રામાનંદ સ્વામીએ આ ટેક વિષે જાણ્યું ત્યારે ખૂબ પ્રસન્ન થયેલા ને માણાવદરમાં રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી તેમને આશિષ દીધેલા કે હવે તમારા હૃદયમાં સ્ત્રી કે દ્રવ્ય સંબંધી અશુભ ઘાટ નહીં થાય, ને તમે તેના બંધનમાં પણ નહીં આવો.
અગતરાઈના પર્વતભાઈ, શેખપાટના લાલજી સુથાર અને માણાવદરના મયારામ ભટ્ટ - આ ત્રિપુટીએ નિશ્ચય કરેલો કે કોઈ હથેળીમાં રાધાકૃષ્ણ દેખાડે તો પણ રામાનંદ સ્વામી સિવાય બીજે માથું નમે નહીં!
સંવત 1856માં અષાઢ માસમાં ભગવાન સ્વામિનારાયણ વર્ણીવેષે લોજ ગામે આવ્યા. સુખાનંદ સ્વામી તેમને આશ્રમમાં તેડી લાવ્યા. જવું જવું કરતાં તેઓ રામાનંદ સ્વામીની પ્રતીક્ષા કરતાં મહાપરાણે રોકાયા. તેઓ મુક્તાનંદ સ્વામીને કહે : ‘સ્વામી! મને એક વાર રામાનંદ સ્વામીનાં દર્શન કરાવો પછી આપણે બન્ને વનમાં એકાંત સ્થળે ભગવાન ભજીશું, વસ્તીમાં રહેવું જ નથી.’
મુક્તાનંદ સ્વામી કહે : ‘વર્ણી ! ગુરુને પત્ર લખીએ, જલદી પધારે.’
બે પત્ર તૈયાર કરાયા. તેમાં એક વર્ણીએ જાતે લખેલ, જે ઐતિહાસિક ગણાય છે:
‘સ્વસ્તિશ્રી ભુજનગર મહાશુભસ્થાને બીરાજમાન સ્વામિશ્રી શ્રી રામાનંદજી રૂપી સુરજ ઉદય ભયા હે વાકી સેવામાં ગામ લોજસે સેવક બ્રહ્મચારી નીલકંઠજી સરજુદાસજી કે દંડવત પ્રણામ વાંચોગે. વિશેષ લીખવા કારજ યોં હે કે હમ ઈશ્વરેચ્છાસે ચારોં ધામ કરકે અરૂ દેશમેં આયા હે. ત્યાંહા તુમ્હારા નામ સુના કે પશ્ચિમ દેશમેં જીવનમુક્ત પ્રગટ હે. ફીર બનમેં ગોપાળ જોગી પાસ રહ કે યોગસાધના કરકે અષ્ટાંગ યોગ સિદ્ધ કીયો હે. ઉસ બખતમે યહ જોગીને કહા થા કે ગિરનાર કી છાંવમેં સિદ્ધ મીલેંગે. ફીર વાયુ ભક્ષ્યા કર કે બહુ દિન રહે પરંતુ પ્રગટ કૃષ્ન કે દરશન ન હુવે. અબી શુદ્ધ ભુમી જાન કે યહાં રહે હે તો આપ યહાં બીરાજકે હમકુ પ્રગટ કૃશ્ન મીલાઓ. હમ સુના હે કે ધારણામેં દરશન કરવાતે હો તેસા સ્વામી મુક્તાનંદજીસે સુનકે યહ સાધુકો નિષ્કપટ જાન કે હમ ઠહરે રે. સ્વામિજી ઔર ભટ્ટજી કહે કે હમ યહાં બોલાવેંગે વાસ્તે યહાં રહે હે. ભટ્ટજી મયારામજીકો પઠાયે હેં તો દોનું પત્ર પઢકર તુરત હમારે પર કીરપા કરોગેં, જેસે ચકોર ચંદકુ ચહત હૈ, તેસે હમ તુમ્હારે દરસનકુ ચહતે હે. તો તુરત દરશન દેહો; નહીં તો તુમ્હારી સેવામેં આવેંગે. સંવત 1856 ફાલ્ગુન વદી 5 લીખ્યો હે. તુરત વાંચકે કરૂના દૃષ્ટી કરોગેં, નહીં તો નહીં રહેવે.
સ્વામિશ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી રામાનંદજીકું પહોંચેં.’
રામાનંદ સ્વામી કચ્છમાં હતા. ભટ્ટજી બંને પત્રો લઈને તેમને મળ્યા. પત્રો વાંચી રામાનંદ સ્વામીના આનંદનો પાર ન રહ્યો. તેઓ કહે: ‘હું જેમની રાહ જોતો હતો તે આવી પહોંચ્યા છે. અમે ડુગડુગીના વગાડનારા હતા, હવે વેશ ભજવનારા આવ્યા છે.’ એમ કહી રામાનંદ સ્વામીએ ભટ્ટજીને વર્ણીનો ખૂબ મહિમા કહ્યો અને ગામોગામ વર્ણીના સમાચાર પહોંચે, સૌ વર્ણીનાં દર્શને લોજ જાય એ રીતે કરવા ભટ્ટજીને આજ્ઞા કરી.
વળતો પત્ર અને આજ્ઞા લઈ ભટ્ટજી લોજ આવ્યા ત્યારે વર્ણી ભટ્ટજીને ભેટી પડ્યા. પછી પત્ર વાંચ્યો: ‘સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રહેવું પડશે.’ આ શબ્દ આવતાં તત્કાળ વર્ણીએ થાંભલાને બાથમાં જકડી લીધો.