Essays Archives

આખા જગતના આધુનિક મનો-વિશ્લેષકો માનસિક તાણ ઘટાડવા માટે સતત સલાહ આપે છેઃ 'તમે નકારાત્મક વિચારોને બદલે સકારાત્મક વિચારો રાખો. જીવનમાં બનતી સારી-નરસી બાબતો પ્રત્યે સવળો અભિગમ કેળવો.'
પરંતુ સવળો અભિગમ એટલે શું?
સકારાત્મક વલણ એટલે શું?
એનો જવાબ મેળવવા કોઈએ પણ યોગીજી મહારાજના જીવન પર દૃષ્ટિ કરવી જ જોઈએ.
વર્ષો સુધી યોગીજી મહારાજને નિકટથી નીરખવાનું થયું છે, પરંતુ ક્યારેય એમના જીવનનું વિશ્લેષણ કે વ્યાખ્યા કરી શક્યો નથી. માત્ર એટલું જ લાગે કે તેઓ આ લોકથી પરની બ્રાહ્મી સ્થિતિમાં જીવન જીવતા હતા. એટલે એમના જીવનમાં કાયમ દરેક પરિસ્થિતિમાં સવળો જ અભિગમ અનુભવાય. ક્યારેય એમની ભૃકુટિ તંગ નથી જોઈ, ક્યારેય એમના મોંએ નકારાત્મક વાત સાંભળી નથી, ક્યારેય એમની પાસે મોળી વાત ન હોય, ક્યારેય એમના મુખારવિંદ પર ચિંતા ન હોય. કપરામાં કપરા સંજોગોમાં 'હવે શું થશે?' એવી ભયની રેખા તો એમના મુખ પર ક્યારેય ન હોય.
અહીં એવા કેટલાક પ્રસંગોનું સ્મરણ છે, જેમાં સવળો અભિગમ કેળવવાની આપણને પ્રેરણા મળે છે. પ્રખર જ્ઞાનીઓ પોતાના મન પરનો કાબૂ ગુમાવી બેસે તેવા વિપરીત સંજોગોમાંય યોગીજી મહારાજનો અભિગમ કેવો રહેતો હતો?
થોડાક પ્રસંગોનું સ્મરણ થાય છેઃ
એક વાર મુંબઈમાં શ્રી માણેકલાલ શેઠ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા બાદ ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ સંતો-ભક્તોને વહેંચતા હતા, ત્યાં અચાનક એક ભક્ત ઊભા થયા ને તેમનો ધક્કો લાગ્યો. શ્રી માણેકલાલ શેઠના હાથમાંથી પ્રસાદનો થાળ પડી ગયો ને પ્રસાદ ઢોળાઈ ગયો. શેઠ તો ગભરાઈ ગયા. સામે બેઠેલા અન્ય સૌનાં મનમાં ઘણા શબ્દો ઊપજી ગયા, પરંતુ યોગીજી મહારાજે સહજ રીતે હસીને સૌને કહ્યું, 'અહોહો! આ તો પ્રસાદનો વરસાદ થયો!'
શેઠને ધરપત થઈ ને અન્યના મનના શબ્દો મનમાં જ રહી ગયા, વાતાવરણ બદલાઈ ગયું!
જૂના અક્ષર ભવનમાં બીજે માળે, મોટા ઓરડામાં ઠાકોરજીનું સિંહાસન હતું. તેની સામેના ભાગમાં મહાપૂજા થતી હતી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, સંતો, ભક્તો તેમાં ઉપસ્થિત હતા. આરતી બાદ પ્રદક્ષિણાની વિધિ આવી તેમાં સ્વામીશ્રી અને સંતો જોડાયા ને ધીરે ધીરે હરિભક્તો પણ જોડાવા લાગ્યા. પ્રદક્ષિણાની નાની જગા આખી ભરાઈ ગઈ. તેથી આગળ ચાલવાની તકલીફ થવા માંડી. કોને ના પાડવી કે બેસી જાઓ તે પ્રશ્ન હતો. ત્યારે સ્વામીશ્રીએ સહજ સૂઝ થી કહ્યું 'બધા વતી હું એકલો પ્રદક્ષિણા કરીશ.' કેટલો સરસ અભિગમ! કોઈનેય સહેજ પણ વાગે નહીં એવી એમની હળવી મધુર વાણી સાંભળતાં જ સૌ બેસી ગયા ને પ્રદક્ષિણા સરળતાથી પૂર્ણ થઈ.
કોઈએ અણસમજણ કે ઈર્ષ્યા ભાવથી એમના પર પત્ર લખ્યો હોય કે એમના માટે પેપરમાં ખોટી વાતો છપાવી હોય તો એમાંય એમનો સવળો અભિગમ! તેવો પત્ર કે પેપર જાહેરમાં વંચાવે, તેમાં પોતાનું ખોટું દેખાય એવી ચિંતા યોગીજી મહારાજને નહોતી રહેતી, ઊલટું એમ કહે કે 'ભવિષ્યમાં પણ આપણાથી એવી ભૂલ ન થાય તેનું જાણપણું આપણને આપે છે, માટે રાજી રહેવું પણ દુઃખ ન લગાડવું.'
યોગીજી મહારાજ એક વખત ગોંડળમાં બિરાજતા હતા ત્યારે સેવા માટે આવેલ શ્રી ધીરેન્દ્રભાઈ વીંછીએ એક દિવસ સ્વામીશ્રીને ફરિયાદ કરી કે 'આજે આખી રાત મચ્છરોએ સુખે ઊંઘવા ન દીધો, હેરાન થઈ ગયો!' ત્યારે સ્વામીશ્રીએ સહજ ભાવે કહ્યું કે 'એવું ન બોલાય, આ તો ગોંડળના મચ્છર, કરડે નહિ, પણ આપણને ભજન કરાવે, તેવો ગુણ લેવો.'
સ્વામીશ્રીને અનિદ્રાની તકલીફ હતી. તેમને ઊંઘ આવે તે માટે ડોક્ટરે દવા આપી હતી તે લેવા છતાં ઊંઘ ન આવી. સવારે સેવકોને સંબોધતાં કહ્યું: 'આજે તો ગોળી લીધી છતાં ઊંઘ ન આવી.'
આ સાંભળી એક યુવકે કહ્યું: 'સ્વામી! આ ગોળીએ તમારો બહુ અપરાધ કર્યો. તમને ઊંઘ ન આવવા દીધી.'
સ્વામીશ્રીએ સ્મિત કરતાં જણાવ્યું, 'ના, એવું ન બોલાય! ગોળી તો બહુ સારી. ઊંઘ ન આવી તો આખી રાત ભજન થયું. ઊંઘ આવી હોત તો ભજન થાત?'
ત્યારે એક સેવકે પૂછ્યું, 'એ ગોળીની શી ગતિ થશે?'
સ્વામીશ્રી કહેઃ 'અક્ષરધામમાં જશે.''
કેટલી સુંદર ભાવના! કેટલાક પ્રસંગો તો એવા બનતા, કે જેમાં ગમે તેવા ધીરજવાળાની ધીરજ ખૂટી જાય, અને વલણ નકારાત્મક થઈ જ જાય.
તેવા સંજોગોમાં યોગીજી મહારાજ કેવી રીતે વર્તતા હતા?
એક સવારે ગોંડલમાં યોગીજી મહારાજ મુંડન કરાવવા વિરાજ્યા હતા. અડધું મુંડન થયું અને વાળંદને ઘરનું કંઈક કામ યાદ આવ્યું. 'સ્વામી ! હમણાં ઘરે જઈને બે ઘડીમાં પાછો આવું છુ ...' કહીને અર્ધી હજામત છોડીને તે ઊપડ્યો.
યોગીજી મહારાજ રાહ જોતા બેસી રહ્યા.
પાંચ મિનિટ... દસ મિનિટ... વીસ મિનિટ... ત્રીસ મિનિટ... કલાક... દોઢ કલાક... સમય વીતતો ગયો... વાળંદ દેખાયો જ નહીં !
પણ એ દરમ્યાન યોગીજી મહારાજના મુખ પર એનો કોઈ પ્રતિભાવ જ નહીં ! તેઓ તો ભજનની મસ્તી ને ભગવદ્‌વાર્તામાં લીન થઈ ગયા !
અક્ષરમંદિરના ૬૫ વર્ષના આ મહંત, અડધી હજામતે બે કલાક સુધી રાહ જોતાં બેસી રહ્યા! પણ એમની ધીરજ ખૂટી નહીં. આખરે બે કલાકે વાળંદ આવ્યો. અને તે પણ પેલાની બદલીમાં કોઈ બીજો વાળંદ ! છતાં, રોષનો એક હરફ પણ ઉચ્ચાર્યા વગર સહજ હાસ્યથી એમણે નવા વાળંદને વધાવ્યો. અડધી હજામત પૂરી કરાવી... લાંબી પ્રતીક્ષાને અંતે પણ એમના ચહેરા પર ન તો કોઈ અકળામણ હતી... ન તો કોઈ રોષ હતો... નરી પ્રફુલ્લિતતા... નર્યો આનંદ...
ગમે તેવા વિચિત્ર માણસો કે ગમે તેવા વિચિત્ર સંજોગો, યોગીજી મહારાજના નિજાનંદને ક્યારેય પણ અસર પહોંચાડી શક્યા નહોતા.
અટલાદરામાં મંદિરના પ્રાંગણમાં એક ચોર પકડાયો. લોકોનું ટોળું જમા થઈ ગયું. લોકોના ઉશ્કેરાટ વચ્ચે ભીંસાયેલો ચોર, પરિણામની કલ્પનાથી કંપી રહ્યો હતો.
એવામાં કોઈએ કહ્યું : 'એને યોગીજી મહારાજ પાસે લઈ જાઓ. એ કહે તે મુજબ એવી શિક્ષા કરો કે...' સૌને આ ગમ્યું. ટોળું અને ટોળા સાથે ઘસડાતો ચોર... બધા યોગીજી મહારાજની પાસે હાજર થયા. એકી સાથે ઘણા બધાએ ફરિયાદ શરૂ કરી દીધી. કેટલાયે તો કડક શિક્ષાનાં સૂચનો પણ આપી દીધાં.
પણ આ તો યોગીજી મહારાજની અદાલત હતી. તેમણે સૌને શાંત પાડ્યા. પરસેવાથી રેબઝ õબ બની ગયેલા ધ્રૂજતા ચોરને પ્રેમથી નજીક બોલાવ્યો. સ્નેહથી નીતરતો ધબ્બો માર્યો. લોકો કુતૂહલથી આ બધું જોઈ રહ્યા. યોગીજી મહારાજની નિર્મળ આંખોમાંથી ક્ષમાભાવના વહી રહી હતી.
અચાનક સૌને આશ્ચર્યનો ધક્કો લાગે તેમ યોગીજી મહારાજે સૌને કહ્યું : 'કોણ કહે છે આ ચોર છે ? આ તો ભગવાનનો ભક્ત છે ! આ તો મુક્ત છે... એને જાવા દ્યો... આ કોઈ દિ' ચોરી કરે જ નહિ... લ્યો, જાવ આશીર્વાદ છે...' એમ કહીને ચોરની પીઠ પર એ પાવક ધબ્બો આપ્યો. લોકો એને 'ચોર' તરીકે ઓળખતા હતા. એ પોતે પણ પોતાને 'ચોર' સમજતો હતો, પરંતુ યોગીજી મહારાજની દૃષ્ટિ કંઈક જુ દી હતી. એમની નજરમાં એ ચોર નહોતો એનું આશ્ચર્ય ખુદ ચોરનેય સમાતું નહોતું. અને આ આશ્ચર્યે એના જીવનપરિવર્તનનાં દ્વાર ખોલી નાખ્યાં. એ ભાઈ સત્સંગી થઈ ગયા!
જે સતત આવો સવળો અભિગમ રાખી શકે, એ જ સૌને સાચો નિઃસ્વાર્થ પ્રેમ આપી શકે.
યોગીજી મહારાજની આ જ લાક્ષણિકતા હતી - નિર્વ્યાજ પ્રેમ!
એમના સાંનિધ્યમાં આવનારા યુવકો એમના પ્રેમથી એવા ભીંજાઈ જાય કે જીવનના અનેક વિકટ સંજોગોમાંય તેઓ ઉત્સાહથી ભર્યા ભર્યા થઈ જાય.
કોઈનાય મનમાં કોઈ પણ પ્રકારનો રંજ રહેતો હોય, તેને પોતાના નિર્વ્યાજ પ્રેમથી નિર્મૂળ કરી નાખવાની એમની આગવી દિવ્ય કલા હતી.
એમના પ્રેમના આકર્ષણને કારણે ઘણા યુવાનો પોતાની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થાય કે તુરત ઘરેથી નીકળી, સ્વામીશ્રી જ્યાં વિચરણ કરતા હોય ત્યાં પહોંચી જતા. વિચરણ દરમ્યાન પરીક્ષાનું પરિણામ આવે ત્યારે જે સારી રીતે પાસ થયા હોય તે હોંશે હોંશે સ્વામીશ્રીને પરિણામની જાણ કરે, પણ જે નાપાસ થયા હોય તે સંકોચ પામે. એક યુવક સતત ૪-૫ પરીક્ષામાં નિષ્ફળ થયેલો તેથી હતાશ થઈ ગયો હતો. સંકોચ પામતાં પામતાં તેણે સ્વામીશ્રીને કહ્યું કે તે નાપાસ થયો છે. ત્યારે નકારાત્મક વાતો કરવાને બદલે સ્વામીશ્રીએ તેને ખૂબ પ્રેમથી આશીર્વાદનો ધબ્બો આપીને કહ્યું: 'જાવ, આ વર્ષે પાસ થઈ જવાશે.' અને એ હતાશ થઈ ગયેલો યુવાન ફરી ઉત્સાહથી છલકાતો થઈ ગયો. સ્વામીશ્રીએ એને એકાગ્રતાથી નિયમિત રીતે વાંચવાની પણ શીખ આપી, અને તે મુજબ તે પાર પડી ગયો.
જૂના અક્ષરભવન - દાદરમાં ભોંયતળિયે દાદરા પાસે ઓફિસ હતી. તેમાં દરરોજની ભેટ, મહાપૂજા આવે તેની રકમ રહેતી. એક દિવસ તે લાકડાના ગલ્લાનું તાળું તોડી રકમ કોઈ લઈ ગયું. ભગવાનની રકમ ચોરાઈ મને તેનું મનમાં ઘણું દુઃખ થતું હતું. તે વાત મેં યોગીજી મહારાજને કરી ત્યારે ઠપકો આપવાને બદલે પ્રેમથી કહ્યું કે 'ગુરુ, ખટકો રાખવો, ધ્યાન રાખવું, ઠાકોરજીની સેવામાં ખોટ ન આવે તેમ કરવું.' એમ કહી એમણે એવા બળના શબ્દો કહ્યા કે મારા મનમાંથી સહજ રીતે રંજ નીકળી ગયો.
સને ૧૯૬૧માં ભણેલા ૫૧ યુવાનોને ગઢપુરમાં દીક્ષા આપવાની હતી તે પ્રસંગે, આગળના જ દિવસે ઘેલાના ઘાટમાં સ્નાન કરવા ગયેલા બે યુવકો ડૂબી ગયા હતા. તેને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. જોકે તે બંને યુવકોનાં માતા-પિતાને તેનું રંચમાત્ર દુઃખ ન હતું. યોગીજી મહારાજે પણ સૌને જણાવ્યું કે 'ભવિષ્યમાં સાધુ થવાના હતા ને સ્વામીશ્રીજીની સેવા કરવાના હતા તે વહેલા સ્વામીશ્રીજીએ સેવામાં બેસાડી દીધા છે!' એટલા શબ્દોમાં વાતાવરણ આખું ફરી ગયું ને સૌને આનંદ થયો.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે ૫૧ યુવાનોને દીક્ષા આપી તેમને મુંબઈમાં સંસ્કૃતનો અભ્યાસ કરવા મૂક્યા હતા. પરંતુ સંસ્કૃતમાં સૌને રસ ન હોય તે સ્વાભાવિક છે. છતાં સ્વામીશ્રીની આજ્ઞા હતી એટલે સંસ્કૃત ભણે, પણ રસ ન પડે એટલે કંટાળો આવે ને મૂંઝ વણ પણ થાય. કોઈ મૂંઝ ëઈને સ્વામીશ્રી પાસે જાય ત્યારે સ્વામીશ્રી તેમને એવી બળ ભરી વાતો કરે કે એ ફરીથી અભ્યાસમાં લાગી જાય! સ્વામીશ્રી કહેતા, 'શાસ્ત્રીજી મહારાજ સૌને સંસ્કૃત ભણાવતા. સંસ્કૃત ભણે તો સંપ્રદાયનાં શાસ્ïત્રો લખે ને સ્વામીશ્રીજીની મોટી સેવા થાય. માટે બળ રાખવું, સંસ્કૃત ભણવામાં સૌ એવા મંડી પડો કે શાસ્ત્રીજી મહારાજ રાજી થઈ જાય!' ક્યારેક તો મૂંઝ વણ લઈને સ્વામીશ્રી પાસે ગયેલા સૌ એ જ ભૂલી જતા કે મૂંઝ વણનો મુદ્દો શું હતો!
યુવાનો કે દીક્ષા લઈને સેવામાં સમર્પિત થયેલા સંતોને યોગીજી મહારાજે સતત આધ્યાત્મિક બળ સિંચ્યું છે. કોઈક નિયમ પાળવાનું કોઈને અઘરું પડે ત્યારે તેમને વઢવાને બદલે યોગીજી મહારાજ તેમના માટે કલાકોના કલાકો વાતો કરીને તેમને સમજાવે, શ્રીજીમહારાજનો મહિમા કહી, 'પુરુષોત્તમનારાયણ ભગવાને આપણા સુખ માટે નિયમો આપ્યા છે, તેનાથી ભગવાનના માર્ગમાં સારી પ્રગતિ થાય, સુખ, શાંતિ મળે, માટે નિયમોમાં મોળા ન પડવું' - એમ બળની વાતો કરી સૌને દૃઢતા કરાવતા. તેમાં એવો પ્રેમ ભર્યો હોય કે એ વાતોમાં કોઈને વસમું પણ ન લાગે ને સહેજે તે પ્રમાણે વર્તતા થઈ જાય.
ત્યાગાશ્રમમાં જીવન જીવવું એ તો ÿષુબશ્લ્દ ઢષબશ્ષ સમાન છે. તેમાં ક્યારેક મર્યાદા પ્રમાણે ન વર્તાય ત્યારે કોઈના મનમાં પ્રશ્ન થાય કે અહીં કેમ રહી શકાશે? મર્યાદા પ્રમાણે વર્તી શકાશે કે કેમ? એવા પ્રશ્ન થાય ત્યારે યોગીજી મહારાજ ખાસ એક પંક્તિ ગાતાઃ
'બળભરી વાતો મુખે કરવી, મોળી વાત કે'દી ન ઉચ્ચરવી. મુખોમુખ થઈ ઓળખાણ, કોઈ વાત ન રહી તાણ...
એમ આપણને પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ ભગવાન મુખોમુખ મળ્યા છે. તો કોઈ પ્રકારની ચિંતા ન કરવી, વર્તવા પ્રયત્ïન કરવો તો જરૂર સહજ રીતે વર્તી શકાશે.'
આવા તો અનેક પ્રસંગો હૃદયમાં આજેય એવા ને એવા તાજા છે, જેમાં યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય અભિગમની વિલક્ષણતા પ્રગટે છે.
દુનિયા ભલે સવળા અભિગમની કે સકારાત્મક વલણની મોટી મોટી વાતો કરે, પરંતુ આપણને એ બાબતનો આનંદ છે, કે આપણે એવા મહાપુરુષોનાં દર્શન કર્યાં છે, જેઓ સવળા અભિગમનું કે સવળા વલણનું મૂર્તિમંત સ્વરૂપ હતા.
તેમાનામાંથી આપણા જીવનમાં પણ સવળો અભિગમ કેળવવાની પ્રેરણા મળે એ જ અભ્યર્થના.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS