લીમાં અધ્યાત્મનું - બ્રહ્મવિદ્યાનું શિક્ષણ પ્રાપ્ત થાય છે. આવો એનો આસ્વાદ માણીએ.

 

આનંદવલ્લી : બ્રહ્મજ્ઞાનીને પરબ્રહ્મની પ્રાપ્તિનું વરદાન – ब्रह्मविदाप्नोति परम्

આનંદવલ્લી ઊઘડે ને પહેલા ઉદ્ગારમાં જ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત ગુંજી ઊઠે - ‘ॐ ब्रह्मविद् आप्नोति परम्’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧) જે ‘ब्रह्म’ અર્થાત્ અક્ષરબ્રહ્મને જાણે તે ‘परम्’ અર્થાત્ પરબ્રહ્મને પામે. અક્ષરબ્રહ્મને જાણવા એટલે તેની માહિતી નહીં, પરંતુ સાક્ષાત્કાર. બ્રહ્મરૂપ થવું. અક્ષરરૂપ થવું. માટે જે બ્રહ્મરૂપ થાય તેને પરબ્રહ્મ પ્રાપ્તિનું અહીં વરદાન છે. ‘ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति। समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्॥’ (ગીતા ૧૮/૭૪) એમ ગીતામાં અર્જુનને પણ આ જ વાત સમજાવવામાં આવી છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણે પણ આ જ સિદ્ધાંતને દૃઢાવતાં કહ્યું કે જે બ્રહ્મરૂપ થાય તેને જ ભગવાનની ભક્તિનો અધિકાર છે. (વચનામૃત લોયા પ્રકરણ - ૭) વળી, 'આપણો જન્મ બે વાત સાધવા સારુ થયો છે, તેમાં એક અક્ષરરૂપ થાવું; ને બીજું ભગવાનમાં જોડાવું.' (સ્વામીની વાતો ૪/૧૦૧) એમ કહીને મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ તો આ સિદ્ધાંતને જ જીવનનું પરમ ધ્યેય ગણાવ્યું છે.

આ રીતે ‘ब्रह्मविद् आप्नोति परम्’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧) એમ કહીને સમગ્ર બ્રહ્મવિદ્યાને જાણે અહીં સૂત્રરૂપે મૂકી દીધી છે.


બ્રહ્મના સ્વરૂપની ઓળખાણ – सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म

પરબ્રહ્મને પામવા અક્ષરબ્રહ્મને જાણવું અનિવાર્ય છે તેમ કહીને ઉપનિષદ અટક્યું નથી. તે અક્ષરબ્રહ્મનું જ્ઞાન સુગમતાથી થાય તે માટે અહીં અક્ષરબ્રહ્મના દિવ્ય સ્વરૂપનો પરિચય પણ કરાવ્યો છે. ઉપનિષદ કહે છે : ‘सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म’ (તૈત્તિરીય ઉપનિષદ ૨/૧) અક્ષરબ્રહ્મ ‘सत्यम्’ છે. અર્થાત્ તેમનું સ્વરૂપ તથા ગુણો વગેરે કોઈ પણ પ્રકારના વિકાર પામ્યા વિના સદાય અસ્તિત્વ ધરાવે છે. અક્ષરબ્રહ્મ ‘ज्ञानम्’ છે. અર્થાત્ માયાના આવરણથી સદાય નિર્લેપ પરિશુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. એટલે જ તો ‘प्रज्ञानं ब्रह्म’ (ઐતરેય ઉપનિષદ ૩/૨) કહીને ઐતરેય ઉપનિષદ આ અક્ષરબ્રહ્મની કીર્તિ ગાય છે. અક્ષરબ્રહ્મ ‘अनन्तम्’ છે. અંત એટલે વિનાશ. વિનાશ વિનાનું એટલે અનંત, અવિનાશી. વળી, અંત એટલે સીમા. અનંત એટલે સીમા રહિત. અક્ષરબ્રહ્મ અંતયાર્મીશક્તિએ કરીને સર્વત્ર વ્યાપેલું છે તેથી તે અનંત છે.

આમ, અક્ષરબ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું. હવે આ રીતે અક્ષરબ્રહ્મને સમજનારને કેવું ફળ મળે તે જણાવે છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS