Essay Archives

એક વખત મહારાજા વિક્રમાદિત્યે મહાકવિ કાલિદાસને પૂછ્યું, ‘તમે શ્રેષ્ઠ કવિ છો, પરંતુ ભગવાને તમારો ચહેરો સુંદર કેમ નથી બનાવ્યો?‘ જવાબમાં કવિએ બે જળપાત્રો હાજર કર્યાં- એક સુવર્ણનું હતું અને એક માટીનું. રાજાને બંનેમાંથી પાણી પાયું અને પૂછ્યું, ‘ કયા પાત્રમાં પાણી વધુ શીતળ છે?‘ ‘ માટીના પાત્રમાં!‘ ત્યારે કવિએ કહ્યું, ‘મહારાજ, પાણીની શીતળતાનો આધાર પાત્રની સુંદરતા ઉપર નથી, તેમ વ્યક્તિનો પ્રભાવ એના ચારિત્ર્યની સાતત્યતા ઉપરથી પડે છે.‘
આ વિધાનનો પ્રખર પુરાવો સાંપડ્યો તા.૪-૧૦-૨૦૦૦ના દિવસે અમેરિકાના માયામી શહેરમાં. આજથી એક સૈકા પહેલાં ગુજરાતના નાનકડા ગામ ચાણસદમાં પાંચ ગુજરાતી ચોપડી ભણેલો માણસ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઉપર શું પ્રભાવ પાડી શકે ? પરંતુ ધારણાથી તદ્દન વિપરીત બન્યું, જ્યારે પ્રમુખસ્વામી મહારાજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રી બિલ ક્લિન્ટનને મળ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળનારા તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ ધર્મગુરુ અને જૂજ હિંદુ ધર્મગુરુઓમાંના એક હતા. એમણે રાષ્ટ્રપ્રમુખને સીધેસીધી કશી જ વાત કરી નહીં કારણ કે એમને અંગ્રેજી આવડતું નહોતું. પરંતુ વિચક્ષણ રાજકારણી શ્રી બિલ ક્લિન્ટને સ્વામીનું નૂર પારખી લીધું અને કહ્યું કે, ‘પ્રમુખસ્વામી એવા પુરુષ છે કે જે બીજાને પાછા પાડીને આગળ નથી આવ્યા, તેઓ હંમેશા બીજાને આગળ રાખીને કાર્ય કરે છે.‘ પ્રમુખસ્વામીના અંતરની સચ્ચાઈ એમને ફરી વખત આ સંતને મળવા માટેનું આકર્ષણ જગાવી ગઈ.
અને કલ્પનાના કિનારાઓને વળોટી જાય એવો માહોલ ત્યારે સર્જાયો જ્યારે શ્રી બિલ ક્લિન્ટન બીજી વખત પ્રમુખસ્વામી મહારાજને મળ્યા. તા.૫-૪-૨૦૦૧, ગાંધીનગર, અક્ષરધામમાં તેઓ પધાર્યા ત્યારે ભરબપોરે ૪૧ ડિગ્રીના તીખા તાપમાં બંને મહાનુભાવો ખુલ્લા આકાશ નીચે મળ્યા. શ્રી બિલ ક્લિન્ટને ઉષ્માસભર પ્રમુખસ્વામીનો હાથ ઝાલી લીધો, ક્યાંય સુધી પકડી રાખ્યો અને ભાવસભર સ્વરે બોલવા લાગ્યા,‘ લોકો બીજાઓની લાગણીઓ અને મંતવ્યોને રદબાતલ કરવામાં માને છે, જ્યારે આ સ્વામી આ બધાથી પર જાય છે. વિશ્વ સમક્ષ આ પ્રકારની સંવાદિતા (Integrity) સિદ્ધ કરવી એ એક પડકાર છે. પણ આ સ્વામીજી જુદા છે. તેઓ બધાને જોડે છે. એ જ કારણ છે કે તેઓ શાંતિ અને સુસંવાદિતા લાવી શક્યા છે. લોકોને ભેગા રાખી શક્યા છે.‘
Integrity એટલે અખંડિતતા, પૂર્ણતા, સત્યનિષ્ઠા, શીલનું સાતત્ય. પ્રમુખસ્વામીના અલ્પ પરિચયમાં જ શ્રી બિલ ક્લિન્ટનને એમનામાં આ સદ્ગુણો દેખાયા એનું કારણ એ કે એમના ઉપર સ્વામીના સાધનામય જીવનની અદ્રષ્ટ છાપ પડી હતી. જીવનની ક્ષણેક્ષણ પોતાના અંતરાત્મા અને પરમાત્મા પ્રત્યે જાગૃત અને પ્રમાણિક રહેવું એ ઉચ્ચ પ્રકારની કસોટી છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આવી કસોટીઓ વારેવારે આવતી રહી અને દર વખતે તેઓ તેમાં સફળ રહ્યા.
એક વખત એક પ્રકાશનમાં છાપવા માટે પ્રમુખસ્વામીનો ફોટો પાડવાનો હતો. સ્વામી એ માટે કેમેરા સામે ઊભા રહ્યા ત્યારે એક ભાઈ ચાખડી લઈને આવ્યા અને સ્વામીના પગમાં પહેરાવવાની કોશીષ કરવા લાગ્યા. સ્વામીએ પૂછ્યું કે ‘આની શું જરૂર છે?‘ તો પેલા કહે કે ‘મોટા મંડલેશ્વરો, મહાત્માઓ આવી ચાખડી પહેરતા હોય છે, એટલે આપ પણ આવી ચાખડી પહેરીને પોઝ આપો તો આપનો પ્રભાવ પડે.‘ આ સાંભળી સ્વામીએ એ ચાખડી તરત કાઢી નાખી. પણ બધા આગ્રહ કરવા લાગ્યા ત્યારે સ્વામી કહે ‘ હું ક્યારેય ચાખડી પહેરતો નથી, તો આ ફોટો પડાવવા માટે પહેરવાની જરૂર નથી.‘ ત્યારે દલીલ થઇ કે ‘આમાં લોકોને ક્યાં ખબર પડવાની છે કે આપ કાયમ પહેરતા નથી, અને અત્યારે એક જ વખત પહેરો તો સારી છાપ પડે !‘ પણ સ્વામીએ મક્કમતાપૂર્વક કહી દીધું કે, ‘ જે હું કરતો નથી, તે છાપ પાડવા સારુ એક વખત પણ હું કરવાનો નથી.‘ એકાન્ત ખૂણે પણ એમણે દાખવેલ પ્રમાણિકતા સહુને સ્પર્શી ગઈ.
ભારતના પૂર્વ કિનારે આવેલ એક વાવાઝોડાએ અત્યંત વિનાશ વેરેલો. ગુજરાત સરકારે આ પ્રસંગે રાહત સામગ્રીની એક આખી ટ્રેન ત્યાં મોકલવાનું આયોજન કર્યું. સરકારશ્રીએ જ સંસ્થાને વિનંતી કરી કે આમાં અમુક લાખ રૂપિયાની રાહત સામગ્રી જે બે ડબ્બામાં ભરાય એટલી સેવા પ્રમુખસ્વામીના અધ્યક્ષપદે ચાલતી BAPS સંસ્થા કરે. રાહતકાર્યના લાભાર્થી એક પણ પોતાના ભક્ત હતા નહીં પરંતુ પ્રમુખસ્વામી સેવા કરવા માટે તરત તૈયાર થઈ ગયા. રાહત સામગ્રી સ્ટેશન ઉપર પહોંચાડવામાં આવી જેનાથી બે ડબ્બા સંપૂર્ણ ભરાઇ ગયા. પ્રમુખસ્વામીને આ માહિતી આપવામાં આવી ત્યારે એમણે સામો પ્રશ્ન પૂછ્યો કે આ સામગ્રીની કિંમત કેટલી થઈ? તો જણાવવામાં આવ્યું કે જેટલા લાખ રૂપિયા માટે સરકારશ્રીએ કહેલું એનાથી અડધી રકમમાં જ બે ડબ્બા ભરાઈ ગયેલા હતા. ત્યારે પ્રમુખ સ્વામી કહે, ‘આવું ન કરાય. સરકારશ્રીએ કહ્યું છે એટલી રકમની સામગ્રી આપણે આપવી જોઈએ. આપણે વચન પાળવું પડે.‘ ત્યારે દલીલ થઇ કે, ‘આપણે વચન પાળ્યું જ છે, કારણકે બે ડબ્બા ભરીને સામગ્રી આપણે આપી છે.‘ ત્યારે સ્વામી કહે, ‘આ બિલકુલ ચાલે નહિ. જેટલી રકમ આપણને જણાવવામાં આવી છે એટલી રકમની સામગ્રી ગમે તેમ કરીને આપણે આપવી જ છે. અને એ માટે જો ડબ્બા ભરાઈ ગયા છે, તો વાત કરો કે સરકાર ટ્રેનમાં બીજા ડબ્બા ઉમેરે, પરંતુ આપણે વચન પાળવું જ છે.‘
અતિ સાધારણ પૂર્વભૂમિકા ધરાવતા પ્રમુખસ્વામીથી દુનિયાના માંધાતાઓ અભિભૂત થયા- પળેપળની પ્રમાણિકતા એટલે કે શીલના સાતત્યનું સત્વ કેટલું બળવાન હોય છે એનો આ બોલતો પુરાવો છે.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS