Essays Archives

ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો વિરલ ગ્રંથ 'વચનામૃત.' આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહેલ
સાધકને માટે તો એક અદûભુત આધ્યાત્મિક Source છે; એક મહાન જ્ઞાનકોશ છે, પરંતુ રોજ-બ-રોજના
વ્યવહારમાં, વ્યક્તિગત-કૌટુંબિક કે સામાજિક જીવનના દરેક પહલૂમાં જેનો સતત સામનો કરવો પડે છે, એવી
જટિલ સમસ્યાઓનાં સમાધાન પણ, આ ગ્રંથના પાને પાને ભર્યાર્ંં પડ્યાં છે.
એના શબ્દે શબ્દે પ્રશ્નોના હલ મળી રહે છે !
પ્રસ્તુત લેખમાળામાં, વ્યક્તિને પીડતા આવા પ્રશ્નો અને તેને અનુરૂપ વચનામૃત લઈ, તેમાંથી ભગવાન
સ્વામિનારાયણે સૂચવેલાં સમાધાનોનું અન્વેષણ કરવાનો એક અદનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રીહરિના આ
અમૃતોદધિમાં આવો; એક સાધક બનીને ડૂબકી મારીએ. કદાચ, આપણને જ સતાવતી કોઈક સમસ્યાનો ઉકેલ
તેમાંથી મળી જાય !

૧. આંતરચેતનાની અવકાશયાત્રા :
આજના આ ભૌતિક યુગમાં મોટા ભાગના માણસોની દોડ બહુધા બે વસ્તુ પાછળ છે. પૈસો અને પદાર્થ. પૂરતો પૈસો કમાઈ લેવો; મોંઘામાં મોંઘા પદાર્થો ખરીદી તેનો ઉપભોગ કરવો; જોવાલાયક સ્થળોની, વિશ્વની અજાયબીઓની એકાદવાર તો મુલાકાત લઈ લેવી એવી સતત આકાંક્ષાઓ લોકો સેવતા રહે છે. વિદેશોના પ્રવાસે જઈ, ત્યાં આવેલા વૈભવને, ત્યાંનાં આશ્ચર્યોને નજરે નિહાળવાં અને માણવાના મનસૂબા તેઓ કરતા રહે છે. આ માટે, છેક યુવાવસ્થાથી, આર્થિક ઉપાર્જનનું યેનકેન પ્રકારેણ આયોજન કરતાં રહે છે. અને એમાં સફળ થાય તો પોતે કેવા ચકોર, શાણા અને જ્ઞાની છે, એવું મનોમન વિચારી ફુલાતા રહે છે.
દૂર-સુદૂરના પ્રદેશો કે પદાર્થોનાં વાંચન વર્ણન કે વીડિયોથી વ્યક્તિની તૃષા છીપતી નથી. Seeing is Believing - એ પોતે જઈને જુએ તોõ જ ખરું જોયું એમ માનતો હોય છે. અને તોય વિશાળ એવી આ પૃથ્વી ઉપર પથરાયેલાં વિવિધ વિષયો-રહસ્યોને પૂર્ણતયા માણી શકતો નથી; માનવ મસ્તિષ્કની નીપજ સમી નિત્યનવી, બધી તકનિકી શોધો કે સાધનોને એ જોઈ શક્તો નથી; એનું એને દુઃખ રહે છે; કાંઈક ને કાંઈક જોવા-માણવાનું અધૂરું રહી જ જાય છે ! જોયેલાનું સુખ વાગોળવાને બદલે ન જોયાનું દુઃખ રડતો ફરે છે.
આ તો થઈ, રજોગુણી ઝોક ધરાવતી વ્યક્તિઓની વાત, પરંતુ એવી વ્યક્તિઓ કે જે ભૌતિક ચીજોની નશ્વરતાને પિછાણતી હોય, પાયાનાં મૂલ્યોનું જતન કરી જીવન જીવતી હોય, Non-Malevolence કોઈકને નુકસાન તો ન જ પહોંચાડવું એમ માનતી હોય, ભગવાનનો ડર રાખી ક્રિયાઓ કરતી હોય, વસ્તુઓ-વ્યક્તિઓ અને ઘટનાઓને નિરીક્ષણની આંખે જોઈ-ચકાસી મુલવણી કરતી હોય, પોતાના બાહ્ય વૃદ્ધિ-વિકાસને, વસ્તુલક્ષી અભિગમથી જોતી હોય - એવી વ્યક્તિઓને સમાજ 'સરેરાશ સુજ્ઞ વ્યક્તિઓ' તરીકે આદરપૂર્વક સ્વીકારે છે. તેમાંય જેનું આગવું ચિંતન -વિશ્લેષણ હોય. કાંઈક ચોક્કસ વિચારધારામાં મૌલિક પ્રદાન હોય, તો તે જ્ઞાની-મેધાવી ગણાય. જગત તેને જુદાં જુદાં વિશેષણોથી નવાજે, તેને જુદી જુદી ઉપાધિઓ (ડિગ્રીઓ)થી સત્કારે. આવી જ્ઞાની-મેધાવી વ્યક્તિઓને પણ મહર્ષિ ચરક કહે છે તેમ ‘प्रत्यक्षं हि अल्पं, अनल्पं अप्रत्यक्षम्‌’ (નરી આંખે દેખાય છે તે તો અલ્પ છે, પરંતુ જે અપ્રત્યક્ષ છે તે અસીમ છે, અપાર છે) - આ 'અપ્રત્યક્ષ'ને નહિ પામી શકવાનું સતત દુઃખ રહે છે, તેઓ સતત અધૂરપ અનુભવ્યા કરે છે. મહાન વૈજ્ઞાનિક ન્યૂટને તેની જીવનસંધ્યાએ કહ્યું કે 'જ્ઞાનનો અફાટ ઉદધિ મારી સામે હિલોળા લે છે. હું તો એના કિનારે બેઠો માત્ર છીપલાં વીણું છું !!'
એથી વિશેષ, જીવનના અંતિમ લક્ષ્યને પામવા સતત મથતા આધ્યાત્મિક અન્વેષક કે સાધકને પણ 'પરમશાંતિ' કે 'પરમસુખ'ની એ ઊર્ધ્વગતિએ હજુ નહિ પહોંચી શકવાની અધૂરપનો અહેસાસ થયા કરતો હોય છે.
ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃત ૨૦મા કહેવાતા જ્ઞાનીઓની અધૂરપ-ન્યૂનતાના મૂળગત કારણની એક અતિ મહત્ત્વની વાત કરતાં કહે છે કે
'આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દૃષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે....'
મહારાજ સમજાવે છે કે તે પદાર્થો જોયા તે ખરેખર કોણે જોયા ? પદાર્થોના સ્વાદ માણ્યા, તે ખરેખર કોણે માણ્યા? પદાર્થો સારા લાગ્યા, આંખો ઠરી તે કોને લઈને થયું ? - એ સઘળું શક્ય બન્યું તારામાં રહેલા તારા ચૈતન્ય થકી; તેને તો તું જોતો નથી ?! જગત આખાની છાનબીનમાં તું પડ્યો, જગત આખાનાં શાસ્ત્રો તું ફેંદી વળ્યો, સઘળાં સાધન કર્યાં; તું બધે જ ડોકિયાં કરતો રહ્યો, પણ તેં તારામાં જ ડોકિયું કર્યું નહિ. હે મહાજ્ઞાની! સહેજ પાછું વળીને 'સ્વ'માં તો જો. તને સાચું જ્ઞાન લાધશે કે ખરેખર આ બધું તારો 'માંહ્યલો' જ કહી રહ્યો છે. આ જ્ઞાન પ્રાપ્ત નહિ થાય ત્યાં સુધી તું અજ્ઞાની. વિશ્વના મહાન ચિંતકોના વિચારો, ભગવાન સ્વામિનારાયણની આ વાતને સમર્થન આપે છે.
વિશ્વચિંતક સૉક્રેટિસ કહેતો કે 'તમારી જાતને જાણો.'
તથાગત બુદ્ધે કહ્યું : 'आत्मदीपो भव' (તારો દીવો તું બન.)
ગીતામાં_ જે 'उपद्रष्टा' શબ્દ પ્રયોજાયો છે તે પણ એમ સૂચવે છે કે અંદર સાક્ષીભાવે કોઈ જોનારો છે.
આખા જગતનું જ્ઞાન હોય, પરંતુ પોતાના વિષે જ સાવ અજ્ઞાન હોય, તો એ જ્ઞાનનો શો અર્થ ? પૃથ્વીના માપની માહિતી હોય, આકાશની ઊંચાઈની ઓળખ હોય, સાગરના ઊંડાણની જાણ હોય, બ્રહ્માંડોનાં રહસ્યોનો પરિચય હોય, પણ જો વ્યક્તિ પોતાના વિશે અજાણ હોય, તો તેનું આ સઘળું જ્ઞાન પત્તાંના મહેલ જેવું જ ગણાય. તેને અંતરમાં ઊંડે ઊંડે જે અસુખ વર્તે છે તે તેના આ અજ્ઞાનને કારણે છે.
માણસ મંગળ પર પહોંચે કે સૂર્યમંડળને ભેદી, લાખ્ખો પ્રકાશવર્ષ દૂર આવેલા કોઈ તારા પર પહોંચે, પરંતુ આંતરચેતનાની અવકાશયાત્રા જો તેણે ન કરી, તો તે અધૂરો જ રહેવાનો.
ˆ
આ જ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ 'સ્વ' માં જોવાનો ઉપાય સૂચવે છે અને તેને અમલમાં મૂકવો કેટલો સહેલો છે, તે જણાવતાં કહે છે કે 'કયે દહાડે એણે પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ને ન દીઠું ? ' 'સ્વ' માં જોવાનો પ્રયત્ન અને તેનો મહાવરો એ કોઈ પણ સમસ્યાનું સમાધાન છે.
મહારાજ આગળ કહે છે કે '....જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે,' આખા વિશ્વને ખૂંદી વળે એવો ઉદ્યમી હોય, પરંતુ ભીતરમાં ડોકિયું કરવાનો જો પ્રયત્ન ન કરે, તો મહારાજ તેને ' આળસુ' કહે છે. મબ્રના મંદિરમાં બેસી, એકાંતના ગર્ભદ્વારમાં પલાંઠીવાળી આ આળસ ત્યજી શકાય. 'અજ્ઞ' કે 'સુજ્ઞ' માંથી 'પ્રાજ્ઞ' થવાનો અજબ કીમિયો ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં બતાવે છે.
૨. અર્ધદૃગ્ધ સ્થિતિ :
ઘણી વખત એવું જોવા મળે છે કે વાતાનુકૂલિત રૂમમાં સૂતેલો માણસ ઉદ્વેગનો ઉકળાટ અનુભવી રહ્યો હોય ! વસ્તીની વચ્ચોવચ્ચ બેઠો હોય અને તોય જાણે એકલો, અટૂલો! સત્સંગસભા મધ્યે બેઠો હોય, સામે દિવ્ય સભાપતિરાય એવા પૂજ્ય સ્વામીશ્રી વિરાજતા હોય, અમૃતનો ઉદધિ હિલોળા લેતો હોય, જીવનમાં સાચું સુખ અને શાંતિ કેમ પ્રાપ્ત થાય એ વિષે સદ્‌ગુરુ સંતોના મુખેથી અનુભવજનિત ઉદ્‌ગારો પ્રબોધાતા હોય - આવા દિવ્ય વાતાવરણમાં પણ, તેના મનમાં અજંપો અને અશાંતિના ઊભરા ઊઠતા હોય છે !!
ખૂબ નિષ્ઠા અને મહિમાથી, સમૈયા-ઉત્સવોમાં સેવા કરતો હોય અને ક્યાંક કોઈક કાર્યકર સાથે કે હરિભક્ત સાથે કે કોઈ મુલાકાતી સાથે અકારણ ક્રોધે ભરાય અને કટુ વાણી બોલે. કુટુંબની સમગ્ર પીડાઓનું પોટલું ઘરે મૂકીને આવ્યો હોય અને છતાં ભીતરમાં ચિંતાની કોઈક ચિનગારી ચંપાયા કરતી હોય - આવી અર્ધદગ્ધ સ્થિતિ સર્જાતી હોય છે; ન રહેવાય - ન સહેવાય - ન કહેવાય !
સત્સંગેતર વ્યવહારમાં પણ - ઓફિસમાં કે વ્યવસાયમાં અકારણ કોઈકની સાથે આથડી પડાય. 'મારી વાતને કોઈ ખાસ લક્ષ્યમાં લેતું નથી.' એમ માની વર્ષો જૂના ભાગીદાર મિત્ર સાથે છેડાઈ જાય - અનુચિત વર્તન થઈ જાય - પછી પાછળથી પસ્તાય કે ખોટું થઈ ગયું, આૅફિસના અજંપાની ગઠડી ઘરે લેતો આવે, ઘરના કોઈક સભ્ય સાથે ક્ષુલ્લક વાતમાં, લાલપીળો થઈ જાય અને ઘરના વાતાવરણને ડહોળી નાખે.
આવી સ્થિતિને ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃત ૨૮માં 'અર્ધબળ્યા કાષ્ઠ'ની પેઠે ધૂંધવાતી સ્થિતિ તરીકે આ પ્રમાણે વર્ણવી છે :
'...રાત્રિદિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહિ, અને રાત્રિમાં સૂવે તો નિદ્રા પણ આવે નહિ, અને ક્રોધ તો ક્યારેય મટે જ નહિ. અને અર્ધબળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે.....'
મહારાજ કહે છે કે સમજવું કે 'એ સત્સંગમાંથી પડવાનો થયો છે.'
અસદ્‌વાસનાની વૃદ્ધિનાં આ લક્ષણ છે એમ મહારાજ જણાવે છે. પડતીનાં આ સઘળાં પૂર્વલક્ષણો (Symptoms) છે એમ જણાવી આપણને ચેતવે છે, સભાન કરે છે અને તેની ગંભીરતા તરફ અંગુલિનિર્દેશ કરે છે. અકારણ ક્રોધ, અજંપો કે અનિદ્રા એવાં લક્ષણો પરત્વે તેમને સ્વાભાવિક ગણી દુર્લક્ષ્ય ન સેવવું, એવી શીખ આ વચનામૃત દ્વારા આપે છે. જીવનના પરમ લક્ષ્યને ચૂકી જવાનો, દિશાશૂન્ય થઈ જવાનો, પ્રગટની રાહબરી હેઠળ, અક્ષરધામ તરફ દોરી જતા ધોરીમાર્ગને ચૂકી જવાનો; આમાં મોટો ભય રહેલો છે. જો આ લક્ષણો વકરે તો વસમો વ્યાધિ લાગુ પડી જવાની સંભાવનાથી આપણને સજાગ કરે છે. જાણે કે, મહારાજ આપણને આ દ્વારા એક એવું બૅરોમિટર બતાવે છે, જેમાં સત્સંગની વધ-ઘટના પારાનો આંક રોજ, રોજ જોઈ શકાય.
મહારાજ બડા મનોચિકિત્સક છે. ઉપરોકત પૂર્વલક્ષણોને યથાર્થ ઓળખી તેને દૂર કરવાનો તાત્કાલિક ઇલાજ (Treatment) પ્રારંભી શકાય તે અર્થે, શુભ વાસનાની વૃદ્ધિનાં લક્ષણો કેવાં હોય તે પણ જણાવે છે. ગુણગ્રાહીપણું આવે, અન્યને પોતાથી મોટા સમજવાની વૃત્તિ વિકસે, અહંશૂન્યતા વિકસે, સતત આનંદના ઉપવનમાં જ બેઠા હોય એમ લાગ્યા કરે.
આ લક્ષણોની વ્યક્તિને જેમ જેમ પરખ થતી જાય અને તેને આચરણમાં મૂકવાના પ્રયાસો થતા જાય. તેમ તેમ તેનામાં આ ગુણોનું પ્રસ્થાપન થતું જાય અને પ્રાધાન્ય વધતું જાય. સત્પુરુષ જે સહજાનંદી સ્થિતિમાં મસ્ત છે એવી સ્થિતિની થોડી ઝાંખી એ વ્યક્તિને પણ થવા માંડે.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS