Essay Archives

‘લાલજી ભગત! ભુજથી સ્વામીશ્રીએ કહાવ્યું છે કે સૌએ લોજ જવું. ત્યાં એક નીલકંઠ બ્રહ્મચારી આવ્યા છે. નાની ઉંમર છે. તપસ્વી છે. તપની આભા મોં પર છવાયેલી રહે છે. વળી, આટલી ઉંમરે પણ ભલભલાનાં પાણી ઉતારે એવા સમર્થ છે.’
‘ભટ્ટજી! ભલે એ જેવા હશે તેવા, આપણે શું લેવા દેવા? આપણો નિશ્ચય ડગવા ન દેવો. જે ગામ જવું નહીં તેનું નામ શીદ લઈએ!’
ભટ્ટજી કહે : ‘ગુરુએ કહાવ્યું છે એટલે કહું છું, પછી તમારી મરજી!’
લાલજી સુથાર તો સીધા ભુજ ઊપડ્યા. એમ કે, ગુરુ પાસેથી સત્ય હકીકત જાણી આવું ને ભટ્ટજીની ભ્રમણા ભાંગું.
રામાનંદ સ્વામીએ લાલજીને જોતાંવેંત કહ્યું: ‘અરે, તમે અહીં ક્યાંથી? ભટ્ટજી સાથે કહેવડાવેલું તે લોજ ન ગયા? બારોબાર અહીં આવ્યા!’
લાલજી કહે : ‘વર્ણી વળી કોણ છે ? તમારા જેવા મોટા છે?’
‘એમની મોટપની તો શી વાત કહું! એમના તોલે અમેય ન આવીએ.’
‘તો શું તે અવતારો જેવા મોટા છે?’
‘એથી પણ મોટા. વધુ શું કહું, આ તો અવતારોના અવતારી, સર્વોપરિ પુરુષોત્તમ પરબ્રહ્મ છે.’
પછી કહે: ‘લાલજી! તમે ભૂલ્યા, અહીં આવ્યા. હવે ત્યાં જાવ ને સમાગમ કરો. અમે આવીએ છીએ. એમને રોકી રાખજો, જવા ન દેશો.’
લાલજી તો અવાક્‌ જ થઈ ગયા. તેમને તો ગુરુ જ સર્વસ્વ હતા, પણ હવે વાત કંઈ જુદી જ બની રહી હતી. લાલજી સુથારે ઉતાવળે પગલે લોજની વાટ લીધી. લોજ પહોંચ્યા. વર્ણીનાં દર્શન કર્યાં, અંતર અને આંખો ઠરી ગયાં.
રામાનંદ સ્વામીએ વર્ણીને દીક્ષા દીધી. ગાદી સોંપી. સત્સંગ સોંપ્યો. સૌને નાના સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવા જણાવ્યું. ગુરુ સ્વધામ ગયા. ત્રિપુટીનો શોક માંડ શમ્યો. શ્રીહરિ શરૂશરૂમાં સમાધિ પ્રકરણ ચલાવતા. માંગરોળમાં શબના ઢગલા થતા, લાકડાના થર જેમ તેની ગોઠવણ થતી. સમાધિ જોવા મયારામ માંગરોળ ગયા. મહારાજને પગે લાગીને બેઠા. સાધુઓ સમાધિમાં હતા. શ્રીજી કહે: ‘ભટ્ટજી! બેસો, પલાંઠી વાળો. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરો. સમાધિ થશે.’
ભટ્ટજી બેઠા ને ભજન શરૂ કર્યું ત્યાં તો નાડી-પ્રાણ તણાવા લાગ્યાં. જીવાત્મા ઊંડો ઊતરવા લાગ્યો. ભટ્ટજી પરસેવે રેબઝેબ. એ તો ઊઠીને તત્કાળ મોં ધોઈ આવ્યા. શ્રીજીએ ફરી ભજનમાં બેસાર્યા. ફરી નાડી-પ્રાણ તણાયાં ને ઊઠી ગયા. આમ, ચાર વાર બન્યું.
મયારામ મનોમન બબડ્યા: ‘આ નવા સાધુએ સત્સંગ ચૂંથી નાખ્યો. ગુરુ હતા ત્યાં સુધી સુખ હતું. આ ઝંઝટ નહોતી. એ...ય સુખેથી સૌ ભજન કરતા. આણે તો પ્રથા જ પલટી નાખી! કૃષ્ણ... કૃષ્ણ... કૃષ્ણ... સત્સંગનું શું થવા બેઠું છે!’ વિચારમાં ને વિચારમાં તેઓ સૂનમૂન બેઠા હતા.

© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS