Essays Archives

દ્વિતીય પ્રશ્ન

 

સૂર્ય-ચંદ્ર વગેરે દ્વારા જેમ બહારથી શરીરનું પાલન-પોષણ થાય છે, તેમ શરીરની અંદર પણ એવું કોઈ આયોજન પરમાત્માએ કર્યું છે કે જેથી સમગ્ર જીવનકાળ સુધી શરીર ટકી રહે? આવી ભાવનાથી દ્વિતીય પ્રશ્ન પુછાયો છે.
ૠષિ વિદર્ભના પુત્ર ભાર્ગવે આ પ્રશ્ન પૂછ્યો, ‘भगवन्! कत्येव देवाः प्रजां विघारयन्ते कतर एतत्प्रकाशयन्ते कः पुनरेषां वरिष्ठ इति’(પ્રશ્ન ઉપનિષદ-૨/૧) હે ગુરુદેવ! કેટલા દેવો આ શરીરોને ટકાવી રાખે છે, કોણ તેને પ્રકાશિત કરે છે અને વળી એ બધામાં કોણ શ્રેષ્ઠ છે?
ત્યારે પિપ્પલાદજીએ ઉત્તર આપ્યો કે પરમાત્માની પ્રેરણાથી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂત તથા વાગાદિ પંચકર્મેન્દ્રિયો, મન વગેરે ચાર અંતઃકરણ તથા ચક્ષુ વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયો ભેગી થઈને આ શરીરને ધારણ કરી રાખે છે અને તેને પ્રકાશિત કરે છે. વળી, આ બધામાં જે 'પ્રાણ' કહેતાં પ્રાણવાયુ છે તે જ સર્વથી શ્રેષ્ઠ છે. કારણ કે વાણી, આંખ, કાન વગેરે ઇંદ્રિયોમાંથી કોઈ એકાદ ન હોય તોપણ એ સિવાયની ઇંદ્રિયો ટકી શકે છે. શરીર પણ ટકી રહે છે. જ્યારે પ્રાણવાયુ ન હોય તો શરીર-ઇંદ્રિય વગેરે કાંઈ જ ન ચાલી શકે. માટે હે શિષ્ય! પરમાત્માએ નિર્માણ કરેલા પ્રાણવાયુને લઈને જ આ શરીરયાત્રા નિર્ભર રહી છે. ઉત્તર સાંભળી ભાર્ગવે પ્રસન્નતા વ્યક્ત કરી.

 

તૃતીય પ્રશ્ન

 

ત્રીજો પ્રશ્ન કૌશલ્યે પૂછ્યો, ‘भगवन्! कुत एष प्राणो जायते कथमायात्यस्मिन् शरीर आत्मानं वा प्रविभज्य कथं प्रातिष्ठते’(પ્રશ્ન ઉપનિષદ-૩/૧) હે ગુરુદેવ! શરીરમાં પ્રમુખ સ્થાન ધરાવતા આ પ્રાણની કહેતાં પ્રાણવાયુની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તેનો આ શરીર સાથેનો સંબંધ કઈ રીતે થાય છે? વળી, સમગ્ર શરીરમાં તે કઈ રીતે વિભાજિત થઈને કાર્ય કરે છે? તે આપ મને સમજાવો.

ત્યારે મહર્ષિ પિપ્પલાદે ઉત્તર આપતાં કહ્યું, ‘आत्मन एष प्राणो जायते’(પ્રશ્ન ઉપનિષદ-૩/૩) પરમાત્મામાંથી આ પ્રાણ ઉત્પન્ન થાય છે. અર્થાત્ સમગ્ર શરીરને ધારણ કરવા સક્ષમ બની રહે તેવા પ્રાણનું સર્જન પરમાત્મા પોતે જ કરે છે. અને જીવનકાળ પર્યંતનો તેનો શરીર સાથેનો સંબંધ સાંધી આપે છે.
હવે આ જ પ્રાણવાયુ સમગ્ર શરીરનાં જુદાં જુદાં સ્થાનમાં વિભાજિત થઈ કઈ રીતે કાર્ય કરે છે તે વાત સુંદર રૂપક આપી સમજાવે છે. ‘यथा सम्राडेवाघिकृतान् विनियुङ्क्त एतान् ग्रामानेतान् ग्रामान् अघितिष्ठस्वेत्येवमेवैष प्राण इतरान् प्राणान् पृथक् पृथगेव सन्निघत्ते’(પ્રશ્ન ઉપનિષદ-૩/૪) હે કૌશલ્ય! જેમ કોઈ સમ્રાટ પોતાના અધિકારીઓની રાજ્યના જે તે ગ્રામપ્રદેશોમાં નિમણૂક કરે છે તે જ રીતે મુખ્ય પ્રાણ અપાન, વ્યાન વગેરે અન્ય પ્રાણોને શરીરના જુદા જુદા ભાગોમાં નિયુક્ત કરે છે. તેને લીધે શરીરના તે તે ભાગો કાર્યશીલ રહી શકે છે. આ રીતે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન એ પંચ પ્રાણ આપણા શરીરમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
પોતે પૂછેલા દરેક પ્રશ્નોનો યથાર્થ ઉત્તર પ્રાપ્ત થતાં કૌશલ્ય સંતુષ્ટ થયા. આમ, પ્રાચીનકાળથી ભારતવર્ષમાં પ્રતિષ્ઠા પામેલી પ્રાણવિદ્યાનું એક વિશેષ સ્વરૂપ આ ઉપનિષદમાં જોવા મળે છે.


ચતુર્થ પ્રશ્ન

 

પરમાત્મા થકી શરીરની ઉત્પત્તિ તથા તેનું પાલનપોષણ, પરમાત્માની પ્રેરણાથી જ એ શરીર સાથે જોડાયેલ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો તથા અંતઃકરણની ચાલતી પ્રવૃત્તિઓ, પરમાત્મા દ્વારા નિર્મિત પ્રાણને આધારે થતી શરીરની આંતરિક હિલચાલ વગેરે બાબતો આગળના પ્રશ્નોના જવાબ રૂપે જાણવા મળી. હવે ચતુર્થ પ્રશ્ન હજુ ઊંડી જાણકારી માટે પુછાયો છે.
સૌત્રાયણી નામના શિષ્યે આ પ્રશ્ન પૂછ્યો, ‘भगवन्! एतस्मिन् पुरुषे कानि स्वपन्ति कान्यस्मिन् जाग्रति कतर एष देवः स्वप्नात् पश्यति कस्यैतत् सुखं भवति कस्मिन्नु सर्वे सम्प्रतिष्ठिता भवन्तीति’(પ્રશ્ન ઉપનિષદ-૪/૧) હે ભગવન્! જ્યારે મનુષ્ય નિદ્રાધીન થાય ત્યારે કઈ શક્તિઓ સૂઈ જાય છે? અને કઈ શક્તિઓ ત્યારે પણ જાગતી રહે છે? વળી નિદ્રા સમયે સ્વપ્ન જોનાર કોણ છે? અને એ નિદ્રાના સુખને કોણ ભોગવે છે? તથા નિદ્રા સમયે આ શરીરમાં જે સૂઈ ગયા છે, જે જાગે છે, જે સ્વપ્ન જુએ છે કે પછી જે નિદ્રાનું સુખ લે છે - તે બધા કોના આધારે ટકી રહે છે તે વાત આપ મને સમજાવો.
પ્રશ્ન સાંભળી ગુરુ પ્રસન્ન થયા. સચોટ દાખલો આપી ઉત્તર આપવાની શરૂઆત કરતાં તેમણે કહ્યું, વત્સ! જેમ સૂર્યના અસ્ત થતાં તેની સાથે જ તેનાં કિરણો પણ પોતાનો સંકેલો કરી લે છે તેમ નિદ્રા સમયે મનુષ્યને એવું થતું હોય છે. આ મનુષ્ય જ્યારે નિદ્રાધીન થાય ત્યારે તેની બધી જ ઇંદ્રિયો પોતપોતાની કાર્યવાહીનો સંકેલો કરી લે છે. એટલે મનુષ્ય જ્યારે નિદ્રા ગ્રહણ કરે ત્યારે હાથ-પગ-આંખ-કાન વગેરે દશેય ઇંદ્રિયો સૂઈ જાય છે. કહેતાં આંખ જોવાની પ્રવૃત્તિ ન કરે, કાન સાંભળવાની પ્રવૃત્તિ ન કરે, હાથ-પગ વગેરે હાલવા-ચાલવાની પ્રવૃત્તિ ન કરે. બધું શાંત પડી જાય. આને જ ઊંઘ કહેવામાં આવે છે. આમ નિદ્રા ટાણે થાકેલી ઇંદ્રિયો સૂઈ જાય છે. એટલે માણસ સૂઈ ગયો એમ કહેવામાં આવે છે.
પરંતુ એ નિદ્રા વખતે પણ એક વિભાગ સતત જાગતો રહે છે, કાર્યશીલ રહે છે. તે છે પંચ પ્રાણો. ‘प्राणाग्नय एवैतस्मिन् पुरे जाग्रति’(પ્રશ્ન ઉપનિષદ-૪/૩) પંચ પ્રાણો રૂપી અગ્નિઓની યજ્ઞ-જ્યોત ત્યારે પણ પ્રજ્વલિત રહે છે. શ્વાસોચ્છ્વાસ રૂપી આહુતિઓ દ્વારા પંચ પ્રાણની બધી જ પ્રક્રિયાઓ નિદ્રા વખતે પણ જાગતી-ગાજતી ધમધમતી રહે છે. આથી જીવનતંત્ર સુનિયંત્રિત બને છે. પિપ્પલાદજીના શબ્દોમાં પરોક્ષપણે પ્રાણાયામનો મહિમા છતો થતો હતો.
હે શિષ્ય! આ નિદ્રા વેળાએ ઘણી વાર સ્વપ્નો જોવામાં આવે છે. તે સ્વપ્નને જોનારો આત્મા પોતે છે. સ્વપ્નમાં તે શું જુએ? તો ‘दृष्टं चाऽदृष्टं च श्रुतं चाऽश्रुतं चाऽनुभूतं चाऽननुभूतं च सत्व्चाऽसत्व्च सर्वं पश्यति’(પ્રશ્ન ઉપનિષદ-૪/૫) અર્થાત્ પૂર્વે જોયું હોય કે ન જોયું હોય, પૂર્વે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પૂર્વે અનુભવ્યું હોય કે ન હોય, સ્વપ્નમાં બધું દેખાય છે. ‘एष हि द्रष्टा स्प्रष्टा, श्रोता, घýæता, रसयिता, मन्ता, बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः’(પ્રશ્ન ઉપનિષદ-૪/૯) આ આત્મા જ તે વખતે સ્વપ્નનો દ્રષ્ટા બને છે, તે સ્વપ્નમાં થતી વાતોને સાંભળે છે, તે સ્વપ્નમાં ગંધનું ગ્રહણ કરે છે, રસોનો સ્વાદ લે છે, મનન કરે છે, જાણે છે અને જાતજાતની ક્રિયાઓ કરે છે. હા, એ ખરું કે સ્વપ્નસૃષ્ટિ ઉપર તે સ્વપ્નને જોનાર આત્માનું કોઈ નિયંત્રણ નથી. એ તો પરમાત્મા પોતે તે તે આત્માના કર્મ પ્રમાણે, તે કર્મફળોના ભોગને અનુકૂળ એવી સ્વપ્નસૃષ્ટિને ઉત્પન્ન કરે છે અને પાછી સંકેલી લે છે. આત્મા તો કેવળ તે સૃષ્ટિનો દ્રષ્ટા અને ઉપભોક્તા માત્ર છે.
આમ નિદ્રામાં સ્વપ્નનો અનુભવ થાય છે. હવે જ્યારે મનુષ્ય ગાઢ નિદ્રામાં જાય ત્યારે સ્વપ્ન પણ આવતું નથી. તેને સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. પરમાત્મા પોતે કૃપા કરીને આત્માને તે સુષુપ્તિમાંથી પુનઃ જાગ્રતમાં પાછા લઈ આવે છે. અને સુષુપ્તિ પહેલાનાં બધા જ અનુભવો, સ્મૃતિઓ, જ્ઞાન-વિજ્ઞાન વગેરે તેવું ને તેવું જાગતું કરી દે છે.
હવે એ નિદ્રા વેળાએ સૂતેલ, વિશ્રાંતિ લઈ રહેલી ઇંદ્રિયો તથા જાગતા રહેલા કાર્યાન્વિત રહેલા પ્રાણોનું તથા સ્વપ્નદ્રષ્ટા આત્માનો આધાર કોણ? એ પ્રશ્નનો ઉત્તર આપું છુ _ - વત્સ! એ તો પરમાત્મા છે. ‘स यथा सोम्य वयांसि वासोवृक्षं सम्प्रतिष्ठन्ते। एवं ह वै तत्सर्वं पर आत्मनि सम्प्रतिष्ठते’(પ્રશ્ન ઉપનિષદ-૪/૭) હે પ્રિય! જેમ પક્ષીઓ દિવસભર આમ તેમ ઊડીને સાયંકાળ થતાં નિવાસ માટે વૃક્ષનો આશરો લે છે. ત્યાં નિરાંતે સૂઈ જાય છે. એ જ રીતે નિદ્રા સમયે બધાનું આશ્રય સ્થાન અક્ષરાધિપતિ પરમાત્મા હોય છે. અને એ પરમાત્મા જ તેને નિદ્રાનું સુખ લેવા દે છે. અને જાગરણનો સમય થતાં જૂના જ્ઞાનવૈભવ સાથે તેને જગાડે છે.
મહર્ષિ પિપ્પલાદના દૃષ્ટાંતસભર ઉત્તરોથી સૌત્રાયણી પ્રસન્નતા પામ્યા. સંતુષ્ટ થયા.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS