Essays Archives

ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણનો સૌપ્રથમ ઉલ્લેખ આ શ્લોકમાં આવે છે. આ મહાન રથ અર્જુનને અગ્નિદેવ તરફથી પુરસ્કાર રૂપે પ્રાપ્ત થયો હતો. તે સોનેથી મઢેલો હતો. નવ ગાડામાં સમાય એટલા અસ્ત્રશસ્ત્રો આ રથમાં સમાવી શકાતાં. તેનાં પૈડાં અતિ વિશાળ હતાં. તેની ધજા પણ એક યોજન સુધી ફરકતી રહેતી. અને આ ધજા ઉપર હનુમાનજી બિરાજતા હતા. અશ્વો પણ અર્જુનને ભેટમાં મળ્યા હતા. ચિત્રરથ નામના ગંધર્વે તેને સો ઘોડા આપ્યા હતા. આ અશ્વોની વિશેષતા એ હતી કે યુદ્ધમાં ભલે ને ગમે તેટલા અશ્વો મરે તોપણ આ અશ્વોની સંખ્યા સો જ રહેતી. ઘટતી નહીં. વળી, આ અશ્વો કેવળ પૃથ્વીલોક જ નહીં, પરંતુ સ્વર્ગલોકમાં પણ ગતિ કરી શકતા હતા. એવા અશ્વોમાંથી ચાર સફેદ અશ્વોને અર્જુને પોતાના રથમાં જોડયા હતા.
આવા રથમાં બિરાજી શ્રીકૃષ્ણભગવાને તથા અર્જુને જે શંખ વગાડયા તેની વિશેષ વાત કરતાં કહે છે - 'पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं घनञ्जयः। पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः॥' હૃષીકેશે, અર્થાત્ ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો, ધનંજયે, અર્થાત્ અર્જુને દેવદત્ત નામનો અને ભયંકર કર્મ કરનાર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. (ગીતા - ૧/૧૫)
પંચજન નામનો અસુર હતો. તેણે શંખરૂપ ધારણ કરી રાખ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણે તેનો સંહાર કર્યો અને તેને શંખરૂપે ધારણ કર્યો. આમ પંચજન શબ્દ પરથી પાંચજન્ય એવું શંખનું નામ પડ્યું.
દેવદત્ત નામનો શંખ અર્જુનને ઇન્દ્રદેવ પાસેથી પ્રાપ્ત થયો હતો.
સંજયે વધુ વિસ્તાર કરતાં કહ્યું - 'अनन्तविजयं राजा कुन्तिपुत्रो युघिष्ठिरः। नकुलः सहदेवश्र्च सुघोषमणिपुष्पकौ॥ काश्यश्र्च परमेष्वासः शिखण्डी च महारथः। घृष्टद्युम्नो विराटश्र्च सात्यकिश्र्चापराजितः॥ द्रुपदो द्रौपदेयाश्र्च सर्वशः पृथिवीपते। सौभद्रश्र्च महाबाहुः शङ्खान् दध्मुः पृथक्पृथक्॥' કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો, નકુલે સુઘોષ નામનો તથા સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડયો. તદુપરાંત હે રાજન, ઉત્તમ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજેય સાત્યકિ, રાજા દ્રુપદ, દ્રૌપદીના (પાંચેય) પુત્રો તથા સુભદ્રાના પુત્ર મહાબાહુ અભિમન્યુ, આ સૌએ સર્વ બાજુએથી જુદા જુદા શંખો વગાડયા. (ગીતા - ૧/૧૬,૧૭,૧૮)
આટલું કહી તેની અસર જણાવતાં સંજય કહે છે - 'स घोषो घार्तराष्ट्रानां हृदयानि व्यदारयत्। नभश्र्च पृथिवी´ चैव तुमुलो व्यनुनादयन्॥' તે ભયંકર નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતાં ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પુત્રોનાં અને આપના પક્ષધારીઓનાં હૃદય ચીરી નાંખ્યાં. (ગીતા - ૧/૧૯)
આ રીતે ભગવદ્ ગીતામાં ઉભયપક્ષે થયેલ શંખનાદ વર્ણવાયેલ છે.
આ શંખનાદ પણ ઘણું ઘણું કહી જાય છે. પ્રાચીન ભારતીય યુદ્ધનીતિના નિયમ અનુસાર જે સેનાપતિ હોય તે જ સર્વ પ્રથમ શંખ ફૂંકી શકે. કારણ અમારા પક્ષે શસ્ત્રપ્રહારની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે અને હવે અમે સંગ્રામ શરૂ કરીએ છીએ... વગેરે સૂચનાઓ તે શંખનાદ દ્વારા અભિવ્યક્ત થતી હોય છે. કૌરવપક્ષે સેનાપતિ પિતામહ ભીષ્મ હતા. એટલે પ્રથમ શંખનાદ તેમણે જ કર્યો. શિસ્તનું બરાબર પાલન થયું. પરંતુ પાંડવપક્ષે તેમ થયું નથી. ત્યાં પ્રથમ શંખ સેનાપતિ દ્વારા નથી ફૂંકાયો. તે દિવસે પાંડવપક્ષે સેનાપતિ તો ધૃષ્ટદ્યુમ્ન હતા. તેમણે પ્રથમ શંખ નથી ફૂંક્યો, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે ફૂંક્યો છે. આવું કેમ? ચિંતન કરતાં ખ્યાલ આવે છે કે ત્યાં સંપનો શંખનાદ હતો, ગુણીજનના આદરનો શંખનાદ હતો, સ્વરૂપનિષ્ઠાનો શંખનાદ હતો.
કૌરવો શિસ્તબદ્ધ હતા. ભલે, શિસ્ત સારી વસ્તુ છે. ઉત્તમ છે. પણ ઘણી વાર તે પરાણે લાદેલી હોય છે. આ લદાયેલી શિસ્ત ક્યારેક કુસંપનું પરિણામ પણ હોઈ શકે. પોતાની ફરજ કરતાં પણ મારા અધિકારનું શું? એવી સ્વાર્થભાવના જ્યાં દરેક વ્યક્તિમાં ઊભી થાય ત્યારે બીજાને મહત્તા મળે તે ખમાતું નથી. પછી ત્યાં નિયમો લાદવા પડે. ચુસ્ત શિસ્તનાં માળખાં ઘડાય. વળી, તેનો ભૂલેય ભંગ ન થાય તેની તકેદારી રાખવી પડે. બહારથી આ શિસ્તબદ્ધ જીવન પદ્ધતિસરનું દેખાય. પરંતુ તેમાં ભાવનાને ક્યાંય સ્થાન હોતું નથી. મોટે ભાગે આવી શિસ્ત કેવળ ભય કે પછી મુખ્ય વ્યક્તિને સારું દેખાડવા કે પછી તેને બહારથી રાજી રાખવા પૂરતી પળાતી હોય છે. આ પ્રકારની શિસ્ત કેવળ દેખાવ કે દંભનો પર્યાય બની રહે છે. હા, એ ખરું કે ક્યારેક આ શિસ્ત પાછળ રહેલા દંભની કરામતથી કુસંપ ઢાંકી શકાય છે, પરંતુ આગળ જતાં તેનું પરિણામ અવશ્ય નુકસાનકારક નીવડે છે.
કૌરવો આનું ઉત્તમ ઉદાહરણ છે. શિસ્તપાલન ત્યાં જાણે દેખાવ છે, કુસંપ ઢાંકવાનું સાધન માત્ર છે. કૌરવસેનાની આ કરુણતા છે. કુસંપ ત્યાં ભારેલા અગ્નિની જેમ પથરાયેલો છે. અંદરોઅંદર ઝઘડા ચાલ્યા જ કરે છે. ગમે તે વ્યક્તિ ગમે તેને ગમે ત્યારે ગમે તે રીતે ઉતારી પાડતા ખચકાતી નથી.
જેમ કે કૌરવ છાવણીમાં યુદ્ધ વિષે ચર્ચાઓ થતી હતી. કોણ કેવું પરાક્રમ કરશે તેની વાત નીકળી ત્યારે કર્ણે ઉત્સાહ સાથે કહ્યું કે હું એકલો બ્રહ્માસ્રથી અર્જુનને જીતી લઈશ, પછી બીજા તો મગતરાં જેવા છે. આ સાંભળી વડીલ ભીષ્મ તેનો ઉત્સાહ વધારવાના સ્થાને તેને ઉતારી પાડે છે. કર્ણનો ઉત્સાહ મરી પરવારે છે. તેથી તે ત્યાં જ પ્રતિજ્ઞા કરી બેસે છે કે - પિતામહ, તમે જ્યારે યુદ્ધમાં વિરામ પામશો ત્યાર પછી જ હું મારું પરાક્રમ બતાવીશ. આ સાંભળી દુર્યોધન ભીષ્મને ન કહેવાનાં વચનો કહે છે. (ઉદ્યોગપર્વ)
આ જ રીતે એક વાર કર્ણ દુર્યોધનને પોતાના શક્તિ– સામર્થ્યની વાત કરતો હોય છે. તે સાંભળી કૃપાચાર્ય હસીને તેને ઉતારી પાડે છે ને કહે છે કે પાંડવો સામે તો તમે કાયમ હારતા જ આવ્યા છો. આ સાંભળી કર્ણ કૃપાચાર્ય પર ક્રોધે ભરાય છે. ગાળો ભાંડે છે અને ફરીથી આવું બોલશો તો તલવારથી તમારી જીભ કાપી નાંખીશ એવી ધમકી આપે છે. અશ્વત્થામા આ બધો તમાશો જોતો હોય છે. તેનાથી કર્ણની ઉદ્ધતાઈ સહન નથી થતી. તેથી તે તલવાર લઈ કર્ણનું માથું કાપી નાંખવા તૈયાર થાય છે. ત્યારે બીજા તેને માંડ માંડ શાંત કરે છે. (દ્રોણપર્વ)
આવું તો ત્યાં વારંવાર બન્યા કરે છે. આવી વિકટ પરિસ્થિતિમાં કૌરવો છે. એટલે શિસ્ત લાદીને બધું થાળે પાડવાના પ્રયત્નો કરવા પડે છે.
જ્યારે પાંડવપક્ષે એવું નથી. ત્યાં શિસ્તનો દુરાગ્રહ નથી પણ સંપનો મહિમા છે. તેથી શંખનાદ કરતી વખતે તેમના સરસેનાપતિ ધૃષ્ટદ્યુમ્નનો વારો નવમા ક્રમાંકે આવે છે. પ્રથમ ભગવાન શ્રીકૃષ્ણ અને ત્યાર પછી પાંચ પાંડવો વગેરે એ રીતે શંખનાદની શરૂઆત થઈ છે. ત્યાં વ્યવહારુ અધિકાર ગૌણ છે. એકતા આદર પામી છે. આ એકતામાં પણ ભગવન્નિષ્ઠા જાણે સોનામાં સુગંધ બની ઝ ળહળી રહી છે. અન્ય કોઈ નહીં પણ શ્રીકૃષ્ણભગવાન જ પ્રથમ શંખનાદ કરે! કૃષ્ણપ્રધાનતા અને કૃષ્ણનિષ્ઠા પાંડવોની જીવનશૈલી છે. ખરું કહીએ તો એમની એકતાનો આધારસ્તંભ પણ આ જ છે. આ બધું પણ પાછુ _ તેમનામાં ખૂબ સાહજિક છે.
ખુદ કૌરવપક્ષમાં પણ તેમની એકતાના પડઘા પડ્યા છે. જેમ કે લાક્ષાગૃહમાંથી પાંડવો બચી ગયા પછી પાંડવોનું કાસળ કાઢવા દુર્યોધને નવી યોજના ઘડી કે પાંડવોમાં કુસંપ કરી ઝ ગડાવી મારીએ. ત્યારે કર્ણે કહ્યું કે પાંડવોમાં પરસ્પર અત્યંત સ્નેહ છે. તેમની એકતા અભેદ્ય છે, માટે બીજી કોઈ યોજના વિચારો.
આમ પાંડવપક્ષનો શંખનાદ મજબૂત એકતા અને અટલ ભગવત્પ્રધાનતાની તાકાતથી ભરપૂર છે. એટલે જ તો એ શંખનાદના પરિણામમાં પણ કેટલો ફેર પડી જાય છે. કૌરવપક્ષમાં ભીષ્મએ શંખનાદ કર્યો ને પછી સમગ્ર સૈન્યે એકસાથે શંખ, નગારાં, રણશીંગાં વગેરે વગાડ્યાં. તેનું પરિણામ જણાવતાં સંજય કહે છે – 'स शब्दस्तुमुलोऽभवत्' અર્થાત્ તે અવાજ ભયંકર થયો. બસ આટલું જ. જ્યારે પાંડવપક્ષના શંખનાદની અસર જણાવતાં કહ્યું– 'स घोषो घार्तराष्ट्राणां हृदयानि व्यदारयत्।' અર્થાત્ એ ઉદ્ઘોષે તો ધાર્તરાષ્ટ્રોનાં, કહેતાં ધૃતરાષ્ટ્રના બધા પુત્રોનાં અને તેમના પક્ષકારોનાં હૃદય ચીરી નાંખ્યાં. આ તો  યુદ્ધનાં શ્રીગણેશમાં જ જાણે હાર નિશ્ચિત થઈ ગઈ! લુખ્ખી શિસ્તબદ્ધતા તેમને વિજયનો અહેસાસ ન આપી શકી. જ્યારે પાંડવોની ભગવન્નિષ્ઠા અને એકતાનો વિજય થઈ ગયો. આથી જ તો પાંડવપક્ષની આવી વિશેષતાઓને જાણનારા ઘણા કૌરવપક્ષકારોએ પોતાનો પરાજય અને પાંડવોનો વિજય પહેલેથી સ્વીકારી જ લીધો હતો. જેમ કે આચાર્ય દ્રોણ યુધિષ્ઠિરને કહે છે – 'घ्रुवस्ते विजयो राजन् यस्य मन्त्री हरिस्तव। यतो घर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततो जयः॥' અર્થાત્ હે યુધિષ્ઠિર, તમારો વિજય તો નિશ્ચિત જ છે. કારણ તમારા મંત્રી ભગવાન શ્રીકૃષ્ણ છે. વળી, જ્યાં ધર્મ હોય ત્યાં જ કૃષ્ણ હોય. અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં વિજય હોય. (મહાભારત ભીષ્મપર્વ ૪૩–૫૯)
એક વખત તો ભીષ્મ ખુદ દુર્યોધનને કહે છે – હે દુર્યોધન, આ કૃષ્ણ અને અર્જુન અજેય છે. દેવો કે અસુરોમાંથી કોઈની શક્તિ તેમને પરાસ્ત કરે તેમ નથી. (મહાભારત ઉદ્યોગપર્વ ૪૯–૨૦)
વળી, શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે વિષ્ટિ કરવા હસ્તિનાપુર ગયા ત્યારે જે કર્ણના આધારે દુર્યોધનની વિજયાશા બંધાઈ હતી તે કર્ણ પોતે કૃષ્ણ ભગવાનને જોતાં બોલી ઊઠે છે કે કૃષ્ણને જોતાં તો મને પણ ઘડીભર થયું કે નક્કી આ યુદ્ધમાં આપણો વિનાશ છે.
આમ એક પક્ષે કુસંપ, અવિશ્વાસ, ભય તથા અહંમમત્વનું સામ્રાજ્ય અને બીજા પક્ષે સંપ, વિશ્વાસ, નિર્ભીકતા અને ભગવન્નિષ્ઠાનું સામ્રાજ્ય ગીતામાં વર્ણવેલ શંખનાદમાં ધ્વનિત થતું સંભળાય છે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS