‘અરે રે, હું મૂઓ બહુ ભુલકણો છું. બીચારી બાઈનું કડલું ક્યાં મુકાઈ ગયું હશે?’ ઘર બધું ખૂણેખાંચરે ઉપરતળે કરવા છતાં મયારામ ભટ્ટને દાગીનો ન મળ્યો તે ન જ મળ્યો. સ્મૃતિ સતેજ કરી, કશું યાદ ન આવ્યું. ફરી ભટ્ટજી પોતાની જાત પર બગડ્યા.
એક બાઈને જાત્રાએ જાવું હતું, તેથી ભટ્ટજીને ત્યાં કડલું મૂક્યું. એક દિવસ પટારો ખોલતાં ભટ્ટજીએ જોયું તો એક જ કડલું! બીજું ક્યાં ગયું હશે ? બધે ફંફોળ્યું પણ વ્યર્થ. બાઈ પાછી આવે તે પહેલાં ભટ્ટજીએ બીજો દાગીનો ઘડાવવાની તજવીજ કરી. ઘરનાં ઘરેણાં ભેગાં કર્યાં. સોની પાસે ગળાવ્યાં ને પેલા કડલાના માપનું જ હૂબહૂ કડલું કરાવી દીધું ને પછી નિરાંતનો શ્વાસ લીધો.
બાઈ જાત્રાએથી પાછી ફરી. ભટ્ટજીએ બે દાગીના ધર્યા. બાઈ કહે : ‘ભટ્ટ કાકા! મેં તમને એક જ કડલું આપેલું.’
ભટ્ટજી કહે : ‘બહેન, તું ભૂલતી લાગે છે! ઘરેણું જોડમાં જ હોય ને! હું ભલે બ્રાહ્મણ છું પણ હરામનું ન ખપે.’
ભટ્ટજીને એમ કે ‘બાઈ એક દાગીનો મને પધરાવવા માગે છે.’
પણ બાઈના રુદિયે રામ હતા. તે એકની બે ન થઈ.
‘હું સાચું કહું છું કાકા...’
‘તારા દીકરાના સમ ખા.’
બાઈએ સમ ખાધા પછી જ ભટ્ટજીને વિશ્વાસ બેઠો.
આ મયારામ ભટ્ટ સોરઠમાં માણાવદરના રહેવાસી, ધર્મ-નિયમમાં ખૂબ ચુસ્ત. શ્રીકૃષ્ણના ઉપાસક. રામાનંદ સ્વામી તેમના ગુરુ. પોતે એવા પવિત્ર કે ચારિત્ર્યનો ભાર પડે. ભટ્ટજી નાની વયે ઘરભંગ થયા. નાતીલાએ ફરી લગ્ન કરવા ખૂબ સમજાવ્યા. ભટ્ટજી કહે: ‘ગુરુને પૂછવું પડે. મારી તો ઇચ્છા નથી પણ આજ્ઞા શિરોમાન્ય ગણીશ.’
નાતીલા એમને લઈ લોજ ગામે રામાનંદ સ્વામી પાસે આવ્યા. કથા ચાલતી હતી. મેઘગંભીર નાદે ગુરુની વાગ્ધારા વહી રહી હતી. અંતર્યામીપણે તેમણે કથા-રસમાં સાંખ્યની છણાવટ માંડી: ‘અહોહો, માણસનું જીવતર કેટલું! એમાં પણ એને સ્ત્રીનું લારું વળગે તે ક્યારે પ્રભુ ભજે? અમારો તો એવો મત કે કોઈ રાજાનો કલૈયો કુંવર હોય, એક વાર પરણી ચૂક્યો હોય ને ફરી પરણવાનું પૂછવા અમારી પાસે આવે તો એને આ ફંદામાં પડવા ન દઈએ. એ તો ઠીક, પણ કો’ક પહેલી જ વાર પરણતો હોય, માયરામાં ત્રણ ફેરા ફરી લીધા હોય, અમે ત્યાંથી પસાર થઈએ ને ચોથા ફેરાની આજ્ઞા માગે તો હું તેને ચોથો ફેરો ફરવા દઉં નહીં. જીવન મળ્યું છે તો તેનો ઉપયોગ મોક્ષ માટે કરી લેવો જોઈએ. સ્ત્રી-પુરુષને તો પરસ્પર બંધન છે એ બંધન તૂટે તો જ પ્રભુમાં જીવ લાગે...’
ગંગાના પ્રવાહની જેમ ગુરુની ગરવી વાણી વહેતી રહી ને ભટ્ટજીનું અંતર પખાળતી રહી. ભટ્ટજીએ ત્યાં જ નિશ્ચય કરી લીધો - હવે બીજો ભવ કરવો નથી. લગ્ન વિષે ગુરુને હવે પુછાય?
આજીવન બ્રહ્મચર્ય પાળી સત્સંગની સેવા કરીશ.
એક દિવસ રોકાયા પણ શા નિમિત્તે આવ્યા તે વિષે હરફ ઉચ્ચાર્યો નહીં. નાતીલા કહે: ‘મયારામ! ગુરુની આજ્ઞા લઈ લે.’
ભટ્ટજી કહે: ‘આજ્ઞા થઈ ગઈ. ઉત્તર મળી ગયો - મારે જીવનભર બ્રહ્મચર્ય વ્રત પાળવું એ ગુરુ-આજ્ઞા. તમે ન સાંભળી? ગુરુએ કથામાં મારા પર તો વાત કરી. અહો! મારાં કેવાં ભાગ્ય! અંતર્યામીએ અંતરના પડળમાંથી મારું કહેણ ઝીલી વેણ વહાવ્યાં. અનહદ કૃપા કરી.’
નાતીલાને થયું: ‘આ ભગત હવે જગતમાં નહીં પડે. વળો પાછા.’
ત્યારથી સૌ કહેતા: ‘ટેક તો મયારામની!’