ભગવાન સ્વામિનારાયણની બહુમુખી પ્રતિભા રાવળથી માંડી રાજવી સુધી, નટથી માંડી પંડિત સુધી, કોળીથી માંડીને કલાવિદ્ સુધી પ્રસરેલી હતી. એમના ભક્તો પોતીકી આવડત મુજબ કળા-કસબની લહાણ કરાવતા. સમૈયામાં આવા પ્રસંગો વધુ યોજાતા. કોઈ રાસની જમાવટ કરતા, કોઈ નૃત્ય- કલા રજૂ કરતા, કોઈ ઘોડાને કૂંડાળે નાખી નિશાન લેતા, કોઈ પાવા વગાડી શ્રીજીની પ્રસન્નતા મેળવતા. કોઈ તીરથી નિશાન પાડીને પ્રભુના આશિષ પામી કૃતકૃત્ય થતા.
એક વાર વડતાલમાં ચૈત્રી પૂનમનો મોટો સમૈયો ભરાયો. હજારો મુમુક્ષુઓ શ્રીજીમહારાજનાં દર્શનનો લાભ લેવા ઊમટ્યા. મંદિરની બાજુમાં મોટું ગોમતી તળાવ છે. કાંઠે વૃક્ષોની ઘનતા આજે પણ શમિયાણાનું કામ સારે છે, ઠંડક આપે છે. કળાના હિમાયતી ભગવાન સ્વામિનારાયણ આવા પ્રસંગે પુરબહાર ખીલતા. પોતે એકલી કથાવાર્તા, તત્ત્વચર્ચામાં જ નહીં પણ ભક્તોની ખરી ખમીરીનું માપ લેવામાંય અદ્વિતીય હતા. એવા કાર્યક્રમો ઘડી કાઢતા કે ભક્તોને એ પ્રસંગની ચિરસ્મૃતિ રહી જતી. સમૈયામાં કાઠી દરબારો, પટેલો, શેઠિયાઓ અને બીજી કેટલીય કોમના મુમુક્ષુઓ એ મૂર્તિને અંતરમાં ઉતારવા તલસી રહેતા.
વડતાલના સમૈયે કાઠિયાવાડી, ગોહિલવાડી, હાલારી, કચ્છી અને સોરઠી ભક્તોની મંડળીઓ ભેગી થઈ. રાસમંડળીઓએ રાસ લીધા. હરિવરે કહ્યું : ‘સાંભળો ભક્તો ! આજે અમે અવનવા રાસ નિહાળી સૌ પર પ્રસન્ન થયા છીએ. હજુ આવતીકાલે એક વધુ કળા નિહાળવી છે. ખરા આંટુકદારને સરપાવ આપવો છે. તો આ કળાના જાણતલ અમારી પાસે આવીને કાર્યક્રમ ઘડી કાઢે.’
મહારાજના આ ધીર ગંભીર બોલ, તળ વડતાલના જ ચાર ભક્તોએ ઝીલી લીધા. મોખરે હતા એક વખતના ભયંકર લૂંટારુ તરીકે પંકાયેલા ભક્ત- રાજ જોબન પગી; જેની નામના આખા પંથકમાં સૌથી શ્રેષ્ઠ નિશાનબાજ તરીકે ફેલાયેલી હતી. એમના જ બીજા ભાઈઓ સુંદર પગી, શકરો પગી, તખો પગી પણ એવા જ આંટુકદાર હતા. પહેલાં જે મલકને લૂંટતા તે હવે શ્રીજીની મૂર્તિને લૂંટતા થયા. મહારાજે લૂંટારુનાં જીવન બદલી નાખ્યાં, ભક્તિમય બનાવી દીધાં !
ચારે ભાઈઓએ પોતાની નિશાન પાડવાની કળા રજૂ કરવા શ્રીજી- મહારાજ પાસે આજ્ઞા લીધી. મહારાજ ખૂબ પ્રસન્ન થયા ને આયોજન કરવા આજ્ઞા આપી. ગોમતી તળાવને સામે કાંઠે એક ઊંચા ઝાડ પર માટીના લોટકા (નાનાં માટલાં) બાંધી, નિશાન વીંધવા ચારે ભાઈઓ થનગની રહ્યા.
સવારના ખુશનુમા વાતાવરણમાં શ્રીહરિ સાજસમાજ સાથે ગોમતી કાંઠે પધાર્યા. પલંગ પર દૂધ જેવી સફેદ ધડકીઓ પથરાઈ ગઈ. ગાદી-તકિયાના ઝાકઝમાળ થયા. પ્રભુ એ ઊંચે આસને બિરાજ્યા. આજુબાજુ કાઠી-દરબારો, સંતો-મહંતો બેસી ગયા. અધ્ધર નજરે, આંખો પર હાથનાં નેજવાં કરી, સૌ કોઈ ઊંચા ઝાડની અંતિમ શાખા પર મીટ માંડી રહ્યા ને કહેવા લાગ્યા : ‘એ લાલ-પીળા લોટકા લટકે. જોયા ? એ તે શે વીંધાય ?...’
તેવામાં મહીકાંઠાનાં કોતરો ઘૂમી વળેલા આ ચારેય નરબંકા ભક્તો સભામાં પ્રવેશ્યા, શ્રીજી સન્મુખ નમીને નિશાન પાડવા આજ્ઞા માંગી, પણ એ પહેલાં હાકલ કરી : ‘છે કોઈ મૂછોના કાતરા ઊંચે રાખનાર કાઠી ? હોય તો આવો ભા ! પાડો નિશાન ને મેળવો મોજ !’
તલવાર વાપરી જાણનાર કાઠી-દરબારો બધા અસ્ત્ર-શસ્ત્રોમાં પ્રવીણ હોય, છતાં બાણ-બંદૂક એમનાં એટલાં કહ્યાંગરાં નહોતાં બન્યાં જેટલી સમશેરો કહ્યાગરી બની’તી. અહીં કાઠી કુળમાં બાણ મારી જાણે એવાય ઘણા હતા, પણ જોબન જેવા આંટુકદાર પાસે મૂછો નીચી ઢળે, અપમાન થાય, એ કરતાં હોડ ન કરવામાં સૌએ રૂડું માન્યું.
સભામાં બેઠેલામાંથી સૌ કોઈને આ વિચારો સ્પર્શી ગયા.