Essay Archives

અસ્મિતા હોય તો નિષ્ઠા દૃઢ રહે

ગુણાતીતાનંદ સ્વામી કહે છે: ‘સ્વરૂપનિષ્ઠા છે તે એકડો છે ને સાધન સર્વે મીંડાને ઠેકાણે છે.’ વળી, સ્વામીએ કહ્યું છે: ‘સ્વરૂપનિષ્ઠા વરને ઠેકાણે છે અને સાધન સર્વે જાનૈયાને ઠેકાણે છે.’ વરવિહોણી જાન અને એકડા વિનાનાં મીંડાનો કોઈ અર્થ રહેતો નથી, તેમ આધ્યાત્મિક માર્ગે સ્વરૂપનિષ્ઠા વિનાનાં સેવા, ભક્તિ, તપ, તીર્થ વગેરેનો કોઈ અર્થ સરતો નથી. ટૂંકમાં, સ્વરૂપનિષ્ઠા આધ્યાત્મિક માર્ગની સર્વ સિદ્ઘિનો પાયો છે. તે દૃઢ રહે છે - અસ્મિતાના વિચારથી.
વિજાપુરનાં વજીબાની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની દૃઢ નિષ્ઠામાંથી ડગાવવા સ્વયં ભગવાન સ્વામિનારાયણ ગયા તોપણ તેઓની કારી ફાવી નહીં. વજીબાએ બાવાના વેશે પધારેલા મહારાજને પણ સંભળાવી દીધું કે -
‘અનન્ય હું શ્રીહરિની જ એક, બીજા તણો ભાર ગણું ન છેક;
સિદ્ઘાઈ પોતે શતધા બતાવે, એનો મને ભાર જરી ન આવે;
શ્રી સ્વામિનારાયણ એક સાચા, બીજા બધા જોગી જરૂર કાચા;
મેં તો અંતર ધરી એવી ટેક, શ્રીજી વિના અન્ય અસત્ય છેક.’
‘હું શ્રીજીમહારાજની દૃઢ આશ્રિત છું’ એવી અસ્મિતા વજીબામાં અતિ પ્રબળ હતી, તો નિષ્ઠામાં ફેર પડ્યો નહીં.
બારપટોળીના ખીમા વાઘની પત્નીને એક બ્રાહ્મણે વાત કરી કે ‘બહેન! તમારા ધણીને બહુ દુઃખના દા’ડા આવે એમ લાગે છે!’
‘કેમ ભૂદેવ આમ બોલો છો?’ તે બાઈએ પૂછ્યું.
ત્યારે બ્રાહ્મણ બોલ્યો: ‘તમારા ધણીને શનિની સાડા સાતની પનોતી લોઢાના પાયે બેસવાની છે. તેમાં તો ગામતરાં કરીને મરી જશે ત્યારે માંડ પૂરું થશે.’
આ સાંભળી તે સત્સંગી બાઈએ કહ્યું: ‘જો ભામટા! સાડા સાતની પનોતી તો તને બેઠી લાગે છે; કેમ જે, ગુજરાતમાં ખાવા ભેગો ન થયો તે રખડતો રખડતો અહીં કાઠિયાવાડ સુધી લાંબો થયો છે. હું તો મારા ધણીને હમણાં દહીં ને રોટલો આપીને આવી છું, તે જમીને નિરાંતે સૂઈ ગયો હશે! માટે ઉપાડ તારા લબાચા, નહીં તો લાકડીએ લાકડીએ મારીને ગામવાળા બહાર કાઢી મૂકશે.’ સત્સંગી મહિલાની આવી વાત સાંભળી ભૂદેવ તો બીચારો ડઘાઈ જ ગયો.
કહ્યું છે કે -
‘एकादशस्थे गोविन्दे मुकुन्दे श्रीनिकेतने ।
किं कुर्वन्ति ग्रहाः सर्वे शनिजीवकुजादयः॥’’
- જેણે અગિયારમા સ્થાનમાં (એટલે કે લાભમાં) ભગવાનને રાખ્યા છે અને બીજા સ્થાનમાં (એટલે કે ધનમાં) પણ ભગવાનને રાખ્યા છે, તેને બીજા ગ્રહો શું કરી શકવાના?
‘હરિજનને ગ્રહો શું કરે, જો ગ્રહ બાપડા પરવશ ફરે;
રવિ ભમંતો શશી કલંકિત, રાહુ ત્યાં શિરવોણો વહે;
કાણો શુક્ર ને લૂલો શનિ, બૃહસ્પતિએ સ્ત્રી ખોઈ આપની;
ગ્રહનો ગ્રહ હરિ તે મુજ હૃદે, તો દીન વચન કોણ વદે?’
અસ્મિતાથી આવી નિષ્ઠા આવે છે.
અસ્મિતાવાળાને ઇષ્ટદેવ વિના કોઈનો ભાર પણ રહેતો નથી અને કોઈનો ભય પણ રહેતો નથી.
ગઢડાના ખીમા સુતારને ડગાવવા તાંત્રિકે અનેક પ્રકારના અભિચાર પ્રયોગો કર્યા છતાં ખીમા સુતારે તેને કહી દીધું: ‘મારા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે. તે સિવાય કોઈ દોરા-ધાગા તે ગળામાં પોસાય તેમ નથી. અમારે તો સ્વામિનારાયણના રખવાળા છે.’
ખીમા સુતારની આ વાતથી તાંત્રિક વધુ છંછેડાયો. તેના મંત્રેલા દાણાની ખીમા સુતાર પર કોઈ અસર ન થઈ. તે મંત્રેલા દાણા રાંધીને ભગવાનને ધરાવીને ખીમાભાઈ જમી ગયા ત્યારે આ ભક્તની નિષ્ઠા જોઈ તે તાંત્રિક પરમહંસ બની ગયા. શ્રીજીમહારાજે તેઓનું નામ ‘શૂન્યાતીતાનંદ’ પાડેલું. તેમણે સુરતના સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરી! કેવું હશે ખીમા સુતારની અસ્મિતાનું તેજ!
તા. 20-12-’96ના રોજ સાંકરી મુકામે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહેલું કે - “ભગતજીએ પવિત્રાનંદ સ્વામીને કહી દીધું કે ‘ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, એમ માનશો તો કલ્યાણ થશે.” આ અસ્મિતા કહેવાય. નિત્યાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કીધું કે ‘તમે પરણ્યા હો અને પાંચ-સાત છોકરા હોય અને ખાવા મળતું ન હોય, શરીરે પત નીકળ્યું હોય અને વડોદરાના ખંડેરાવ બજારમાં ભીખ માંગતા નીકળ્યા હો, તોય મને એમ ન થાય કે તમે ભગવાન નથી.’ આવી નિષ્ઠા તે અસ્મિતા કહેવાય. ભગવાનનાં મનુષ્ય ચરિત્ર કે દિવ્ય ચરિત્રમાં ક્યાંય ફેર ન પડે તે અસ્મિતા. મન ન ડગે તે અસ્મિતા. શાસ્ત્રીજી મહારાજના વખતમાં લોકો આશાભાઈ (મોટાસ્વામી) તથા મોતીભાઈ ભગવાનદાસને કહેતા કે ‘આ શાસ્ત્રી (શાસ્ત્રીજી મહારાજ) તો બાવા છે, તે તમનેય બાવા કરશે. તમે પાટીદાર કહેવાઓ, તે તમારાથી ભીખ નહીં મંગાય. માટે શાસ્ત્રીને મૂકી દ્યો.’ ત્યારે તે બંને કહેતા કે, ‘ભીખ માંગીને જીવીશું, પણ શાસ્ત્રીજી મહારાજનો સંગ મૂકીશું નહિ.’ આ અસ્મિતા. હર્ષદભાઈ દવેના ભાઈ નાનુભાઈને એક ધર્મગુરુએ બસમાં દર્શન દીધાં. બસ ચાલતી જાય તેમ બસની બારી આગળ આ ધર્મગુરુની મૂર્તિ પણ ભેગી ને ભેગી જ આવતી દેખાય; પરંતુ આવા પરચામાંય તેઓની મતિ ભ્રમી નહિ, આને સંપ્રદાયની અસ્મિતા કહેવાય. ‘શ્રીજીમહારાજ જેવા કોઈ ભગવાન નહિ અને યોગીજી મહારાજ જેવા કોઈ ગુરુ નહિ’ એવી એમની અસ્મિતા હતી. મુંબઈના માણેકલાલ શેઠને કેટલાંય ધંધાકીય નુકસાન થયાં, છતાં શેઠને યોગીબાપા વિષે દિવ્યભાવ રહ્યો. આને ગુરુની અસ્મિતા કહેવાય.
અસ્મિતાથી નિષ્ઠા તો દૃઢ રહે પણ એ નિષ્ઠાના પ્રવર્તનનું પણ અદ્ભુત જોમ રહે. તે પ્રવર્તનમાં દૈહિક ભીડો, માન-અપમાન કે અન્ય કોઈ વિઘ્નો આડાં ન આવે.

Other Articles by સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS