પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના સંતો સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી વગેરેએ સંતમહિમાનાં અદ્ભુત પદો લખેલાં છે. તેમાં બ્રહ્માનંદ સ્વામી તો મહાવિદ્વાન અને વિચક્ષણ હતા, હૃદયથી શુદ્ધ હતા, ખૂબ અનુભવી હતા. એમણે પોતાના એક પદમાં લખ્યું છે: ‘સંત પરમ હિતકારી જગતમાંહી...’ શા માટે? તો આગળની પંક્તિમાં લખે છે: ‘પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી...’ આવા સંત આપણને ભગવાનમાં અનન્ય પ્રીતિ કરાવે છે અને આપણા મનના ભ્રમ છોડાવી દે છે.
આવા સંતની સોબત આપણને મળે તો? બ્રહ્માનંદ સ્વામી અંતિમ પંક્તિમાં લખે છે: ‘બ્રહ્માનંદ કહે સંત કી સોબત, મિલત હૈ પ્રગટ મુરારી...’
એવા ગુણાતીત સંત આપણને આ ને આ દેહે સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ કરાવે છે, કારણ કે એવા સંત પોતે જ ભગવાનનું સાક્ષાત્ સ્વરૂપ છે, એમણે રોમેરોમમાં ભગવાનને ધારણ કરી રાખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ ગુણાતીત સત્પુરુષનો આ અદ્ભુત મહિમા કહ્યો છે તે આજે પણ આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથે વર્ષો સુધી રહેવાનું થયું છે અને એમના જીવનમાં ક્ષણે-ક્ષણે આપણને સૌને એમની એવી ગુણાતીત સાધુતા અને દિવ્યતાનો અનુભવ થયો છે. અત્યંત નિર્માની, નિર્લેપ અને નિઃસ્પૃહી. બધાંનું શ્રેય કેમ થાય, ભલું કેમ થાય, એ જ એમણે રાત-દિવસ ચિંતા કરી છે. રાત-દિવસ મથીને એમણે બધાંના મનોરથ પૂર્ણ કર્યા છે. અનેક ભક્તોને એમનામાં સાક્ષાત્ ભગવાનનાં દર્શન થયાં છે. હજારો-લાખો ભક્તો-સંતોએ અનુભવ કર્યો છે કે એ આપણને નિર્દોષ કરે છે.
વર્તમાન સમયે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાન્નિધ્યમાં આપણને એ જ અનુભવ થાય છે. એમના મુખારવિંદ ઉપર શાશ્વત શાંતિ અને દિવ્યતાનો અનુભવ થાય છે. એમની વાણીમાં પણ દિવ્યતા છે. તેઓ બોલે છે ઓછું, પણ બહુ માર્મિક અને આપણા હૃદયને સ્પર્શ કરે, આપણને પ્રેરણા આપે એવું. એમનામાં ભગવાનનો વાસ છે. આવા ગુણાતીત સંતમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. આવા ગુણાતીત સંતનો સત્સંગ નિર્દોષભાવે, દિવ્યભાવે કરીએ તો જરૂર આપણું પરિવર્તન થાય છે, આપણને પણ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે, આપણું જીવન સાર્થક થાય છે.
મહંત સ્વામી સાથે મારી પ્રથમ મુલાકાત ૧૯૫૨-૫૩માં થયેલી. ગામડે-ગામડે વિચરણ કરતા યોગીજી મહારાજ સાથે ફરવા માટે વેકેશનમાં અમે યુવકો જોડાતા. યોગીજી મહારાજના એ વિચરણમાં વિનુભાઈ તરીકે આવેલા મહંત સ્વામી સાથે પ્રથમ મુલાકાત થયેલી. ત્યારથી જ એમની નમ્રતા અને સાધુતા સ્પર્શી ગયેલી. પહેલેથી જ એમનામાં સેવા-ભાવના. તેઓ હંમેશાં નાનામાં નાની સેવા કે નીચામાં નીચી ગણાતી સેવા ઉત્સાહથી કરતા. સેવા ન હોય તો સામેથી સેવા શોધતા. તેમને જોઈને અમને સૌને પણ ખૂબ પ્રેરણા મળતી. નાનાં-મોટાં કામમાં એમની ખૂબ ચીવટ, પરફેક્શનનો ગુણ અમને સ્પર્શી જતો. યોગીજી મહારાજ વિનુભાઈને બધા યુવકો સાથે ગોષ્ઠિ કરવાનું કહેતા, તેમાં તેઓ અમને બધાને મહિમાની ખૂબ વાતો કરતા.
૧૯૫૯-૬૦માં મારે યોગીજી મહારાજની સેવામાં આફ્રિકા ખંડના વિચરણમાં જોડાવાનું થયું ત્યારે મહંત સ્વામી પણ વિનુભગત તરીકે સાથે હતા. આફ્રિકાના આ વિચરણમાં તેમની સાથે સેવા-ભક્તિનો ખૂબ આનંદ આવ્યો. વિનુભગતની યોગીજી મહારાજ પ્રત્યેની નિર્દોષબુદ્ધિ, દિવ્યભાવ એ બધું જોઈને ખૂબ પ્રેરણા મળી. આફ્રિકાના એ વિચરણમાં જ યોગીજી મહારાજે અમને દીક્ષાનો આદેશ આપ્યો હતો.
અમે આફ્રિકાથી ભારત પાછા આવ્યા અને તરત જ યોગીજી મહારાજે મુંબઈમાં કપોળવાડીમાં અમને નવ યુવકોને દીક્ષા આપી, તેમાં વિનુભગતને પણ ફરીથી પાર્ષદી દીક્ષા આપી. અમારા સૌના મોવડી તરીકે તેમને મૂકીને યોગીજી મહારાજે અમને મુંબઈમાં સંસ્કૃતનો અભ્યાસ કરવા મૂક્યા. એ સમયે અને ત્યારબાદ એમને મુંબઈ મંદિરના મહંત તરીકે સ્થાપ્યા. ત્યારે પણ વર્ષો સુધી અમે સાથે રહ્યા. આ લાંબા સહવાસ દરમ્યાન એમની સાધુતા હંમેશાં અમને સૌને પ્રેરણા આપતી.
યોગીજી મહારાજના વચને ભણીગણીને સાધુ થનારા યુવકોમાં મહંત સ્વામી મહારાજ સૌપ્રથમ હતા. તેઓ સાધુ થયા તે એક એવું ઉદાહરણરૂપ બન્યું કે આવા ભણેલા ગણેલા યુવાનો સાધુ ન થાય - એ સમાજની માન્યતાની દીવાલ તૂટી.