Essay Archives

અસ્મિતાનો પ્રથમ અમૃતકુંભ – ભગવાન શ્રી સ્વામિનારાયણ

સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી માટે પોતાના સંપ્રદાયની અસ્મિતા ત્યારે જ જાગે, જ્યારે તે પોતાના સંપ્રદાયને યથાર્થ ઓળખે. તો શું છે સ્વામિનારાયણ સંપ્રદાય ? આ પ્રશ્નના ઉત્તરની ટૂંકી ટિપ આપવી હોય તો આમ કહી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે -
એક તો ભગવાન સ્વામિનારાયણ સ્વયં. બીજું, આ સંપ્રદાયનાં શાસ્ત્રોમાં સંપ્રદાયનું તેજ ઝળકે છે. ત્રીજું, આ સંપ્રદાયના ભક્તો-પરમહંસોમાં સંપ્રદાયનું નૂર નીતરે છે. ચોથું, સંપ્રદાયનાં મંદિરોમાં સંપ્રદાય દર્શાય છે. પાંચમું, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે તેની નીતિ-રીતિ અને પ્રાણવાન પરંપરા.
આ પંચામૃતનું પાન જેટલું વધુ થાય તેટલી સ્વામિનારાયણ સંપ્રદાયની અસ્મિતા વધુ જાગે.

પ્રથમ અમૃતકુંભ : ભગવાન સ્વામિનારાયણ

ભગવાન સ્વામિનારાયણ વિશે અહોભાવ વ્યક્ત કરતાં વિખ્યાત ચિંતક કિશોરલાલ મશરૂવાલા લખે છે :
‘જે સમયે ગુજરાત-કાઠિયાવાડમાં અંધકાર છવાઈ રહ્યો હતો, તે વખતે પોતાના પ્રકાશથી અનેકનાં હૃદયોને પ્રકાશ પમાડનાર; અનેકનાં ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુવચને ચૂરેચૂરા થઈ જાય એવા સ્વવશ કરી મૂકનાર; કાઠી-કોળી જેવા અનેકની ચૌર્યવૃત્તિઓને ચોરી લેનાર; લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃ સ્થાપનાર; નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવલ કરનાર; અહિંદુને હિંદુ ધર્મમાં શામિલ કરનાર; શૂદ્રોને આચારશુદ્ઘિ શીખવનાર; સાહિત્ય, સંગીત તથા કળાના પોષક; અહિંસામય યજ્ઞના પ્રવર્તક; ક્ષમાધર્મના ઉપદેશક; શૌચ અને સદાચારના સંસ્થાપક; શુદ્ઘ ભક્તિમાર્ગ અને શુદ્ઘ જ્ઞાનમાર્ગના ચાલક; ભાગવત ધર્મના શિક્ષક તથા વ્યાસસિદ્ઘાંતના બોધક એવા શ્રી સહજાનંદ સ્વામી હતા... પોતાના કાળના પ્રસિદ્ઘ પુરુષોમાં સહજાનંદ સ્વામી સૌથી મહાન હતા. જો અવતારો પૃથ્વી ઉપર થતા હોય તો તેમને અવતાર સંજ્ઞા બેશક અપાય.’
કવિવર ન્હાનાલાલે 19મી સદીમાં ભારતમાં પ્રગટેલા ધર્માચાર્યોની સંતુલિત સમીક્ષા કરતાં કહ્યું છે :
‘19મી સદીમાં ભારતવર્ષે ચાર મહાન ધર્માચાર્યો પ્રગટ્યા. સહજાનંદ સ્વામી પછી ઈ.સ. 1830માં રામમોહનરાયે બ્રહ્મસમાજ સ્થાપ્યો. ઈ.સ. 1805-60માં રામકૃષ્ણ પરમહંસ થયા અને ઈ.સ. 1875માં દયાનંદ સરસ્વતી થયા. આ ચારેમાં સર્વથી અધિક વિજયસિદ્ઘિ કોણ સાધી ગયા ? ઇતિહાસના અક્ષરો ચોખ્ખા અને ઉઘાડા છે. દોડતાંય વંચાય એવા પ્રચંડ અને ભવ્ય છે. આબુ અને ગિરનારના પોતરાઓ જાણે હોય એવડાં શિખરબદ્ઘ મંદિરો; જોબન વડતાલો, ગેંદાલ વાત્રકિયો અને દેશ-પરદેશ લૂંટ વાળી લાવતાં કાઠીઓના વનરાજો; એમના ધર્મધીંગ સંત-મહંતના પુણ્યસૃજન; વર્ષાની હેલી સમ અઢળક કીર્તનો; ભેખધારી પરમહંસો, ત્યાગ, વૈરાગ્ય, સદાચરણ, સંસારશુદ્ઘિ - આ સૌ અનેક મુખે એક જ બોલ બોલે છે કે 19મી સદીના ભારતના પરમ ધર્માચાર્ય હતા - સ્વામી સહજાનંદ. તેમના જીવનકાળમાંની એમની વિજયસિદ્ઘિ હતી સર્વથી અધિક, અજોડ, અણમોલ.’
પ્રખ્યાત સાક્ષર શ્રી ચંદ્રવદન મહેતાએ ભગવાન સ્વામિનારાયણને આલેખતાં કહ્યું છે : ‘છેવટે ગુજરાત, સહજાનંદજીને યાદ કરશે તે સંત તરીકે નહીં, ધર્માચાર્ય તરીકે નહીં, સાહિત્યપ્રેરક તરીકે નહીં... પણ એમણે જનતામાંથી માંસ, દારૂ, વ્યભિચાર, અસત્ય ને ચોરી - એ પાંચ મુખ્ય બદીઓ દૂર કરી તેને માટે; એમણે ગુજરાતના પશુ જેવા માણસોને માણસો બનાવ્યા તેટલા માટે. સહજાનંદ સ્વામી ન હોત તો આપણે ગુજરાતને ‘ગરવી’ કહીએ એવું ન હોત. ગુજરાતમાં જે સદાચાર છે તેને સ્થાને એ જોવું ન ગમે તેવું ગંદું હોત. આજે જે ગુજરાતનું નામ સાંભળી આપણું હૈયું ઊછળે છે, તેને બદલે સહજાનંદ સ્વામી ન હોત તો ગુજરાતનું નામ સાંભળતાં આપણે શરમના માર્યા નીચું જોવું પડત.’
ન કેવળ ગુજરાતીઓ જ, પરંતુ ભગવાન સ્વામિનારાયણનાં જીવન અને કાર્યથી પ્રભાવિત થઈ તે સમયના અંગ્રેજોએ પણ સ્વામિનારાયણ ભગવાનનાં ચરણોમાં પ્રશંસાનાં પુષ્પો વેર્યાં હતાં. તેની સુગંધ આજેય ભગવાન સ્વામિનારાયણનો પરિચય આપી સંપ્રદાયની અસ્મિતાથી અનેકને તરબતર કરી રહી છે.
ભગવાન સ્વામિનારાયણને મળેલા ખ્રિસ્તી ધર્મગુરુ બિશપ હેબર તેઓ સાથેનો પોતાનો અનુભવ ટાંકતાં રોજનીશીમાં ટપકાવે છે : ‘How long a time elapses before any Christian teacher in India can hope to be thus loved and honoured!’ - ભારતમાં કોઈ ખ્રિસ્તી પાદરી આવી રીતે (ભગવાન સ્વામિનારાયણની જેમ) પ્રીતિપાત્ર અને સન્માનનીય થવાની આશા રાખી શકે એ પહેલાં કેટલો લાંબો સમય પસાર કરવો પડશે !
અંગ્રેજ લેખક હેનરી જ્યોર્જ બ્રિગ્સ તેના પુસ્તક ‘Cities of Gujrashtra’માં નોંધે છે : ‘The present undisturbed state of the country compared to its condition previously will speak volumes for him.’
અર્થાત્ અગાઉની પરિસ્થિતિની સરખામણીમાં દેશનું હાલનું શાંત વાતાવરણ એમના માટે (ભગવાન સ્વામિનારાયણ માટે) ગ્રંથોના ગ્રંથો રચશે.
અન્ય એક અંગ્રેજ લેખક સ્ટીવન ફ્યૂક્સ પણ ભગવાન સ્વામિનારાયણ વિષે જણાવે છે કે ‘The villages and districts which have received him and accepted his teachings soon became the best and most orderly in the province of Bombay.’
અર્થાત્ જે જિલ્લાઓ અને ગામોમાં તેઓ (ભગવાન સ્વામિનારાયણ) ફર્યા અને જ્યાં તેમના શિક્ષણનો સ્વીકાર થયો તે વિસ્તારો સત્વરે મુંબઈ પ્રાંતના શ્રેષ્ઠ અને સૌથી વધુ વ્યવસ્થિત શાંતિપૂર્ણ વિસ્તારો બની ગયા.
ઉપરોક્ત અવતરણો પરથી એક તારણ સ્પષ્ટ બંધાય છે કે ભગવાન સ્વામિનારાયણ એક અજોડ પ્રતિભા હતી. તેનું જેટલું જ્ઞાન થાય તેટલો સંપ્રદાયની અસ્મિતાનો પિંડ બંધાય.
આ ઉપરાંત, ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના સ્વભાવની જે વાતો કરી છે તે વાંચતાં પણ આપણું અંતર અસ્મિતાથી છલકાઈ જાય તેવું છે.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ- 13માં કહે છે : ‘મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે, આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચવિષય તેમાં હું મારા મનને બાંધવાને ઇચ્છું તોપણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચવિષય તથા નરસા પંચવિષય તે બેય સમ વર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમ વર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમ વર્તે છે. અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારાં વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાંખે તે બેય પણ સમ વર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈ અપમાન કરે તે બેય પણ સમ વર્તે છે. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બેય સમ વર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધાય હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિષે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો; જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા ને સોનામહોરની વાંસળી કેડ્યે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. અને મારે વિષે સદ્ઘર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિષે જ્ઞાન છે જે, ‘હું બ્રહ્મ છું,’ તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું. અને જે જે પદાર્થને વિષે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે.’
સ્થિતપ્રજ્ઞતા, સમતા, મમતા, અનાસક્તિ, અહંશૂન્યતા જેવા કૈંક ગુણો ભગવાન સ્વામિનારાયણમાં ઉત્કૃષ્ટ કક્ષાએ પ્રકાશતા હતા, તે ઉપરોક્ત વિધાન પરથી સમજાય છે.
વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 33માં તેઓ કહે છે : ‘જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના સમ છે. અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ.’ આવી તન-મનની અખંડિત સર્વશ્રેષ્ઠ પવિત્રતા ક્યાં મળે એવી છે?
વચનામૃત અમદાવાદ પ્રકરણ 6 અને 7માં તેઓ કહે છે : ‘આ સત્સંગને વિષે જે ભગવાન વિરાજે છે તે જ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે. ને પોતે તો અવતારી છે ને એ જ સર્વેના અંતર્યામી છે.’
‘...અમે એકલા જ તે સર્વ થકી પર એવું જે શ્રીપુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહિ.... સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા પણ હું જ છું, ને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજાયમાન છે.’
ભગવાન સ્વામિનારાયણે સ્વયં વર્ણવેલ પોતાના સ્વરૂપનો આવો મહિમા સંપ્રદાય પ્રત્યેની અસ્મિતા જન્માવે છે.
શ્રીજીમહારાજના અપ્રતિમ મુદ્રાકર્ષણ વિષે કવિવર ન્હાનાલાલ કહે છે : ‘વચનામૃતો, શિક્ષાપત્રી, સદ્ધર્મ પ્રણાલિકાઓ, કવિઓ, સદ્ગુરુઓ, ઉત્સવો, સમૈયા એ સકળ ધર્મસામગ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને સાગમટે સાંપડી એ સંપ્રદાયનાં ને દેશનાં ધન્યભાગ્ય. પણ એ સર્વ સંપત્તિઓ એક પલ્લામાં મુકાય ને બીજી એક સંપદ બીજા પલ્લામાં મુકાય તોય એ બીજા પલ્લાની દાંડી નમે, એવી એક મહાસંપદ સંપ્રદાયનાં બીજ રોપાતાં હતાં ત્યારે સંપ્રદાયમાં હતી. એ સંપત્તિ તે શ્રીજીનું મુદ્રા આકર્ષણ - Personal magnetism.’
શ્રીજીમહારાજની દંતપંક્તિ એવી સુંદર હતી કે તેનાં દર્શનથી ચાર વેદના ભણેલા દિનમણિ શર્મા પરમહંસની દીક્ષા લઈ સદ્. નિત્યાનંદ સ્વામી બની ગયેલા.
શ્રીજીમહારાજની ચાલ એવી સુંદર હતી કે તે જોઈને રાજકવિ ગજા ગઢવી પરમહંસદીક્ષા લઈ સદ્. પૂર્ણાનંદ સ્વામી બની ગયેલા.
તેઓનો વાંસો એવો સુંદર હતો કે તે જોઈને રોજીદ ગામનો એક કણબી સંસાર છોડી મધુસૂદનદાસ નામે ત્યાગી થઈ ગયેલો.
કવિ કાલિદાસે લખ્યું છે :
मानुषीषु कथं वा स्यादस्य रूपस्य सम्भवः।
न प्रभातरलं ज्योतिरुदेति वसुधातलात्।।
- જેમ તરલપ્રભાયુક્ત વીજળી માટીમય પૃથ્વીમાંથી ઉદય પામતી નથી, તેમ આવું અલૌકિક રૂપ પણ મનુષ્યમાં ક્યાંથી સંભવી શકે?
કાલિદાસની આ ઉક્તિ શ્રીજીમહારાજ માટે યથાર્થ ઠરે છે. મનુષ્યદુર્લભ દિવ્યતાના સાગર સમા શ્રીજીમહારાજ હતા.
આમ, શ્રીજીમહારાજ તેઓના સ્વભાવ અને સ્વરૂપથી તો અજોડ હતા જ, પરંતુ તેઓએ જે કાર્ય કર્યાં છે તેથી પણ તેઓની અદ્વિતીયતા જણાઈ આવે છે.
સ્ત્રીઓના શૈક્ષણિક ઉત્કર્ષની મશાલ પ્રગટાવનાર ભગવાન સ્વામિનારાયણ સૌપ્રથમ હતા.
નૈતિક, શૈક્ષણિક ઉન્નતિની સાથે જ મહિલાઓનો સામાજિક ઉત્કર્ષ સાધનાર પણ ભગવાન સ્વામિનારાયણ સૌપ્રથમ છે.
ઈશ્વરલાલ મશરૂવાલા કહે છે : ‘જે સમયે દરેક ધર્મ અને ધર્માચાર્ય સ્ત્રીને ઉતારી પાડતા; પુરુષને પોતાના ધર્મમાંથી, આત્મસાધનાની મહેચ્છામાંથી પાડી નાખવાના હેતુથી બનાવેલી જણાવી સર્વદા ત્યાજ્ય વર્ણવી નિંદા કરતા; તેવા કાળમાં આ સંપ્રદાયે સ્ત્રીનો દરજ્જો વધારનારો, તેને પુરુષના જેટલી સ્વતંત્રતા આપનારો ઉપદેશ ફેલાવ્યો. સ્ત્રીને સાધનામાંથી ભ્રષ્ટ કરનારી ન જણાવતાં તેના પ્રતિ પવિત્ર વ્યવહાર રાખવાનું જણાવ્યું.’
તેથી કિશોરલાલ મશરૂવાલા કહે છે : ‘સ્ત્રીઓને સમાજ તથા સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી તેમની ઉન્નતિ કરનાર સહજાનંદ સ્વામી હતા.’
આ ઉપરાંત, ભગવાન સ્વામિનારાયણે કરેલું સાત વર્ષનું વનવિચરણ પણ અદ્વિતીય છે. અગિયારથી અઢાર વર્ષની કુમળી વય દરમ્યાન એકલા, કાંઈપણ ચીજ-વસ્તુ સાથે લીધા વિના, ઉઘાડા પગે, ખુલ્લા શરીરે, - 40° ડિગ્રી સેલ્સિયશ તાપમાનથી લઈ + 40° ડિગ્રી સેલ્સિયશ તાપમાન ધરાવતા જુદા જુદા પ્રદેશોમાં, 12,000 કિ.મી.ની પગપાળા યાત્રા કરવી - તે તેઓના અતિ દિવ્ય સ્વરૂપની પ્રતીતિ કરાવે છે. આ વનવિચરણ દરમ્યાન તેઓને લાખો રૂપિયાની આવક ધરાવનારા મઠની મહંતાઈઓ તથા રાજ્ય અને રાજકુંવરીઓનાં પ્રલોભનો મળ્યાં પરંતુ તેઓ તેમાં લોભાયા નહીં. તેમજ વાઘ, સિંહ, સર્પ જેવાં હિંસક પ્રાણીઓ-જંતુઓ અને પિબૈક, કાલભૈરવ જેવા માનવભક્ષી રાક્ષસો મળ્યા છતાં તેથી તેઓ પાછા હઠ્યા નહીં. દુનિયાના પ્રત્યેક કિશોર (ટીનએજર) માટે આદર્શરૂપ બને તેવું શ્રીજીમહારાજનું આ વનવિચરણ પણ આપણને સ્વામિનારાયણીય અસ્મિતાથી તરબતર કરી મૂકે તેવું છે.
તેઓએ ગુરુ રામાનંદ સ્વામી પાસે માંગેલાં બે વરદાનો પણ એવાં જ અદ્ભુત છે.
ધર્મધુરા ધારણ કરતી વખતે તેઓએ ગુરુ પાસે માંગેલું કે ‘સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ; પણ સત્સંગીને તે થાઓ નહીં. અને સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ સત્સંગી અન્ન-વસ્ત્રે કરીને દુઃખી ન થાય, એ બે વર મને આપો.’ ભક્તોનાં દુઃખમાં આવી ભવ્ય ભાગીદારી દુનિયામાં કોઈએ નોંધાવી હોય તેવું ઇતિહાસમાં જોવા મળતું નથી. ભગવાન સ્વામિનારાયણના જીવનની આ અજોડ ઘટના આપણને સર્વાવતારીની પ્રાપ્તિથી ભરપૂર કરી મૂકે તેવી છે.
તેઓએ ચલાવેલું સમાધિ પ્રકરણ પણ તેઓના જીવનની એક એવી અજોડ ઘટના છે કે જે અન્યત્ર સાંભળવી અલભ્ય બની રહે ! સમાધિનો અદ્ભુત પ્રતાપ જોઈ અનેકને શ્રીજીમહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય થતો : (હરિલીલામૃત-5/6)
‘જ્યારે શ્રીહરિ પુરમાં પધારે, જેના સામું જુએ હરિ ત્યારે;
તેને સદ્ય સમાધિ તો થાય, ગોલોકાદિક ધામમાં જાય;
કોઈ વેપાર કરતાં વેપારી, કોઈ તોળતાં ત્રાજવાં ધારી;
કોઈ નામું-ઠામું લખનાર, થઈ જાય જોતાં શબાકાર;
આખા દેશમાં વિસ્તરી વાત, પ્રભુ પ્રગટ થયા સાક્ષાત્.’
ટૂંકમાં, શ્રીજીમહારાજનું રૂપ-સ્વરૂપ, ગુણવૈભવ, કાર્યકલાપ વગેરે સઘળું એવું અદ્વિતીય છે કે તે જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ અંતરમાંથી અસ્મિતાના ધોધ વછૂટવા માંડે.

Other Articles by સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS