Essay Archives

જે જે વ્યક્તિએ સાચા અને યોગ્ય પ્રશ્નો કર્યા છે, તે તે બધાની જ પ્રગતિ થઈ છે

આપણી સ્થિતિ આજે એવી થઈ ગઈ છે કે આપણે ‘Elsewhere Generation’ બની રહ્યા છીએ. એવી પેઢી પ્રગટ થઈ છે કે આપણી સતત ‘હાજરીમાં ગેરહાજરી’ અનુભવાય છે. જ્યાં છીએ ત્યાં રહી શકતા નથી, જ્યાં હોઈએ ત્યાં રહેવું ગમતું નથી અને જે કાર્ય કરીએ છીએ તે કરવું ગમતું નથી. સતત બીજું કરવું, બીજે હોવું અને બીજું બનવાની ધૂનમાં રહીએ છીએ. માણસ ઓફિસથી ઘરે જાય અને ઇન્ટરનેટ ચાલુ કરે એટલે જગતનો બની જાય છે. તે ઘરમાં હોવા છતાં ઘરમાં નથી. તેમ નિશાળના વર્ગમાં વિદ્યાર્થી વોટ્સએપ ચાલુ કરે એટલે વિદ્યાર્થી વર્ગનો મટી વર્લ્ડનો બની જાય છે... હાજરીમાં ગેરહાજરી. ઓફિસમાં પિકનિકનું પ્લાનિંગ કરે અને પિકનિકમાં ઓફિસના પ્રશ્નો પતાવે... સતત Elsewhere રહેતો માનવ ભૂતકાળનાં દુ:ખ ભૂલી શકતો નથી, ભવિષ્યનાં સુખ જોઈ શકતો નથી અને વર્તમાનમાં રહી શકતો નથી.
આવી સ્થિતિમાં તમે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન જુઓ તો તમને એવું લાગશે કે જેને-જેને તેઓ મળે તેને એમ લાગે છે કે તેઓ મારા માટે જ અહીં આવ્યા છે. સ્વામીશ્રી સંપૂર્ણ તે વ્યક્તિના બની જાય છે. માટે આપણે આપણી દરેક ક્ષણમાં સંપૂર્ણ ઓત-પ્રોત થઈશું તો શાંતિ સર્જાશે.
આપણે જીવનમાં પ્રગતિ માટે ત્રણ શરત અપનાવવાની છે. પ્રથમ છે, Be Deaf! કાનથી બહેરા બનો. એટલે કે દુનિયાનો કોઈપણ કોલાહલ તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં નડવો ન જોઈએ. જો તમે એવા બહેરા બની જશો તો તમારી અંદર અંતરનો અવાજ પેદા થશે. તમારે જ્યાં જવું હશે ત્યાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી પહોંચી જશો.
બીજી શરત છે, Be Here! જ્યાં છો - ત્યાં રહો. એટલે કે આજની ભાષામાં કહું તો વક્તા એક મિનિટમાં ૧૨૫ શબ્દો બોલી શકે છે અને શ્રોતાનું મગજ એક મિનિટમાં ૫૨૫ શબ્દો ગ્રહણ કરી શકે છે. એટલે કે વક્તા અને શ્રોતાની વચ્ચે ૪૦૦ શબ્દોનો ‘ગેપ’ પડે છે. તેથી તે સમયે શ્રોતા મનથી બીજે પહોંચી જતો હોય છે. આમાં વક્તાનો વાંક નથી, શ્રોતાનો વાંક નથી અને વાતાવરણનો વાંક નથી. ફક્ત મગજની ઝડપ ઝાઝી છે, તેથી મન ઝાઝાં ફાંફાં મારે છે. માટે કોઈપણ કથા સાંભળવામાં, વાર્તાલાપમાં કે નાનામાં નાની વાતચીતમાં મનથી સંપૂર્ણ રીતે હાજર રહેજો.
તમે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જીવન જુઓ. તેમને મળનારી દરેક વ્યક્તિને એવી અનુભૂતિ થાય છે કે તેઓ મને જ મળવા આવ્યા છે. રાષ્ટ્રપતિ ઝૈલસિંઘને મળે તો તેમને એમ લાગે કે મારા માટે જ તેઓ અહીં આવ્યા છે, અને ત્યાંના લિફ્ટમેનને લાગે કે તેઓ મારા માટે જ રાષ્ટ્રપતિ ભવનમાં પધાર્યા છે. બધા જ સંતો અને સત્સંગીઓને એવું લાગે કે સત્પુરુષ મારા માટે જ પૃથ્વી ઉપર આવ્યા છે.
એ જ રીતે ત્રીજી શરત છે - Be Clear! દુનિયામાં કોઈપણ કાર્ય કરવું હોય અથવા તેને પાર પાડવું હોય તો એક મહત્ત્વની વાત તમારે અપનાવવા જેવી છે - સાફ અને પારદર્શક બનો. પૂર્વગ્રહથી મુક્ત બનો.
ઘણીવાર આપણે સાંભળ્યું છે કે કોઈ ગ્રહ માણસને નડતો નથી, પરંતુ દુરાગ્રહ અને પૂર્વગ્રહ જ નડે છે. માટે પ્રગતિ કરવી હોય તો સદાય પૂર્વગ્રહથી મુક્ત રહેવું. મન સ્વચ્છ રાખવું. કોઈના પ્રત્યે કોઈપણ પ્રકારનાં દુ:ખ, ડંખ અને નકારાત્મકતાનો ત્યાગ કરીને, તમે જે-તે કાર્ય માટે પ્રયુક્ત થજો. જ્યારે પણ તમને કોઈ શંકા થાય ત્યારે તમે સ્વયંને જ પ્રશ્ન પૂછજો. સ્વચ્છ મનની અગત્ય કેટલી છે? તમે એક ખાલી કપમાં ચા રેડવા જાવ અને તે કપમાં એક નાનો કાળો કચરો ચોંટેલો જુઓ તો તેમાં ચા રેડશો? કદાચ ચા તેમાં રેડો તો તે કચરો તરતો-તરતો ઉપર આવે પછી તે કચરાવાળી ચા તમે પીશો? કે બીજાને પાશો? તમે ચા નહીં રેડો, નહીં પીઓ કે નહીં પાઓ. એ જ રીતે શરીરમાં, મનમાં એક સામાન્ય કચરો-મેલ હશે તો ભગવાન તમને આશીર્વાદ આપશે નહીં, તેઓ તો મોટું મન રાખીને આશીર્વાદ આપી પણ દે તો ચામાં પડેલા કચરાની જેમ તમને તે આશીર્વાદ ખપમાં લાગશે પણ નહીં.
મનને સાફ અને શાંત કરવા માટે એક બીજી વાત છે - જરૂરી અને યોગ્ય પ્રશ્ન પૂછવા. આપણી કુટેવ છે, આપણા પ્રશ્નો બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે હોય છે, પણ જ્ઞાનના સંવર્ધન માટે નહીં. શુદ્ધ અને સાચા પ્રશ્નથી વ્યક્તિનો વિકાસ થાય છે.
આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. કલામનો એક પ્રસંગ છે. તેઓનું દેહાવસાન થયું તેના એક મહિના પૂર્વે જ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને મળવા આવ્યા ત્યારનો છે. તા. ૨૦ જૂન, ૨૦૧૫ના રોજ ડૉ. કલામ, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં હસ્તકમળની અંદર ‘Transcendence (પરાત્પર)’ પુસ્તક ભેટ આપવા માટે આવ્યા હતા, અમદાવાદમાં તેની આગલી રાત્રિની ઘટના છે. રાત્રે ૧૨.૩૦ વાગ્યાનો સમય થયો હતો. હજુ તો ભોજન કરવાનું પણ બાકી હતું. તે ભોજન કરવા જતા હતા ત્યારે એક નાની બાળકીએ સલામતી ઘેરાની આરપાર જઈને ડૉ. કલામને પૂછ્યું, ‘હું કેવી રીતે દુનિયાની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બની શકું?’
આ જ પ્રશ્ન, આવા સમયે કદાચ, તમારું જ સંતાન તમને કરે તો? જો પ્રેમાળ માતા-પિતા હોય તો કહે, ‘બેટા! કાલે સવારે તને જવાબ આપીશું. અત્યારે જમી લઈએ.’ પરંતુ આ તો મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ ડૉ. કલામ હતા. તેમણે રાત્રે ૧૨.૩૦ વાગ્યે ભોજન કરવા જતાં પૂર્વે શાંતિથી તે બાળકીને સાંભળીને તેને ઉત્તર આપતાં કહ્યું, ‘બેટા! તેં અત્યારે શું કર્યું?’ તેણે કહ્યું, ‘મેં પ્રશ્ન પૂછ્યો.’ ડૉ. કલામ કહે, ‘આમ તું સતત પ્રશ્ન પૂછતી રહેજે, પૂછતી જ રહેજે. જ્યાં સુધી તને યથાર્થ ઉત્તર ન મળે ત્યાં સુધી! તો તું એક દિવસ મહાન વૈજ્ઞાનિક બની શકીશ.’
આમ, કોઈપણ વ્યક્તિ સાચા અને યોગ્ય પ્રો કરે તો તે સફળ બને છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS