Essays Archives

સૌથી મોટી લોટરી!

નવી પેઢીમાં નૈતિકતાનું સિંચન કરવાની જવાબદારી રાષ્ટ્રીય તંત્રની નહીં, પ્રત્યેક વ્યક્તિની છે. પરંતુ એ માટે દરેક નાગરિકે પોતાના જીવનનું ઉદાહરણ પૂરું પાડવું પડે છે. નૈતિક અને ચારિત્ર્યવાન વ્યક્તિ નવી પેઢીના ચારિત્ર્ય અને નૈતિકતા પર ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તેનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનનો લાખો યુવાનો પર કેવો પ્રભાવ પડ્યો છે, તેના પર સંશોધન કરવામાં આવે તો ગ્રંથોના ગ્રંથો લખી શકાય તેટલી સામગ્રી ઉપલબ્ધ થઈ શકે તેમ છે.એવા એક યુવાનની અહીં વાત કરવી છે.
તા. 23-5-2004ના રોજ અમેરિકાથી લખાયેલો એક પત્ર પ્રમુખસ્વામી મહારાજને મળ્યો ત્યારે તેઓ ગૌરવથી આનંદિત થઈ ગયા. એ પત્ર લખનાર નવયુવાન નીલેશભાઈ, ભારતથી અમેરિકા સ્થાયી થવા ગયા હતા. અમેરિકામાં આર્થિક અને સામાજિક સંઘર્ષોની વચ્ચે તેઓ સ્થિર થવા પ્રયત્ન કરી રહ્યા હતા, એવા જ દિવસોમાં એમને ત્રીસ લાખ ડોલરની એક લાલચ એમના આંગણે બારણું ખખડાવતી ઊભી હતી. તેઓ આમ વર્ણવે છે એ ઘટના : 'હું બરોડાના એક સ્ટોરમાં જોબ કરતો હતો. ત્યાં એક વૃદ્ધ અમેરિકન લેડી પેપર લેવા અને લોટરી લેવા રેગ્યુલર આવતી હતી. એક દિવસ રોજના નિયમ પ્રમાણે તે આવી. અગાઉ લીધેલ લોટરીની ટિકિટો ચેક કરવા મને આપી અને બાજુના સ્ટોરમાં ગઈ. મેં વારાફરતી ટિકિટો મશીનમાં નાંખી ચેક કરવા માંડી. તો એક ટિકિટમાં તે ત્રીસ લાખ ડોલર જીતી હતી. સ્ટોરમાં બીજું કોઈ હતું નહીં. અને જીતેલી ટિકિટમાં તેણે સહી પણ કરી નહોતી. તે પરત આવી ત્યારે મે તેને કહ્યું કે  તું ત્રીસ લાખ ડોલર જીતી છું. ત્યારે તે મને કહે કે તું મારી મશ્કરી ન કરીશ. તે વાત માનવા તે તૈયાર જ નહોતી. તે લોટરીની ટિકિટ પણ જોવા માંગતી નહોતી. એક ક્ષણ માટે મને એવો વિચાર આવી ગયો કે હવે વધારે તેને આગ્રહ કરવો નથી. પરંતુ એ વિચારની સાથે આપનો હસતો ચહેરો મારી નજર સમક્ષ આવી ગયો. આથી મેં તેને પુનઃ આગ્રહ કર્યો. જો કે તે હજુ સ્વીકારવા તૈયાર નહોતી. એટલામાં એક બીજો ગ્રાહક સ્ટોરમાં આવ્યો. તેને મેં ટિકિટ બતાવી અને તેણે એ વૃદ્ધ મહિલાને કહ્યું ત્યારે તેણે માન્યું.
ટૂંકમાં સ્વામીશ્રી, આપ મારા પર એવી કૃપા કરજો કે એક ક્ષણ માટે પણ જે વિચાર મારા મનમાં આવ્યો તે ફરી ક્યારેય આવે નહીં, અને આપના જ કેફમાં મસ્તીથી અમારું જીવન જીવીએ.'
પ્રમુખસ્વામી મહારાજે પ્રસન્ન થઈને તેમને કહ્યું હતું : ‘સત્સંગનું તમે ખરેખર ગૌરવ વધાર્યું છે. તમને અંતરમાં સુખ અને શાંતિ રહેશે.’
નીલેશભાઈને માટે આ આશીર્વાદથી મોટી કોઈ લોટરી નહોતી!

આદર્શ સેવાની પ્રાર્થના સિવાય કશું નહીં

ભારતમાં પ્રાચીન સમયથી નૈતિકતાનું શિક્ષણ આપતી ચાર સંસ્થાઓ પ્રસિદ્ધ રહી છે: શાસ્ત્ર, સંત, મંદિર અને મા-બાપ. મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં સાચા ભાવથી જનાર પ્રત્યેક મુમુક્ષુ પવિત્ર પ્રેરણાઓ પામીને બહાર નીકળે છે. સેંકડો વર્ષોથી મંદિરોએ નૈતિકતાની જ્યોતને જલતી રાખવામાં અનન્ય યોગદાન આપ્યું છે.
આજે પણ એવાં મંદિરોનું સર્વેક્ષણ કરવામાં આવે તો એ મંદિરોના પગથિયાં ચઢતાં લાખો લોકોના હૈયે કેવાં પવિત્ર પ્રેરણાઓના જળ સિંચાય છે, તેના પર અનેક મહાનિબંધો લખી શકાય. નવી દિલ્હીમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે રચેલા સ્વામિનારાયણ અક્ષરધામના એવા અનેક અનુભવોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. દર્શનાર્થીઓ તો ખરા જ, પરંતુ અહીં સેવા કરતા સેંકડો સ્વયંસેવકો પણ એવી નૈતિક ઊર્જાથી છલકાય છે.
હરીન્દર નામના સ્વયંસેવકનો છે. તેને 20,000 રૂપિયા હાથમાં આવ્યા અને તેના માલિક સુધી તે પાછા પહોંચી ગયા. ઉતારા વિભાગમાં સેવા આપતા નટુભાઈ પરમાર નામના સ્વયંસેવકને એક લાખ રૂપિયા મળ્યા હતા. સ્વયંસેવક હેમસંગને એક વખત 25,000 રૂપિયા રોકડા મળ્યા હતા, પરંતુ આ કર્તવ્યનિષ્ઠ સ્વયંસેવકોએ પરત કાઉન્ટર પર જમા કરાવ્યા અને અંતે મૂળ માલિકને હાથોહાથ પહોંચી ગયા.
અક્ષરધામના એકાઉન્ટ્‌સ વિભાગમાં સેવા આપતા અગ્રણી કાર્યકર હરીશભાઈ શાસ્ત્રીને, અક્ષરધામના સ્વાગત દ્વાર પાસે 27,500 રૂપિયાનું વોલેટ જડ્યું હતું. તેમણે અંદર રહેલા એક કાર્ડમાં ફોન નંબર વાંચીને સંપર્ક કર્યો અને સામાન્ય પૂછપરછ કરી તેટલામાં તો સામેવાળી વ્યક્તિ ક્ષણભર ગુસ્સે થઈ ગઈ, એમ કે અપરિચિત માણસ શા માટે આવી પૂછપરછ કરે છે ? પરંતુ સ્વામિનારાયણ અક્ષરધામનું નામ કાને પડ્યું એટલે સહકાર આપ્યો. તેમાંય જ્યારે તેમને ખબર પડી કે તેમના સગાની કોઈ ખોવાયેલી જણસ માટે સામેથી આ સંપર્ક થઈ રહ્યો છે, ત્યારે એકદમ ભાવ પલટાઈ ગયો ! આવું કંઈક વખત બન્યું છે.
ઘણી વખત તો પોતાની વસ્તુ પાછી મેળવતાં આ માલિકો ગદ્‌ગદ થઈ જાય છે, ક્યારેક તેમના મુખમાંથી ઉદ્‌ગારો સરી પડે કે આવું તો કળિયુગમાં દેવતાઓ જ કરી શકે ! ક્યારેક સાવ અજાણ્યા એ લોકો વિશેષ વિગતો જાણે, તેમને જાણ થાય કે આ પ્રામાણિકતાના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી જેવા મહાપુરુષ છે, ત્યારે તેઓ મનોમન એમને વંદન કરીને હૃદયપૂર્વક શ્રદ્ધાથી ઝૂકી રહે છે. ક્યારેક નાસ્તિક પણ આસ્તિક થઈ જાય છે, અશ્રદ્ધાળુ શ્રદ્ધાથી છલકાઈ જાય છે, શ્રદ્ધાળુ મહિમાના આનંદમાં ઝૂમી ઊઠે છે. તેઓ આ સ્વયંસેવકોને પૂછે છે : અમે કૃતજ્ઞતારૂપે તમને શું ભેટ આપી શકીએ ? અને ત્યારે સ્વયંસેવકોનો એક જ ઉત્તર તેમના કર્ણપટે ઝિલાય છે : ‘અમે પ્રમુખસ્વામી મહારાજના આદર્શો મુજબ આદર્શ સેવા કરી શકીએ, એવી અમારા માટે પ્રાર્થના કરજો, એથી વિશેષ કશું નહીં !’

પુણ્ય નાગરિક અને પુણ્ય અધિકારી!

ડો. એ.પી.જે અબ્દુલ કલામે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં તેઓને સંબોધીને કહ્યું હતું, 'સ્વામીજી, ભારતને સુવિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પુણ્ય નેતા, પુણ્ય અધિકારી અને પુણ્ય નાગરિકની જરૂરીયાત છે. નૈતિકતાના દુકાળ વચ્ચેઆપ વિશ્વમાં અસંખ્ય પૂણ્ય નાગરિકો તૈયાર કરી રહ્યા છો, તે આપનું અદ્વિતીય પ્રદાન છે.'
પ્રમુખસ્વામી મહારાજના હસ્તાક્ષર સમા એવા અનેક પુણ્ય નાગરિકો આજે સમાજમાં પ્રામાણિકતાની એક પ્રેરણાજ્યોત બની રહ્યા છે.
એવા એક પુણ્ય નાગરિક પુણ્ય અધિકારી બને છે ત્યારે એની નૈતિકતા વધુ પ્રબળ બનીને પ્રકાશે છે. એવા એક પુણ્ય અધિકારીની વાત કરવી છે.
સને 2005ની આ વાત છે. ગુજરાત રાજ્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના એક હિસાબી અધિકારી સમક્ષ કોમ્પ્યૂટર તાલીમ આપતી એક ધંધાદારીસંસ્થાના સૂત્રધારો આવ્યા. ખૂબ ચતુરાઈપૂર્વક વાત માંડીને તેમણે પોતાની યોજનાને કુંડાળે નાંખી.તેનો સાર એટલો હતો કે સરકારના એક ઠરાવનો મન ફાવતો અર્થ કરીને તેઓ સરકારના કરોડો રૂપિયા પોતાના કરી લેવા માંગતા હતા.
‘પણ ભાઈ, સરકારને એવો કરોડો રૂપિયાનો બોજો પડવા કેવી રીતે દેવાય ?’ તે સરકારી અધિકારીએ કહ્યું.
‘પણ સાહેબ, સરકારે ઠરાવ કર્યો જ છે તો થઈ જવા દો ને ! અને એમાં આપને પણ ફાયદો થાય ને !’ એ ધંધાદારીઓએ ખંધું હસીને કહ્યું.
‘કેમ ? મને શો ફાયદો ?’ સરકારી અધિકારીએ પૂછ્યું.
‘સાહેબ, તમને પણ રૂપિયા મળશે. બોલો, આપ ‘યસ’ કરી દો, આપને કેટલા ટકા જોઈએ ?’
‘તમે હમણાં જ ઊભા થઈ જાઓ. એટલે વાત પૂરી થઈ જાય.’
‘સાહેબ ! તમને ઓછા પડતા હોય તો તે રીતે કહો.’ એમ કહીને તેમણે લાખો રૂપિયાની એક ખૂબ મોટી રકમની લાંચની ઓફર કરી.
હવે સરકારી અધિકારીથી રહેવાયું નહીં. તેમની આંખોમાં જાણે એ એક વેચાઉં ચીજ હોય તેવો ભાવ દેખાયો, એટલે તે અકળાઈ ગયા : ‘તમે તાત્કાલિક જતા રહો ! સરકારના કરોડો રૂપિયા હું કોઈ સંજોગોમાં બગડવા નહીં દઉં અને તમે મને કોઈ પણ રીતે ખરીદી નહીં શકો. હું પ્રમુખસ્વામી મહારાજનો શિષ્ય છું.’ તેમનું મગજ તપી ગયું.
એટલે ધંધાદારીઓએ કહ્યું : ‘પણ સાહેબ, તમે જે કરી રહ્યા છો તેમાં તમને જ મુશ્કેલી થશે.’
‘જે થવું હોય તે થવા દો, પરંતુ હમણાં તો તમે અહીંથી જાઓ તેમાં જ તમારું સારું છે.’
એ ધંધાદારીઓને સ્વાર્થ એ જ જીવન હતું. એટલે તેમણે વિવેકના નામનું તો ક્યારનુંય નાહી નાંખ્યું હતું. તેમને નહોતી દેશની પરવાહ કે નહોતી નૈતિકતાના મૂલ્યોની પરવાહ. એટલે લુચ્ચું હસીને એ ઊભા થઈને જતા તો રહ્યા, પરંતુ વાત આટલાથી અટકી નહીં.
પછી શું બન્યું?


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS