Essays Archives

સનાતન ધર્મમાં ધ્યાન અને યોગની સાધનાનો મહિમા અનન્ય છે. આ સાધનામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિના ચિંતવનનું મહત્ત્વ સવિશેષ કહ્યું છે.
ભગવાનના સમગ્ર શ્રીઅંગના ધ્યાનની વિશદ છણાવટ કરીને અંતે પ્રસ્તુત લેખ ચરણારવિંદ તરફ દોરી જાય છે.

'સંવત ૧૮૭૭ના કાર્તિક વદ અષ્ટમીને દિવસ પાછલી પહોર એક રાત્રિ રહી ત્યારે શ્રીજી પરમહંસની ઓરડીયે પધાર્યા. પછે પરમહંસ સર્વે આવીને નમસ્કાર કરીને શ્રીજીને આસન નાંખી દઇને બેઠા. પછે શ્રીજી બોલ્યા જે, 'અમો અર્ધરાત્રીયે તમારે પાસે આવ્યા હતા. ત્યારે તમો સર્વે સુતા હતા. ત્યારે અમો પાછા ફરી ગયા, ને વારતા કરવી હતી તે દીનાનાથ ભટ્ટ પાસે કરી, પણ તમ પાસે વાત કર્યા વિના નિદ્રા આવી નહીં. માટે તમ પાસે આવ્યા. માટે આ જે તમને વાત કહેવી છે, તે વાત કોઇ પાસેથી સાંભળીને કહેતા નથી. અમો નજરે દીઠી તે વાત કહીએ છીએ. જ્યારે તમો સંધ્યાટાણે અમ પાસે બેસવા આવ્યા ત્યારે અમે એમ વાત કહી હતી જે, 'સર્વ શાસ્ત્રમાં એ જ નિર્ધાર છે. ને અમે પણ એ જ કહીએ છીએ જે કોઇ રીત્યે કરીને ભગવાનના સ્વરૂપમાં જીવની વૃત્તિ જ્યારે ચોટે ત્યારે જ જીવનું કારજ થાયે.'૧
-ભગવાન સ્વામિનારાયણનાં અપ્રકાશિત હસ્તલિખિત વચનામૃતોમાંથી તેમની અમૃતવાણીનો આ એક અંશ છે. 'ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની' તેમણે પ્રબોધેલી આ જ વાત પ્રકાશિત થયેલાં વચનામૃતોમાં પણ ઠેર ઠેર પડઘાય છે. ગઢપુરમાં સંવત ૧૮૭૬ના માગશર સુદ ચોથના દિવસે, સાંજના સમયે સાધુની જાયગામાં તેમણે કહ્યું હતું: 'ભગવાનના સ્વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખવી તેથી કોઇ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી.'૨
એક વખત પ્રેમાનંદ સ્વામીએ શિખાથી નખ સુધીનું શ્રીજીમહારાજની મૂર્તિના પ્રત્યેક અંગનું વર્ણન કરતાં ધ્યાનના સ્વરચિત પદો 'વંદું સહજાનંદ....' ગાયાં ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થઈ ઊઠ્યા હતા. વચનામૃત વદતાં તેઓ બોલ્યા હતા કે, 'આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત્‌પ્રણામ કરીએ. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહિ. અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તો પણ એ પરમ પદને પામ્યો જ છે'૩
આવા અનેક પ્રસંગોએ શ્રીજી મહારાજના મુખેથી તેમના સમકાલીન સંતો અને ભક્તોએ ભગવાનની મૂર્તિના ચિંતવનનો અપાર મહિમા સાંભળ્યો હતો. જ્યારે જ્યારે તેઓ ભગવાનની મૂર્તિના ચિંતવનનો મહિમા વર્ણવતા ત્યારે બુદ્ધિવાન સંતો તથા હરિભક્તો તે 'ભગવાનની મૂર્તિનું ચિંતવન' એટલે આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજના સ્વરૂપનું જ ચિંતવન- તેમ દૃઢપણે સમજતા. એક બીજા સાથેના ગોષ્ઠિ-વાર્તાલાપો દરમ્યાન પણ એ સંતો-ભક્તોનો મધ્યવર્તી વિચાર આ જ રહેતો. કોઇ કવિ કાવ્ય ગૂંથે અથવા પંડિત પરમહંસ શાસ્ત્ર રચે ત્યારે ભગવાન સ્વામિ-નારાયણના સ્વરૂપનું ચિંતવન જ એમનો કેન્દ્રવર્તી વિષય રહેતો.
સંપ્રદાયમાં રચેલા અનેક ગદ્ય-પદ્ય ગ્રંથોનું સાહિત્ય તેની સાક્ષી પૂરે છે. પ્રેમાનંદ સ્વામીએ રચેલા પદ્યગ્રંથ 'શ્રીહરિધ્યાનમંજરી' (વ્રજભાષા) તથા 'ધ્યાનચિંતામણિ' (ગુજરાતી ભાષા), શતાનંદ સ્વામી સંસ્કૃતમાં રચેલ 'શ્રીહરિધ્યાનાબ્જભાસ્કર', નિષ્કુળાનંદ સ્વામી રચિત 'શ્રીહરિસ્મૃતિ' તથા 'ચિŽચિંતામણિ', ઉત્તમચરણ સ્વામીએ રચેલ 'શ્રીહરિધ્યાનમંગલ' (સંસ્કૃત), નિર્ગુણદાસ સ્વામીએ રચેલ ધ્યાનામૃત (ગુજરાતી ગદ્ય), એભલ ખાચરના દરબારમાં બાપુ માંચા ખાચરે કરેલ શ્રીહરિની મૂર્તિના વર્ણનનું ‘अथ मनसि शनैः स्थितरत्वमाप्ते.....’ ધ્યાન સ્તોત્ર૪ વગેરે અનેક પ્રકારનું સાહિત્ય સંપ્રદાયમાં પ્રસિદ્ધ પામ્યું છે.
ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ તેમની મૂર્તિના ધ્યાનમાં લીન રહેનારા હજારો ભક્તો ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિએ વિરાજમાન હતા. અહીં એ ધ્યાનયોગની વિશેષ વાતો સમજીએ.
ધ્યાન અને યોગની સાચી વ્યાખ્યા
સાધારણ રીતે સિદ્ધાસન વાળી, પ્રાણને બ્રહ્મરંધ્રમાં ચડાવી, યોગસાધના દ્વારા ઇન્દ્રિયોની વૃત્તિને પાછી વાળી હૃદય સન્મુખ કરવા માટે ઘણા મુમુક્ષુઓ જગતમાં મથતા હોય છે. આવા મુમુક્ષુઓને જ સિદ્ધયોગી સમજી સાધારણ જનતા તેમને પૂજવા લાગે છે. તેવા યોગીઓ પણ ક્યારેક આસન અને પ્રાણાયામના પ્રયોગો બતાવીને યોગી હોવાનો દાવો સમાજ આગળ ધરે છે.
પરંતુ ભગવાન સ્વામિનારાયણના મતે આ પ્રકારનું ધ્યાન આધ્યાત્મિક ઊર્ધ્વગતિ માટે આવશ્યક નથી. તેમના મતે તો ભગવાનમાં મનની વૃત્તિ જોડાઈ જાય તે જ સાચું ધ્યાન અને તે જ સાચો યોગ છે. વસ્તુતઃ યોગદર્શનની પ્રતિજ્ઞા જ એ છે કે, 'योगश्र्चित्तवृत्तिनिरोघः'૫ ચિત્તની વૃત્તિનો નિરોધ થાય તે જ યોગ.
પંચરાત્ર શાસ્ત્રની અહિર્બુધ્ન્ય સંહિતા આ સૂત્રને સબીજ ધ્યાનમાં ફેરવતાં કહે છે કે, 'संयोगो योग इत्युक्तो जीवात्म-परमात्मनोः'૬ જીવાત્મા અને પરમાત્માનો દૃઢ સંબંધ થાય તે જ સાચો યોગ છે. આવી રીતે યોગદર્શનનું સાધ્ય સ્વયં યોગવિદ્યા નથી પરંતુ સાધ્ય પરમાત્મા છે. યોગવિદ્યા તો માત્ર સાધન છે. આ વિવેક જાણ્યા વગર સાધક થોડાં ઘણાં આસનો અને પ્રાણાયામના પ્રયોગો કરીને સાચો યોગી બની શકતો નથી. ભગવાન સ્વામિનારાયણ તેથી જ જણાવે છે કે, 'જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનનો સ્વરૂપમાં જોડાઇ તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઇ ગયો.'૭
માત્ર ચૌદ વર્ષની ઉંમરે ભગવાન સ્વામિનારાયણે પૂર્ણ અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. આમ છતાં તેમણે પોતાના અનુયાયી સમુદાયને અષ્ટાંગ યોગની હઠસાધના પર ચઢાવવાને બદલે યોગની ઉપરોક્ત વિશિષ્ટ અને અદ્વિતીય સાધનાનો જ સૌને બોધ આપ્યો હતો. એટલે જ તેમના સમયથી જ આ સંપ્રદાયમાં આધ્યાત્મિક સાધના માટે આસન, પ્રાણાયામ વગેરે કવાયતો કરતાં ભગવાનની મૂર્તિનું ચિંતવન જ સવિશેષપણે મુખ્ય રહ્યું છે. સંપ્રદાયના ભક્તિસાહિત્ય ઉપરાંત તત્ત્વચિંતનમાં પણ ભગવાનના પ્રત્યેક અંગને ધારી ધારીને નીરખવા પર વારંવાર ભાર અપાયો છે. શ્રીહરિલીલાકલ્પતરુમાં તો કહે છે કે, ભગવાનના જમણા ચરણના અષ્ટકોણ ચિŽનાં ધ્યાનથી જ અષ્ટાંગયોગ સિદ્ધ થઇ જાય છે અને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચી જવાય છે.૮
આથી જ ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સંતો-ભક્તો ભગવાન સ્વામિનારાયણના શ્રીઅંગનું જ ધ્યાન ધરવાની શ્રેષ્ઠ સાધનામાં લાગી ગયા હતા. અને એ સાધનામાંથી જ તેમણે દિવ્યતાનો સાક્ષાત્કાર કર્યો હતો. હકીકતે, ભગવાનના સમસ્ત શ્રીઅંગમાં દર્શાતાં અનેક તિલો અને ચિŽùમાંથી ફક્ત ચરણારવિંદના એક જ ચિŽને સમગ્ર યોગદર્શનના ધ્યેયની સિદ્ધિ આપનાર કહેવું તે ફક્ત મહિમામૂલક જ નથી પરંતુ પરમહંસોના અનુભવમૂલક સિદ્ધાંત હતો.
મૂર્તિના ચિંતવનની રીત
સંપ્રદાયમાં ધ્યાન કઇ રીતે કરવું તેની પણ જ્ઞાનસભર રીત ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવી છે. તેઓએ ધ્યાનનો અત્યંત મહિમા વર્ણવી ધ્યાન કરવાની રીત દર્શાવતાં કહ્યું છે કે,
ब्रह्माऽहं परमं ब्रह्म श्रीहरिर्मेऽस्त्यघीश्वर।
हृद्येवं भावयन्नित्यं ध्यायेन्मां तत्त्वविन्मुदा॥૯
અર્થાત્‌ 'હું અક્ષરબ્રહ્મ છુ _ અને પરંબ્રહ્મ શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણ મારા ઇષ્ટદેવ છે' તેમ હૃદયમાં ભાવના કરીને તત્ત્વવેત્તાએ દરરોજ મારું ધ્યાન કરવું જોઇએ.
ધ્યાનના મહાન્‌ અભ્યાસી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે, 'પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેને જીતીને, વશ કરીને, પિંડ, બ્રહ્માંડ ને પંચવિષય તેમને જડ, દુઃખ, તુચ્છ, નાશવંત ને વિષ્ટારૂપ જાણીને ત્યાગ કરીને; સત્‌, ચિદ્‌, આનંદ, સૂક્ષ્મ ને નિર્ગુણ એવું જે પોતાના જીવાત્માનું સ્વરૂપ તેને જાણીને ને તે જીવાત્મા રૂપ (બ્રહ્મરૂપ) થઈને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું.'૧૦ આવા ધ્યાનના અભ્યાસી પરમહંસો ઘણા હતા. સંપ્રદાયમાં ધ્યાનની જેમ લીલાચરિત્રોની સ્મૃતિ દ્વારા પણ મૂર્તિના ચિંતવનની સરસ રીત જોવા મળે છે.
ભગવાન સ્વામિનારાયણના સમયમાં ૩૦૦૦ જેટલા ત્યાગાશ્રમી સંતો-પરમહંસો હતા. આમાંથી ઘણા ખરા સંતો સત્સંગ પ્રચાર-પ્રસાર અર્થે સમગ્ર ભારતવર્ષમાં ઘૂમતા. જ્યારે સંતમંડળો ભેગાં થાય ત્યારના એક પ્રસંગનું વર્ણન કરતાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે, સંતો ખાતા, પીતા, સૂતા સ્વપ્નમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અને લીલાઓનું જ મનન કરતા હતા, તેનાથી ધન્ય થઈને દિવસભર આનંદમાં રમમાણ રહેતા અને રાત્રે સૂતા હોય તો ઝ બકીને જાગીને પોતાને ધન્ય ધન્ય કહેવા લાગતા. ધ્યાનમાં કેવી રીતે મૂર્તિને દેખતા તેનું વર્ણન તેમના જ શબ્દોમાં માણીએઃ
ક્યારે દેખે છે જરકસી વાઘે, શાલ દુઃશાલ કસુંબી પાઘે.
ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, ક્યારે દેખે રંગડામાં રાતા;
ક્યારે દેખે નાખતા ગુલાલ, કર પિચકારી કરે ખ્યાલ.
ક્યારે દેખે અશ્વે અસવાર, ક્યારે લેતા લટકેશું હાર;
ક્યારે દેખે પંગતમાં ફરતા, લઇ મોદક મનવાર્યું કરતા.
ક્યારે દેખે ચંદનની ખોરે, ક્યારે દેખે ઝ ñલતા હિંડોરે;
ક્યારે દેખે કપૂરની માળ, ક્યારે દેખે પૂજ્યા છે મરાલ.
એમ અનેક રીત્યે અલબેલો, આવી ધ્યાનમાં છેલછબીલો.૧૧

મૂર્તિનું ધ્યાન અને ઊર્ધ્વગતિ
સંપ્રદાયમાં ભગવાનની મૂર્તિનું ચિંતવન મુખ્ય સાધના બની ગયું હતું. મૂર્તિના ચિંતવનથી કયા અંગના ચિંતવનથી કેવા દિવ્ય ગુણ પ્રાપ્ત થાય છે અને દોષો નાશ પામે છે તેનું પણ ખૂબ સુંદર વર્ણન સાંપ્રદાયિક શાસ્ત્રોમાં સ્વાનુભવે લખાયું છે.
તેના વિસ્તૃત વર્ણનમાંથી થોડો આસ્વાદ માણીએ.

શ્રીઅંગ  ગુણ આગમન  દોષનાશ
ચરણારવિંદ  શમ, દમ   લોભ અને કામ
પાની  જ્ઞાન, સત્ય     અજ્ઞાન, કપટ        
ઢીંચણ  વૈરાગ્ય, કોમળપણું રાગ, કઠોરપણું
સાથળ આરોગ્ય, સુખ દુઃખ, શોક
નાભિ   નિઃસ્પૃહપણું, મંગળ સ્નેહ, પાપ
ઉદર ત્યાગ, નિગ્રહ રસાસ્વાદ, જુ ગારવૃત્તિ
બે સ્તન યોગ, ધર્મ  અધર્મ, દ્વેષ
બે કાંડા તેજ, પ્રસાદ  અહંકાર, અવિશ્વાસ
બે ખભા કરુણા, સામ્ય હિંસા, ભેદ
કંઠ  સામ, દામ  અસૂયા, ક્રોધ
દાઢી  મૌન, ગુણગ્રહણપણું  નિંદા, દંભ
નાસિકા  નિર્માનીપણું,  
ક્ષોભરહિતપણું 
સ્વશ્લાઘા,
પંચવિષયમાં આસક્તિ


કોષ્ઠકમાં દર્શાવેલ શ્રીઅંગો સિવાય બે કાન, બે નેત્ર, બે ભૃકુટિ, ભાલ વગેરે ઘણાં અંગોનું ધ્યાન અને તેનું ફળ અહીં દર્શાવેલ છે.૧૨ આમ ભગવાનનું ધ્યાન તે જ જાણે સમગ્ર સાધના બની જાય છે.

આમ સંતો મહિમાની ખુમારીથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના ચિંતવનમાં જ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરતા. શાંતચિત્તે માળાજાપ કરતાં કરતાં પણ ધ્યાનમાં તો ભગવાનનું સ્વરૂપ જ રહેતું.
મુક્તાનંદ સ્વામી મૂર્તિના ચિંતવન સાથે દરરોજ એકાવન માળા કરતા હતા. એક વખત મહારાજની પાસે પોતે કઇ રીતે મૂર્તિના ચિંતવન સાથે માળાજાપ કરે છે તે મહારાજની જ આજ્ઞાથી જણાવેલું. શ્રીજી મહારાજે તે જ વિચારને કીર્તનમાં ઢાળવા આજ્ઞા કરી હતી. તેમણે 'ભજો ભાવ શું અખંડ જપમાળા રે' આ ધ્રુવપંક્તિ સાથે કીર્તન રચ્યું જેમાં ભગવાનના પ્રત્યેક અંગનું સ્મરણ કરતાં ચિંતવનની રીત વર્ણવી છેઃ
જુ ગલ ચરણ : બે ચરણમાંના સોળ ચિŽù સંભારતાં સંભારતાં, બે પગની મળીને દસ આંગળીઓ હૃદયમાં ધારીને દસ માળાઓ ફેરવવી.
ફણા : બંને ચરણની આંગળીઓનાં નીચેના ભાગને 'ફણા' કહેવાય છે. તે ચરણની બે ફણાઓ હૃદયમાં ધારીને બે માળાઓ ફેરવવી.
ગુલ્ફ : ચરણની પાનીઓને ગુલ્ફ કહેવાય છે. હૃદયમાં તે ધારીને બે માળાઓ ફેરવવી.
જંઘા : સાથળને જંઘા કહે છે. તે સ્મરતાં બે માળાઓ ફેરવવી.
નાભિ : દુંટીને હૃદયમાં ધારીને બે માળાઓ ફેરવવી.
ઉદર : પેટનું સ્મરણ કરીને બે માળાઓ ફેરવવી.
ભુજ : બે હાથને હૃદયમાં ધારીને બે માળાઓ ફેરવવી.
કર : બે હાથની કુલ દસ આંગળીઓને હૃદયમાં ધારીને દસ માળાઓ ફેરવવી.
ચિબુક : હડપચીને ચિબુક કહેવાય છે તે હૃદયમાં ધારીને બે માળાઓ ફેરવવી.
મુખારવિંદ : મુખારવિંદને હૃદયમાં ધારીને ચાર માળા ફેરવવી.
નાસિકા : નાક-નાસિકાને હૃદયમાં ધારીને એક માળા ફેરવવી.
શ્રવણ : કુંડળયુક્ત બે કાનને ધારીને બે માળાઓ ફેરવવી.
ઊર્ધ્વરેખા : બે ચરણની ઊર્ધ્વરેખાને હૃદયમાં ધારીને બે માળા ફેરવવી.
કંઠ : કંઠને હૃદયમાં ધારીને એક માળા ફેરવવી.
ભૃકુટિ : બે નેત્રની ઉપર ને કપાળના નીચલા ભાગ પર રોમ છે તે ભૃકુટિ (ભ્રમર) કહેવાય છે, તેની બે માળાઓ ફેરવવી.
ભાલ : ભાલ અર્થાત્‌ તિલકચંદ્રક ધારણ કરેલા કપાળપ્રદેશનું સ્મરણ કરીને એક માળા ફેરવવી.
મસ્તક : તોરા સહિત પાઘ ધારણ કરેલા મસ્તકની સ્મૃતિ કરતાં એક માળા ફેરવવી.
આમ, મુક્તાનંદ સ્વામી કુલ ૪૮ માળા તથા અન્ય મળી તેઓ ૫૧ માળા કરતા.
ધ્યાનસાધનામાં ચરણારવિંદની મહત્તા
ધ્યાન અંગેના સમગ્ર સાહિત્યમાં સૌથી પ્રથમ ચરણારવિંદના ધ્યાનથી જ વાત આરંભ થાય છે. ભગવાનની આરતી કરતી વખતે પણ દીવાની જ્યોત પ્રથમ ભગવાનનાં ચરણારવિંદને કેન્દ્રમાં રાખીને જ ફેરવવી તેમ લખાયું છે. શાસ્ત્રોમાં પૂજાના મૂળરૂપે પણ ભગવાન અને સંતનાં ચરણારવિંદ જ કહ્યા છે. ચરણારવિંદનું સ્થાન સમસ્ત શ્રીઅંગમાં કંઇક અનેરું છે. જો કે ભગવાનની મૂર્તિને વચનામૃત પંચાળાના સાતમાં સાકરની પૂતળી સમાન કહી છે, જેથી તેમાં અમુક અંગ શ્રેષ્ઠ અને અમુક અંગ કનિષ્ઠ આવુ કહેવાનો કોઇ અવકાશ નથી. આમ છતાં સમગ્ર શ્રીવિગ્રહના આધાર સમાન, ભક્તોના નિર્માનીપણાનાં પ્રતીક સમાન ચરણારવિંદ જ છે તેથી તેનો મહિમા કંઇક અધિક છે. શ્રીજી મહારાજે ચરોતરના પાટીદારોને કહ્યું હતું કે, 'વિરાટ બ્રહ્માએ પચાસ વરસ અને દોઢ પહોર સુધી સ્તુતિ કરી ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી પર આવ્યાં છે.'૧૩ અહીં ચરણારવિંદ જ સમગ્ર શ્રીઅંગનું પ્રતિનિધિત્વ કરે છે. આથી જ ચરણપૂજાથી સમગ્ર શ્રીઅંગ પૂજાઇ ગયું તેમ શાસ્ત્રકારો કહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ચરણારવિંદની પૂજા, ધ્યાન, ચિંતનનું વર્ણન પણ વિશેષ મળે છે.
શ્રીહરિનાં ચરણારવિંદની વિશેષ મહત્તા તથા તેનાં દિવ્ય ચિŽùની વિગતો હવે પછીના લેખમાં રજૂ કરી છે.


ફૂટનોટ :
૧. વચનામૃત જુ નો ખરડો, હસ્તપ્રત, ૬૩૬, પૃ.૩૩.
૨. વચ.ગ.પ્ર. ૧.
૩. વચ.ગ.મ. ૪૮.
૪. સત્સંગિજીવન ૨/૨૫/૧૫-૨૮.
૫. યોગસૂત્ર ૧/૧.
૬. અહિર્બુધ્ન્યસંહિતા ૩૧/૧૫.
૭. વચ.ગ.પ્ર. ૨૫.
૮. શ્રીહરિલીલાકલ્પતરુ ૩/૬૩/૬.
૯. દુર્ગપુરમાહાત્મ્ય ૭૮/૫૧.
૧૦. સ્વામીની વાતો ૭/૩૦.
૧૧. ભક્તચિંતામણિ ૬૯/૪-૮.
૧૨. શ્રીહરિલીલાકલ્પતરુ ૩/૬૪.
૧૩. સ્વામીની વાતો ૭/૧૮.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS