Essays Archives

ઉલ્લાસરામભાઈમાં વિદ્વત્તા હતી, તો સાથે નિયમ-નિશ્ચય-પક્ષની અનન્ય ખુમારી હતી. તેથી જ ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની લગની લાગી હતી. એક પ્રસંગે તેઓ લખે છે : ‘સ્વામીજીએ વખતોવખત હું જ્યાં નોકરીમાં હોઉં તેવાં કેટલાંક સ્થળે બીલીમોરા, કેડી, પાદરા, સિનોર, કરજણ વગેરે સ્થળોએ પધારી મને દર્શન સમાગમનો લાભ આપવાના અપૂર્વ પ્રેમ ને હેતનું પ્રતિબિંબ પાડ્યું કે તે સંસ્કારોના પ્રતાપે પાકી ઉંમર થઈ જવા છતાં સ્વામીનો સમાગમ ઓછોવત્તો થાય છે પણ અંતરમાંથી સ્વામીજીનું વિસ્મરણ એક પળવાર પણ થતું નથી ને કોઈ પણ વ્યક્તિ મારા દેખતાં સ્વામીજીનું જરા પણ વાંકુચૂકું બોલી શકતું નથી. મારાથી જે કાંઈ આવા બે શબ્દો બોલી કે લખી શકાય છે તે સ્વામીનો જ પ્રૌઢ પ્રતાપ છે.’
તે સમયે રાજકોટથી પ્રકાશિત થતા સંપ્રદાયના ‘સુધા’ નામના સામયિકમાં તેના તંત્રી દ્વારા બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની નિંદા કરતી કેટલીક વિગતો છપાઈ હતી. હાડોહાડ પક્ષની ખુમારીથી છલકાતા ઉલ્લાસરામભાઈથી આ કેમ સહન થાય ? તેમણે ‘ચર્ચાપત્રો’ લખીને ‘સુધા’ના વિદ્વાન તંત્રીને સંબોધતાં લખ્યું :
‘કોઈપણ વસ્તુ કે વ્યક્તિનું સમ્યક્‌ જ્ઞાન મેળવવું હોય કે તેનું ચિત્રપટ આલેખવું હોય તો તેના અત્યંત ગાઢ પરિચયમાં આવી, તેનું અંતર પકડ્યા વિના, જે બોલવું કે લખવું, તે ધોળા ઉપર કાળું કર્યા જેવું છે.
મૂળ અક્ષરમૂર્તિ સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે કે મારો અભિપ્રાય તો મોટા મોટા સદ્‌ગુરુઓ પણ જાણી શક્યા નથી, તો આજ તમે શું જાણી લેશો ?
ભાઈ અમૃતલાલભાઈ! તમે પોતે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સ્વામી બાળમુકુંદદાસજીના એક અનન્ય શિષ્ય હોઈ સ્વામીની રુચિ ને અભિપ્રાયને સંપૂર્ણ રીતે અનુસરનારા હતા, તોપણ અમૃતલાલભાઈ, આપની મતિમાં આવો ફેરફાર પડ્યો ?
સ્વામીશ્રી બાળમુકુંદદાસજી ભક્તોના મહિમા ને માહાત્મ્યને કેવા સમજતા હતા તેનો એક દાખલો નીચે પ્રમાણે છે. સંવત્‌ 1953ની સાલમાં ધર્મધુરંધર આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ જન્માષ્ટમીનો મહોત્સવ કરવા જૂનાગઢ પધાર્યા હતા અને તેઓશ્રીએ ભગતજી મહારાજ શ્રી પ્રાગજી ભક્તને જૂનાગઢ આવવા પત્રથી આમંત્રણ આપ્યું હતું. તે સમયમાં કોઠારીશ્રી જીભાઈ રણછોડ હતા તથા શાસ્ત્રીજી મહારાજ પણ સંવત 1950 થી 55 સુધીમાં રાજકોટ શાસ્ત્રી જીવણરામ પાસે સૂત્રભાષ્યનો અભ્યાસ કરતા હતા ને જેઓ વારંવાર રાજકોટથી જૂનાગઢ આવતા હતા. તેમની પ્રેરણાથી જ ભગતજી મહારાજને આમંત્રણ થયું હતું. મહારાજશ્રી જેતલસર જંક્શને ભેગા થયા ને સર્વે જૂનાગઢ આવ્યા તો સ્ટેશન ઉપર સદ્‌ગુરુ સ્વામી શ્રી બાલમુકુંદદાસજી, યોગેશ્વરદાસજી, જીભાઈ કોઠારી વગેરે ત્યાગીમંડળ સાથે સેંકડો ને હજારો હરિભક્તો પુષ્પના હાર કલગી, તોરા વગેરે લઈ સ્ટેશને આવ્યા હતા; તે હારતોરા પહેરાવી ગાજતે વાજતે ધામધૂમથી આણેલી ઘોડાગાડીઓમાં મહારાજશ્રી તથા ભગતજી મહારાજ વગેરે સંભાવિત વ્યક્તિઓને બેસાડી મંદિરે આવ્યા અને મહારાજશ્રીના જૂના ઉતારામાં ભગતજી તથા ગુજરાતના હરિભક્તોને મુકામ આપ્યો ને પલંગ, ગાદલાં, તકિયા વગેરે મોકલી સારી સંભાવના કરી.
જૂનાગઢમાં એક સમયને વિષે ભગતજી મહારાજ ઢોલિયામાં પોઢ્યા હતા. તમામ હરિભક્તો આગળ-પાછળ બેસી વાર્તા ઉપદેશ સાંભળતા હતા, કેટલાક પગચંપી કરતા હતા, કેટલાક વા ઢોળતા હતા. તે વખતે ઉમિયાશંકર ડૉક્ટર ત્યાં આવી ચડ્યા અને ભગતજીને આવી પરિસ્થિતિમાં જોઈને તેમણે સદ્‌ગુરુ સ્વામી શ્રી બાળમુકુંદદાસજીને જઈને વાત કરી કે પ્રાગજી ભગત ગૃહસ્થ હોવા છતાં પગચંપી કરાવે તે અઘટિત છે; માટે તમારે તેમને સમજ પાડવી જોઈએ; એ ઉપરથી સ્વામીશ્રી બાળમુકુંદદાસજી બોલ્યા કે ઉમિયાશંકરભાઈ ! તમે કંઈ સમજતા નથી. એમને કોનો સંબંધ છે અને કેવી પ્રાપ્તિ થઈ છે તે તમે જાણતા નથી. એમ કહીને મૂળ અક્ષરમૂર્તિ સ્વામી શ્રી ગુણાતીતાનંદજીએ તેમને કેવી સ્થિતિ પમાડી હતી તેનું દૃષ્ટાંત દઈને ડૉક્ટરને કહ્યું કે એ પ્રાગજી ભક્ત શ્રીજીસ્વામીને અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજીની સેવામાં સ્વામીને અખંડ દેખે છે; તે ગઢપુરના યજ્ઞપ્રતિષ્ઠા વખતે 49ની સાલમાં આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે ભગતજીને પૂછ્યું કે શ્રીજીની કેવી મરજી છે, તે જુઓ; એટલે ભગતજી બોલ્યા કે અહીં હમણાં તમારે ને મારે જેટલું છેટું છે, તેટલું જ છેટું મારે ને અક્ષરધામમાં શ્રીજી વિરાજે છે તેમને છે. તે શ્રીજીમહારાજનો રાજીપો છે, તે કોઈ વાતનું વિઘ્ન પડશે નહીં; માટે સુખેથી પ્રતિષ્ઠા કરો. એવાં ઘણાં ઘણાં દૃષ્ટાંત સિદ્ધાંતે કરીને દાક્તરને સમજ પાડી, તે સાંભળી ડૉક્ટર તો દિગ્મૂઢ જ થઈ ગયા અને તુર્ત જ ભગતજી મહારાજ પાસે આવી સાષ્ટાંગ પ્રણિપાત કરી, અપરાધ ક્ષમા કરવાની યાચના કરી.
વળી, બીજું દૃષ્ટાંત કે સ્વામીશ્રી(બાળમુકુંદદાસજી) દેહ મૂકતાં પહેલાં સારંગપુર પધાર્યા હતા અને નારાયણ કુંડે નાહવા જતાં વચમાં શાસ્ત્રીજી મહારાજનું કરેલું નવું મંદિર આવ્યું; જેથી તેઓ દરવાજામાં પેસી મંદિર તરફ આવતા હતા તે જોઈને કોઠારી શંકર ભગત તથા કેટલાક સાધુઓ તેમની પાસે દોડી આવી દંડવત્‌ કરી પગે લાગ્યા. સ્વામીશ્રીએ પૂછ્યું કે શાસ્ત્રીજી ક્યાં છે ? ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતમાં છે; એમ કહી તેમને મંદિરે તેડી લાવી નીચેનો વિશાળ સભામંડપ તથા મંદિર ઉપર લઈ જઈ આરસની જાળીઓ તથા શિખર, પગથિયાં વગેરે દેખાડ્યાં, જેથી તેઓ ઘણા જ રાજી થયા ને બોલ્યા કે શ્રીજીમહારાજની સેવા પરિચર્યા તો ઘણા ભક્તો, સાધુઓ ને પાર્ષદોએ કરી છે, પરંતુ સ્વામીશ્રી ગુણાતીતાનંદ સ્વામીની આવી અદ્‌ભુત સેવાનો લાભ તો શાસ્ત્રીજીએ જ લીધો છે. નહીં તો સ્વામીની સેવામાં ઘણા નંદ સાધુઓ રહેતા, પરંતુ આવો મહિમા જાણી કરી શક્યા નથી અને તમે બધા પણ શાસ્ત્રીજી મહારાજનો અપૂર્વ મહિમા જાણી તે મહિમાની સેડ તમારાં હૃદયમાં હોઈ આવી અનન્ય સેવા તમે કરો છો તે તમારા ધન્યભાગ્ય છે એમ કહી રાજી થઈ પધાર્યા.
અમૃતલાલભાઈ ! આપને વધુ શું કહેવું ? આપ તો સત્સંગના સુદૃઢ ભોમિયા હોઈ મહત્‌ પુરુષના સંગમાં ઘણા જ આવ્યા છતાં બુદ્ધિમાં પલટો થવાનું કારણ કુસંગતિનું ફળ છે. આપના માસિકમાં છાપેલા પ્રશ્નોના ખુલાસા હવે પછી કરવામાં આવશે. તો શોક કરશો મા, ને મૂંઝાશો મા.’
વળી, ‘સુધા’ના તંત્રીએ તે સમયે સ્થપાયેલાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં મંદિરોમાં અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓનાં નામ બદલી નાખવાની ‘સિફારીશ’ કરી હતી. તેને પડકારતાં ઉલ્લાસરામભાઈ ઊકળી ઊઠ્યા હતા. તેમણે સ્વામિનારાયણ પ્રકાશમાં ખુલ્લો ચર્ચાપત્ર લખતાં ‘સુધા’ના તંત્રી અમૃતલાલને લખ્યું :
‘ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને તેને કષ્ટ થાય છે, તેવું કોઈ પાપે કરીને થતું નથી. માટે જો કિસી કા લિયા નહીં તો દિયા વાર હજાર. મહત્‌ પુરુષની ક્રિયામાં દોષ પરઠાય તેટલું આસુરીપણું ને નાસ્તિકપણું આવે. કેટલાક વગર વિચારે બોલે છે કે શાસ્ત્રીએ પધરાવેલી મૂર્તિઓનાં નામ ફેરવે તો સમાધાન તરત થઈ જાય, આમ બોલવું તે પણ પાકું અસુરપણું ગણાય. કાં જે પ્રતિષ્ઠા થયેલી મૂર્તિઓ કંઈ સલાટના ઘરના પથ્થર નથી કે કંસારાના ઘરનું કાંસું પિત્તળ નથી; એ તો વેદોક્ત મંત્ર વિધિથી વેદજ્ઞ પુરુષોએ પ્રાણપ્રતિષ્ઠા કરેલાં ભગવાનનાં સ્વરૂપ છે. તે વાત તો જેઓ પ્રતિષ્ઠા વખતે ગોંડલ તથા સાળંગપુર હાજર હશે તેમણે જોયું હશે કે મૂર્તિઓનાં નેત્રોના ઉદ્‌ઘાટન સમયે સામે ધરેલો કાચ ફૂટી ગયો હતો. એટલે સાક્ષાત્‌ ભગવાન પધાર્યા છે એમ કહેવું જ પડે.
સત્‌પુરુષ તો દેવને પધરાવે છે ત્યારે દેવમાં દેવાતન આવે છે. વળી, સત્‌પુરુષ તીર્થ કરે છે, શાસ્ત્ર કરે છે ને પોતા જેવો સાધુ પણ કરે છે, પરંતુ તે બધા મળીને એક સત્‌પુરુષ કરી શકતા નથી. એવી રીતે સત્‌પુરુષનું અધિકપણું તો સર્વ શાસ્ત્રો પોકારીને કહે છે. માટે અમૃતલાલભાઈ ! આ એકંદર હકીકતથી આપ બરોબર સમજ્યા તો હશો, જેથી વધુ કહેવું વાજબી નથી.’
શુદ્ધ ઉપાસનાના પ્રખર પ્રહરી અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની અસ્મિતાથી અહોરાત્ર થનગનતા ઉલ્લાસરામભાઈએ જીવ્યા ત્યાં સુધી પોતાની કલમના હોંકારા અને પડકારા કરીને અનેકને જાગ્રત રાખ્યા હતા. ઠેર ઠેર વચનામૃતની પારાયણો કરીને તેમણે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને ખૂબ રાજી કર્યા હતા. તેમની વાતો અને તેમની કલમ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આદિ વિદ્વાનોની અદ્વિતીય અસ્મિતાની અમીરાત સમી છે.
અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પાયાના પથ્થર સમાન ઉલ્લાસરામભાઈની સેવાઓને બિરદાવતાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સન 1956માં વડોદરા ખાતે તેમના ઘરે જઈને તેમની આરતી ઉતારી હતી. સન 1956માં વૈશાખ વદ 14 ના રોજ 86 વર્ષના ઉલ્લાસરામભાઈએ વડોદરામાં છેલ્લા શ્વાસ લીધા, જ્યાંથી તેમણે વિદ્યાર્થી અવસ્થામાં શાસ્ત્રીજી મહારાજ પાસેથી શુદ્ધ ઉપાસનાના પ્રથમ શ્વાસ ઘૂંટ્યા હતા.
સંસ્થાના એ આદિ સાક્ષરરત્નની સેવાઓ ઇતિહાસમાં સદાય અમર રહેશે. 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS