Essays Archives

૧૯૭૮ના વિચરણમાં અમે સ્વામીશ્રી સાથે જોડાયેલા. ઉતારો ધર્મશાળામાં હતો. એકાદશીની આગલી રાત્રે ૧૨ વાગ્યા સુધી સ્વામીશ્રીએ કથા કરેલી. બારસના દિવસે સ્વામીશ્રીએ પારણાંમાં માત્ર એક વાટકી મગ લીધેલા. બપોરે બે વાગ્યા સુધી એકધારી પધરામણી ચાલી. તેમાં ૧૪૦ પધરામણી કરી ! પછી જમવા ભેગા થયા ! સ્વામીશ્રી બહુ જ થાકી ગયા હતા. ઉનાળો હતો ને વળી ઇલેક્ટ્રિસિટી નહીં. તેથી સ્વામીશ્રી આરામમાં પધાર્યા ત્યારે હું પંખો નાંખતો હતો, અને મને ઝોલું આવ્યું, તે સ્વામીશ્રી પર પડ્યો. પછી તો બેઠાં બેઠાં મને ઊંઘ આવતી, તેથી ઊભા ઊભા પંખો નાખવાનું શરૂ કર્યું તોય ઝોલાં ચાલુ જ રહ્યાં, ને ફરી એકવાર સ્વામીશ્રી પર પડ્યો. આ વખતે સ્વામીશ્રી એકદમ જાગી ગયા. મારી પરિસ્થિતિ જોઈ તે સ્મિત કરતાં પડખું ફરી સૂઈ ગયા ! એક શબ્દ પણ ઠપકો આપ્યો નહીં ! મને બહુ ડર લાગેલો, પરંતુ સ્વામીશ્રી કશું જ બોલ્યા નહીં, એ મારે મન મહાન આશ્ચર્ય હતું !
સ્વામીશ્રીનો લાભ લેવા ૧૦ દિવસ માટે હું સારંગપુર ગયો હતો. ત્યારે બે પત્રો સ્વામીશ્રીને સહી કરવા આપ્યા. સ્વામીશ્રી કહે : 'આ સાક્ષાત્‌ સ્થાન, તેમાં વહેવાર કરાય જ નહીં ! તમો લાભ લેવા આવ્યા ને આવા સ્થાનમાં વહેવારની વાત જ ન થાય !'
મેં કહ્યું : 'તમો તો રોજ પચ્ચીસ પત્રો લખો છો તેમાં વહેવારની જ વાત હોય છે !'
સ્વામીશ્રી સ્મિત કરતાં સહજતાથી કહે : 'અમને તો વહેવાર અડતો જ નથી. અખંડ મહારાજ દેખાય છે !' સ્વામીશ્રી પોતાની ક્રિયા પોતાની માનતા જ નથી!
૧૯૮૪માં સ્વામીશ્રી નડિયાદ પધાર્યા હતા. ગોવિંદભાઈની 'રાજન બિલ્ડર્સ'ની જગ્યામાં પગલાં કરવા જવાનું હતું. તેમણે મંદિર કરવા ૧૮૦૦ વાર જગ્યા ડભાણ રોડ પર સંસ્થાને દાનમાં આપી હતી. વળી ૭૦૦ મકાનનું યોગીનગર બનાવ્યું હતું. આ સ્થળે સ્વામીશ્રી મંદિરના ખાતમુર્હૂત નિમિત્તે પધાર્યા હતા. જગ્યા બરાબર સાફ ન હતી. વળી સ્વામીશ્રીએ પણ મોજડીને બદલે ચંપલ જ પહેર્યાં હતાં. અચાનક ચંપલની સાઈડમાંથી ગાંડા બાવળનો મોટો કાંટો સ્વામીશ્રીના પગમાં પેસી ગયો. સ્વામીશ્રી ઊભા રહ્યા. અમે આવીએ ત્યાં તો તેમણે જાતે જ કાંટો ખેંચી લીધો. જેવો ખેંચ્યો અને લોહીની ધાર છૂટી. મેં લોહી લૂછી લીધું. સ્વામીશ્રી પણ કાંટો વાગ્યો કે તરત જ અવળા ફરી ગયા, જેથી સેવક સંતો-હરિભક્તોને તેની જાણ ન થાય.
સેવક સંતો તો આસન તૈયાર કરવા અગાઉ ચાલ્યા ગયા હતા. તેથી તેમને ખબર ન પડી પણ સ્વામીશ્રી મને કહે : 'કોઈને કહેશો નહીં.' પણ વાત કંઈ છાની રહે ? નારાયણચરણ સ્વામી પગે નીકળેલી લોહીની ટશર જોઈ ગયા. અને આકળા થઈ ગયા. સ્વામીશ્રી તો શાંતિથી વિધિ પતાવી નજીકમાં યોગીનગરમાં પધરામણી કરવાની હતી ત્યાં પધાર્યા. પછી ઉતારો હતો ત્યાં આવ્યા. અમે વિચાર કર્યો કે વ્યવસ્થાપકને બે શબ્દો કહેવા કે સાફસૂફ કરાવ્યા વગર સ્વામીશ્રીને બોલાવ્યા તે ઠીક ન થયું. સ્વામીશ્રી અંતર્યામીપણે જાણી ગયા તેથી બપોરે જમીને આરામમાં જતી વખતે મને બોલાવી સ્વામીશ્રી કહે : 'કોઈની ઉપર રોષ કરવો નહીં. વાગવાનું હોય તો બંગલામાં, રૂમમાં બેઠા હોય તોય વાગી જાય.' અમે કાંઈ કહી શક્યા નહીં. વળી નંદકિશોર સ્વામીને ખબર નહીં અને તે જ પગે પગ દબાવવા લાગ્યા. પણ સ્વામીશ્રીએ એક ઊંહકાર કે હરફ ઉચ્ચાર્યો નહીં! આત્મનિષ્ઠા અને ક્ષમાભાવનો જાણે સંગમ રચાયો હતો!
એક વાર અટલાદરામાં સાંજની સભામાં ઘણા જ હરિભક્તો આવ્યા હતા. સ્વામીશ્રીની વિદાયસભા હતી. બીજે દિવસે સ્વામીશ્રી મુંબઈ જઈને પરદેશ જવાના હતા. તેથી મળનારા પણ બહુ જ હતા. સભા પછી વ્યક્તિગત દર્શન આપવા બિરાજ્યા. પરંતુ બધા જ એક સાથે ઊઠ્યા ને અવ્યવસ્થા સર્જાઈ ગઈ. ધસારો ખૂબ વધી ગયો.
એવામાં એક ભાઈ આવ્યા ને કહે : 'બાબાનું નામ શું પાડવું?'
બીજાભાઈ કહે : 'આને વ્યસન મુકાવોને ?'
ત્રીજાભાઈ આવ્યા ને કહે : 'મારે ટૅમ્પો લેવો છે. તો ભાગીદારીમાં લઉં કે એકલો ?' આ દરમ્યાન કંઠી પહેરનારા તો ચાલુ જ હતા.
હું સ્વામીશ્રી પાસે બેઠો બેઠો બધું જોતો હતો. થોડીવારે સ્વામીશ્રીને કહ્યું : 'આપને વે'વાર બહુ છે !'
સ્વામીશ્રી કહે : 'મારે કોઈ વહેવાર નથી. અમારે તો અખંડ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન થાય છે. વહેવાર તો બધો તમારે છે!'
સ્વામીશ્રી ૧૯૮૮ની વિદેશયાત્રાએ જવાના હતા તે પૂર્વે સારંગપુર પધાર્યા હતા. એક સવારે એક સંતે પૂછ્યું, 'હવે તમે ૧૦ દિવસ જ દેશમાં છો. પછી ૧૦ મહિના પરદેશ જવાના છો, તો તમને એમ થાય છે કે મારે ૧૦ દિવસમાં આ બધા સંતો-હરિભક્તોને મૂકીને પરદેશ જવાનું છે.'
સ્વામીશ્રી અદ્‌ભુત સૂત્ર બોલ્યા, 'મારે દેશ કે પરદેશ કાંઈ છે જ નહીં !!'
મેં કહ્યું : 'આ લોકની દૃષ્ટિએ તો જશોને ?'
સ્વામીશ્રી કહે : 'આ લોકમાં રહેતો જ નથી, પરલોકમાં જ રહું છું_ ! આ લોકમાં રહેતા હોય તો આ લોકનું બંધન હોય ને!'
મેં પૂછ્યુ _, 'તો અમે કયા લોકમાં રહીએ છીએ?'
સ્વામીશ્રી કહે : 'તમને બંધન ના હોય તો પરલોકમાં ! ને હોય તો આ લોકમાં તો છો જ !' સ્વામીશ્રીની બ્રહ્મદૃષ્ટિનો આ સ્પષ્ટ પરિચય હતો !
૧૯૯૨માં યોગી શતાબ્દી પછી તરત જ સ્વામીશ્રીનું વિચરણ ખેડા જિલ્લામાં હતું. અહીં ચકલાસી ગામે મૂર્તિપ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. આથી એક રાત નડિયાદમાં રોકાણ હતું. વળી અહીંની એક કોલોનીમાં પીપલગવાળા અરવિંદભાઈનું સ્ટેચ્યુ પધરાવવાનું હતું. આથી સ્વામીશ્રીએ મને અગાઉ યોગી શતાબ્દીની પૂર્ણાહુતિ સભામાં કહેલું કે હું સાંજે આવીશ અને સવારે નીકળી જવાનો છું_. માટે ત્યાં કોઈને જાણ કરશો નહીં. ને DDITના પ્રિન્સિપાલ હર્ષદભાઈને ત્યાં ઉતારો રાખશો.
કાર્યક્રમ મુજબ સાંજે સ્વામીશ્રી આવ્યા. તે સમયે પાંચ સંતો અને હર્ષદભાઈના મિત્ર - બસ, આટલા જ સ્વામીશ્રીની સામે દર્શને બેઠા હતા. આથી મેં પૂછ્યું, 'આપને ખાલી-ખાલી લાગે છે? સ્વામિનારાયણ નગરમાં, ગાંધીનગરમાં તો રોજ લાખો માણસો ! ને અહીં માંડ પાંચ જણ છે!'
સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા, 'અમે ભગવાન રાખ્યા છે તેથી ભર્યું-ભર્યું જ છે !'


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS