Essays Archives

ભગવાન સ્વામિનારાયણ કહે છે, 'ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી.' (વચ. જે. પ)
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આ વચનો મૂર્તિમાન અનુભવાય છે. ખૂબ વિશાળ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરતા હોવા છતાં તેમને મન અગ્રિમતા ભગવાનની જ છે, ભગવાનની ભક્તિની જ છે, ગુરુની જ છે.

તા. ૫-૨-૨૦૦૩, મહા સુદ ૪, બુધવારને દિવસે દિલ્હી ખાતે સ્વામિનારાયણ અક્ષરધામ સંકુલમાં બંધાયેલા શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તેનો યજ્ઞ હતો. આગલે દિવસે રાત્રે લગભગ ૨-૦૦ વાગ્યા સુધી તમામ વ્યવસ્થા ચકાસીને હું સૂવા ગયો. ત્યારબાદ આત્મકીર્તિ સ્વામી વગેરે સંતોએ પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓ યજ્ઞશાળાની વેદિકા પર પધરાવી દીધી. સાધારણ રીતે પ્રમુખસ્વામી મહારાજ યજ્ઞમાં સવારે ૯-૦૦ વાગ્યા પછી પધારતા હોય છે, પરંતુ આગલા દિવસે જ તેમણે જણાવેલું કે હું સવારે ૭-૩૦ વાગે યજ્ઞમાં આવી જઈશ. તેથી સવારે ૬-૦૦ વાગ્યાથી અમે વ્યવસ્થાને આખરી ઓપ વેગપૂર્વક આપતા હતા.
સ્વામીશ્રી નિર્ધારિત સમયે પધાર્યા. તેઓએ આસન ગ્રહણ કરતાં પહેલાં જ ચારે તરફ દૃષ્ટિ કરી લીધી હતી. એક જ નજરે ક્યાં કંઈ ખામી છે તે માપી લેવાની તેમની આગવી વિશેષતા છે. સમગ્ર મંડપની સાઇઝ જરા વિચિત્ર હોવાથી સ્ટેજ પરનો મુખ્ય કુંડ તેમજ યજ્ઞશાળાનું મધ્યબિંદુ બરાબર ગોઠવાયું ન હતું. અક્ષર-પુરુષોત્તમ મહારાજની મૂર્તિ સ્ટેજને મધ્યબિંદુ બનાવીને સંતોએ પધરાવી હતી. જ્યારે મંડપની વિચિત્ર સાઇઝ ને કારણે જ સ્ટેજ પર ચાર કુંડ કર્યા હોવાથી મુખ્ય કુંડ મધ્યમાં હતો નહીં. પરિણામે મુખ્ય મૂર્તિઓ મુખ્ય યજ્ઞકુંડથી થોડી દૂર હતી. વળી, કોઈપણ કારણોસર મૂર્તિ ગોઠવનારાઓએ કંઈક એવી ભૂલ કરી હતી કે મુખ્યકુંડની બરાબર સામે પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ આવી ગઈ હતી.
કાર્યની અતિવ્યસ્તતા તથા વહેલો કાર્યક્રમ ગોઠવાયો હોવાથી અમારી દૃષ્ટિ સવારમાં પણ ત્યાં પડી જ ન હતી. આત્મસ્વરૂપ સ્વામી તથા બીજા ઘણા સંતો સવારથી સેવામાં આવી ગયા હતા, પણ કોઈની દૃષ્ટિ તે તરફ ગઈ જ ન હતી.
સ્વામીશ્રી યજ્ઞશાળામાં મુખ્ય કુંડ પાસે આવ્યા કે તરત જ મને કહે, 'સામે જો, ખબર પડતી નથી? કઈ રીતે મૂર્તિઓ મૂકી છે.'
મારી નજર ગઈ. ભૂલ તો હતી જ. કોઈ રીતે બચાવ કરવો શક્ય ન હતો. ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ - અક્ષરપુરુષોત્તમ મહારાજ જુ દી જગ્યાએ ગોઠવ્યા હતા! તેથી ભૂલ સ્વીકારી લીધી.
સ્વામીશ્રીએ એકદમ ઊંચા અવાજે પોતાની મૂર્તિ દૂર કરી ત્યાં ભગવાન સ્વામિનારાયણની અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ મૂકવા આગ્રહ કરવા લાગ્યા. મેં ભક્તિજીવન સ્વામીને વાત કરી. તેઓ કહે, 'લોખંડની એંગલથી મૂર્તિઓને ફિટ કરી છે, એટલે ખોલતાં સમય ઘણો જશે.'
સ્વામીશ્રી તો કહ્યે જ જતા હતા કે મૂર્તિઓ બદલો. પોતાની મૂર્તિ કોઈપણ સંજોગોમાં દૂર કરાવવા તેઓ મક્કમ રહ્યા.
સ્વામીશ્રીનો પુણ્યપ્રકોપ નિહાળીને સંતોએ તાત્કાલિક તેમની મૂર્તિને બદલે ત્યાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી દીધી. ત્યારબાદ સ્વામીશ્રીએ શાંતિથી, આનંદપૂર્વક સમગ્ર વિધિ કરી.
બપોરે તેઓ ઠાકોરજીને જમાડી રહ્યા હતા ત્યારે મેં માફી માંગતાં કહ્યું કે, મૂર્તિઓ ગોઠવવા અંગે મારી ભૂલ થઈ ગઈ હતી. આપ માફ કરજો.
સ્વામીશ્રી ભોજન ગ્રહણ કરતાં કરતાં, શાંતિથી, ગંભીરપણે અને મક્કમપણે વાક્ય બોલ્યા, 'ભૂલ ન જ થવી જોઈએ. સમજી રાખો, જેટલા ભગવાનને દૂર કરશો તેટલા તમે દૂર થઈ જશો.'
સ્વામીશ્રીના જીવનમાં ભગવાનની અગ્રિમતા તો છે જ, પરંતુ તે ભગવાન એટલે ધામમાં બિરાજમાન ભગવાન જ નહીં, પરંતુ પોતાની સાથે વિચરણ કરી સેવાનો લાભ આપતા હરિકૃષ્ણ મહારાજ પણ! હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે પૂર્ણ દિવ્યભાવથી તેઓ કેવા જોડાયા છે તે એક પ્રસંગે ખ્યાલ આવ્યો. તા.૨૭-૩-૨૦૦૪, ચૈત્ર સુદ ૬ના રોજ નડિયાદમાં બિશપ હેબરને શ્રીજીમહારાજ મળ્યા હતા તે સ્થળના મંદિરની મૂર્તિ-પ્રતિષ્ઠા નિમિત્તેનો યજ્ઞ હતો.
યજ્ઞશાળામાં તમામ તૈયારીઓ ચાલતી હતી. ધારેલા સમય કરતાં સ્વામીશ્રી અડધો કલાક વહેલા પધાર્યા. સ્વસ્તિક-તિલક- કંકણબંધન પછી હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચાર પૂજન આરંભાયું. હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી સ્નાન કરાવવાનું હતું. પંચામૃત અને પાણી બંને રહી શકે તેવું પહોળા મુખવાળું વાસણ આવી શક્યું નહીં, એટલે એક ઊંડી તપેલી લઈ, તેમાં તુલસીપત્ર મૂકી હરિકૃષ્ણ મહારાજનું સ્થાપન કર્યું. ઠાકોરજીનાં ચરણતળેની બેઠકને મેં મારી બે આંગળીઓથી દબાવી રાખી, જેથી સ્નાન કરાવીએ તે દરમ્યાન કોઈ અકસ્માત સર્જાય નહીં. ભદ્રેશ સ્વામી અને સંતો પંચામૃતની સામગ્રી વારાફરતી સ્વામીશ્રીને આપતા હતા. પંચામૃત સ્નાન પૂર્ણ થયા બાદ મને વિચાર આવ્યો કે મેં નીચે રાખેલી આંગળીઓ ઠાકોરજીના બંને હાથ પાસે લાવીને મૂર્તિને થોડી ઊંચકું જેથી સ્વામીશ્રીને તેમના હાથ વધારે ઊંડા લઈ જવા ન પડે અને સારી રીતે સ્નાન કરાવી શકે, પરંતુ તેમ કરતાં મારી આંગળીઓનું બૅલેન્સ ગયું અને ઠાકોરજી પંચામૃત ભરેલી તપેલીમાં આડા પડી ગયા. સ્વામીશ્રીએ આ જોયું. તુરંત ઠાકોરજીને ઊંચકી લીધા, નેત્રો વિહ્વળ બની ગયાં. નેત્રોના ખૂણા લાલ બની ગયા. આંખો ભરાઈ આવી. મને ભૂલ બદલ ઠપકો આપવો જરૂરી હતો, પરંતુ તેઓ તો ઠાકોરજી પ્રત્યેની સંવેદનામાં ગરકાવ થઈ ગયા હતા. પોતેજ મૂર્તિને મારી તરફ કરીને કહે 'પગે લાગ, પગે લાગ.' હું પગે લાગ્યો. માફી માંગી, પરંતુ તે સમયના હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેની તેમની પ્રત્યક્ષ ભક્તિનાં દર્શન હું ક્યારેય ભૂલી શકતો નથી.
ભગવાન પ્રત્યે આવી પ્રત્યક્ષ ભક્તિ અને સર્વ કાર્યમાં અગ્રિમતા ત્યારે જ બને કે તેમણે ભગવાનનો જેમ છે તેમ માલ માન્યો હોય. તેનો એક પ્રસંગ જાણીએ.
તા.૩-૨-૧૯૯૨, પોષ વદ અમાસ, સોમવારે સારંગપુરમાં બપોરે ભોજન દરમ્યાન સંતો શિક્ષાપત્રીના શ્લોકો બોલ્યા. ત્યાર-બાદ મળનાર હરિભક્તોને મળી લીધું. હજુ રાજકોટથી રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ વગેરે મળવા આવવાના બાકી હતા. એટલે આસન પર બેસી રહ્યા. સ્વામીશ્રી પાસે એક-બે સંતો જ હતા. સ્વામીશ્રી ચરણકમળ લાંબા કરતાં કરતાં સ્વગત બોલતા હતા કે 'સારામાં સારો લાભ થઈ ગયો.'
કોઈ પણ પ્રસંગના પૂર્વાપર અનુસંધાન વગરના આ વાક્યનો શો અર્થ હોઈ શકે? જીવનમાં ભગવાન અને સંતની પ્રાપ્તિને તેઓ સતત વિચારતા હશે ને!
ભગવાન અને ગુરુવર્યોની પ્રાપ્તિનો કેફ સતત તેઓ ઘૂંટ્યા જ કરે છે. તેને કારણે 'પિયા પાયા તો ફિર ક્યા સોના' જેવી તેમની સ્થિતિ છે તેનો એક પ્રસંગ સ્મરણમાં રમ્યા કરે છે.
તા. ૨૬-૨-૧૯૯૬, ફાગણ સુદ ૮, સોમવારના રોજ સ્વામીશ્રી મહેસાણા હતા. બપોરે ઠાકોરજી જમાડ્યા તે દરમ્યાન છાત્રોનો પરિચય મેળવ્યો. ભોજન બાદ હરિભક્તોને મળ્યા. તેમાં જ બપોરે ૨-૨૨નો સમય થઈ ગયો હતો. હવે સ્વામીશ્રી આરામમાં પધારે તે તૈયારીઓ ચાલતી હતી. મેં ઊભા થઈને આળસ મરડી. સ્વામીશ્રી મારી સામે જોઈને કહે 'શું પંડિત!'
મેં કહ્યું, 'બસ! હવે ચાલો આરામ કરવા.'
સ્વામીશ્રી કહે, 'સૂવું જ છે ને! અનંત જન્મો સુધી સૂતા હતા. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જગાડ્યા, બાકી સૂતા જ હતા. હવે જાગવાનું છે. ભજન-ભક્તિ-સેવા એ જાગવું, આપણે બીજુ શું કરી શકીએ? આ કરી લેવું. જગતના લોકો સૂતા છે તેમાં આપણે જાગવું.'
ભગવાનના ભજન પ્રત્યે જાગૃતિ હોય, પરંતુ જો સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ ન હોય તો સાધક ગમે ત્યારે સંસારમાં ફસાઈ જાય તે નક્કી નહીં. સ્વામીશ્રી તો અનાદિ સિદ્ધ છે. તેઓ સંસારને સ્પષ્ટપણે હાથમાં જળના બુંદની જેમ જોઈ શકે છે. અને તેથી જ અનેકને સંસાર છોડાવી ભગવાન તરફ જોડે છે. તેનો એક પ્રસંગ જાણીએ. તા. ૩૦-૫-૧૯૮૭ના રોજ સ્વામીશ્રી રાજકોટમાં બિરાજમાન હતા. બપોરે એક હરિભક્તની સાંસારિક ગૂંચ ઉકેલવા પોતાના ખંડમાં બેઠા. બપોરે ૨-૩૫ વાગ્યા સુધી તેમની ખાનગી ચાલી. પછી તે હરિભક્ત ગયા એટલે સ્વામીશ્રી પોઢવા પધાર્યા. અમે સૌ સંતો પલંગ ફરતે બેસી ગયા. સ્વામીશ્રી કહેવા લાગ્યા, 'સંસારનું દુઃખ કેવું છે!! દુઃખ દુઃખ અને દુઃખ, ખરેખર ખરી વાત છે. તેમાં પડવા જેવું જ નથી. સૂકો રોટલો ખાઈને પણ સત્સંગમાં પડ્યા રહેવું, પણ સંસારમાં પડવા જેવું નથી.'
એક સંત કહે, 'તો પણ શા માટે લોકો સંસારમાં પડતા હશે?'
સ્વામીશ્રી કહે, 'એ જ આશ્ચર્ય! ન ભગવાનનું સુખ આવે, ન સંસારનું સુખ.'
નારાયણચરણ સ્વામી કહે, 'સંસાર છે સુખદુઃખનો દરિયો.'
સ્વામીશ્રી કહે, 'સુખદુઃખનો નહીં, દુઃખ દુઃખનો દરિયો.' આમ કહી આરામમાં પધાર્યા.

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS