‘હાય રે મારું રતન રોળાઈ ગયું, કાળજું કપાઈ ગયું... એવું તે મેં કયું પાપ કર્યું કે મહારાજે એને વહેલી ઉપાડી લીધી !’
અમદાવાદના નથુ ભટ્ટને, પત્ની ધામમાં ગયાં તેનો વિરહ શમતો નથી. વારે વારે બળતી ચિતામાં પડવા દોડે છે, પણ લોંઠકા આદમીઓ એમને ઝાલી લે છે.
ચિતા બળી ગઈ. રાખનો ઢગલો થયો. સંધ્યાની રુંઝ્યું વળી ગઈ. ડાઘુઓ મસાણમાં ક્યાં સુધી બેસી રહે ! સૌ નદીએ સ્નાન કરી કરી, ઘર ભણી વહેતા થયા, પણ ભટ્ટજીને કશું સૂઝતું નથી. શ્રીનગરના મોભાદાર ભક્તોએ ખૂબ મનાવ્યા, સમજાવ્યા ને પરાણે નવડાવ્યા. હીરાચંદ ચોકસી, દામોદર પટેલ, લાલદાસ ગોરા, શંભુદાસ વગેરે ભક્તો ભેગા થઈને ભટ્ટને આશ્વાસન આપી રહ્યા છે. જેમ જેમ લોકો ખરખરે આવતા ગયા તેમ તેમ ભટ્ટજીનો વિરહ વધતો ગયો.
નથુ ભટ્ટ ભાગવતની પારાયણો કરતા. વૈષ્ણવોની હવેલીમાં પણ કથા કરવા જતા. શ્રીજીમહારાજનો આશ્રય કર્યો ત્યારથી મહારાજ સાથે ફરતા. મહિમા કહેતા. સર્વોપરીપણાનું ગાન કરતા.
આજ અચાનક આધેડ વયે પત્નીનો દેહ પડ્યો એનો કારમો ઘા ભટ્ટજીને હૈયે વાગ્યો.
સગાં-સ્નેહીઓ બેસણામાં આવતાં, ખરખરો કરતાં. પત્નીના ગુણ સાંભળી-સાંભળી ભટ્ટજીનો શોક અનેક ગણો વધી ગયો. એ ખુલ્લેઆમ કહેવા લાગ્યા : ‘મહારાજે મારું જ ખોરડું ભાળ્યું ? મારું સર્વસ્વ લૂંટાઈ ગયું, હાય હાય, હવે હું કેમ જીવીશ ?’
હીરાચંદ ચોકસીએ કહ્યું : ‘ભટ્ટજી ! આમ ને આમ રડ્યા કરવાથી શું વળશે ! તમે તો જ્ઞાની છો, ભાગવતના ભણેલા છો...’
‘ભાઈ, પગ તળે રેલો આવે ત્યારે ખબર પડે ! જ્ઞાન તો મહારાજનું જ આપેલું છે, પણ ભટ્ટાણીને વહેલાં તેડી લીધાં ને મને વિધુર કર્યો. મહારાજ કેટલા નિર્દય છે ! મને એકલો-અટૂલો કરી દીધો ! અરેરે, મહારાજ ! તમે કેટલા નિષ્ઠુર છો !’ અમદાવાદના એ વખતે આગળ પડતા હરિભક્તોએ ખૂબ સાંત્વન આપ્યું, પણ ભટ્ટજીની આંખોમાંથી શ્રવણ-ભાદરવો વરસ્યે જ જાય છે.
એક એવો બીજો ને બીજો એવો ત્રીજો... એમ પંદર-પંદર દિવસ અમદાવાદને માથે ઊગીને આથમી ગયા ! ભટ્ટાણીનું બારમું-તેરમું પણ ઊકલી ગયું, છતાં પણ ભટ્ટજીને ગળેથી પાણીનું ટીપું ઊતરતું નથી. અને હવે તો આંખો પણ આંસુ વગરની સુણાઈ ગઈ છે, લાલઘૂમ થઈ ગઈ છે.
દામોદરભાઈ અને લાલદાસ ગોરાએ નક્કી કર્યું કે ભટ્ટજીને હવે વહેલી તકે મહારાજ પાસે લઈ જવા જોઈએ. નહીંતર આમ ને આમ ચિત્ત-ભરમ થઈ જશે.
મહારાજનું વિચરણ પૂછતાં માલૂમ પડ્યું કે અલબેલો આવતી કાલે જ જેતલપુરને આંગણે પધારી રહ્યા છે. સૌએ ભટ્ટજીને સમજાવી-પટાવીને વેલમાં બેસારી જેતલપુર પહોંચાડ્યા.