Essay Archives

ભગવાને આ સૃષ્ટિ પરફેક્ટ બનાવી છે, તેમ આપણું જીવન પણ પરફેક્ટ બનાવશે

રોમન કેલેન્ડર પ્રમાણે આજે નવા વર્ષનો પહેલો દિવસ; તા. ૧ જાન્યુઆરી, ૨૦૧૭. એક દિવસ એટલે પૃથ્વીનું પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ. અને એક વર્ષ એટલે પોતાની ધરી પર પૃથ્વીની એક પરિક્રમા. અમાપ્ય સમયથી આ પરિભ્રમણ કે પરિક્રમામાં નજીવો પણ ફેરફાર થતો નથી. આવાં અનેક આશ્ચર્યોથી એક નહીં અનંત ગ્રહો, સૂર્યમંડળો, નિહારિકાઓ અને બ્રહ્માંડો આકાશમાં અધ્ધર રહે છે અને સતત ફરે છે. કેમ ફરે છે? કોણ ફેરવે છે? કેવી રીતે અધ્ધર રહે છે? વૈજ્ઞાનિકો કુદરતના, ભૂગોળ, ખગોળના કાયદાઓ બતાવે છે. તે કાયદાઓ કોણે રચ્યા? બુદ્ધિ વિચાર્યા કરે છે ત્યારે શ્રદ્ધા ભગવાનને બતાવ્યા કરે છે.
ચાલો, આ નવું વર્ષ આપણા અસ્તિત્વનું પાયાનું પરમતત્ત્વ - ભગવાન છે, સર્વત્ર છે અને સર્વકર્તા છે તેનાથી શરૂ કરીએ. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વારંવાર એક મંત્ર ઘૂંટાવતા કે ભગવાન સર્વકર્તા છે. તે સમગ્ર સૃષ્ટિ તથા આપણા સમગ્ર જીવનના નિયમનકર્તા છે.
આ લેખમાળાનો ત્રીજો મધ્યવર્તી વિચાર કે ‘ભગવાનને ચાહો’, તેના માટે ‘ભગવાન છે’ તેવું દૃઢપણે માનવું પડે. વિશ્વના મોટા-મોટા વૈજ્ઞાનિકો પણ આ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા. જેમણે ગુરુત્વાકર્ષણનો નિયમ દુનિયાને દર્શાવ્યો એવા સર આઈઝેક ન્યૂટન કહે છે કે...”Atheism is so senseless. When I look at the solar system, I see the earth at the right distance from the sun to receive the proper amounts of heat and light. This did not happen by chance. …It is the perfection of God’s works that they are all done with the greatest simplicity. He is the God of order and not of confusion.”
‘અનિશ્વરવાદ (નાસ્તિકવાદ) એ અતિમૂર્ખામી છે. જ્યારે હું સૂર્યમાળા તરફ નજર કરું છું ત્યારે હું જોઉં છું કે સૂર્યથી પૃથ્વીનું અંતર એટલું ચોક્કસ છે કે સૂર્યની ગરમી અને પ્રકાશ યોગ્ય માત્રામાં મળતાં રહે. આ કંઈ આકસ્મિક, અચાનક બન્યું નથી. ભગવાનના કાર્યની એ પૂર્ણતા છે. જેથી આ બધું અતિ સહજતાથી સર્જાયું છે, આ ભગવાન નિયમનકર્તા છે, ભ્રાંતિના ભગવાન નથી.’ન્યૂટન આગ્રહપૂર્વક સૌનું ધ્યાન દોરે છે કે સૂર્ય અને ચંદ્ર સહિતના તમામ ગ્રહો યોગ્ય અંતરમાં ગોઠવાયેલા છે, તેમાં મીનમેખ ફેરફાર થતો નથી. આ બધું તુક્કાબાજી નથી, આડેધડ બની ગયું નથી. આ સૃષ્ટિનો સર્જનાર ભગવાન ખૂબ વ્યવસ્થિત છે, પણ જે નાસ્તિક છે અને ભગવાનને નથી માનતા એ બધા ન્યૂટનના મતે અવ્યવસ્થિત અને તુક્કાબાજ છે.
આવા જ બીજા એક મોટા વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહે છે કે આ જે પૃથ્વી અને બ્રહ્માંડની રચના છે એ યોગ્ય છે. જેમ ઘડિયાળના કાંટા કટોકટ ચાલે છે તેમ બ્રહ્માંડ પણ પળોપળ ચાલે છે.
“I see a clock, but I cannot envision the clockmaker. The human mind is unable to conceive four dimensions, so how can it conceive of a God before whom a thousand years and a thousand dimensions are as one?”
‘હું ઘડિયાળ જોઈ શકું છું, પરંતુ ઘડિયાળના રચયિતાને જોઈ શકતો નથી. માનવ મન ચાર ડાઇમેન્શન પણ ગ્રહી શકતું નથી તો ભગવાન જેની સમક્ષ હજાર વર્ષ અને હજાર ડાઇમેન્શન એક બની જાય એવા વિશાળ પરમતત્ત્વને હું કેવી રીતે જોઈ શકું?’
જે રીતે આપણે આ દુનિયાને જોઈ શકીએ છીએ, પરંતુ તેના રચયિતા ભગવાનને જોઈ શકતા નથી. ભગવાન જે અનંત પરિમાણવાળા છે, તેમને તો ક્યાંથી સમજી શકાય? વિજ્ઞાનીઓની આ ગહન વાતને હજુ સરળતાથી એક વાર ન્યૂટને પોતાના શિષ્યોને સમજાવી હતી. સૂર્યમંડળની આબેહૂબ નાની પ્રતિકૃતિ બનાવી. તેમાં દરેક ગ્રહ સૂર્યની સમયસર પરિક્રમા કરે, પોતાની ધરી ઉપર ફરે. આ મોડલ જોઈને ન્યૂટનના વિદ્યાર્થીઓ દંગ થઈ ગયા. પૃથ્વી, ચંદ્ર, ગુરુ વગેરેનું કદ અને અંતર એકદમ પ્રમાણસર હતું. આ પ્રતિકૃતિ જોઈને શિષ્યોએ પૂછ્યું કે ‘આ સૂર્યમંડળની અદ્ભુત પ્રતિકૃતિ કોણે બનાવી?’ ત્યારે ન્યૂટને કહ્યું કે ‘આ કોઈએ નથી બનાવ્યું’ ત્યારે શિષ્યોએ કહ્યું કે ‘ના, એવું શક્ય નથી. આ પ્રતિકૃતિ બની છે, તેથી તેનો બનાવનાર પણ હોય જ.’ એટલે ન્યૂટને સાહજિક કહ્યું કે જો આ બ્રહ્માંડના મોડેલ (પ્રતિકૃતિ)ને જોઈને તમે પૂછો છો કે આનો રચનાકાર-રચયિતા કોણ છે? તો જે વાસ્તવિક બ્રહ્માંડ છે, સૂર્યમંડળ છે તેના માટે કોઈ એવું કેવી રીતે કહી શકે તેનો કોઈ રચનાકાર નથી. હવે તમે જ કહો કે આ પ્રતિકૃતિનો રચનાકાર હોય તો સાચા બ્રહ્માંડનો પણ રચનાકાર હોવો જોઈએ ને!?’ આ સાંભળી શિષ્યો પણ અવાક્ બની ગયા અને ઈશ્વરના અસ્તિત્વને મનોમન સ્વીકારવા લાગ્યા.
આ જે બ્રહ્માંડ છે, તેમાં બધા ગ્રહો પોત-પોતાની ધરી ઉપર ફરે છે, તેની પણ ગતિ નિશ્ચિત છે. આપણી પૃથ્વી જે ગતિથી ધરી ઉપર ફરે છે, તેની ગતિ જો ૧૦૦ માઇલ પણ ઓછી થાય તો ૧૦ દિવસનો એક દિવસ અને ૧૦ રાત લાંબી એક રાત્રિ થઈ જાય. આવા ૧૦ દિવસ કાઢવા છે? જો ૧૦ દિવસ લાંબો એક દિવસ થાય તો બધું બળીને ભસ્મ થઈ જાય. અને ૧૦ રાત્રિની એક રાત્રિ થાય તો આ બધું ઠંડીથી થીજી જાય. પણ આ ભગવાને બધું માપસરનું જ રાખ્યું છે. આ પૃથ્વીનું જે પડ (crust) છે તેની જાડાઈ પણ માપસરની છે. જો તેનું પડ ૧૦ ફૂટ પણ વધુ જાડું હોત તો પૃથ્વી ઉપર ઓક્સિજન જ ન હોત અને આપણે બધા જ ન હોત. સમુદ્રનું જે ઊંડાણ છે, તેમાં પણ જો થોડો ફેરફાર હોત તો આ પૃથ્વી ઉપર જે વાતાવરણ છે, તેમાંથી પ્રાણવાયુ જ લુપ્ત થઈ જાત, પણ ભગવાને બધી જ રચના યોગ્ય રીતે કરી છે.
કોઈ કદાચ કહે કે બધી જ રચના જો ભગવાને કરી હોય તો પાણીનું મુખ્ય કાર્ય શું છે? પીવાનું કે નહાવાનું? આપને આશ્ચર્ય થશે કે આ બેઉ પ્રક્રિયા ઉપરાંત એક તદન જુદું જ પાણીનું કાર્ય છે. આ દુનિયામાં ૯૭.૫ ટકા પાણી ખારું સમુદ્રનું છે. પીવાલાયક પાણી માત્ર ૨.૫ ટકા છે. જે પીવાલાયક પાણી છે, તેમાંથી ૧.૫ ટકા તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની હિમશિલાઓમાં બંધાયેલું છે અને આપણા માટે તો માત્ર એક ટકો પાણી જે નદીઓમાં વહે છે, તેના દ્વારા જ ઉપલબ્ધ છે. તો પછી નહાવા-ધોવા-પીવા ઉપરાંત પાણીનો ઉપયોગ હોવો જોઈએ. વિજ્ઞાનીઓ કહે છે કે જો પાણીનો આ વિશાળ સમુદ્ર ન હોત તો આ પૃથ્વીનું તાપમાન પ્રમાણસર ન રહેત અને ભયંકર તાપમાનથી પૃથ્વી ગરમીની ભઠ્ઠી બની જાત. માટે પૃથ્વી પરનું પાણી એક વિશાળ એર-કન્ડિશનરનું કામ કરી રહ્યું છે.
આમ, નવા વર્ષના પ્રારંભે એક પ્રાર્થના ચોક્કસ કરીએ કે જે ભગવાને આ સૃષ્ટિની તમામ રચના એકદમ પરફેક્ટ બનાવી છે, તે પરબ્રહ્મ પરમાત્મા આપણું જીવન પણ પરફેક્ટ બનાવે. હા, તેમાં એક શરત છે કે આપણે પણ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જેમ જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દૃઢ કરીએ. આ કોઈ તુક્કો કે તર્ક નથી, સત્ય અને તથ્ય છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS