સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આપણા મોક્ષને માટે ગુણાતીત સંતને વારંવાર બતાવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એ જ વાત કરી છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ ‘સંત જન સોહી સદા મોહે ભાવે...' વગેરે સંત-મહિમાનાં પદ સાંભળ્યાં ત્યારે તેમણે કહ્યું હતું: ‘આ ચાર પદની અંદર ચાર વેદ, ષટ્શાસ્ત્ર ને અઢાર પુરાણનો સાર આવી ગયો.’
ગઢડા પ્રથમ પ્રકરણ ૧૪ના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ સંત સમાગમ મળ્યો છે એ પરમ ચિંતામણિ અને કલ્પવૃક્ષ છે. વળી, સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમ પ્રકરણના ૩૭ના વચનામૃતમાં કહ્યું કે આવા સંતનાં ચરણની રજ હું માથે ચઢાવું છું. આવા ગુણાતીત સંતનો મહિમા કહેતાં સ્વયં ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર કહ્યું કે આ ગિરનાર પર્વતમાં જેટલાં ઝાડ છે એ બધાં ઝાડ કલ્પવૃક્ષ હોય અને એના માલિક આપણે હોઈએ અને એનો ત્યાગ કરવો પડે તો એ ત્યાગ કરીને પણ આવા સંતનો સત્સંગ કરવો. ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર એમ પણ કહ્યું કે રોટલા ખાવા મળે છે પણ એ ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઈને આવા ગુણાતીત સંતનો સમાગમ કરીએ, એ ન મળે તો કાચા દાણા ખાઈને સમાગમ કરીએ, એ ન મળે તો પાણી પીને સમાગમ કરીએ અને એ ન મળે તો હવા ઉપર રહીને પણ સમાગમ કરીએ.
બધાં જ શાસ્ત્રો ગુણાતીત સંતનો આ મહિમા ગાય છે.
પ્રમુખસ્વામી મહારાજ એવા ગુણાતીત સત્પુરુષ હતા. અત્યારે મહંત સ્વામી મહારાજ એવા ગુણાતીત સંત છે.
પ્રમુખસ્વામી મહારાજનાં જીવન અને કાર્ય વિશે આપણે ઘણું બધું જાણ્યું-સાંભળ્યું છે, પરંતુ પ્રમુખસ્વામી મહારાજની વિશેષતા એ હતી કે તેમનું હૃદય અત્યંત શુદ્ધ હતું. એટલે તેમનામાં ભગવાનની શક્તિ કાર્ય કરી રહી હતી. માણસ પોતાની બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ કરી, વિજ્ઞાનનાં સાધનોથી ગમે તેટલું કાર્ય આગળ વધારે પણ એ બધું જ કાર્ય પાણીના એક ટીપા જેટલું છે, ભગવાનની શક્તિ અને ભગવાનનું કાર્ય સમુદ્ર જેટલું વિરાટ અને વિશાળ છે. એવા ભગવાન સાથે જોડાણ થાય તો અશક્ય કાર્ય શક્ય બને છે. પ્રમુખસ્વામી મહારાજે એ રીતે વિરાટ કાર્ય કર્યું છે.
એ પ્રમાણે આપણે પણ પ્રમુખસ્વામી મહારાજની જેમ હૃદય શુદ્ધ કરવાનું છે. અંદરનો સુધારો કરવાનો છે. પ્રમુખસ્વામી મહારાજે અહંશૂન્યતાથી કાર્ય કર્યું છે. દેશ-પરદેશમાં મંદિરો કર્યાં, સંતો કર્યા, બીજાં કેટલાંય વિરાટ કાર્યો કર્યાં. પરંતુ અનેક સંતો-ભક્તોમાં સમર્પણભાવ પ્રગટ થયો ત્યારે એવાં વિરાટ કાર્યો થયાં છે. એ સમર્પણભાવ પ્રમુખસ્વામી મહારાજની અહંશૂન્યતામાંથી પ્રગટ થયો છે. એ જ રીતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા આજે કાર્ય થઈ રહ્યું છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તેમના દ્વારા પ્રગટ જ છે, એમ અનુભવાય છે.
હું તો ૧૯૫૧-૫૨માં કોલેજમાં હતો ત્યારથી જ મહંત સ્વામી મહારાજના પરિચયમાં છું. તેમણે જે સંજોગોમાં આ ત્યાગાશ્રમ સ્વીકાર્યો હતો તે અદ્ભુત છે.
મહંત સ્વામી મહારાજ અને અમે બધા યુવક તરીકે હતા ત્યારે યોગીજી મહારાજ સાથે વિચરણમાં જોડાયા હતા. એક વખત કંડારી ગામે યોગીજી મહારાજે એમને અને મને પૂછ્યું કે તમારે ભવિષ્યમાં શું થવું છે? ત્યારે મહંત સ્વામી મહારાજે (તે સમયે વિનુભાઈ) કહ્યું કે ‘સાધુ!’ યોગીજી મહારાજે એકદમ પ્રસન્ન થઈને તેમના પર આશીર્વાદનો ધબ્બો મારીને કહ્યું કે ‘લો, સાધુ થઈ ગયા!’ મેં ડોક્ટર થવાના આશીર્વાદ માંગ્યા તો મને પણ આશીર્વાદનો ધબ્બો મારીને કહ્યું: ‘લો, ડોક્ટર થઈ ગયા!’
અને ખરેખર યોગીજી મહારાજના એ આશીર્વાદ સત્ય ઠર્યા. એ સમયથી હું નિરખું છું કે મહંત સ્વામી મહારાજના જીવનમાં પહેલેથી જ સાધુતા છે. તેમને યોગીજી મહારાજના પ્રેમની એવી લગની લાગી હતી કે જલદી સાધુ થઈને યોગીજી મહારાજનાં ચરણોમાં હોમાઈ જવું હતું, પરંતુ યોગીજી મહારાજે તેમને ભણવાનો આદેશ કર્યો એટલે બી.એસસી. (એગ્રિ.) થયા. જે દિવસે તેમની બી.એસસી.ની છેલ્લી પરીક્ષા પૂરી થઈ તે જ દિવસે તેઓ કોલેજથી સીધા જ યોગીજી મહારાજ જ્યાં હતા ત્યાં તેમની સેવામાં પહોંચી ગયા.
યોગીજી મહારાજે તેમને તરત આજ્ઞા કરી કે દીક્ષા લઈ લો. પણ હકીકત એવી હતી કે તે સમયે તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. પરિણામે ઘરના કેટલાક સભ્યોની ઇચ્છા હતી કે મહંત સ્વામી બી.એસસી. થયા છે તો તેમને કોઈક સારી નોકરી મળશે અને કમાશે, તેનાથી ઘરને ટેકો રહેશે. મહંત સ્વામી મહારાજના એક મોટા ભાઈ ઇંગ્લેન્ડ રહેતા હતા. બીજા એક ભાઈ સામાન્ય નોકરી કરતા હતા. તેમના પરિવારની જવાબદારી પિતા પર હતી. એટલે તેમના ઘરનાં સભ્યોમાંથી એક વ્યક્તિએ મને વાત કરી કે ‘તમે યોગીજી મહારાજને વિનંતી કરો કે વિનુભાઈને દીક્ષા આપે તેમાં તો અમે બધાં રાજી જ છીએ, પણ સન ૧૯૬૧માં બીજા યુવકોને દીક્ષા આપવાના છે, તે વખતે તેમને દીક્ષા આપે. કારણ કે અત્યારે અમારે આર્થિક કટોકટી છે તેમાં તેઓ નોકરી કરે તો કંઈક મદદ થાય.’ આથી તેમના ઘરનાં સભ્યો વતી મેં યોગીજી મહારાજને વિનંતિ કરી કે સ્વામી! ૧૯૬૧માં અન્ય ઘણા બધાને દીક્ષા આપવાની છે તે વખતે તેમની સાથે મહંત સ્વામીને દીક્ષા આપો તો ત્યાં સુધીનાં ત્રણ-ચાર વર્ષ સુધી તેઓ થોડું કમાય, તેનાથી તેમના કુટુંબને ટેકો રહેશે. પરંતુ તે વખતે યોગીજી મહારાજે મને કહ્યું: ‘તમે એમના પરિવારનાં બધાંને કહેજો કે જરાય ચિંતા ન કરે. વિનુભાઈને હું એવા સાધુ બનાવીશ કે એમના સંકલ્પે લાખો રૂપિયા આવશે!’ એ રીતે યોગીજી મહારાજની ખૂબ કૃપાદૃષ્ટિ તેમના પર પહેલેથી જ હતી.
ત્યાર પછી તેઓ તો દીક્ષા લઈને યોગીજી મહારાજ સાથે જોડાઈ ગયા અને અમારા જેવા અનેક યુવકો માટે સાધુ થવાની એક કેડી ખોલી દીધી.