એ સભામાં ગામડી ગામથી સંઘ આવેલો. તેમાં બાઈઓ પણ હતાં. આ સંઘમાં કડવા પટેલ માધવજીનાં પત્ની રૂડીબાઈ પણ આવેલાં. હજુ તો તાજાં જ પરણીને આવ્યાં છે. નવવરઘોડિયાં છે. પાનેતરની ગાંઠ છોડવાની બાકી છે. મીંઢળ પણ કાંડે એમ જ રહી ગયાં છે.
રૂડીબાઈએ મહારાજને છેટેથી હાથ જોડ્યા. ખોળો પાથરી પંચાંગ પ્રણામ કર્યા અને વિનંતી કરતાં કહ્યું : ‘હે પ્રભુ ! મને તમારે શરણે લો, સત્સંગી કરો. ગંગામાને કહો - મને વર્તમાન ધરાવે.’
સાંખ્યયોગી બાઈભક્તોના સમાગમથી રૂડીબાઈને મહારાજનું સ્વરૂપ ઓળખાયું હતું. ‘પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે સ્વયં માનવ દેહ ધારણ કર્યો છે’ - એ સમજણ રૂડીબાઈમાં ઊગી ગઈ હતી.
અલબેલાએ આંખો પલકારી ઉત્તર વાળ્યો : ‘અમારાં વર્તમાન અઘરાં છે. ‘પરણ્યો એ પતિ અને બીજા બધા ભાઈ-બાપ’ આ નિશ્ચય દૃઢ કરીને જીવન જીવવું હોય તો વર્તમાન મળે.’
‘આપ જેમ કહો તેમ પ્રભુ ! હું પરણી તે પતિ ને બીજા ભાઈ-બાપ, એમાં ફેર નહીં પડે.’
મહારાજ કહે : ‘બાઈ ! આજકાલ એવું કહેનારા ઘણા મળે છે પણ પરણ્યા પતિને જ ભાઈ-બાપ કરે એવા કેટલાં ?! અમારાં વર્તમાન તો એવા વ્રતધારીને શોભે.’
‘ભલે મહારાજ ! હું જેની સાથે પરણી છું તે આજથી મારો ભાઈ-બાપ ! બસ, પ્રભુ !’
સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો. માધવજી પટેલ થોડી ગમ ખાઈ ગયા. પણ એવામાં જ હરિવરે એમના પર એવી એક કરુણાની મીટડી માંડી ને ઓઠ મલકાવ્યા કે માધવજીને અંતરમાં એવી એક પ્રતીતિ થઈ આવી : શ્રીજીમહારાજ તો ભગવાન છે, એ કહે એમાં કંઈક તો મર્મ હશે જ.
પટેલ મનોમન સમજી રહ્યા ને હરિવરનાં હેતમાં નાહતા રહ્યા.
રૂડીબાઈની દૃઢતા જોઈ પ્રભુ તેમના પર વારી ગયા પણ હજુ તેમને કસવાનાં હતાં. હરિવર બોલ્યા : ‘પરણ્યા ધણીને ભાઈ-બાપ કહેનારાય ઘણાં મળે, પણ એનો ત્યાગ કરી ધોળાં પહેરી ભગવાન ભજવા ચાલી નીકળે એવાં કેટલાં ?!’
‘પ્રભુ ! તૈયાર છું. આપ મળ્યા છો, હવે મારે કંઈ પામવાનું રહ્યું નથી !’
મહારાજ કહે : ‘એમ, તો હાલ માથું મુંડાવી નાખો અને આ સાંખ્ય- યોગી બાઈઓ ભેગાં બેસી જાવ...’
રૂડીબાઈને આજ હરખનાં તેડાં હતાં ! નવોઢાનાં અરમાન એણે પળમાં આંકડાના તૂરની પેઠે ઉડાડી મૂક્યાં !
‘ભલે મહારાજ !’ કહી બાઈએ હાથ જોડ્યા.
આ જોઈ હરિવરનું હૈયું ઊભરાઈ ગયું. નેત્રના ખૂણા ભીંજાઈ ગયા !
‘ધણીને તો પૂછી લે બાઈ !’ એટલું તો મહારાજ માંડ બોલી શક્યા.
રૂડીબાઈએ કહ્યું : ‘અનંત ધણીઓના ધણી આપ છો પ્રભુ ! ‘જૂઠા સંગે હારે શિર પટકી,’ ‘સંગ ચલત નહીં કોય’ - હમણાં આપના સંતોએ ગાયું તે શું જૂઠું ?’
હોંશીલા હરિવરે હેતમાં કહ્યું : ‘હેં સુરાખાચર ! કોણ ચઢે ? આ બાઈને અમારાં પ્રથમ જ દર્શન થયાં છે. હજુ પાનેતરની ગાંઠ છોડવાની બાકી છે અને બધું ત્યાગવા તત્પર થયાં છે. અને આ નથુ ભટ્ટ ! આજ સુધી અમારા થાળની કેટકેટલી પ્રસાદી જમી ગયા, બીજાને કથાવાર્તા કરી અમારામાં જોડ્યા, પણ એમનું જોડાણ બીજે થઈ ગયું છે ! કહો બાપુ ! કોણ ચઢે ? આ જૂના સત્સંગી ચઢે કે આ અમારાં નવાં સત્સંગી ચઢે ?’
સુરાખાચરે ઠાવકાઈથી ભટ્ટજી સામે જોયું.
નથુ ભટ્ટના હૈયાના તોતિંગ દરવાજા ઊઘડી ગયા. શરીરમાં કંઈક ચેતન આવ્યું. ભટ્ટજીએ ખૂબ નમ્ર ભાવે કહ્યું : ‘પ્રભુ ! આપે આજ મારી ભૂલ ઓળખાવી. હે નાથ ! આપ મુખોમુખ મળ્યા છતાં અમારી જીવદશા કેમ લેશમાત્ર બદલાતી નથી ?’
મહારાજ કહે : ‘ભટ્ટજી ! સંસાર આખો એ ચકરાવે ચઢ્યો છે. અમારી મરજીથી સુખ-દુઃખ, હાનિ-વૃદ્ધિ સૌને પ્રાપ્ત થાય છે. જન્મ્યું એ મરી જવાનું નક્કી વાત છે, ઝાંઝવાનાં જળમાં ભીનાશ હોય નહીં, એમ સંસાર અસાર છે. એમાં કોઈ વસ્તુ સત્ય નથી, સાચી મનાય છે તે ભ્રમણા છે. જીવમાત્રને આ ભ્રમણા વળગી છે. ગોડિયો ખેલ કરે ને પૂતળાં નચાવે, એનો નાચ જોઈ લોકો વાહવાહ પોકારે, પણ બધું મિથ્યા છે. પૂતળાં ખોટાં છે એમ સંસારના વેલે વળગેલાં આ બધાં તુમડાં ખોટાં છે. અજ્ઞાની જીવ સાચું માનીને મોહાય છે. જ્ઞાનીને મતે બધું મિથ્યા છે. આત્માને કોઈ સગું-વહાલું નથી. આ સાંખ્ય વિચારની દૃઢતા હશે તો જ અમારા સ્વરૂપમાં જીવ જોડાશે !’
ભટ્ટજીએ કહ્યું : ‘મહારાજ ! આ વાત આપે ઘણી વાર કરી છે, પણ અંતરમાં આજ ઠરી.’
મહારાજે કહ્યું : ‘હવે ઠરી છે તો મનન-ચિંતન કરતા રહેજો.’
બ્રહ્મચારી લીંબુનું શરબત લાવ્યા ને હરિવરે નિજ હાથે ભટ્ટજીને પારણાં કરાવ્યાં.
રૂડીબાઈ ને માધવજી બંને નવદંપતી મહારાજ પાસે આવ્યાં. આજ્ઞા યાચી : ‘હવે અમને કાયમ માટે આપનાં ચરણોમાં રાખો. આપનો સંબંધ જ શાશ્વત છે પ્રભુ !’
ત્યારે મહારાજે તેમને કહ્યું : ‘તમે સંસારમાં જ રહો, સ્ત્રી તો સંસારમાં જ શોભે. ભજન-ભક્તિ કરજો, અમારી મૂર્તિને હૃદયમાં ધારજો. કોઈ બીજી વસ્તુ અંતરમાં ન પેસી જાય તેનું જાણપણું રાખજો... કારણ કે ‘સંગ ચલત નહીં કોય...’