Essays Archives

શ્રીકૃષ્ણ કહે છે -

'मनुष्याणां सहस्रेषु कश्र्चिद्‌ यतति सिद्धये।
यततामपि सिद्धानां कश्र्चिन्मां वेत्ति तत्त्वतः॥'

હે પાર્થ! હજારોમાં કોઈ એકાદ સિદ્ધ દશા માટે પ્રયત્ન કરે છે. અને વળી તે સિદ્ધ દશા માટે પ્રયત્ન કરનારાઓમાં પણ કોઈ એકાદ મને તત્ત્વે કરીને જાણે છે. (ગીતા ૭-૩)
વાત તદ્દન સાચી છે. યોગસાધના કરવી સહેલ બાબત નથી. પરંતુ ભગવાન તે યોગનું લક્ષ્ય છે એમ સમજી સાધના કરવી એથી પણ અઘરું છે. તેમાંય વળી એ ભગવાનના પ્રગટ સ્વરૂપને ઓળખી, આ પ્રત્યક્ષ નારાયણસ્વરૂપ જ યોગનું પરમ લક્ષ્ય છે એ બાબત તો લોઢાના ચણા ચાવવા જેવી બની જાય છે. શ્રીકૃષ્ણ ભગવાનનું જ ઉદાહરણ લઈએ. તેઓ તો પોતે ભગવાનનો અવતાર હતા. છતાં તેમને આ તો એક સામાન્ય ગોવાળિયો છે એમ માનનારા તે જ સમયમાં ઓછા ન હતા. મધુ નામના દૈત્યને શ્રીકૃષ્ણે માર્યો હતો. આ એક હકીકત હતી. તેથી તેઓ મધુસૂદન નામે પ્રખ્યાત પણ થયા હતા. છતાં તેમનું આ સામર્થ્ય તે વખતે ઘણાને ન સમજાયું, ન મનાયું. તેથી તેઓ કહેતા કે આ કૃષ્ણે કોઈ મધુ નામના દૈત્યને માર્યો જ નથી. એણે તો મધના પૂડા ઉખાડ્યા છે તેથી મધુસૂદન કહેવાય છે. આમ ભલભલા તેમને ઓળખવામાં ભૂલા પડેલા. તેથી ભગવાનને કહેવું પડ્યું - यततामपि सिद्धानां कश्र्चिन्मां वेत्ति तत्त्वतः॥ મને યથાર્થપણે તો કોઈક જ જાણે છે. (ગીતા ૭-૩)

रहस्यं ह्येतद्‌ उत्तमम्‌ - યોગ એ જ ઉત્તમ રહસ્ય

આથી જ તો ચતુર્થ અધ્યાય આ યોગને અંગત રહસ્ય તરીકે પ્રસ્થાપિત કરે છે. ભગવાને પાર્થને કહ્યું - 'इमं विवस्वते योगं प्रोक्तवान्‌ अहमव्ययम्‌।' હે અર્જુન, આ અવિનાશી યોગની સમજણ પહેલાં મેં જ વિવસ્વાન કહેતાં સૂર્યને સંભળાવેલી. (ગીતા ૪-૧) અને ત્યાર બાદ આ લોકમાં તે પ્રવાહિત પણ થતી રહી, પરંતુ સમય જતાં આ યોગની સમજણ ક્ષીણ થતી થતી નાશ પામી ગઈ. તેથી જ તો स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः। (ગીતા ૪-૩) આજે એ જ પુરાતન યોગનું રહસ્ય મેં તને સમજાવ્યું છે. સમજાવી રહ્યો છુ _. કારણ કે, भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतद्‌ उत्तमम्‌॥ તું મારો ભક્ત છે અને પ્રિય સખા છે તેથી આ ઉત્તમ રહસ્યમય યોગ તને સમજાવ્યો છે. (ગીતા ૪-૩)
ખરેખર, સ્વરૂપનિષ્ઠાની વાત અંગત વાત છે. અંગત વાત અંગત હોય તેને જ કહેવાય, બીજાને તે ન સમજાય. ન મનાય. વળી, ક્યારેક અવળું પણ પડે. પરંતુ અર્જુન ભક્તહૃદય હતો. શ્રીકૃષ્ણમાં તેને અપરંપાર અનુરાગ હતો. આ અનુરાગ સખાભાવ રૂપે, મિત્રતા રૂપે અભિવ્યક્ત થતો. વળી, તેની આ મિત્રતા સામાન્ય માનવી જેવી ન હતી. તે સંપૂર્ણ દિવ્યભાવથી રંજિત થયેલી હતી. તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન તેને અંગત રહસ્યમય યોગ કહેતા સંકોચાયા નહીં. अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन्‌। (ગીતા ૪-૬) હે પાર્થ! 'હું અજન્મા છુ _. કહેતાં પ્રારબ્ધવશ મારો જન્મ નથી. હું અવિનાશી છુ _ અને જીવપ્રાણીમાત્રનો નિયામક છુ _.' આ શબ્દોમાં ત્યાં યોગ સમજાવવામાં આવ્યો છે.

नित्ययुक्ता उपासते - સાચો યોગી એટલે સાચો ઉપાસક

નવમા અધ્યાયના શબ્દોનો પણ અહીં વિચાર કરવા જેવો છે. યોગસાધનાનો ત્યાં ચિતાર અપાયો છે. યોગાભ્યાસની પદ્ધતિ દર્શાવાઈ છે. શ્રીકૃષ્ણ કહે છે -

'सततं कीर्तयन्तो मां यतन्तश्र्च दृढव्रताः।
नमस्यन्तश्र्च मां भक्ता नित्ययुक्ता उपासते॥'

સદાય યોગમાં રમમાણ રહેનાર ભક્તો સતત મારા ગુણોનું કીર્તન કરતા હોય છે. મારી પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ હોય છે. પોતાનાં વ્રતોમાં દૃઢતા ધારી રહ્યા હોય છે. સતત નમતા રહે છે અને આ બધું કરતાં કરતાં મારી ઉપાસના કરે છે. (ગીતા ૯-૧૫) 
સાચો યોગી એટલે સાચો ભક્ત. સાચો યોગી એટલે સાચો ઉપાસક એમ આ વચનોનો મર્મ છે. આઠમા અધ્યાયના સૂરોમાં પણ આ ધ્વનિ જ પડઘાઈ રહ્યો છે. ભગવાને કહ્યું 

'अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः।
तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः॥'(ગીતા ૮-૧૪)

યોગ સાધતાં શીખવું એટલે પ્રત્યક્ષ ભગવાનમાં ચિત્ત પરોવતાં શીખવું. એકચિત્ત થતાં શીખવું. સદાય તેમને સંભારવા. આ રીતે યોગાનુષ્ઠાન કરનારો સહેલાઈથી ભગવાનનો સાક્ષાત્કાર પામે તેવું આ શ્લોકમાં વરદાન પણ મળ્યું છે.
બારમા અધ્યાયનું પણ પ્રમાણ લઈએ. ત્યાં સર્વશ્રેષ્ઠ યોગીનું લક્ષણ બતાવ્યું છે. શ્રીકૃષ્ણે કહ્યું -

'मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते।
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः॥'

જે યોગીઓ મારામાં મન પરોવીને, પરમ શ્રદ્ધાથી યુક્ત થઈને મારી ઉપાસના કરે છે તે જ મારે મન યુક્તતમ કહેતાં સર્વોત્તમ યોગી છે. (ગીતા ૧૨-૨)

 

यत्र योगेश्वरः कृष्णः - જ્યાં યોગના ઈશ્વર ત્યાં બધુંય

હવે ગીતાગ્રન્થની સમાપ્તિ વેળાએ સંજયે ઉચ્ચારેલા શબ્દો જોઈએ. સંજય કહે છે -

'व्यासप्रसादात्व्छ्रुतवान्‌ एतद्‌ गुह्यमहं परम्‌।
योगं योगेश्वरात्‌ कृष्णात्‌ साक्षात्‌ कथयतः स्वयम्‌॥'

અર્થાત્‌ શ્રીવ્યાસજીની કૃપાથી દિવ્ય દૃષ્ટિ પામીને મેં આ પરમ રહસ્યમય યોગ સ્વયં યોગના ઈશ્વર એવા શ્રીકૃષ્ણ થકી સાક્ષાત્‌ સાંભળ્યો છે. (ગીતા ૧૮-૭૫) એટલે હું તો કહું છુ કે -

'यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो घनुर्घरः।
तत्र श्रीíवजयो भूतिर्घ्रुवा नीतिर्मतिर्मम॥'

જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે. જ્યાં ધનુર્ધારી અર્જુન છે, ત્યાં શ્રી, વિજય, સંપત્તિ, અચળ નીતિ વગેરે બધું જ છે એવું મારું માનવું છે. (ગીતા ૧૮-૭૮)
આમ बुद्धिर्योगे त्विमां शृणु  હે પાર્થ! હવે તું યોગનો ઉપદેશ સાંભળ (ગીતા ૨-૩૯), એમ બીજા અધ્યાયના ઓગણચાલીસમા શ્લોકથી આરંભાયેલો યોગોપદેશ यत्र योगेश्वरः कृष्णः (ગીતા ૧૮-૭૮) એમ ગીતાના અંતિમ શ્લોક સુધી એકધાર્યો ચાલ્યો આવે છે. સાદ્યંત તે યોગને સ્પષ્ટ કરે છે.

ઉપસંહાર

ભગવદ્‌ગીતાનાં ઉપરોક્ત વાક્યોનું ચિંતન કરતાં એટલું તો અવશ્ય સમજાઈ જશે કે ગીતાનો યોગ શબ્દ સંપૂર્ણપણે ભગવન્નિષ્ઠાના રંગે રંગાયેલો છે. પરમાત્મસ્વરૂપની નિષ્ઠાનો દરજ્જો પામ્યો છે. પરમોપાસનાના તેમાં પ્રાણ પુરાયા છે. માટે પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા વગરનો યોગ એ યોગ જ નથી. પ્રત્યક્ષ ભગવાનની ઉપાસના વગરની યોગસાધના એ યોગસાધના જ નથી. આથી જ તો દરેક અધ્યાયના અંતે આવતા અધ્યાય સમાપ્તિ સૂચક સંકલ્પમાં પણ ‘योगशास्त्रे’ એમ કહીને તેના હાર્દને ભૂલી ન જવાય તેની તકેદારી રાખવામાં આવે છે.
ખરેખર, ભગવદ્‌ગીતાએ યોગના રહસ્યને છતું કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. વાચકને સમજવામાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ થાય એવું અહીં કાંઈ નથી.
એક વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે - ગીતાનો યોગ એટલે પરમાત્મ પ્રત્યક્ષસ્વરૂપયોગ. અસ્તુ.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS