Essays Archives

સન 1951-52નું વર્ષ હતું.
મુંબઈના નેપિયન્સી રોડ ઉપર, મુંબઈ રાજ્યના તત્કાલીન મંત્રી શ્રી ગુલઝારીલાલ નંદાજી પોતાના બંગલામાં ભોજન લેવા બેઠા હતા. એ સમયે ભારતની પછાત પ્રજા માટે રશિયાથી આયાત કરાયેલા હલકી કક્ષાના લાલ ઘઉંની ભાખરી તેઓ જમી રહ્યા હતા. તેમના એક મિત્ર તે વખતે ત્યાં આવ્યા ને પૂછ્યું : ‘તમે શા માટે આવું હલકું ધાન જમો છો ? આપણને તો સારા ઘઉં મળે જ છે ને !’
નંદાજીએ કહ્યું : ‘હું જે પ્રજાનો નેતા બન્યો છું એ મોટા ભાગની પ્રજા આ જ ઘઉં ખાય છે, તો મારાથી સારા ઘઉં કઈ રીતે જમાય ?’
નંદાજીના આ ઉત્તરે મિત્રને નતમસ્તક બનાવ્યા.
બહુરત્ના વસુંધરા પર અનેક નરરત્નો પાક્યાં છે. એવાં અનેક નરરત્નોમાં શ્રી ગુલઝારીલાલ નંદા ખરેખર એક ઝળહળતું ‘ભારતરત્ન’ છે, જેમનું સમગ્ર જીવન નિઃસ્વાર્થ અને નિષ્કલંક સેવાથી વિભૂષિત હતું. ભારત સરકારે એમની સેવાને ‘ભારતરત્ન’ વિભૂષણથી નવાજીને ‘ભારતરત્ન’ ખિતાબને વિભૂષિત કર્યો છે.
ભારતવર્ષને નેતૃત્વનો આદર્શ પૂરો પાડનાર શ્રી ગુલઝારીલાલ નંદાજી એટલે રાજનીતિ અને અધ્યાત્મનો વિરલ સંગમ.
ઉત્તર પંજાબના મૂળ ઉચ્ચ હિન્દુ બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ. બચપણથી જ આધ્યાત્મિક જિજ્ઞાસા. બાલ્યાવસ્થાથી જ જાણે એમણે કુટુંબમાં ઊતરી આવેલી સેવાભાવનાનું પ્રતિબિંબ પૂર્ણપણે ઝીલી લીધું હતું. કિશોરાવસ્થાથી અનેક સાધુ-સંતોનાં ચરણોની રજ મસ્તકે ચઢાવીને તેઓ પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા સતત પ્રયત્નશીલ રહ્યા. અનેક સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકોમાં જીવનનાં ગૂઢ રહસ્યો શોધવા એમની નજર સતત ઘૂમતી રહી. બી.એ.માં અભ્યાસ કરતા હતા ત્યારે સ્વામી રામતીર્થનાં પુસ્તકોમાં રુચિ જાગી. રાધાસ્વામી સંપ્રદાયના સંપર્કમાં પણ આવ્યા. વળી, આર્ય સમાજ અને ઉદાસી પંથમાં પણ ઊંડે સુધી જઈ આવ્યા. પંજાબમાં જ એમ.એ., એલએલ.બી.ની ઉપાધિ મેળવી. તેઓએ ત્યારબાદ પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાત બનાવ્યું. દેશસેવાની લગનથી મહાત્મા ગાંધીના અભિયાનમાં જોડાયા. ખાસ કરીને શ્રમજીવી વર્ગના ઉદ્ધારને એમણે પોતાનું મુખ્ય કાર્યક્ષેત્ર બનાવ્યું અને મજૂર મહાજનના એક તરવરિયા મહત્ત્વાકાંક્ષી નેતા તરીકે તેઓ લોકપ્રિય બની રહ્યા હતા.
અનેક ધર્મપ્રવાહોમાં જઈ આવ્યા પછી પણ આધ્યાત્મિક ચેતનાની ચિનગારી ઝંખતો એમનો તર્કશીલ અને બૌદ્ધિક અંતરાત્મા ક્યાંય ઠર્યો નહીં. અંતે આઝાદીની લડતમાં જોડાવા તેઓની મનોભૂમિકા રચાતી હતી એ દરમ્યાન તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો.
સને 1934માં અમદાવાદના પ્રસિદ્ધ વિદ્વાન, ગુજરાત કૉલેજના ગણિતના પ્રખર ઉપાસક અને હિંદુ મહાસભા તથા હિંદુ મિશનના પ્રમુખ પ્રો. જેઠાલાલના સંપર્કથી તત્કાલીન લેબર કમિશનર શ્રી આયંગરને ખબર પડી કે શાહપુરમાં જેઠીબા નામના એક સ્વામિનારાયણીય ભક્તમહિલાને સમાધિ થાય છે. જિજ્ઞાસાવશ શ્રી આયંગર અને તેમની સાથે મજૂર નેતા તરીકે ઊપસી રહેલા શ્રી નંદા પણ એ સમાધિને ચકાસવા આવ્યા. ખૂબ તર્કશીલ નંદાજીને પ્રથમ તો આ સમાધિમાં વિશ્વાસ ન બેઠો, પણ નજરોનજર અનેક વખત વિવિધ રીતે પ્રત્યક્ષ ચકાસીને એમણે અનુભવ્યું કે મોટા મોટા યોગીઓને દુર્લભ સમાધિ આ મહિલા ભક્તને સહજ છે. પોલેન્ડના પ્રખર ગાંધીવાદી મોરીસ ફ્રીડમેન તેમજ પ્યારેકૃષ્ણ ઠુકરાલ જેવા અનેકે એ સમાધિ અંગે ખૂબ ચકાસીને જોયું હતું. નંદાજીને આ સમાધિ વિશે વધુ જાણવામાં રસ જાગ્યો. માલૂમ પડ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત અને બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની કૃપાથી આ સમાધિ થાય છે, અને આવા અન્ય ઘણા ભક્તો સમાધિમાં સદેહમુક્તિનો દિવ્ય અનુભવ કરી રહ્યા છે. આથી નંદાજીને શાસ્ત્રીજી મહારાજનાં દર્શન માટે ઉત્સુકતા જાગી.
અચાનક એ જ અરસામાં નંદાજીને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો અમદાવાદમાં જ યોગ થયો. માત્ર જિજ્ઞાસા-વૃત્તિથી જ શાસ્ત્રીજી મહારાજને નિહાળવા ગયેલા નંદાજી પોતાના એક લેખમાં નોંધે છે : ‘કોઈથી એકદમ અંજાઈ અંદર પેસી પછી બહાર નીકળી જવાની મારી વૃત્તિ નહીં. પણ શાસ્ત્રીજી મહારાજ પાસે હું માત્ર જિજ્ઞાસાથી જ ગયેલો. ત્યાં કોણ જાણે શું થયું ? આંતરિક શક્તિથી તેમનામાં ખેંચાણ થતાં મને તેમની પાસે આવવાની સતત ઇચ્છા થતી અને હું આવતો.’ (‘પ્રકાશ’, 1955, જૂન-જુલાઈ, પૃષ્ઠ : 284)
1933 થી 1942 સુધી તેઓ અવારનવાર શાસ્ત્રીજી મહારાજ પાસે આવતા રહ્યા, પોતાની આધ્યાત્મિક પ્રશ્નોની પરંપરાઓને શાસ્ત્રીજી મહારાજની દિવ્ય વાણીથી શમાવતા રહ્યા. સહજાનંદ સ્વામીને ભગવાન માનવા માટે તેમનું મન માનતું નહીં. અને નંદાજી નોંધે છે : ‘સત્સંગમાં ચર્ચા થાય ત્યારે મારા મનમાં ઘણા વાંધા ઊઠે. મગજ કબૂલ કરે નહીં. નિર્ગુણ સ્વામી સાથે વાતચીતનો પ્રસંગ થતો. રામકૃષ્ણ વગેરે ઘણા ભગવાન થઈ ગયા તો પછી હવે સ્વામિનારાયણ ભગવાન નવા શા માટે ? મહારાજને ભગવાન માનતો નહીં. પૂજ્ય સ્વામીશ્રી કહેતા કે કોઈ વખતે ગેડ બેસશે. પછી પ્રશ્નો થતા કે ગુણાતીત સ્વામી શા માટે ? ક્યારે આ શંકાઓ ગઈ, હું ક્યારે માનતો થયો તેની કંઈ ખબર પડી નહીં. આંતરિક રીતે જ ધીમે ધીમે સ્વામીશ્રીના પ્રસંગથી બધું થઈ ગયું.’ (‘પ્રકાશ’, 1955, જૂન-જુલાઈ, પૃષ્ઠ : 284)
દસ વર્ષ પછી સને 1944માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પાસે તેમણે સામેથી કંઠી અંગીકાર કરી. આમ તો, સ્વામિનારાયણીય કંઠી - વર્તમાનદીક્ષા પહેર્યા પછી જીવનશુદ્ધિના જે નિયમોનું પાલન કરવાનું હોય છે તે નંદાજીએ કંઠી પહેર્યા પૂર્વે જ શરૂ કરી દીધું હતું.
સને 1942માં ‘ક્વીટ ઇન્ડિયા’ની ચળવળ દરમ્યાન નંદાજીને જેલમાં જવાનું થયું ત્યારે જેલમાં જતાં પૂર્વે તેઓ શાસ્ત્રીજી મહારાજનાં દર્શને ગયા હતા. શાસ્ત્રીજી મહારાજે નંદાજીને કહ્યું હતું : ‘તમે જેલમાં જાઓ, અમે તમારી સાથે જ છીએ.’ એ સમયે શાસ્ત્રીજી મહારાજે તેમને જીવનશુદ્ધિના કેટલાક નિયમો આપ્યા હતા એનું પાલન નંદાજી જીવનપર્યંત કરતા રહ્યા. જેલમાં તેમણે ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતો, શિક્ષાપત્રી અને સ્વામીની વાતોનો ઊંડો અભ્યાસ કર્યો. જેલનો એ સમયગાળો એમના માટે જાણે આધ્યાત્મિક સોપાનનો સુવર્ણાવસર હતો.
જેલમાં કરેલા આધ્યાત્મિક વાંચનનો સાર તેઓ આમ નોંધે છે : ‘વચનામૃત, શિક્ષાપત્રી, સ્વામીની વાતોમાં જે લખ્યું છે તે બધાં શાસ્ત્રોનો સાર અને નિચોડ છે એમ મને લાગ્યું. ગૂઢમાં ગૂઢ વાત પણ એમાં સરળ રીતે દર્શાવી છે. મને સમજાયું કે ચારિત્ર્ય મોટી વસ્તુ છે. એના ઉપર ઘણો ભાર શ્રીજીએ મૂક્યો છે. લગભગ છેલ્લાં સોએક વર્ષથી લોકોને ધર્મ ઉપરથી લાગણી ઓછી થતી જણાય છે. સાધુઓ ખાવા-પીવામાં જ મસ્ત હોય છે. તેથી એમાં પડવા જેવું નથી એવી મારી માન્યતા. ભણેલાઓની ધર્મ તરફની ગ્લાનિ અને લોકસેવા એ જ ધર્મ - એવી સામાન્ય માન્યતા પ્રવર્તતી હતી. એ સ્થિતિમાં મેં અહીં સદાચાર ઉપર શબ્દે શબ્દે ભાર મૂકેલો જોયો. સત્સંગીઓમાં સાદાઈ, એકબીજા પ્રત્યે પ્રેમ જોયા. શ્રીજીમહારાજે કાઠી, કોળી જેવા વર્ગની જાતિને સુધારી ઉપર આણી. હું પણ મજૂર વર્ગની ચળવળમાં રસ લેતો એટલે એ વાત મને ખૂબ ગમતી. શ્રીજીમહારાજે પાંચસો પરમહંસો કર્યા. તેમનામાં રહેલી અસાધારણ શક્તિથી મોટા મોટા વિદ્વાનો-મુમુક્ષુઓ ખેંચાઈ જતા. એવા શ્રીજીમહારાજ માટે મને લાગ્યું કે એ કહે તેમ માનવું અગર ફેંકી દેવું. તે બે સિવાય વચલો માર્ગ મારા માટે હોઈ શકે નહીં. કારણ કે તેમના વચનામૃતનાં ઉપદેશ-વચન વગેરે કોઈ પણ અધ્યાત્મ પુસ્તકોના ઉપદેશ કરતાં ઊંચામાં ઊંચી કોટિનાં છે. શ્રીજીમહારાજે પોતા માટે જે કહ્યું છે તે બરાબર છે, તે મેં નક્કી કર્યું. બે-ચાર-દસ ઠેકાણે શ્રીજીમહારાજે પોતા માટે સ્પષ્ટપણે કહી દીધું છે કે પોતે સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ છે.’ (‘પ્રકાશ’, 1955, જૂન-જુલાઈ)
આમ, તેઓ સ્વામિનારાયણીય રંગે સંપૂર્ણ રંગાઈ ગયા.
અમદાવાદ કે કોઈ પણ સ્થળે જ્યારે જ્યારે તક મળતી ત્યારે એક ઉત્તમ મુમુક્ષુ તરીકે તેઓ શાસ્ત્રીજી મહારાજ પાસે દોડતા પહોંચી જતા. શાસ્ત્રીજી મહારાજ સમક્ષ તેઓ પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસાઓ વ્યક્ત કરતા, અને શાસ્ત્રીજી મહારાજ પણ તેમના પર અકારણ વાત્સલ્ય વરસાવી તેમને આધ્યાત્મિક માર્ગે ઊર્ઘ્વગમન કરાવતા હતા. શાસ્ત્રીજી મહારાજના વિસ્તૃત જીવનચરિત્રમાં (લે. હર્ષદરાય ત્રિ. દવે) ગુરુ-શિષ્યની એ અદ્ભુત પ્રશ્નોત્તરીનાં અંશો ઉપનિષદ શૈલીના સંવાદની યાદ તાજી કરાવે છે.
તેનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે : “સ્ત્રીઓના પ્રશ્ન અંગે શંકા થતી કે આ સંપ્રદાયમાં સ્ત્રીઓના સંસર્ગનો સાધુઓને નિષેધ કર્યો છે તો તે સ્ત્રીઓનું કલ્યાણ શી રીતે થાય? પરંતુ સ્વામીશ્રીના સમાગમથી આ શંકા દૂર થઈ ગઈ. સ્ત્રીઓમાં શ્રદ્ધા અને સમજણ દૂરથી પણ જાગ્રત થાય. તેમનામાં ભક્તિ પ્રગટ થાય અને એ રીતે તેમનું કલ્યાણ થાય. સ્ત્રીઓ સાથેના સીધા સંપર્કથી નાના કે અણસમજવાળા સાધુઓની વૃત્તિ બગડે, અને અંતે ભ્રષ્ટાચાર ઉત્પન્ન થાય. આ સમજણથી મારી શંકાઓનું સમાધાન થઈ ગયું. કેટલીક વખત નિર્ગુણદાસ સ્વામી જોડે પણ ચર્ચા થતી. શ્રી અંબાલાલ સારાભાઈ (ડૉ. વિક્રમ સારાભાઈના પિતાશ્રી અને વિખ્યાત ઉદ્યોગપતિ) પણ સ્વામીશ્રીની વાત મારી પાસેથી સાંભળી બે ત્રણ વખત સ્વામીશ્રીનાં દર્શને આવેલ. શાસ્ત્રોનાં કે બીજા કોઈપણ પ્રમાણો કરતાં પણ, સ્વામીશ્રી સત્યવક્તા છે એટલા જ ભાવથી તેઓ સ્વામીશ્રીની વાતો સાંભળતા અને સ્ત્રીઓના કલ્યાણ અંગેની તેમની શંકાનું પણ સમાધાન તેમને થઈ ગયું હતું.’ (યજ્ઞપુરુષ સ્મારક ગ્રંથ, પૃ. 238)
‘મજૂર પ્રવૃત્તિમાં કે બીજી બાબતોમાં મન ગૂંચવાયેલું હોય અને તે વખતે તેમને મળવા જતો ત્યારે તરત કહી દેતા કે, ‘તમારા મનમાં શાંતિ નથી.’ તેઓ બધું સમજી જઈ પ્રેરણા દેતા હોય તેમ આશીર્વાદ આપતા.’ (‘પ્રકાશ’, 1955, જૂન-જુલાઈ)
ક્યાંય માથું ન ઝુકાવે એવા નંદાજી શાસ્ત્રીજી મહારાજ માટે ઓળઘોળ થવા કેમ તૈયાર હતા ? તેઓ જ તેનો ઉત્તર આપતાં કહે છે : ‘પૂ. શાસ્ત્રીજી મહારાજમાં અજબ આકર્ષણ શક્તિ અને પ્રેમ હતાં. મારામાં રજોગુણ પ્રધાન. કંઈ કામ ન થાય તો ચિંતા રહ્યા કરે. સ્વભાવ મુકાય નહીં. સ્વાર્થ મૂકીને ચળવળમાં જોડાયો. અહંકારમાંથી ક્રોધ, ઈર્ષા વગેરે થાય તે લઈને સ્વામીજી પાસે આવીને બેસું. મને તેઓ પારખી જાય. બીજાને વાત કરતા હોય પણ મારા મનનું સમાધાન કરવા માટે જ જાણે વાત ન કરતા હોય તેમ મને લાગતું. આપણને જોઈને જ અંતર્યામીરૂપે કેમેરાની માફક આપણા મનના વિચારો ઝડપી લઈ વાતો કરે તેમ સ્પષ્ટ જણાય. તેથી શાંતિ શાંતિ થઈ જાય. સ્વામીશ્રી પૂરેપૂરા અંતર્યામી અને સર્વજ્ઞ છે તેવો અનુભવ મને અસંખ્યવાર અને કાયમ થયો હતો. બધા હરિભક્તો આવે ત્યારે હાર, ફળ-ફળાદિ લાવે અને હું તો ખાલી હાથે આવું. એ સંબંધી એકવાર મનમાં વિચાર થયો કે તરત જ એમણે એ વિચાર પકડી પાડી વાત કરી. મારા મનના સંકલ્પોનો જવાબ મળી ગયો. એક વખત રઢુમાં હું સ્વામીશ્રી પાસે બેઠેલો. તે વખતે સ્વામીશ્રી પૂજા કરતા હતા. ત્યારે તેમની પૂજામાં એક કપડું હતું. સ્વામીશ્રી કહે કે ‘શ્રીજીમહારાજની પાઘમાંનું આ પ્રસાદીનું કાપડ છે.’ ત્યારે મને વિચાર થયો કે આ મહામૂલી પ્રસાદીના કટકાની પ્રસાદીમાંથી જરા જેટલો મને આપે તો ? તરત સ્વામીશ્રીએ અંતર્યામીરૂપે મારા મનની વાત જાણી થોડોક ટુકડો કાપી મને આપ્યો. આ રીતે સ્વામીશ્રીએ અંતર્યામીપણે ખૂબ સુખ આપેલું છે. જેલની અંદર પણ મારી ઘણી શારીરિક વિકટ પરિસ્થિતિમાં એમની સ્મૃતિથી મારી રક્ષા થતી એમ હું અનુભવતો. જેલમાંથી પાછા આવ્યા બાદ તેમને સીધો જ મળવા ગયો. મનોમન નક્કી કરીને મેં તેમને કહ્યું કે મારે હવે પાછું ઘેર જવું જ નથી. મને તેમણે ખૂબ સમજાવી આશ્વાસન આપી ઘરે જવા આજ્ઞા આપી અને જણાવ્યું કે અમે તમારી સાથે જ છીએ...’ (‘પ્રકાશ’, 1955, જૂન-જુલાઈ)
નંદાજી ખરેખર એવું સતત અનુભવતા રહ્યા કે શાસ્ત્રીજી મહારાજ સદાય તેઓની સાથે છે.
સન 1945માં બોમ્બે પ્રોવિન્સ (મુંબઈ ઈલાકો-રાજ્ય)માં સત્તા પર કોંગ્રેસ આવી ત્યારે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા લઈને ચૂંટણીમાં ઊભા રહેલા શ્રી નંદાજી મુંબઈ ધારાસભામાં અમદાવાદમાંથી બહુમતીથી ચૂંટાઈ આવ્યા. મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં તેઓ ‘મજૂર તથા મદ્યનિષેધ’ ખાતાના મંત્રી તરીકે વરાયા ત્યારે શાસ્ત્રીજી મહારાજને સત્વરે તાર કરીને જણાવ્યું : ‘શ્રી અક્ષરપુરુષોત્તમ તથા આપની સેવામાં મારી જાતને સમર્પિત કરું છું. આ કઠિન કાર્યમાં આપશ્રીના આશીર્વાદ પ્રાર્થું છું.’ (‘પ્રકાશ’, 1946, મે, પૃ. 1)
સત્તાની લાલસાથી પર થયેલા નંદાજીમાં એક સાચા સેવક બનવાની ઝંખના શાસ્ત્રીજી મહારાજે રોપી દીધી હતી. એટલે સત્તા કરતાં તેમને સેવામાં જ રસ હતો.
સને 1950ના માર્ચ માસમાં મુંબઈમાં શાસ્ત્રીજી મહારાજ નંદાજીના બંગલે બે માસ રહ્યા હતા. નંદાજી પોતાના દફતરમાંથી સમય કાઢીને પણ શાસ્ત્રીજી મહારાજ પાસે આધ્યાત્મિક લાભ લેવા બેસી જતા. છતાં પોતે રાજકાજમાં વ્યસ્ત રહેતા હોઈ પૂરો સમાગમ ન કરી શકાયાનો વસવસો તેમને રહેતો. આને લીધે જ એકવાર રાજીનામું આપી દેવાનો પોતાનો સંકલ્પ સ્વામીને કહ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમને કહ્યું : ‘હજુ તો અમારે તમને દિલ્હી મોકલવા છે. માટે એવા સંકલ્પ કરશો જ નહીં. તમારા દ્વારા ભગવાન ઘણી સેવા કરાવશે.’
નંદાજીને શાસ્ત્રીજી મહારાજના આ શબ્દો સાચા પડવાનું ઘણું ઘણું દૂર લાગતું હતું. દિલ્હી જવાનું તેમના માટે લગભગ અસંભવિત જ હતું. પરંતુ શાસ્ત્રીજી મહારાજની આ અગમવાણી ફળી. એ સાંજે જ તાર આવ્યો કે કેન્દ્રના આયોજન પંચના પ્રમુખ તરીકે એમની નિયુક્તિ થઈ છે ! (યજ્ઞપુરુષ સ્મારક ગ્રંથ, પૃ. 238)
શાસ્ત્રીજી મહારાજે આપેલી શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ લઈને દિલ્હી ગયેલા નંદાજીએ રાજકાજની અનેક પ્રવૃત્તિઓ વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજે સિંચેલા આધ્યાત્મિક સંસ્કારો અકબંધ રાખ્યા હતા.
તેઓ ઘણીવાર કહેતા કે પોતાનો ભયંકર ગુસ્સો કેવળ શાસ્ત્રીજી મહારાજની કૃપાથી જ ટળ્યો છે. પોતાને સાંપડતા આવા આધ્યાત્મિક લાભને વહેંચવા થનગનતા, એ સમયના ધુરંધરોને શાસ્ત્રીજી મહારાજનો યોગ કરાવવા ઉત્સાહથી સૌને નોતરતા. પ્રખર ગાંધીવાદી વિચારક કિશોરલાલ મશરૂવાળાથી લઈને તત્કાલીન પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી મનુ સૂબેદાર વગેરે કેટકેટલાયને તેમણે શાસ્ત્રીજી મહારાજના યોગમાં મૂક્યા હતા. આમેય સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભવિદ્યાનગરના સ્થાપક ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ વગેરે સૌ શાસ્ત્રીજી મહારાજની દિવ્ય પ્રતિભાથી ખૂબ પ્રભાવિત હતા. પોતાને શાસ્ત્રીજી મહારાજના અનુરાગી કહેવડાવવામાં એ સૌ ગૌરવ અનુભવતા.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS