‘બ...સ ! કાઠીઓનું પાણી ગયું !!’ એમ બોલતાંક જોબનનો હાથ જરા મૂછ પર ફરકી ગયો, ગર્વથી ગાલ ફૂલી ગયા ને આંખોમાં સહજ અભિમાન ડોકાઈ ગયું. શ્રીજીની ચકોર નજર એ પામી ગઈ.
‘ઠીક મહારાજ ! અમે વીંધીએ. આવાં તો કંઈક વીંધ્યાં છે,’ કહી જોબને જુદા જુદા રંગથી રંગેલ લોટકા પર ધ્યાન દીધું, પણ વૃત્તિ વિજયના ઘમંડમાં ને આંટુકદારના તોરમાં કંઈક છકી ગયેલી. એણે તીર છોડ્યું, ખાલી ગયું. બીજું છોડ્યું, ખાલી ગયું અને ત્રીજું પણ ઝાડનાં પાંદડાંનું અટ્ટહાસ્ય માપતું કૂંપળો ખેરવતું સરકી ગયું !!
‘જોબન ! હવે તીર ના લેશો, બેસી જાઓ,’ શ્રીજી મરમાળું હસ્યા અને ઉમેર્યું : ‘આવો, સુંદર પગી !’
સુંદરે નિશાન લીધું પણ આંખ સામે અનેક દીઠ્યાં ! દ્વિચંદ્રજ્ઞાની કયો ચંદ્ર સાચો એવું નક્કી ન કરી શકે. સુંદરનું મન ભમી ગયું. એ બેસી ગયો.
શકરો આવ્યો. તેનાથી પણ નિશાન ખાલી ગયું ને તખા પગીનું પણ એવું જ થયું.
કાઠીઓમાં ગુસપુસ થવા માંડી : ‘મહારાજની મરજી હોય તો મૂંગોય વેદ ભણે. નામરજી હોય તો આંટુકદારનુંય શું ગજું કે એ નિશાન સર કરે !’
‘કળા આપનાર એ છે, બળ પ્રેરનાર એ છે, તેમ બળ હણનાર પણ એ છે.’
‘પ...ણ ત્રણે ભાઈઓનું તો જાણે સમજ્યા, પરંતુ આ જોબનનું તીર એટલે ભાગતો શિકાર ભોંય પછાડે એવું, પણછ ચઢે કે શિકાર ડફ દઈ ધરતી પર પડે, ને અહીં બેઠું નિશાન પણ પડ્યું નહીં !!’
કોલાહલ વધી ગયો. ચારે ભાઈઓની નજર જમીન માપવા માંડી.
શ્રીજીમહારાજે સૌને શાંત કર્યા.
સભામાં એક શેઠ બેઠેલા. એમનું નામ આંબા શેઠ. એમના ગુણોની મીઠી સાખ મલકને બારે મહિના માણવા મળતી. ગઢડા માથે ગઢાળી ગામના આ વણિકને શ્રીજીનો સત્સંગ રુંવે રુંવે ચઢી ગયેલો. શ્રીજીમહારાજનું એમણે નવું નામ પાડેલું - ન્યાલકરણ ! સર્વમંગલ સ્તોત્ર કે જનમંગલ નામાવલિમાં સંસ્કૃત પંડિતોને પણ ન સૂઝ્યું એવું નામ !!
‘ન્યાલકરણ... ન્યાલકરણ’ કરતાં આ શેઠ ગઢાળીથી ઘોડી પર મધરાત પછી નીકળીને વહેલી સવારે દસ ગાઉ દૂર ગઢડે પહોંચતા. પહોંચી પોતે જાતે કાપેલું બાવળનું દાતણ એલચીમાં સુગંધિત કરેલું શ્રીહરિને - ન્યાલકરણને હાથોહાથ આપતા. આવી નિષ્ઠાવાળા ઉત્તમ ભક્ત હતા.
આજ નિશાન પાડવા માટે શ્રીજીની નજર એમના પર ઠરી, કારણ કે એ જમાનામાં મોંઘા તેજાનાથી માંડી બધો માલ દરિયાઉ માર્ગે ભાવનગરને ખાળે ઊતરતો. એ કાળે ચોર-ડાકુ ને લૂંટારાઓની ટોળકીથી બચવા ગાંધીઓ ખમીરવંતા સાહસિક નિશાનબાજનું રખોપું લેતા. આંબા શેઠનો માલ ઊતરે ત્યારે કોઈનું રખોપું ન હોય ! ગાડાખેડુઓ સાથે શેઠ પોતે જ આખી ગાડાવેલ ફરતે ઘોડી ઘુમાવતા, ફરતા ને માલ સહી-સલામત ગઢાળી પહોંચતો કરતા.
ગોહિલવાડ પંથકમાં આંબા શેઠની મર્દાનગીભરી ખાનદાની લોકહૈયે વસી ગયેલી. કહેવાય છે કે આંબા શેઠનું રખોપું સાંભળી, ભલભલા કોળી લૂંટારુઓ બાવળની કાંટ્ય કે વોંકળા ઓથે છુપાઈ જતા. રણણણ ઝણણણ બળદોની ઘૂઘરમાળ સંભળાતી બંધ થાય ત્યારે ધબકતે હૈયે બહાર નીકળતા. એટલો આ વાણિયાનો ભય રહેતો ! ભૂલેચૂકે કોઈ લૂંટારો શેઠની નજરે ચઢ્યો તો થઈ રહ્યું. સનનન કરતું તીર એમના ભાથામાંથી છૂટ્યું જ હોય ને પલકમાં ચોર ધરતી પર ઢળી જતો.
આજે ગુજરાતમાં શ્રીજી પાસે આ શેઠ સમૈયો કરવા આવેલા. મરમાળાની હેતાળ નજર આંબા શેઠ પર મંડાણી. અલબેલાએ આંગળીનો ઇશારો કર્યો. પાંપણ પલકારીને વહાલો વેણ ઉચર્યા : ‘આંબા શેઠ ! આવો, અહીં આવો. આ ધનુષ્ય-બાણ હાથમાં લો. કસો કમર ને છોડો તીર. જો જો બીજું બાણ લેવાનું નથી...’ શેઠ હાથ જોડી ઊભા થયા.
ખાચર, ખુમાણ ને વાળા; પટેલ, પગી ને ઠાકોર સૌમાં આ શેઠનું સ્થૂળ શરીર જોઈને મજાક ચાલી. એમ કે ‘આ ગાદી-તોડ વાણિયાને મન હિંગ તોળવી ને લોટકા વીંધવા એ બેય જાણે કે સરખું લાગે છે ! આ શું નિશાન લેશે ? ભલભલાથીય જ્યાં નથી વીંધાયું ત્યાં !’ કોઈ બટકબોલાએ તો બોલીય નાખ્યું : ‘એ ય હિંગતોળ ! હેઠા બેસો, હેઠા. તમારું કામ નહીં.’
આંબા શેઠ તો મલકાતે મન મહારાજ પાસે પહોંચી ગયા - કોઈનું બોલવું ગણકાર્યા વગર ! મહારાજના ચરણસ્પર્શ કરી વંદન કર્યાં. સ્થાન પર જઈ બાણ લીધું. પ્રભુને સ્મરી પણછ ખેંચી કે સનનન કરતું એક હરોળમાં બાંધેલા ચારેય લોટકા વીંધતું એ તીર ક્યાંય દૂર ચાલ્યું ગયું. સભામાં એકસાથે તાળીઓ ગડેડી ને જયનાદ થયા. શ્રીહરિ પલંગ પરથી ઊભા થઈ આંબા શેઠને ભેટી પડ્યા ને પોતાની પામરી ઓઢાડી. જોબને કહ્યું : ‘મહારાજ ! આ શેઠે તો અમારી લાજ લીધી ! વાહ શેઠ ! તમને ધન્યવાદ.’
મહારાજે કહ્યું : ‘જોબન ! તલવાર વાપરનાર કાઠીઓ કે તીર ચલાવનાર પગીઓનાં આજ પાણી મપાઈ ગયાં ને ! શેરને માથે સવા શેર તો કોઈ હોય જ. માટે પોતાની કળા-આવડતનું ભગવાન કે ભગવાનના ભક્ત પાસે અભિમાન આવવા ન દેવું.’
જોબન તથા ત્રણે ભાઈઓએ નત-મસ્તક બની ગર્વને તળાવમાં ફેંકી દીધો. કોઈ પણ ગુણનું કદી અભિમાન ન આવે એવા રૂડા આશિષ માગ્યા.
મહારાજે ચારે ભાઈઓને આશિષ આપ્યા ને કહ્યું : ‘જોબન ! આ તો તમારે મન જરા આવડતનો ગર્વ ડોકિયું કરી ગયો એટલે અમારે પાંચાલ દેશના આ આંબા શેઠની નમ્રતાનું દર્શન કરાવવું પડ્યું. નમણાને કોઈ લાંઘી શકે નહીં. નમ્રતા આગળ ગર્વ હંમેશાં હારી જાય છે.’
સમૈયાની આટલી શીખ સૌ માટે પર્યાપ્ત હતી.