Essay Archives

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ (Hanley Passport Index) એ કોઈપણ દેશના પાસપોર્ટને આપવામાં આવતો ક્રમ નંબર છે, જે એ દેશની છાપ બીજા દેશોમાં કેવી છે એનો અંદાજ આપે છે. એક દેશના પાસપોર્ટ ધારકને જેટલા વધારે દેશોમાં વિઝા વગર પ્રવેશ મળે એટલો એ દેશનો પાસપોર્ટ વધુ પ્રભાવશાળી ગણાય. હાલ આ શ્રેણીમાં જાપાન પ્રથમ ક્રમે આવે છે કારણ કે એના પાસપોર્ટ ધારકને ૧૯૩ દેશોમાં વગર વિઝાએ પ્રવેશ મળે છે.  ૧૮૭ના આંકડા સાથે ઇંગ્લેન્ડનો નંબર છઠ્ઠો અને ૧૮૬ના આંકડા સાથે અમેરિકાનો નંબર સાતમો છે.
ભારતના પાસપોર્ટ ધારકને ઘણા બધા દેશોના વિઝા મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે, આથી ભારત હેનલી ક્રમાંકમાં પાછળ છે. પરંતુ આ દેશના કેટલાંક મહાપુરુષો દુનિયાભરમાં પોતાના ઊચ્ચ કક્ષાના જીવનથી એવો આદરભાવ કમાયા છે, કે તેમના પ્રવેશ માટે તમામ દેશોએ લાલ જાજમ બિછાવી છે. આ રીતે આ મહામાનવોએ પોતાના બળવાન વ્યક્તિત્વ દ્વારા ભારતના પાસપોર્ટને પણ બળવાન કરી દેખાડ્યો છે. વિશ્વભરમાં સર્વત્ર આદર પ્રાપ્ત કરીને પ્રમુખસ્વામી મહારાજે આ પરંપરાને જીવંત રાખી છે અને આ દેશનું ગૌરવ વધાર્યું છે.
પરદેશમાં કોઈ ઓળખાણ પિછાણ વિના પણ ત્યાંના સત્તાધારીઓને ભારત દેશના ધર્મગુરુ પ્રમુખસ્વામી પ્રત્યે આદરભાવ કઈ રીતે પ્રગટ થયો હશે? વિશ્વકક્ષાએ શ્રેષ્ઠતાને પ્રમાણભૂત કરતી સંસ્થા Guinness World Records (ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ)એ ૨૦૦૧ની સાલમાં દુનિયાભરનાં ૨૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી બહાર પાડી એમાં પ્રમુખસ્વામી મહારાજનું નામ સામેલ કર્યું. શાથી? કારણકે તેઓ એવા અણીશુદ્ધ વર્તનવાળા આદર્શ સંત હતા, તો તેમની ખ્યાતિ છૂપી રહી શકે એમ નહોતી.
એક સદી પહેલાં ગામડાંની ધૂડી નિશાળમાં છ ચોપડી ભણેલા પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનાં કેવાં કેવાં માંધાતાઓ ઉપર પ્રભાવ પાડ્યો એની યાદી ખૂબ લાંબી અને પ્રભાવક છે. એમાંથી થોડાં જ નામો જોઈએ, તો
  • ઇંગ્લેન્ડ અને કેનેડાની પાર્લામેન્ટે ૧૯૮૮માં ચાલુ સત્ર દરમ્યાન એમને આમંત્રણ આપીને એમનું સન્માન કર્યું.
  • તા.૪-૧૦-૨૦૦૦ના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન એમને માયામી શહેરમાં મળ્યા ત્યારે એવા પ્રભાવિત થયા કે બીજે વર્ષે તેઓ ફરી વખત ગાંધીનગરમાં સ્વામીશ્રીને મળવા આવી ગયા.
  • ૧૯૯૭માં બ્રિટનના રાજવી પ્રિન્સ ચાર્લ્સે લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં સ્વામીશ્રીને બોલાવીને સત્કાર્યા.
  • તા.૨૨-૭-૨૦૦૭ના દિને સ્વામીશ્રીએ ટોરોન્ટોમાં શિખરબદ્ધ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી ત્યારે કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરે પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને એમને બિરદાવ્યા.
  • તા.૬-૧૧-૨૦૦૫ના દિને પ્રમુખસ્વામી મહારાજે દિલ્હીમાં અક્ષરધામનું ઉદ્ઘાટન કર્યું તેમાં ભારતના રાષ્ટ્રપતિશ્રી, વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા- આ તમામ એક સાથે સહભાગી થયા.
  • તા.૨૯-૮-૨૦૦૦ના દિને એમણે UNO- સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સહસ્ત્રાબ્દી વિશ્વશાંતિ શિખર પરિષદમાં પ્રથમ વક્તાપદેથી ગુજરાતીમાં આશીર્વચન ઉચ્ચાર્યા. આ રીતે એમણે ગુજરાતી ભાષાનું પણ ગૌરવ વધાર્યું.
  • તા.૮-૭-૨૦૦૦ના દિને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે સ્વામીશ્રીને બે વર્લ્ડ રેકોર્ડ એનાયત કરીને સન્માનિત કર્યા.
  • તા.૧૪-૪-૧૯૯૭ના રોજ બહેરિનના રાજા અમીર શેખ ઈસા બિન સલમાન અલ ખલીફાએ રાજમહેલમાં એમની પધરામણી કરાવીને સત્કાર્યા.
  • એમને દુનિયાભરના ૬૨ શહેરોના મેયરોએ ‘કી ટુ ધ સીટી‘ અર્પણ કરીને એમના માટે શહેરનાં દ્વાર કાયમ માટે ખુલ્લાં મુક્યાં છે.
એમની પ્રતિભાથી અંજાયેલા ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિશ્રી જ્ઞાની ઝૈલસિંઘ તા.૧૨-૧૨-૮૫ના રોજ એમને પહેલી વાર મળ્યા પછી હજારોની મેદનીને સંબોધતાં બોલી ઉઠેલા ‘આપકો સરકારકી જરૂરત નહીં હૈ, લેકિન સરકારકો આપકી જરૂરત હૈ.‘ તો રાષ્ટ્રપતિશ્રી ડો.એ.પી.જે. અબ્દુલ કલામે એમને ગુરુ તરીકે સ્વીકારીને એમની સાથેના દિવ્ય અનુભવોને વર્ણવતું પુસ્તક લખ્યું છે- ‘Transcendece’ (પરાત્પર), જે કોઈપણ દેશના રાષ્ટ્રપતિએ પોતાના ગુરુ માટે લખેલ એકમાત્ર પુસ્તક છે. વળી એમણે કેટલીયે વાર એમના હાથ નીચે રહીને સ્વયંસેવક બનીને સેવા કરવાની ઈચ્છા દર્શાવી છે.
પોતાની જીવનભરની માન્યતાઓથી વિરુદ્ધ હોવા છતાં પણ કેટલીક વિચારશીલ વ્યક્તિઓએ એમના ચીંધેલ રાહ ઉપર ચાલવું ઉત્તમ ગણ્યું છે. તેઓ બ્રહ્મલીન થયા ત્યાર પછી મુંબઈમાં યોજાયેલ એમની શ્રદ્ધાંજલિ સભામાં હજારોની મેદની વચ્ચે બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા પરેશ રાવલે આ શબ્દોમાં પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી ‘‘હું સંત-મહાત્માઓને માનનારી વ્યક્તિ નથી, જેને હું મારી સજાગતા, મારી વિચારવાની શક્તિ કહું છું. હું ક્યારેય કોઈ સંતને મળવા જાઉં છું તો સજાગ થઈ જાઉં છું. મારા દિલ પર કોઈનોય કબજો થતો નથી. પરંતુ હું પ્રામાણિકતાપૂર્વક કહું છું કે પ્રમુખસ્વામીજીના અંતિમ દર્શને મને જે અનુભવ થયો તે જિંદગીમાં ક્યારેય નથી થયો. મને થયું કે મારે કોઈનાય બતાવેલા માર્ગે ચાલવાનું હોય તો પ્રમુખસ્વામીજીના બતાવેલા માર્ગે ચાલવું જોઈએ.‘‘ આવા લાખો મનુષ્યોના હૃદયમાં પ્રવેશ પામવાના કાયમી વિઝા પ્રમુખસ્વામી મહારાજે મેળવી લીધા હતા.
દેશ-વિદેશના રાજકારણના માંધાતાઓ, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, ધાર્મિક નેતાઓ, શિક્ષણવિદો વિગેરેથી લઈને સામાન્ય પ્રજાજનો સુધીનાં તમામને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે અનેરો આદરભાવ રહ્યો છે, એનું કારણ એવું તો છે જ નહીં કે એમની પાસે કોઈ જાદુઈ લાકડી હતી. એમની પાસે હતી માત્ર સાધુતાની સુવાસ, જે ભગવાન સ્વામિનારાયણની તમામ આજ્ઞાઓનું દ્રઢતાપૂર્વક પાલન કરવાથી પ્રગટ થયેલી દિવ્ય પ્રતિભાનો પરિપાક હતો. આ એવી ચાવી હતી, કે જે કોઈપણ દેશના દરવાજા ખોલી નાખતી. એટલે જ પ્રમુખસ્વામી મહારાજનો પાસપોર્ટ ખૂબ બળવાન પાસપોર્ટ ગણાય.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS