Essays Archives

ભગવાન સ્વામિનારાયણે સામાન્યમાં સામાન્ય માનવીને, દુનિયાના સૌથી છેલ્લા માનવીને સ્પર્શીને તેને મહાન બનાવ્યો. કેવી રીતે? તેના રોમે રોમમાં નૈતિકતા અને આધ્યાત્મિકતા ઘૂંટાવીને! આ માટે તેઓ તેમના ઝૂંપડાંઓમાં રહ્યા, એમની સાથે એકતાર થઈ ગયા. તેઓ આ સહજતાથી કરી શક્યા, કારણ કે એમને મન વ્યક્તિ નહીં, તેનો ભાવ અગત્યનો હતો. એમના માટે કોઈ અસ્પૃશ્ય નહોતો, કોઈ ગરીબ નહોતો. ભેદભાવની તમામ સીમાઓ એમના સાન્નિધ્યમાં ઓગળી જતી હતી. અને એટલે જ તેઓ સાચા અર્થમાં ગરીબનિવાજ હતા...

સમાજસુધારણાના પોતાના કાર્યમાં શ્રી સ્વામિનારાયણે અસ્પૃશ્યોનો પણ ઉત્કર્ષ કર્યો છે. તેઓ તેમના શિષ્ય બની શકતા અને સત્સંગમાં પણ આવી શકતા. અને સંપૂર્ણ આધ્યાત્મિક લાભ પણ મેળવી શકતા. ખરેખર, વાસ્તવમાં માણસમાત્ર માટેના તેઓના પ્રેમનું દર્શન, દરિદ્રો માટે તેમની ઊંડી અને પ્રબળ લાગણીમાં સ્પષ્ટ જણાય છે.
ડા. એચ.કે. કપિલ (અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, બલવંતસિંહ કા”લેજ, આગ્રા)

ભક્તવત્સલ ગરીબનિવાજ

અંગ્રેજીમાં એક ચિંતકે કહ્યું છે કે ‘The greatness of great men is not in how they treat other great men - but in how they treat their subordinates.' અર્થાત્‌ મહાપુરુષોની મહાનતા અન્ય મહાપુરુષો સાથેના તેમના વર્તનથી નહિ પરંતુ નાના વ્યક્તિઓની સાથેના તેમના વર્તનથી જાણી શકાય છે.
મોટા રાજવીઓ, અમલદારો કે અમીર શેઠિયાઓ સાથે સારા સંબંધ રાખવા - એમાં વ્યક્તિગત સ્વાર્થ કે કીર્તિની ભૂખ કારણ હોઈ શકે પણ નાની વ્યક્તિઓ સાથે પણ એવો જ સ્નેહપૂર્ણ સંબંધ રાખવો - એ કેવળ નિઃસ્વાર્થતાની અને કલ્યાણભાવનાની નિશાની છે.
શ્રીજીમહારાજને મન સયાજીરાવ ગાયકવાડનો મહેલ કે લીમલીના સગરામ વાઘરીનો કૂબો - બંને સમાન હતા. એમને મન સોનાના થાળમાં છપ્પનભોગ આરોગવા કે જીવણ કોળીનો કાચો-પાકો રોટલો ખાવો - એ બંનેમાં સરખો સ્વાદ હતો. મોટા મોટા શેઠિયાઓએ કરેલ લાખો રૂપિયાની સેવા કરતાં પણ દૂબળી ભટ્ટના તેર દોકડાની સેવા તેમને મન અધિક હતી.
'સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો.' - એ અનુસાર શ્રીજીમહારાજ એવા અંતરના શુદ્ધ ભાવના જ ભૂખ્યા હતા. અને જ્યાં આવો શુદ્ધ ભક્તિભાવ હતો, ત્યાં તેમનું મન અને તન ઠર્યાં છે. દાદાખાચર અને તેમના પરિવારની ભક્તિથી મહારાજ ગઢડામાં ત્રીસ-ત્રીસ વર્ષ રોકાયા અને પોતાના આવા લાડીલા ભક્તોના લાડકોડ પૂરા કર્યા. પોતાનું ભગવાનપણું એકકોરે મૂકીને, એમના જેવા થઈને, દૂધમાં સાકરની જેમ મહારાજ આ સામાન્ય હરિભક્તોમાં ભળી ગયા હતા. તેમણે એવું હેત કર્યું કે કોઈને પણ વશ ન થાય એવા કાઠીઓ બોલી ઊઠ્યા કે 'મહારાજ! તમે અમણાં ને અમે તમણાં.'
જીવોનું અનાદિ અજ્ઞાન નાશ કરીને તેમને બ્રહ્મરૂપ કરવાના અસામાન્ય ધ્યેય સાથે પ્રગટેલા મહારાજ, આ સામાન્ય હરિભક્તોના રીતિરિવાજો અને રુચિ પ્રમાણે તેમની સાથે રંગે રમતા, રાસ કરતા, ઘોડા ખેલવતા અને તેમની રમતોમાં ભળી જતા.
આ.સં. ૧૮૬૮માં શ્રીજીમહારાજે સારંગપુરમાં કાઠી ભક્તોની સાથે હોળીનો ઉત્સવ કર્યો. આ ઉત્સવ પ્રસંગે મહારાજે હોળીની પ્રદક્ષિણા કરીને દૂધની ધારાથી હોળીનો અભિષેક કર્યો અને તેમાં નાળિયેર હોમ્યું. ઢોલીના ધ્રિબાંગ... ધ્રિબાંગ... અવાજથી અને બંધૂકોના ધડાકાઓથી કાઠી-અસવારોમાં શૂરાતન ચડ્યું અને તેમનાં અંગે અંગમાં ધ્રુજારી થવા લાગી. મહારાજે તેમને કારણ પૂછતાં કાઠીઓએ કહ્યું, 'મહારાજ! અમારે પહેલાં એવો રિવાજ હતો કે જ્યારે હોળી પ્રગટે ત્યારે ઢોલી બૂંગિયો વગાડે. તે સાંભળીને અમને શૂરાતન ચડે અને અમે ગામ ભાંગવા નીકળી પડીએ. આ સમે અમે જે ગામ પર ત્રાટકીએ તે સમું ન રહે.'
મહારાજ આ સાંભળી હસ્યા અને કહ્યું, 'તમારી રમત આજે અમને બતાવો. અમારા પાર્ષદો ગામની ચોકી કરશે અને તમે એ ચોકી તોડીને અંદર પ્રવેશો તો ખરા શૂરવીર.' કાઠી ભક્તોને તો આ પડકારથી ઓર શૂરાતન ચડી ગયું. મહારાજે ગામના બંને દરવાજા ઉપર પાર્ષદોને ચોકીમાં રાખ્યા અને પોતે પણ રમત જોવા ત્યાં ગયા. કાઠીઓએ વારાફરતી બંને દરવાજાઓ પર ખૂબ જ જોર અપનાવ્યું, કિકિયારીઓ કરી પણ એમનું કંઈ ન ચાલ્યું. છેવટે મહારાજ પાસે તેમણે હાર સ્વીકારી. મહારાજે તે વખતે તેમને સમજાવ્યું કે 'આ પાર્ષદો અમારા બળથી લડતા હતા એટલે તેમની જીત થઈ. તમે પણ અમારું બળ રાખશો તો જીવનમાં ક્યાંય પણ હારશો નહિ.' કાઠીઓએ તે જ વખતે ભગવાનનું બળ જીવનમાં દૃઢ કરવાની પ્રતિજ્ઞા લીધી.
ભગવાન સ્વામિનારાયણ કેવળ પરલોકના જીવનની વાતો કરનારા ઉપદેશક જ નહોતા પણ ભક્તોના આ લોકના વ્યવહારમાં પણ એટલો જ રસ લેતા. વચનામૃત કારિયાણી પ્રકરણ ૬ પ્રમાણે, એ માટે તેમણે પોતાનો દેહ ભક્તોના અર્થે કૃષ્ણર્પણ કરી રાખેલો. મહારાજ જાતે જ ભીડો વેઠીને, ઘસાઈને એમને વ્યવહારમાં મદદ કરતા અને એમના સાચા સગા બની રહેલા.
મયારામ ભટ્ટે મહારાજ સમક્ષ તેમની સાથે જવા ઇચ્છા દર્શાવી પણ સાથે મુશ્કેલી વર્ણવીઃ 'પણ મહારાજ! મારી સાઠ વિઘાની વાડીમાં બાજરો ભરપૂર થયો છે. તે લણવાનો બાકી છે.' મયારામ ભટ્ટે હાથ જોડી કહ્યું. આ સાંભળી મહારાજ આખા સંઘને લઈને માણાવદર પધાર્યા. ત્યાં દાતરડાં મંગાવીને મહારાજે બધા સંતો, ભક્તોને દાતરડાં આપ્યાં અને પોતે પણ દાતરડું હાથમાં લીધું. ભટ્ટજીનો સાઠ વિઘાનો બાજરો લણી લીધો અને એમની મુશ્કેલી ટાળી.
આવા સોંઘા થયેલા ભગવાનને જેતપુરમાં ગાદી પર બેસતી વખતે પણ પોતાના ભક્તોની જ ચિંતા હતી, એટલે રામાનંદ સ્વામી પાસે માંગ્યું કે 'ભક્તોનું દુઃખ મને આવે, પણ ભક્ત દુઃખી ન થાય. ભક્તના પ્રારબ્ધમાં એક વીંછીનું દુઃખ લખ્યું હોય તો, રૂંવાડે રૂંવાડે મને કરોડ વીંછીનું દુઃખ થાય પણ ભક્ત દુઃખી ન થાય. ભક્તને રામપાતર આવવાનું હોય તો મને આવે પણ ભક્ત અન્ન-વસ્ત્રે કરીને દુઃખી ન થાય.' મહારાજ ભક્તોના દુઃખે દુઃખી થઈ જતા અને તેમનું દુઃખ પોતે વેઠીને તેને મદદ કરવા સદા તત્પર રહેતા. સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામીએ મહારાજની આ લાક્ષણિકતાને વર્ણવતાં લખ્યું છે કે

'કોઈને દુખિયો રે, દેખી ન ખમાય;
દયા આણી રે, અતિ આકળા થાય;
અન્ન-ધન-વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે;
કરુણાદૃષ્ટિ રે, દેખી વાન જ વાળે.'

અગણોતેરા કાળ વખતે મહારાજે હરિભક્તોને પહેલેથી જ ચેતવી દીધા હતા. હરિભક્તોને આ વિષયક સંદેશો આપવા પોતે જાતે જ ઘોડા પર બેસીને એકલા જ નીકળી પડ્યા. દીવો ત્યાં દાતણ નહિ - એ પ્રમાણે કોઈ ઠેકાણે ઝાઝ ð_ રોકાતા નહિ અને ગામોગામ તથા ઘરોઘર ફરીને હરિભક્તોને સાવચેત કરતાં કહેતા, 'મહાભયંકર કાળ પડવાનો છે. તો દાણાનો સંઘરો અત્યારથી જ કરવા માંડજો. ઘરમાં નાણાં ન હોય તો ઘરવખરી વેચી નાંખજો. ઢોર, બળદ, ઘોડાં જે કાંઈ હોય તે વેચીને નાણાંમાંથી અનાજ લઈ લેજો.'
ફરતાં ફરતાં મહારાજ વસોમાં જેસંગભાઈના ઘરે પધાર્યા. તેમણે અગિયાર મણ બાજરી કોઠીમાં ભરી હતી. મહારાજે તેમની કોઠી છંદાવી અને સાણેથી જ બાજરો લેવાની આજ્ઞા કરી. અને એ પ્રમાણે કરવાથી તેમને અનાજની જરા પણ ખેંચ ન વર્તાઈ. આવી રીતે ઘણા હરિભક્તોની કોઠી છંદાવીને, અગાઉથી ચેતવીને કે અન્ય દ્વારા સહાય કરીને મહારાજે કપરા કાળમાં રક્ષા કરી હતી. આમ, મહારાજ પોતાના ભક્તોની સંપત્તિની, દેહની અને જીવની પણ રક્ષા કરતા.
મનુષ્યમાત્રનો એક સહજગુણ છે કે એના માટે કોઈ ગમે તેટલું ઘસાય, કે ગમે તેટલું આપે પણ એને કાયમ ઓછુ _ જ લાગે. જ્યારે મહારાજના સહજગુણનું વર્ણન કરતાં દીનાનાથ ભટ્ટે લખ્યું છે કે ‘अणुमपि अतुलं हि मन्यते’ - અર્થાત્‌ ભક્તની રાઈ જેટલી નાની સેવાને મહારાજ મેરુ પર્વત જેટલી મોટી માની લેતા, અને તેની જાહેરમાં પ્રશંસા અને કદર કરતા.
શ્રીજીમહારાજ ગઢડા મંદિર માટે લખણી કરતા હતા. તે વખતે બધા હરિભક્તોએ ખૂબ જ ઉમંગભેર પોતાની સેવા જાહેર કરી. છેવટે વૃદ્ધ દૂબળી ભટ્ટ ઊભા થયા. તેઓ મહારાજ પાસે આવ્યા. ધ્રૂજતા હાથે પોતાની પાઘડી ઉતારી અને વારાફરતી તેની ગાંઠો ખોલતા ગયા. એક ગાંઠમાં એક રૂપિયો એમ તેર રૂપિયા મહારાજ આગળ ધર્યા, અને તે સેવા લેવા માટે મહારાજને વિનંતી કરી. દૂબળી ભટ્ટની મૂડી કે સર્વસ્વ - જે ગણો તે આ જ હતું. મહારાજ આ જોઈને ગળગળા થઈ ગયા અને તરત જ જયનાદ કર્યો. જાણે કે આ સેવાથી મંદિરનું કામ હવે પૂર્ણ થઈ ગયું હોય એવો આનંદ મહારાજે વ્યક્ત કર્યો.
શ્રીજીમહારાજે પોતાના આશ્રિત નિમ્ન-વર્ણના હરિભક્તોમાં નૈતિકતાના કેવા ઉચ્ચતર સંસ્કારો રેડ્યા હતા તે માટે સગરામ વાઘરી કે ગોવિંદ ભંગીનાં દૃષ્ટાંતો પૂરતાં છે. એક સમયે જેમના માટે પારકી વસ્તુની ચોરી એ જ જીવન-નિર્વાહનો આધાર માનવામાં આવતો એવી વાઘરી કોમના સગરામની પરિવર્તનની કથા રોમાંચક છે. કારમા દુષ્કાળમાં એ અને પત્ની પોતાનું પેટિયું રળવા કાઠિયાવાડથી ગુજરાત તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં તેને ચાંદીનો મોટો તોડો મળ્યો. પાછળ ચાલી આવતી પોતાની પત્નીને એ લેવાની લાલચ ન જાગે એ હેતુથી એણે તોડા પર ધૂળ વાળી દીધી. પત્નીએ નજીક આવતાં એ અંગે સગરામને પૂછ્યું અને જાણ્યું ત્યારે તેણે સગરામને ખુમારીથી જવાબ આપ્યો, 'તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારથી હું પારકી વસ્તુને ધૂળ જ સમજુ _ છુ _.' સહજાનંદી અસ્મિતાનો એ રણકાર ઇતિહાસમાં અમર બની ગયો.
સમાજની દૃષ્ટિએ નિમ્ન કોટિના સગરામ વાઘરી, ગોવિંદ ભંગી, તેજા ભગત, નારણદાસ વગેરે જેવા અનેક હરિભક્તોમાં બ્રાહ્મણને પણ શરમાવે એવી નૈતિકતા, નિત્યધર્મ અને જ્ઞાનની સરવાણીઓ મહારાજે વહેતી કરી હતી.
૧૮મી સદીમાં જ્ઞાતિવાદ એટલો દૃઢ હતો કે સવર્ણો અંત્યજોનો પડછાયો પણ પોતાની પર નહોતા પડવા દેતા પણ એવે વખતે પણ મહારાજના દરેક જ્ઞાતિના હરિભક્તમાં અરસપરસ એક જ કુટુંબ જેવો સંપ હતો. એની નોંધ બિશપ હેબરે પોતાના શબ્દોમાં કરી છે : ‘Though of different castes, they were all disciples of Swaame Narain and taught to regard each other as brethern.’
ભગવાન સ્વામિનારાયણ સૌને માટે એક એવું વિરાટ શિરચ્છત્ર હતા કે જેમાં પૃથ્વીના છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું પણ સ્નેહભર્યું સ્થાન હતું. અને એટલે જ અઢારેય વર્ણ ભગવાન સ્વામિનારાયણના કંઠમાં પરસ્પર ગૂંથાઈને માળા બનીને શોભતા હતા.
ભક્તવત્સલ ભગવાન અંતકાળે પણ પોતાના ભક્તોને ભૂલ્યા નથી અને એમની બધી મનોકામનાઓ પૂર્ણ કરી છે.
સં. ૧૮૮૬માં મહારાજ ખૂબ જ બીમાર થઈ ગયા હતા. બધી જ ક્રિયા પથારીમાં જ કરતા, અને કાંઈ ખાતા-પીતા કે બોલતા-ચાલતા પણ નહિ. એ વખતે રોજકાના કાકાભાઈ પણ બીમાર હતા. તેમણે મહારાજને પત્ર લખીને જણાવ્યું કે 'હે જીવનપ્રાણ! આપનાથી બની શકે તો મને છેલ્લાં દર્શન દેવા પધારજો.' પોતાના ભક્તની આ વિનંતીને વશ થઈ મહારાજ પોતાની માંદગીને અવગણીને રોજકા પધાર્યા અને બે દિવસ ત્યાં રહીને કાકાભાઈનો ભાવ પૂરો કર્યો.
એ જ રીતે ભગા દોશીને આપેલા વચન પ્રમાણે મહારાજ તેમને પણ અંતકાળે ધોધમાર વરસાદમાં ભીડો સહન કરીને દર્શન આપવા બોટાદ ગયા હતા. અને અંતકાળે પણ પોતાનું બિરુદ સાચવ્યું હતું કે 'મારા જનને અંતકાળે, જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે, તે સર્વે જનને જણાવવું.'
પોતાના ભક્તોના શ્રેય અને પ્રેયની સતત ખેવના કરનાર આવા ભગવાન, અને તેમના માટે સર્વસ્વ ન્યોછાવર કરનાર આવા ભક્તો વચ્ચેનો સંબંધ સુવર્ણ અક્ષરે કોતરાઈ ગયો છે.

આપ જાણો છો ?

વડોદરા પાસે છાણી ગામમાં હરિજન વણકર તેજાભાઈ સ્વામિનારાયણી સત્સંગી બન્યા હતા. એમના વર્તનની અસર ગામના અન્ય હરિજનો પર પડી. હરિજનોનું સઘળું વૃંદ સ્વામિનારાયણીય શુદ્ધ આચાર-વ્યવહારથી અલંકૃત બન્યું. છાણી ઉપરાંત આસપાસનાં ઘણાં ગામોમાં સેંકડો હરિજન કુટુંબોમાં સ્વામિનારાયણીય પ્રભાવ પથરાઈ ગયો. એક વખત ભગવાન સ્વામિનારાયણ સયાજીરાવ બીજાના આમંત્રણથી વરતાલથી વડોદરા જવા નીકળ્યા હતા. રસ્તામાં છાણી ગામના પાદરે આ હરિજન ભક્તોનો સંઘ તેમને વધાવવા માટે ઊભો હતો. એક વૃક્ષ નીચે તેમને પધરાવીને સૌએ સત્કાર કર્યો. ભગવાન સ્વામિનારાયણે તેમનો ભાવ અંગીકાર કર્યો. હરિજનોને ભગવાન સ્વામિનારાયણ સ્વીકારતા હોવાથી ગામના આગેવાનોએ ઢંઢેરો પિટાવી જાહેરાત કરી હતી કે બ્રાહ્મણ, વાણિયા, વૈશ્ય કે ક્ષત્રિય, કોઈ પણ ઉચ્ચ વર્ણના માણસે સ્વામિનારાયણનાં દર્શને જવું નહિ. આથી અહીં એકલા હરિજનો જ દર્શને આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ આ વિગત જાણી હરિજનોની ભક્તિથી પ્રસન્ન થયા. આશીર્વાદ આપી તેમણે કહ્યું : 'જાઓ, બ્રાહ્મણો જેવી પંડિતાઈ અને સદ્‌ગુણો તમારામાં આવશે. બ્રાહ્મણો શરમાઈ જાય તેવાં વિશુદ્ધ વર્તન તમારાં થશે.' અને એ આશીર્વાદને ઇતિહાસે પ્રત્યક્ષ નિહાળ્યા. ભગવાન સ્વામિનારાયણે એ વિરલ ઘટના સર્જી. એ આશીર્વાદના પ્રતાપે દલિતવર્ણોમાં એવાં અનેક રત્નો પાક્યાં છે કે જેમનું પુણ્ય સ્મરણ કરતાં આજે સૌ ધન્યતાનો અનુભવ કરે છે. એવા નામાંકિતોમાં કવિ નારણદાસ પૂંજાભાઈનું નામ અમર છે. સંતો-હરિભક્તો આજે પણ નારણદાસનાં ભક્તિપદોને ભાવલીન થઈને ગાય છે ત્યારે, એક અલૌકિક વાતાવરણ ખડું થાય છે. અને જ્યાં શ્રીહરિએ એ આશીર્વાદ આપ્યા હતા એ પ્રાસાદિક સ્થળની છબિ આ રહી...

Other Articles by સાધુ પ્રણવતીર્થદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS