Essay Archives

શ્રીહરિએ ઘણા પ્રસંગોએ સંતો-ભક્તોને ‘ગુણાતીતાનંદ સ્વામી એ તેમને રહેવાનું જે અક્ષરધામ તેનો અવતાર છે’ તે વાત કરી હતી. શ્રીહરિએ કલ્યાણભાઈને પણ જૂનાગઢમાં મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે આ વાત દૃઢાવી હતી.
સં. 1884માં જૂનાગઢ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કર્યા બાદ શ્રીહરિ સંતોની પંગતમાં મોતૈયા લાડુ પીરસવા પધાર્યા હતા. તે વખતે આ સંતોનાં દર્શન કરતાં કલ્યાણભાઈ ઊભા હતા. સામે જ પંગતમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જમતા હતા. શ્રીહરિએ તેમને લાડુ પીરસ્યા પછી કલ્યાણભાઈને પૂછ્યું: ‘આ સાધુને તમે ઓળખો છે?’
એટલે તેમણે કહ્યું: ‘હા મહારાજ! એ તો બહુ મોટા છે, તપસ્વી છે, ત્યાગી છે ને ખૂબ મહિમાવાળા છે.’
શ્રીહરિ કહે: ‘એમ નહીં, એ મોટપ તો બહારલી છે, એ તો અમારે રહેવાનું અક્ષરધામ છે.’ એમ કહી શ્રીહરિએ સ્વામીનો બહુ મહિમા કહ્યો.
આ પ્રસંગથી કલ્યાણભાઈને ‘ગુણાતીતાનંદ સ્વામી એ શ્રીહરિને રહેવાના અક્ષરધામનો અવતાર છે’ તે નિશ્ચય દૃઢ થઈ ગયો હતો. 
શ્રીહરિએ સ્વામીની જૂનાગઢ મંદિરના મહંત તરીકે નિયુક્તિ કરી હતી. આથી, કલ્યાણભાઈ વારંવાર સંઘ લઈ જૂનાગઢ જાય અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરે ને કરાવે. તેમણે કેટલાય મુમુક્ષુઓને સંસારની અસારતા સમજાવી, જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે ત્યાગી થવા મોકલ્યા હતા.
કલ્યાણભાઈની ઉચ્ચ સ્થિતિનાં વખાણ ગુણાતીતાનંદ સ્વામી હર વખત કરતા. સામે બેઠેલા નાગર હરિભક્તો કહે: ‘સ્વામી! આપ આટલાં વખાણ કરો છો, તો કો’ક વાર દર્શન કરાવજો.’
એક વાર સભામંડપ ચિક્કાર ભરાયો હતો. જૂનાગઢી જોગીનો બ્રહ્મરસ વહી રહ્યો હતો. ત્યાં એક પડછંદ પુરુષનો પ્રવેશ થયો. એણે ગુણાતીત ગુરુને પાંચ દંડવત્‌ ખેંચી પંચાંગ નમન કર્યું. સતત ખેતીકામને લીધે ધૂળિયો લેબાસ છે: જાડો ધડૂસ ઘેરદાર ઘાટો ચોરણો ને એવું જ કસબંધ કેડિયું. માથાબંધણું પણ રજોટભર્યું. સભામાં એમના પ્રવેશ સાથે પરસેવાની માદક લહર પ્રસરી રહી.
વાક્‌પ્રવાહ થંભાવી સ્વામીએ તેમના માથે બે હાથ મૂક્યા અને સામે બેઠેલા નાગર સજ્જનોને કહ્યું: ‘આ અમારા કલ્યાણભાઈ.’
નાગરો તો નાક સિકોડતાં, આંખો ઊંચી-નીચી કરતાં ઉબાઈ રહ્યા હતા, પણ સ્વામીનાં વચન સાંભળી કાન સરવા કર્યા... ફરી મહિમાનું આંજણ આંજી કલ્યાણભાઈને જોઈ રહ્યા.
સ્વામી કહે: ‘ભાઈ! એમનાં લૂગડાંનો પવન લાગશે તો પણ તમે પવિત્ર થઈ જશો. બહારનો દેખાવ સૂઝે તેવો હોય પણ માંહીં અંતર કેવું ચોખ્ખું છે, એે ભગવાન જુએ છે. લૂગડાં ચોખ્ખાં પહેરવાથી હૃદય ચોખ્ખું હશે એમ કહેવું એ ભૂલ છે; ને એવી જ ગંભીર ભૂલ ‘લૂગડાં મેલાં એટલે હૃદય મેલું’ - એમ કહેવું એ છે. આ કલ્યાણભાઈને તમારા કરતાં વધુ પ્રવૃત્તિ છે, પણ ભગવાનની મૂર્તિને પ્રત્યક્ષ દેખે છે. એમનો વાયરો આવે તોય હજારો વર્ષનું પાપ બળી જાય ને પુણ્ય થાય, એવી એમાં સામર્થી છે.’

© 1999-2026 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS