Essay Archives

વૈશ્વિક મહાનુભાવોના પ્રમાણ 

પુનર્જન્મવાદ એ હિન્દુ ધર્મનો એક આગવો સિદ્ધાંત છે. પરંતુ તેની વૈજ્ઞાનિકતા અને તર્કશુદ્ધિ એટલી ઉચ્ચ કક્ષાની છે કે દેશ-વિદેશના એવા વિદ્વાનો પણ પુનર્જન્મવાદનો સ્વીકાર કરવા લાગ્યા છે, જેઓ હિન્દુ ધર્મના અનુયાયીઓ નથી. પ્રત્યેક વિદ્વાન કે મહાપુરુષનું પુનર્જન્મવાદ વિશેનું વિધાન આપણને હિન્દુ ધર્મ પરંપરા પ્રત્યે વધુ આદર જન્માવે છે. અને સાથે સાથે આત્માની એ અનંત યાત્રાનો હિન્દુ ધર્મનો ખ્યાલ જીવનની સાચી સમજ પણ આપે છે. અહીં એવા કેટલાક જગપ્રસિદ્ધ મહાનુભાવોના હૃદયોદ્ગારો માણીએઃ
‘જેમ વર્તમાન જીવનમાં આપણે હજારો સ્વપ્નાંઓમાંથી નીકળવું પડે છે, તેમ આ જીવન પણ હજારો જીવનમાંનું એક છે, જેમાં એક વધુ વાસ્તવિક જીવનમાંથી થયેલો આપણો એક પ્રવેશ છે. વળી, મૃત્યુ પછી પણ ફરી એ જ જીવનમાં પ્રવેશી જઈશું. આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે, અંતિમ સુધી.
આ રમત નથી, શોધ નથી, મને આમાં ભરોસો છે, હું એને નિઃસંશય જોઉં છું.
કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય, રશિયા
મહાન લેખક, તત્ત્વચિંતક, 1828-1910
‘હું યુવાન હતો ત્યારે મને ખૂબ મૂંઝવણ થઈ હતી. મેં મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો, આપણે અહીં શા માટે જન્મ્યા છીએ? મને વળતો જવાબ ન મળ્યો.
મારું જીવન વ્યર્થ લાગવા માંડ્યું.
એક દિવસ મારા મિત્રે એક પુસ્તક આપ્યું. એ નાના પુસ્તકમાં મને જવાબ મળી ગયો. મારું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું. ખાલીપો અને વ્યર્થતાને બદલે જીવન અર્થસભર લાગવા માંડ્યું. મને વિશ્વાસ આવી ગયો કે આપણે અત્યારે તો અહીં છીએ અને ફરીથી પણ અહીં જન્મીશું. આપણે આગળ ને આગળ ધપતા રહેવાનું છે.
પુનર્જન્મનો આ સિદ્ધાંત મેં 26 વર્ષની ઉંમરે અપનાવ્યો. મને થતું હતું કે આપણી કર્મ કુશળતા મૃત્યુ પછી કામ ન આવે તો તે નિરર્થક બની જાય છે. જ્યારે પુનર્જન્મનો સિદ્ધાંત સાંપડ્યો ત્યારે મને એમ લાગ્યું જાણે કે એક સર્વદેશીય યોજના મળી છે. પુનર્જન્મના સિદ્ધાંતથી મને પ્રતીતિ થઈ કે મારા વિચારોને રચનાત્મક બનાવવાની ઊજળી તક છે. હવે સમય સીમિત ન રહ્યો. હું હવે ઘડિયાળના કાંટાનો ગુલામ ન રહ્યો.
પુનર્જન્મની શોધે મારા મનને નિરાંત આપી દીધી. હું લોકોને જણાવવા માગું છું કે જીવન વિશેની દીર્ઘદૃષ્ટિ કેટલી શાંતિ અર્પે છે.
કોઈને વિલક્ષણ બુદ્ધિ-આવડત હોય તેનું કારણ ઘણાં જન્મનો તેને અનુભવ છે.’
હેનરી ફોર્ડ, અમેરિકા
વિશ્વ મોટર-ઉદ્યોગના પિતામહ, 1863-1947
‘મૃત્યુ પછીના જે અસ્તિત્વની હું કલ્પના કરી શકું છું, તે નવા પાર્થિવ ચક્રનો પુનઃ પ્રારંભ છે. જીવનના એકમની રચના, અબજો શક્તિશાળી તત્ત્વોના સમૂહથી થયેલી છે. મને વિશ્વાસ છે કે આ સમૂહ માનવીના મૃત્યુ બાદ શરીર ત્યજીને અવકાશમાં અભિનિષ્ક્રમણ કરે છે. એટલું જ નહીં, તેનું અવિરતપણું ચાલુ જ રહે છે, અને તે કાળચક્રના બીજા જીવનમાં પ્રવેશે છે અને અમર રહે છે.’
થોમસ આલ્વા એડિસન, અમેરિકા
મહાન વિજ્ઞાની, 1847-1931
‘ચાલો, આપણે પુનર્જન્મના સિદ્ધાંત ઉપર પાછા આવીએ. કારણ કે આથી વધુ સુંદર, ન્યાયી, શુદ્ધ, વધુ નૈતિક, ફળદાયક અને આશ્વાસનદાયક કોઈ ધાર્મિક માન્યતા નથી. આ એકમાત્ર સિદ્ધાંત, તેની પ્રાયશ્ચિત્ત અને શુદ્ધીકરણની પરંપરા દ્વારા, તમામ શારીરિક અને બૌદ્ધિક અસમાનતા, સામાજિક દુષ્ટતા અને પ્રારબ્ધના ભયંકર અન્યાયોનો જવાબ આપી શકે છે.’
મૌરિસ મેઇટરલિંક, બેલ્જિયમ
વિખ્યાત કવિ, નાટ્યકાર, નિબંધકાર, 1862-1949
‘જ્યારે હું ભગવાનના કોઈ પણ કાર્યનો સંપૂર્ણ નાશ થતો જોતો નથી, પાણીનું ટીપુંય ફાજલ જતું જોતો નથી, તો આત્માના વિનાશનો તો વિચાર ન જ કરી શકું. આ જગતમાં અસ્તિત્વ પામીને મને વિશ્વાસ છે કે હું એક અથવા બીજા આકારે સદાય વિદ્યમાન રહીશ. આત્મા એક દેહના મૃત્યુ પછી બીજો દેહ પ્રાપ્ત કરે છે. મૃત્યુને હું એક અનિવાર્ય નિદ્રા માનું છું. પ્રભાતે આપણે તાજગીભર્યા ઊઠીશું.’
બેન્જામિન ફ્રેન્કલીન, અમેરિકા
રાજપુરુષ, તત્ત્વજ્ઞ, વિજ્ઞાની 1706-1790
‘મને પૂર્ણ વિશ્વાસ છે કે ખરેખર પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ છે. મરણ પામેલાનો ફરી જન્મ થાય છે, અને મરણ પામેલાનો આત્મા હંમેશાં અસ્તિત્વ ધરાવે છે. મૃત્યુ સ્વપ્નવિહીન નિદ્રા છે અને પુનર્જન્મનું દ્વાર છે.’
સોક્રેટીસ, ગ્રીસ
પ્રાચીન તત્ત્વજ્ઞાની, ઈ.સ. પૂર્વે 470
‘જો માનવી એમ જાણે કે વર્તમાન જીવનમાં કોઈ જાતનો અપરાધ કર્યા વગર પણ મારે જે કાંઈ દુઃખ વેઠવું પડે છે એ મારાં પૂર્વજન્મનાં કર્મનું જ ફળ છે, તો એ જૂનું દેવું ચૂકવતા માણસની જેમ શાંતિથી સંકટ સહન કરી શકશે. સાથે સાથે એ જાણતો હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે તથા ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તો એ હસતાં હસતાં બધાં જ દુઃખો સહન કરી લેશે. એને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા પણ આપોઆપ જ મળી જવાની. સાચે જ, કર્મના સિદ્ધાંતથી લાખો માનવીઓનાં કષ્ટો ઓછાં થયાં છે, સંકટ સહન કરવાનું અને જીવન સુધારવાનું બળ મળ્યું છે.’
ફ્રેડરિક મેક્સમૂલર, જર્મની
ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિખ્યાત વિદ્વાન
‘આપણને પૂર્વજન્મની સ્મૃતિ થતી નથી એ ભગવાનની દયા છે. આપણે જે અસંખ્ય જન્મો લીધા છે તે પૂર્વજન્મ વિશે વિગતવાર જાણવાથી શું લાભ થવાનો છે ? જો આપણે આ સ્મૃતિઓનો ભયંંકર બોજો ઉઠાવતા હોત તો આપણું જીવન ભાર રૂપ બની જાત.’
મહાત્મા ગાંધીજી, ભારત
રાષ્ટ્રપિતા, 1869-1948
‘તમારી વચ્ચે મારા દિવસો થોડા હતા, અને તેથી પણ થોડા હતા મારા કહેલા શબ્દો. પણ જો તમારા કાનોમાં સંભળાતો મારો અવાજ ક્ષીણ થશે, જો તમારી સ્મૃતિમાં મારો પ્રેમ અદૃશ્ય થશે, તો હું ફરી આવીશ, અને વધુ આત્મિક થયેલાં સમૃદ્ધ હૃદય અને હોઠથી ફરી બોલીશ. હા, હું સમયની સાથે પાછો આવીશ, ભલે મૃત્યુ મને સંતાડે કે આ મહાન મૌન મને આવરી લે, હું મારે વિશે તમારી સમજણ ખોળવા ફરી આવીશ. તેથી જાણી લો કે તે મહાન મૌનમાંથી હું પાછો આવીશ. ભૂલશો નહિ કે હું તમારી જ પાસે પાછો આવીશ.’
ખલિલ જીબ્રાન, યુ.એસ.એ.
અમેરિકન કવિ અને ચિત્રકાર, 1883-1931
‘આત્માના સ્થળાતંરનો-પુનર્જન્મનો વિચાર અનિવાર્ય છે; કારણ કે આ કોઈ કવિની ફક્ત કલ્પના નથી, પરંતુ સમગ્ર લોકજાતિની અંતઃસ્ફુરણા છે.’
હેનરી ડેવિડ થોરો, અમેરિકા
લેખક અને તત્ત્વચિંતક, 1817-1862
‘પુનર્જન્મ એક એવું સત્ય છે કે જેનો અગણિત સદીઓથી લોકોના માનસ ઉપર પ્રભાવ છે. અંધાર યુગમાં પશ્ચિમી બુદ્ધિમાંથી આ મતનો નિકાલ થયો, તેથી આપણો માનસિક-નૈતિક વિકાસ સ્થગિત થયો. અજ્ઞાનતાનું એવું પૂર આવ્યું કે જેને લઈને યુરોપમાં પુનર્જન્મ વિશેની આસ્થા ચાલી ગઈ, અધ્યાત્મજ્ઞાન ચાલ્યું ગયું, તત્ત્વજ્ઞાન ચાલ્યું ગયું અને વિજ્ઞાન પણ ચાલ્યું ગયું. મધ્યકાલીન યુરોપ એવું વાતાવરણ જ પૂરું ન પાડી શક્યું કે જેમાં પ્રારબ્ધને સમજાવતું આવું તાત્ત્વિક દર્શન વ્યાપક થઈ શકે.’
ઍની બેસૅન્ટ
થિયોસોફિકલ સોસાયટીના વિચારક, 1847-1933
‘પરિવર્તનનો ગર્ભિત અર્થ મૃત્યુ છે, તો મૃત્યુની સાથે સાથે સંકળાયેલી છે એક નવા જીવનની શરૂઆત. આ એક એવો મહાન ખ્યાલ છે, જે પૂર્વના ચિંતકો પાસે હતો, અને કદાચ તેમના અધ્યાત્મ- શાસ્ત્રોમાં ઉચ્ચતમ કક્ષા ધરાવતો હતો.
આત્મા પોતાના અસ્તિત્વના એક આવરણનો નાશ કરી, બીજા આવરણમાં માત્ર પસાર નથી થતો, પરંતુ એ આગળ ધપે છે વધુ ગૌરવશીલ, યશસ્વી અને પવિત્ર બનીને. વિનાશમાંથી તે એક નવા આકારવાળા અસ્તિત્વનું સર્જન કરે છે.
(મૃત્યુના કારણે) આપણે ભૂતકાળમાં કશું જ ગુમાવ્યું નથી, કારણ કે વિચાર કાયમ મોજૂદ છે, આત્મા અમર છે, જેના માટે ભૂતકાળ નથી, ભવિષ્યકાળ નથી, માત્ર અતિ આવશ્યક એવું વર્તમાન છે.’
જી.ડબલ્યૂ.એફ. હેગલ, જર્મની
પ્રખર તત્ત્વચિંતક, 1770-1831
‘હું આત્મા છું. મને પ્રતીતિ છે કે (મૃત્યુ પછી) કબરને હું જે આપીશ, તે હું નહિ હોઉં. જે હું છું, એ બીજે ક્યાંક જશે. પ્રત્યેક મૃત્યુએ આપણે વધુ જીવન મેળવીએ છીએ. વ્યક્તિત્વ ગુમાવ્યા વગર આત્મા એક કાર્યક્ષેત્રથી બીજામાં પસાર થાય છે અને વધુ ને વધુ તેજસ્વી બને છે....
અડધી સદીથી હું મારા વિચાર ગદ્ય અને પદ્યમાં લખી રહ્યો છું : ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, નાટક, પ્રેમશૌર્યની કથા, દંતકથા, કટાક્ષયુક્ત સાહિત્ય-કૃતિઓ, ઊર્મિકાવ્યો અને ગીત, બધું જ આવરી લીધું છે. પરંતુ મારી અંદર જે છે (આત્મા), એનો હજારમો ભાગ પણ હું કહી શક્યો નથી. જ્યારે હું મૃત્યુ પામું ત્યારે બધાની જેમ હું પણ કહી શકું છું, ‘મેં મારા દિવસનું કાર્ય પૂર્ણ કર્યું છે.’ પણ હું એ ન કહી શકું કે મેં મારું જીવન પૂર્ણ કર્યું છે. કારણ કે આવતી સવારે મારું કાર્ય ફરી પ્રારંભાશે. મૃત્યુ કોઈ આંધળી ગલી નથી, બહાર નીકળાય એવી પગદંડી છે. તે સંધ્યાકાળે બંધ થાય છે અને પરોઢિયે ઊઘડે છે.’
વિક્ટર હ્યુગો, ફ્રાન્સ
લેખક અને વિચારક, 1802 -1885
‘પુનર્જન્મ માનવજાતના સહુથી પ્રાચીન અને ઉચ્ચતમ યુગોમાંથી પાંગરેલો અને સમગ્ર પૃથ્વી ઉપર પ્રસરેલો સિદ્ધાંત છે. જે વ્યક્તિઓ આપણી સાથે પ્રગાઢ સંબંધો ધરાવે છે,
તેઓ બીજા જન્મમાં આપણી સાથે  જન્મશે, અને તેવાં જ અથવા તેથી વિરુદ્ધનાં સંબંધો અને ભાવનાઓ ધરાવશે જેવાં હમણાં છે.
મનુષ્ય મૃત્યુ સમયે અદૃશ્ય થઈ જાય છે, પણ તેથી આપણે કશું જ ગુમાવતા નથી, કારણ કે એ તો માત્ર એક પ્રગટીકરણ છે એક જુદા તત્ત્વનું. મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણે વપરાઈ ગયેલાં વસ્ત્રની જેમ આપણા મનુષ્ય દેહનો ત્યાગ કરીએ છીએ, અને નવાં અને ચડિયાતાં વસ્ત્ર મળવાનો આનંદ માણીએ છીએ.’
આર્થર શોપનહૉવર, જર્મની
વિશ્વપ્રસિદ્ધ તત્ત્વચિંતક, 1788-1860
ફક્ત સારી રીતે વિચાર્યા સમજ્યા વગર નિર્ણય લેનારા વિચારક જ પુનર્જન્મના સિદ્ધાંતને મૂર્ખતાની વાત સમજીને તેનો વિરોધ કરશે. વિકાસના સિદ્ધાંતની જેમ દેહાંતરવાદનો સિદ્ધાંત પણ વાસ્તવિક છે.
પ્રો. થોમસ એચ. હક્સલે, ઈંગ્લેન્ડ
જીવવિજ્ઞાની અને ચિંતક

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS