Essays Archives

અમેરિકાનો ઇતિહાસ ઘડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર વિશ્વ-વિખ્યાત ચિંતક એમર્સન કહેતા : 'An institute is the lengthen shadow of its leader.' અર્થાત્‌ કોઈ પણ સંસ્થા એ તેના નેતાની સુદીર્ઘ પ્રતિછાયા છે.
શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના સુદીર્ઘ-સુચારુ સંચાલન માટે વ્યવસ્થાતંત્ર, ક્રિયાઓ, પદ્ધતિ વગેરે સ્થાપિત કરી સંસ્થાની એક એવી સભ્યતા વિકસાવી છે, જેના માટે પ્રમુખસ્વામી મહારાજ કહે છે : 'શાસ્ત્રીજી મહારાજે ૧,૦૦૦ વર્ષ સુધી સંસ્થાના પાયા પાતાળે નાખ્યા છે.'
સનાતન સત્ય સિદ્ધાંત સાથે સ્થપાયેલ બી.એ.પી.એસ. સંસ્થાની એક આગવી સભ્યતા - સિવિલાઇઝેશન છે, જેમાં તેના સ્થાપક શાસ્ત્રીજી મહારાજનું અગાધ વ્યક્તિત્વ અને સુદીર્ઘ દૃષ્ટિ ઊભરી રહે છે.
શાસ્ત્રીજી મહારાજની સુદીર્ઘ સંચાલનશક્તિનું ગાન કરતાં સંસ્થાના પ્રારંભ કાળના ટ્રસ્ટીઓમાંના એક શ્રી મણિભાઈ બ્રહ્મભટ્ટ જણાવે છે : 'સ્વામીશ્રીએ બંધાવેલાં ભવ્ય મંદિરોના લાખો રૂપિયાની આવક-જાવકવાળા વહીવટ માટે સુંદર વહીવટી તંત્ર સમવાયતંત્રના જેવું રહ્યું છે. દરેક મંદિર પોતાના વહીવટ માટે સ્વતંત્ર અને સામુદાયિક રીતે એકબીજાને જવાબદાર રહે છે. તમામ મંદિરોના વહીવટ માટે સ્થાનિક કોઠારીના હાથમાં સત્તા અને જવાબદારી છે. છતાં સંસ્થાની એકજૂટતા અને સાર્વત્રિકતા અખંડિત રહે છે !'
આજે પણ ૧૦૦ વર્ષ બાદ સંસ્થાનું સંચાલન એ તંત્ર, પ્રક્રિયા પદ્ધતિ અનુસાર સુવ્યવસ્થિત થાય છે.
ભારતમાં આઝાદીનો સૂર્ય ઊગતો હતો ત્યારે પાંચ ભવ્ય મંદિરો અને અન્ય સેંકડો એકર જમીનો સહિત, હજારો હરિભક્તો તથા સંતોની આ સંસ્થાને સ્વામીશ્રીએ રજિસ્ટર્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે જાહેર કરી. તા. ૨૪-૬-૧૯૪૭ સંવત ૨૦૦૩ના અષાઢ સુદિ ૬ના દિવસે શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી નિર્ગુણ સ્વામીએ સંસ્થાનું ટ્રસ્ટ ડીડ તૈયાર કરાવી દીધું. પરંતુ તે પૂર્વે અનેક ધર્મસંસ્થાઓનાં બંધારણનો સ્વામીશ્રીએ અભ્યાસ કર્યો હતો. કોઈ પણ સંસ્થામાં પેસેલાં દૂષણોમાં તેના બંધારણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અન્ય ટ્રસ્ટોનાં બંધારણોમાં રહેલી કઈ કલમોને કારણે કયાં કયાં દૂષણો વહીવટમાં અને સંસ્થામાં પેઠાં છે, તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને, દૂરંદેશિતા દાખવીને સંસ્થાનું બંધારણ ઘડ્યું હતું.
આવનારાં અનેક વર્ષો સુધી એક-સૂત્રતામાં સંસ્થાને ઊની આંચ ન આવે તે માટે શાસ્ત્રીજી મહારાજે સંસ્થાનું બંધારણ ઘડવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે તે માટે એક કમિટિની રચના કરી. તેના સાક્ષી પ્રમુખસ્વામી મહારાજ કહે છેઃ 'એ વખતે પ્રાથમિક રીતે બંધારણના મુદ્દાઓ લખી કામ શરૂ કર્યું. જેના સેક્રેટરી તુલસીભાઈને નીમ્યા હતા. શાસ્ત્રીજી મહારાજની ઇચ્છા પ્રમાણે પ્રથમ મિટિંગમાં બંધારણ કેવું થાય તેના માટે મગનભાઈ અને નિર્ગુણ સ્વામીએ પ્રસ્તાવ મૂક્યો. મગનભાઈને મુંબઈ તપાસ કરવા મોકલ્યા. ત્યાં મુંબઈ હાઈકોર્ટના પ્રસિદ્ધ વકીલ શ્રી હરિપ્રસાદ ચોકસીએ કહ્યું: 'સંસ્થાના ટ્રસ્ટી-મૅમ્બરનું ઇલેક્શન થવું જોઈએ. ધાર્મિક સંસ્થા છે એટલે ઇલેક્શન કરવું પડે.'
શાસ્ત્રીજી મહારાજ પાસે એ સૂચનો લાવ્યા. તે વાંચીને તરત જ તેમણે કહ્યું : 'મારે ઇલેક્શન જોઈતું જ નથી. ઇલેક્શનમાં ગમે તેવા માણસો (સંસ્થાના વહીવટમાં) આવે ને ગમે એ રીતે ચાલે. એટલે સિલેક્શન કરો. સારા, નિષ્ઠાવાળા, સમર્પણવાળા અને મદદરૂપ થાય એવા ભક્તો આવે.'
શાસ્ત્રીજી મહારાજ જોઈ શકતા હતા કે ચૂંટણીની પ્રથાની સાથે કેટલાં દૂષણોનો પણ તેમાં સહજ પ્રવેશ થવાનો હતો ! એક જાહેર સંસ્થા દૂષણમુક્ત અને સ્વચ્છ સંચાલનનો આદર્શ બેસાડી શકે છે — એ જ તેમનું લક્ષ્ય હતું. અને એ જ રીતે સંસ્થાનું શ્રેષ્ઠ બંધારણ થયું. તેõના કારણે સો વર્ષ બાદ પણ સંસ્થા હરણફાળ પ્રગતિ કરી રહી છે અને તેની આગવી પ્રતિભા, સભ્યતા વિકસાવી શકી છે.
કહેવાયું છે કે — A leader should not have only goal but he should have a clear vision in his mind. એટલે માત્ર એકલા ધ્યેયથી કામ સરતું નથી, પણ એ ધ્યેય અમુક સમય પછી સંસ્થાને ક્યાં પહોંચાડશે તેનું સ્પષ્ટ ચિત્ર તેના મનમાં હોવું જોઈએ. શાસ્ત્રીજી મહારાજે એવી આર્ષદૃષ્ટિ સાથે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનું તંત્ર, પદ્ધતિ અને પ્રક્રિયા વિકસાવ્યાં છે.

પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અક્ષરપુરુષોત્તમનો સનાતન સત્ય સિદ્ધાંત પ્રવર્તે તે માટે, આગામી હજારો વર્ષો સુધી સંસ્થાના સંચાલન માટે, આગવું તંત્ર, પ્રક્રિયાઓ, પદ્ધતિ વગેરે સ્થાપિત કરી, સંસ્થાની એક આગવી સભ્યતા વિકસાવનાર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને કોટિ કોટિ વંદન.


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS