Essays Archives

 શ્રીહરિ ભચાઉથી ચાલ્યા તે ફરી ભુજ આવ્યા. અહીંનાં બાઈ ભાઈ હરિભક્તોએ શ્રીહરિને કહ્યું કે 'વસંતપંચમી સમીપમાં આવી છે માટે તેનો ઉત્સવ અહીંયાં કરો ને કચ્છદેશના સર્વ હરિભક્તોને અહીં બોલાવો. આવો સમય વારંવાર આવે નહિ.' તેમનો ભાવ જોઈને શ્રીહરિ પ્રસન્ન થયા અને ઉત્સવ કરવાનું ઠરાવી કચ્છદેશમાં ગામોગામ ભુજમાં વસંતપંચમીના ઉત્સવ ઉપર આવવાને માટે હરિભક્તો ઉપર અથવા તે દેશમાં રહેતા સંતો ઉપર પત્રો લખ્યા.
પત્ર વાંચીને વસંતપંચમીને દિવસે અપાર હરિભક્તો આવ્યા. સૌને જેમ ઘટે તેમ ઉતારા આપ્યા. ઉતારા કરીને શ્રીહરિ દર્શન દેવા ત્યાં આવ્યા. અદûભુત મંડપ રચાવ્યો હતો. શ્રીહરિ આગળ અષ્ટદળ કમળની વેદી કરી સોનાનો કળશ તેમાં ધાર્યો હતો. કળશના મુખ ઉપર શ્રીફળ, દૂર્વા (ધરો), આંબાના મોર તથા પાંદડાં, વિચિત્ર રીતે ધાર્યાં હતાં. વિપ્ર વેદના મંત્રોનો ઉચ્ચાર કરતા હતા. જનો ફગવા, ખજૂર, ખારેક, ગુલાલ, અબીર વગેરેના થાળ ભરીને લાવતા. સંતજનો ઝાંઝ મૃદંગ સાથે વસંત વધાઈનાં પદ ગાઈ ઉત્સવ કરતા હતા. વિવિધ પ્રકારનાં કેસર, કેસૂડાં વગેરે રંગનાં માટલાં તથા સુવર્ણની બે પિચકારી શ્રીહરિ આગળ મૂકી હતી. બીજા જનો પણ સૌ રંગ ભરેલી પિચકારી લઈને ઊભા હતા. વસંતની પૂજા થઈ રહ્યા પછી શ્રીહરિની પૂજા કરી. પછી આરતી થઈ રહી ત્યારે સૌ જય જય બોલ્યા. રામદાસભાઈએ પ્રથમ શ્રીહરિ ઉપર પિચકારી ચલાવી. બીજા હરિભક્તોએ પણ એકેક પિચકારી રંગ ભરી છાંટ્યો. જેથી શ્રીહરિનાં વસ્ત્રો ભીંજાઈ ગયાં. ગુલાલની પોશો પણ શ્રીહરિ ઉપર સૌ નાખવા લાગ્યા. ત્યારે શ્રીહરિ ભક્તોને કહે કે 'તમે અમારે માટે રંગનાં ઠામ ભર્યાં છે એમાં કેટલાં અમારાં છે તે, અને કેટલાં તમારાં છે તે, અમારી આગળ લાવીને નક્કી કરો.' ત્યારે હરિભક્તો કહે કે 'આ બધોય રંગ અને સાજ તમારો જ છે, પણ આ સંત-હરિભક્તો સૌ તમારી પ્રસાદીનો રંગ લેવા આવ્યા છે, માટે તમે રંગની ધૂમ મચાવો.' ત્યારે શ્રીહરિ પીતાંબર લપેટી કમર કસી રંગે રમવા તૈયાર થયા. તેને જોવા માટે જાણે દેવતાઓ પણ વિમાનમાં બેસી આવ્યા. શ્રીહરિ રંગ ભરી ભરીને પિચકારીઓ એવી રીતે છાંટવા લાગ્યા કે રંગ વિના કોઈ ભક્ત રહે નહિ. બાઈઓની સભા જુદી હતી. વિવિધ વાજાં વાગતાં હતાં. નર્તકજનો નૃત્યથી ગાતા હતા. શબ્દે કરીને આખું ગગન ભરાઈ ગયું હતું. વસંત અને હોળીનાં પદ કે જેમાં શ્રીહરિનો મહિમા અને કીર્તિ આવે તેવાં ગાતાં હતાં. મતપંથી ઉપર કીર્તિ છાઈ રહે એવું વર્તન શ્રીહરિએ રખાવ્યું હતું.
હરિનો રંગખેલ દેખીને કેટલાક દૈવી જનોએ ફેલ છોડી દીધા અને શુદ્ધ થયા. શ્રીહરિએ કેસર, કેસૂડાં અને પતંગિયા રંગનાં બધાં ઠામ છાંટીને ખાલી કર્યાં. પછી ઝોળી ભરીને અબીર ગુલાલ ઉડાડવા લાગ્યા અને ભૂમિ તથા ગગન ગુલાલમય બની ગયું. શ્રીહરિના રંગનો જેના અંગે સ્પર્શ થયો તે સ્થાવર જંગમ પ્રાણીનાં પાપમાત્ર નાશ પામ્યાં. રંગ ઉડાડીને શ્રીહરિ હમીર સરોવર નાહવા ગયા. સંત-હરિભક્તોએ સહિત નાહ્યા તેથી સરોવરનું નીર પણ રંગરંગ થઈ ગયું. શ્રીહરિએ તેમાં હરિભક્તોના ચિંતન માટે જળક્રીડા કરી.
સરોવરમાં નાહીને નવાં વસ્ત્ર પહેરી હરિભક્તોની સાથે વાજતે ગાજતે તે કીર્તન ગાતા ઉતારે આવ્યા. ગંગારામ મલ્લે પ્રાર્થના કરી કે હુતાશની નજીક આવી છે, હરિભક્તોનો અતિ ભાવ છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, 'દસ દિવસ તેરા ગામ રહીશું પછી માનકૂવા જઈશું. અહીંયાં આવીને હુતાશની કરીશું.' એ સાંભળી સૌ પ્રસન્ન થયા.
શ્રીહરિ ભુજનગર પ્રત્યે આવ્યાની વાત સાંભળી બીજા ગામમાં રહેલા સંત હરિજનો ત્યાં આવી પહોંચ્યા. સભા કરવા માટે હરિભક્તોએ નવીન મંડપ બનાવ્યો. સંત ઊતર્યા હતા ત્યાં તે મંડપ રચ્યો હતો. અપાર શોભા કરી તેમાં હિંડોળો બાંધ્યો હતો. હુતાશનીને દિવસે કેસરી વસ્ત્ર પહેરી માથે ફૂલનો ખૂંપ મૂકી ફૂલના હાર, બાજુબંધ ધરી, ગુલાબી ગુચ્છ અને છડી હાથમાં ધારણ કરી અશ્વ ઉપર બેસીને શ્રીહરિ ત્યાં આવ્યા. ઘોડો પણ ફૂલથી શણગારેલો હતો. તે વખતની શોભાનું વર્ણન મારી અલ્પબુદ્ધિથી થઈ શકે તેમ નથી.
પુરજનોને દર્શન દેતાં શ્રીહરિ બજારમાં ચાલતા હતા. ઘરો ને દુકાનોમાં તથા મેડા ઉપર ઊભા રહીને પુરજનો દર્શન કરી ફૂલહાર અર્પણ કરતા હતા. સવારીમાં જેટલા જનો હતા તે બધા ફૂલથી ભરાઈ ગયા હતા. એ રીતે ધામધૂમ સાથે શ્રીહરિ સુંદરજીનો બાગ હતો ત્યાં આવ્યા. ત્યાં બાંધેલા મંડપમાં ફૂલનો હિંડોળો હતો તેના પર બેઠા. સંતો સૌ હોળીનાં પદ ગાઈ ઉત્સવ કરવા લાગ્યા. પુરવાસી જનોએ ભેગા થઈને શ્રીહરિ અને સંતો માટે રસોઈ કરાવી. શ્રીહરિ સેવો, પરશુલી વગેરે જમ્યાં. પછી મુખવાસ લઈને સંતને બોલાવ્યા ને મંડપના ચોકમાં રંગોળી પૂરી. પાટલા ઢાળેલા હતા તેના ઉપર બેસી સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા. સુંદરજી અને ગંગારામે હિંડોળા ઉપર બેઠેલા શ્રીહરિની કેસર ચંદન તથા ગુચ્છથી પૂજા કરી. પછી વાજતે ગાજતે આરતી ઉતારી સ્તુતિ કરી. પછી સંતોની પણ પૂજા કરી. શ્રીહરિએ સૌને સેવો પીરસી, ઘી, ખાંડ ખૂબ પીરસ્યાં. પાછલે પહોરે સંતો ઉત્સવ કરવા લાગ્યા.
રામદાસજીભાઈએ આનંદમુનિ પાસે કેસર-કેસૂડાંનો રંગ બનાવડાવ્યો. પુરના ભક્તજનો સામાન લાવ્યા. કસ્તૂરી ને કુમકુમના પણ રંગ કર્યા. મોટાં મોટાં અપાર ઠામ ભર્યાં.
રંગનો સામાન ભેગો કર્યો. રંગ મંડપ બનાવીને તેમાં મોટા હોજમાં રંગ ભર્યા હતા તેમાં જઈને શ્રીહરિ નહાયા. બાઈઓનો ભાવ જોઈને પ્રસાદીનો કરી આપ્યો. શ્રીહરિ કહે, 'વિધવા બાઈઓએ રંગ રમવો નહિ ને સધવા બાઈઓએ બે જૂથ કરવાં. એક રાધાનું ને બીજું રમાનું છે. એમ માની ભગવાનને સંભારી રંગ રમવો. આજે હરિનો રંગ ઉત્સવ છે, માટે રંગ રમીને હરિને રીઝવવા. જેને હરિ રીઝવવાનું તાન નથી અને રંગ રમે છે ને અપશબ્દ બોલે છે તે તો જમપુરીના અધિકારી છે. હરિભક્તોએ તો રંગ રમતાં કીર્તન જ ગાવાં, શ્રીહરિને સંભારવા. એટલા માટે તો વારંવાર ઉત્સવ કરીએ છીએ. બીજા જનો તો લોકલાજ તજીને વિવાહમાં અને હોળીમાં મુખે ફાવે તેમ બોલી પોતાના ભાવ પ્રગટ કરે છે. એ રીતે હેત દેખાડે છે. ભાંડ ભવાઈ, વિવાહ, હોળી ને દારૂના સંસર્ગમાં આવે તે ડાહ્યા હોય તોપણ પશુ જેવા થઈ જાય છે અને વર્ણાશ્રમ તથા નરનારીના વિવેકની બુદ્ધિ ગુમાવે છે. ભાંડ ભવાઈમાં તથા કેફી ચીજ વગેરે અસાર વસ્તુમાં હરિભક્ત હોય તે ક્યારેય પગ ધરે નહિ. વિમુખજન હોય તે જ તેમાં રસ માને છે.'
એમ વાર્તા કરીને શ્રીહરિ રંગમંડપમાં હિંડોળે આવીને બેઠા. પછી કેડે રેંટો કસીને રંગ રમવા તૈયાર થયા. શરણાઈ, રણશિંગા, ભેરી, ભૂંગળ, ઢોલ, ચોઘડિયાં, નોબત, પડઘમ વગેરે વાજાં વાગવાં લાગ્યાં. ગંગારામ, સંઘજી તથા વાલજી આદિ મલ્લ વિચિત્ર સ્વાંગ સજીને આવ્યા અને શ્રીહરિની સન્મુખ આવી પગે લાગ્યા. ગૃહસ્થાશ્રમી હરિભક્તોને તથા વણી, પદાતિને સંતોની બાજુ રાખ્યા. એક રંગનો ભરેલો હોજ પોતા તરફ રાખ્યો. બીજો સંતો તરફ રાખ્યો. રંગનાં ઠામ પણ અડધાં અડધાં વહેંચી લીધાં. પુરના હરિભક્તો પિચકારીઓ લાવ્યા તે પણ વહેંચી આપી. ગુલાલ અપાર હતો તે પણ વહેંચી લીધો. બહાર ગામથી આવેલા જે હરિભક્તો અબીર ગુલાલ લાવ્યા હતા તેમને બોલાવી શ્રીહરિએ ચરણકમળ આપ્યાં ને તેમનાં નામ પૂછ્યાં. સમય ઉપર જે વસ્તુ લઈને આવે તેના ઉપર શ્રીહરિ રાજી થતા. શ્રીહરિએ સંત-હરિભક્તને કહ્યું કે 'પ્રથમ રંગ ઉડાડીને પછીથી ગુલાલ ઉડાડવો. હોળીનો દિવસ જાણી મસ્તી ન કરવી. હોળીની રમતમાં કુબુદ્ધિ લોકો કોઈની લાજ રાખતા નથી. હરિભક્ત થઈને તેવું કરે તો વિમુખ ગણાય. હોળીનો દિવસ તોફાની કહેવાય છે અને તે નિમિત્તે જેવું અંતરમાં હોય તેવું બહાર બોલે છે. હરિભક્ત જો તેવું કરે તો તેની કિંમત થઈ જાય. માટે હરિભક્તે તે ભગવાનનાં ચરિત્ર વિનાના શબ્દો બોલવા જ નહિ. અંતરનો ભાવ હોય તે વર્તન ઉપરથી દેખાય છે. ડાહ્યા માણસો તરત પારખી લે છે.'
એટલી વાત કરી શ્રીહરિ રંગ રમવા આવ્યા. કેસરની પિચકારી ભરી સંતો ઉપર નાંખી. સંતો પણ 'હોળી, હે હોળી' એમ બોલી રંગની પિચકારી નાંખવા લાગ્યા. પરસ્પર રંગ નાખતાં, 'હોળી હે હોળી' એમ બોલતા. શ્રીહરિ પણ તેમ બોલતા. એમ પરસ્પર રંગની ઝડી વરસાવી તેથી સૌનાં વસ્ત્ર ને અંગ ભીંજાઈ ગયાં. વસંત જાણે મૂર્તિ ધરીને આવ્યો હોય તેમ શ્રીહરિ શોભવા લાગ્યા. સંત-હરિભક્તોની શ્રીહરિને રીઝવવાની રમત જોઈને દેવતાઓ ચકિત થયા અને તેઓએ પણ ખેલ કરી અલૌકિક લાભ લીધો. પુરમાં બીજા લોકો જે રંગ રમતા હતા તે પણ શ્રીહરિની રંગ ક્રીડા સાંભળી પુર બહાર આવ્યા ને રંગખેલ જોઈને તનનું ભાન ભૂલી ગયા અને બોલ્યા કે રંગની આવી રમત ક્યાંય દેખી નહિ. હરિભક્ત બાઈઓ પણ રાધા ને રમા એમ બે જૂથમાં લાજ મર્યાદા પ્રમાણે વસ્ત્રાભૂષણ ધારીને મુખે શ્રીહરિનાં ચરિત્ર ગાતાં ગાતાં રંગ ક્રીડા કરતી હતી. તેને જોઈને દેવાંગનાઓ પણ તે પ્રસાદીના રંગમાં આળોટવા લાગી. અને તેમનાં ભાગ્યની પ્રશંસા કરવા લાગી તથા પોતાને પણ આવું ભાગ્ય પ્રાપ્ત થાય તેમ ઇચ્છવા લાગી અને વિનંતી કરી કે તમારા પ્રતાપથી આજે શ્રીહરિનાં દર્શન થયાં. અમે તમારાં ચરણમાં મસ્તક નમાવીએ છીએ. એથી વધારે બીજું શું કહીએ ?
રંગક્રીડાનું ચરિત્ર જે સ્નેહથી સંભારે તેને નરક ચોરાશી મટી જાય છે, એમ જાણીને શ્રીહરિ આવી લીલાઓ કરે છે. અતિશય રંગથી ભૂમિ ઉપર કાદવ થઈ ગયો. હોજ અને ઠામ બધાં ખાલી થઈ ગયાં ત્યારે ગુલાલ ઉડાડ્યો. એટલો બધો ગુલાલ ઉડાડ્યો કે વૃક્ષ, પર્વત, પંખી, પશુ તથા મનુષ્યો, સર, સરિતા, સૌ ગુલાલથી રંગાઈ ગયાં. ભૂમિ પણ પ્રસાદીનો રંગ જાણી મનમાં ગુલતાન બની.
શ્રીહરિ રંગ રમ્યા પછી સૌની સાથે સરોવરમાં નાહવા ગયા. સંતો વસંતનાં પદ બોલી ઉત્સવ કરતા હતા. રંગમાં રસબસ થયેલા સૌ સરોવરમાં નહાયા અને અપાર જળક્રીડા કરી.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS