Essay Archives

અસ્મિતા હોય તો સમર્પણભાવ પ્રગટે

શ્રીજીમહારાજ વચનામૃત લોયા-3માં કહે છે કે, ‘જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે.’
અહીં શ્રીજીમહારાજે કહેલ માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય એટલે જ અસ્મિતા. તે હોય તો સમર્પણભાવ જાગે અને પોતાના ઇષ્ટ-અભીષ્ટ માટે સઘળું કુરબાન કરવા તૈયાર થઈ જાય.
સ્વાતંત્ર્યસંગ્રામ સમયે અનેક દેશભક્તોએ પોતાની ઉચ્ચ કારકિર્દી, ઊંચા પગારવાળી સરકારી નોકરીઓ, પરદેશી માન-અકરામ, અરે ! પોતાના પરિવારનો ત્યાગ કરી દીધેલો તે જાણીતો ઇતિહાસ છે.
વિનોબા ભાવેએ સ્વાતંત્ર્યની લડાઈમાં ઝુકાવતાં પહેલાં પોતાનું શૈક્ષણિક પ્રમાણપત્ર બાળી નાંખેલું. એટલા માટે કે લડતમાં ઝંપલાવ્યા પછી પાછા વળવાનો વિચાર ન આવે ! સરદાર પટેલે પોતાની વકીલ તરીકેની ઝળહળતી કારકિર્દી દેશ માટે હોમી દીધી. ગાંધીજીએ ફક્ત પોતડી જ વસ્ત્રરૂપે રાખી. બાકી સઘળું દેશને સમર્પિત કરી દીધું.
શાસ્ત્રીજી મહારાજે અક્ષર-પુરુષોત્તમના સિદ્ઘાંત માટે વરતાલની સુખ-સાહ્યબીને છોડી દીધી. શાસ્ત્રીજી મહારાજના સમયમાં ભક્તિવલ્લભદાસ નામે સંત શાસ્ત્રીજી મહારાજના એક વચને ઉઘાડી દુકાને સાધુ થવા ચાલી નીકળેલા. શાસ્ત્રીજી મહારાજે કહ્યું પણ ખરું કે ‘આ દુકાનની કાંઈ ભલામણ નથી કરવી ?’ ત્યારે તેઓએ કહ્યું : ‘આપણી છે જ ક્યાં ?’
કેવો સમર્પણભાવ !
શાસ્ત્રીજી મહારાજની સાથે ઉપાસનાપ્રવર્તનના યજ્ઞમાં યાહોમ થનારા કેટલાક તો જૂના સંપ્રદાયના પ્રખર વહીવટકર્તાઓ - કોઠારીઓ હતા. જેઠા ભગત (નિર્ગુણદાસ સ્વામી) મુંબઈના કોઠારી હતા. આ ઉપરાંત, કોઠારી બેચર ભગત, કોઠારી શંકર ભગત, કોઠારી જીભાઈ, કોઠારી પ્રભુદાસ વગેરે દોમ દોમ સાહ્યબી ભોગવી શકે તેમ હતા. પ્રભુદાસજીને તો ગઢડાના કોઠારી ભીમજી ભગતે તેઓ શાસ્ત્રીજી મહારાજ પાસે ન જાય તે માટે પ્રલોભન પણ આપેલું કે, ‘તમે ગમે તેટલું ખર્ચ કરો પણ કોઈ પૂછે નહીં તેવો અધિકાર આપું; પણ અહીં રોકાઈ જાઓ.’ છતાં તેઓ પદ-પ્રતિષ્ઠાને ઠેલી શાસ્ત્રીજી મહારાજ પાસે આવી ગયેલા. પથ્થરોની ખાણોમાં મંદિરના કારખાનાના કામ માટે જાય તો ઉનાળાના અસહ્ય તાપમાં પણ પથ્થર પર જ સૂઈ રહેતા.
ઉપરોક્ત કોઠારીઓના આવા સમર્પણભાવ પાછળ રગેરગમાં દોડતી અક્ષર-પુરુષોત્તમ સિદ્ઘાંતની અસ્મિતા કારણભૂત હતી.
એ અસ્મિતા કેવી હતી તેના નમૂનારૂપે આ રહ્યો નિર્ગુણદાસ સ્વામીનો એક પત્ર. તા. 2-1-1916ના પત્રમાં તેઓ ભાવનગરના સંનિષ્ઠ ભક્તરાજ કુબેરભાઈને લખી જણાવે છે :
‘તા. 2-1-1916, અમારે તો પ્રથમથી મોટાપુરુષની રૂબરૂમાં સહીઓ થઈ ગઈ છે, તે કોટિ કલ્પે (અંતરમાંથી ગુરુમહિમા અને સત્ય સિદ્ઘાંત) કાઢવા જઈએ તોપણ નીકળે નહીં, એવો મોટાપુરુષનો મહિમા નજરે દેખેલો હોય. પ્રાગજી ભગત નાડી-પ્રાણ સંકેલી ભજનમાં ઊતરતા, સમાધિમાં જતા, બીજાને સમાધિ કરાવતા ને હજારોને સંકલ્પ કહી પ્રાયશ્ચિત આપતા, તે અમે નજરે જોયું હોય ને જ્ઞાનમાં સર્વોત્તમ - હાથીનો હોદ્દો અને ગધેડું સરખું (એવું) નિર્માનીપણું, બ્રહ્મચર્યવ્રતમાં એક્કા એવા પુરુષના વચનમાં વિશ્વાસ કેમ ન આવે ? એમનો સમાગમ કરતા પહેલાં અવતારો જેવા સ્વામિનારાયણને સમજતા નહોતા. તે ભગતજીનો સમાગમ થયા પછી અનંત કોટિ અવતારાદિક એક પગે ઊભા રહી માળા ફેરવે છે સ્વામિનારાયણની, અને એનું આપેલું કણેથું ખાય છે, એમ કહેતાં-સાંભળતા જરાય પણ થડક-પડક નહીં ! એવા પુરુષની કૃપા જેની પર હોય તેનાં ભાગ્યનો પાર નહીં.’
જીવ સાથે જડાઈ ગયેલી આવી અસ્મિતામાંથી આવો અનેરો સમર્પણભાવ સૌમાં પ્રગટ્યો હતો.
શ્રીજીમહારાજના સમયમાં પણ સમર્પણના આવા અનેક અધ્યાયો આલેખાયા છે.
એક વાર શ્રીજી મહારાજ પંચાળા પાસે આવેલા સૂત્રેજ ગામે સત્સંગી કુંભારણ બાઈએ પોતાના ઘરે પધરાવ્યા. તેમણે શ્રીજીમહારાજને કંઈક સેવા આપવી છે તેવી વાત કરી. મહારાજે કહ્યું : ‘તમને જે વહાલું હોય તે આપો.’
આ સાંભળી તે બાઈએ પોતાના બે દીકરાઓને મહારાજ સમક્ષ ઊભા રાખી કહ્યું : ‘મને જીવનમાં સૌથી વ્હાલા આ બે પુત્રો છે. તે આપને હું અર્પણ કરું છું.’ અને તે બાઈભક્તે પોતાના બેય વ્હાલસોયા દીકરા મહારાજને સાધુ થવા અર્પણ કરી દીધા. મહારાજે તેઓને દીક્ષા આપી પ્રસાદાનંદ સ્વામી અને દહરાનંદ સ્વામી એમ નામ પાડ્યાં. મેનાવતી અને મદાલસાને પણ માત કરે એવી આ બે પરમહંસોની જનેતાના કાળજે અસ્મિતા કેવી ઘૂંટાઈ હશે કે પોતાના ઘડપણનો પણ વિચાર કર્યા વિના બેય આધાર મહારાજને સોંપી દીધા.
આમ, સંપ્રદાયની અસ્મિતા આવો સમર્પણભાવ પ્રગટાવે છે !!
ન કેવળ લૌકિક પદાર્થોનું સમર્પણ, પરંતુ ઐહિક ભાવનાઓની આહુતિ આપી દેતાં પણ આવી અસ્મિતાયુક્ત વ્યક્તિ પાછી પાની કરતી નથી.
ભારતને આઝાદી મળી તે પૂર્વેના તુરતના કાળમાં કોંગ્રેસ પ્રમુખની વરણીનો મુદ્દો ચર્ચાતો હતો. તે સમયે નક્કી જ હતું કે જે પ્રમુખ બને તે જ ટૂંક સમયમાં મળનારી સ્વતંત્રતા પછી આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બને. આ સમયે કોંગ્રેસ પ્રમુખ તરીકે સરદાર પટેલની વરણી થવી જોઈએ તેવો મત 90% લોકોનો હતો. જવાહરલાલની તરફેણ એકાદ વ્યક્તિ તરફથી જ હતી, પરંતુ ગાંધીજીએ જવાહરલાલ નહેરુ કોંગ્રેસ પ્રમુખ બને તેવો અભિપ્રાય ઉચ્ચાર્યો અને સરદારે કોઈ જ દલીલ વગર તે શિરે ચઢાવી લીધો. પોતાની પાસે પ્રચંડ બહુમતી હોવા છતાં સરદાર દેશના એક સર્વોચ્ચ પદની આહુતિ આપતાં પણ ખચકાયા નહીં. સરદારને પદ કરતાં દેશની અસ્મિતા વધુ હતી.

Other Articles by સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS