અંતર્યામીથી શું અજાણ્યું હોય! મહારાજે બંને પર અમીદૃષ્ટિ કરી, ને કહેવા લાગ્યા: ‘જેવાં દર્શન કરવાં જોઈએ એવાં આ બે જણાએ કર્યાં, અંગોઅંગ નીરખી, મૂર્તિ ઉતારતાં દર્શન કર્યાં. વાહ! શાસ્ત્રમાં દર્શનની રીત લખી છે તે બરાબર અપનાવી...’ એમ કહી બંનેને આશીર્વાદ આપ્યા.
કલ્યાણભાઈને મહારાજની કૃપાથી દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, તે જ્યાં જુએ ત્યાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દેખાય! સ્મરણ કરે ને હરિ હાજરાહજૂર થાય!
શ્રીહરિ કલ્યાણભાઈ ઉપર અકારણ હેતવર્ષા કરતા.
એક વાર શ્રીહરિ વંથળી એમને ત્યાં જમવા પધાર્યા અને થાળની પ્રસાદી આપી કલ્યાણભાઈને કૃતકૃત્ય કર્યા.
સભા થઈ. ગામલોકો ભેગા થયા. થાંભલે ઓઠીંગણ દઈ શ્રીહરિ ઢોલિયે વિરાજ્યા છે. મલકમાં જેમનાં યશોગાન થઈ રહ્યાં છે તે જ સ્વયં પરમાત્મા આજે આંખો સામે બેઠા છે. લોકો અંદરોઅંદર ગુસપુસ કરે છે: ‘આજ તો દળદર ફીટી જાય એટલું માગી લેવું છે. ફરી મોકો નહીં મળે.’
શ્રીહરિએ મનુષ્યદેહની દુર્લભતાની વાતો કરી, સદાચારી થઈ ભગવાન ભજી લેવા પર ભાર મૂક્યો, સાંભળી ગામલોકો કહે: ‘પ્રભુ! ભજન કરવાનું કામ ઘડપણમાં કરીશું, હમણાં કામી લઈએ. કામીએ નહીં તો ખાઈએ શું? હા, તમે દાણા આપો તો બેઠાં બેઠાં ભજન કરીએ.’
કરુણાભીનાની કૃપા વરસી. કહ્યું: ‘કલ્યાણભાઈ! તમારી આ કોઠીનું સાણું ખોલી નાંખો અને ઉપરનું મોં બંધ કરી દો...’
કલ્યાણભાઈ જાણતા હતા કે કોઠી ખાલી છે, પણ શ્રીહરિની આજ્ઞા થઈ એટલે ઊભા થયા. લોકોને પ્રતીતિ આવે તે ખાતર બોલ્યા: ‘પ્રભુ! કોઠીમાં દાણોય નથી...’
શ્રીહરિ કહે: ‘તમે ખોલો તો ખરા...’
લોકો ઊંચા-નીચા થવા લાગ્યા. સાણું ખૂલ્યું ને મીઠો સોડમતો લીલવણી બાજરો ધકધક પડતો ઢગલો થવા લાગ્યો.
‘લો, પટેલિયાવ! જેટલો જોઈએ તેટલો માંડો લેવા. જે જે લો તે ધર્મ- નિયમ પાળજો ને ભજન કરજો.’
પટેલિયા ઝંખવાઈ ગયા અને કહ્યું: ‘તમે ભગવાન ખરા, બાજરાનો વરસાદ કરો એવા, પણ ધર્મ-નિયમ અમારાથી ન પળે...’ કહેતાં પગે લાગી સૌ ઘેર ગયા. આવો ચમત્કાર શ્રીહરિએ કલ્યાણભાઈના ઘેર બતાવેલો.
શ્રીહરિએ કલ્યાણભાઈને કહ્યું: ‘લોકોને ચમત્કાર જોઈ ઘડીક અહોભાવ જાગે પણ તે કાયમ ટકે નહીં. ચમત્કાર જોઈ એનો સ્વભાવ બદલાય નહીં. વધુ વધુ જોવા પામવાની લાલસા જાગે. જીવન પલટાય એ મોટો ચમત્કાર છે ને તે જ્ઞાનવાર્તા, કથાશ્રવણ, સંત-સમાગમથી થાય છે. માટે ભગવાન ને સંતના મહિમાની વાતો કર્યા જ કરવી...’
શ્રીજીમહારાજની આ આજ્ઞા સીધી પોતાને થઈ છે - એમ સ્વીકારી લઈ કલ્યાણભાઈએ કથાનું અંગ પાડી દીધું હતું. એટલે એમને ત્યાં કામ કરવા આવતા ખેતમજૂરો પણ જ્ઞાનની વાતો કહેતા થઈ જતા. સત્સંગનો લાભ અનેકને અપાવવા કલ્યાણભાઈ જાતે ઘસાતા.