શિયાળાની ૠતુ છે. સાંજનો સમય છે. ઠંડીનો ચમકારો છે. પ્રભુએ ઘાટાં વસ્ત્રો પહેર્યાં છે. હરિભક્તો ગામોગામથી દર્શને ઊમટી રહ્યા છે. દંઢાવ્ય દેશના ભક્તોને સુખ આપવા પ્રભુ પધાર્યા હોઈ બાઈ-ભાઈ મોટી સંખ્યામાં આવ્યાં છે.
જેતલપુરના મહોલ પર સભા ભરીને વહાલો વિરાજ્યા છે. કીર્તનિયા સંતોએ ગાવણું કર્યું :
રે શ્યામ ! તમે સાચું નાણું,
રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી
તેથી મારી મનવૃત્તિ અટકી...’
સભા આખી મરમાળાની મૂર્તિના ડોલન સાથે ડોલી રહી છે. એવામાં નથુ ભટ્ટને બે બાજુથી ઝાલીને લોંઠકા ભક્તોએ સભાપ્રવેશ કર્યો. અલબેલાએ આંખને ઇશારે નજીક લીધા. ઢોલિયા સન્મુખ બેસારી દીધા. અંતર્યામીથી શું અજાણ્યું હોય !
વળી, બ્રહ્માનંદ સ્વામીએ મીઠી હલકથી કીર્તન ઉપાડ્યું :
‘હરિ ભજતા સુખ હોય,
સમજ મન ! હરિ ભજતા સુખ હોય.
માત-પિતા જુવતી સુત-બાંધવ, સંગ ચલત નહીં કોય...’
સંતોનાં ભક્તિ અને વૈરાગ્યનાં પદો સાંભળવામાં એક કલાકનો સમય ક્યાં વીતી ગયો કોઈને ભાન ન રહ્યું !
એ દિવ્ય સભા : મહારાજની માધુરી મૂર્તિ : સૌમ્ય સંતોના મધુર કંઠે ગવાતાં પદો : સૌને ભાવ સમાધિ લાગી ગઈ હતી.
સૌને કીર્તનોનાં શબ્દે શબ્દે આનંદના ઊભરા અનુભવાતા હતા, પણ નથુ ભટ્ટના કાળજા પર એ જ શબ્દો જાણે ચાબુક બની ગયા હતા. એના એક એક ફટકારે ભટ્ટજી વલોવાતા રહ્યા. ન તો આંખો ખોલી શક્યા, ન મૂર્તિને માણી શક્યા.
કીર્તન વિરમ્યાં. હરિવરે નેણ ખોલ્યાં ને એ મધુર દૃષ્ટિપાતમાં સૌને ભરી લીધા.
‘હેં... સુરાખાચર ! માણસને વહાલામાં વહાલું શું હશે ?’
‘વહાલો તો પ્રભુ ! પોતાનો જીવ ગણાય. અમારે આ સંસારમાં ધણી મરે તેની જાણ ધણિયાણીને થાય કે તરત રસોડામાં જઈ પ્રથમ પોતાનું પેટ ભરી લે, પછી કોણ જાણે રડવા-કૂટવામાં ક્યારે રોટલા ભેગું થવાય ?’
સાંભળી મહારાજ હસ્યા ને કહ્યું : ‘પણ આ ભટ્ટજીને પૂછો, એમણે તો જીવ કરતાં પણ વહાલી પત્નીને ગણી છે. આજ પંદર દિવસ થયા, ભટ્ટજીને ગળે કંઈ ઊતરતું નથી !’ એમ કહી મર્માળાએ આંખ મીંચકારી.
સુરાખાચરે પણ તત્કાળ મર્મ જાણીને વળતી સોગઠી મારી :
‘અરે મહારાજ ! તમે પણ એવા નમેરા છો કે ભક્તનું પણ જાળવ્યું નહીં ! ભટ્ટાણીને કાચી વયે તાણી લીધાં તે ભટ્ટજીને વસમું લાગે જ ને ! આ તો રીંગણી માથે હિમ પડ્યું !’
સુરાખાચરને પોતાના પક્ષે બોલતા જોઈ ભટ્ટજીને જીવમાં જીવ આવ્યો.
મહારાજે કહ્યું : ‘ભટ્ટજી ! આ દુનિયા છોડીને એક વાર તો સૌએ જવાનું જ છે, એમાં શોક શાનો ?’ એમ કહી સુરાખાચરને પૂછ્યું : ‘બાપુ ! માણસ જીવે છે તે આશ્ચર્ય ? કે મરે છે તે આશ્ચર્ય ?’
‘મને તો બેઉ આશ્ચર્ય જ લાગે છે, છતાં મર્યા પાછળ રડે ને કૂટે તે મોટું આશ્ચર્ય લાગે છે ! અમારી જેવા જાડીબુદ્ધિના જીવનું તો જાણે સમજ્યા પણ ભટ્ટજી જેવા શાસ્ત્રોના જાણકાર, કથાકાર આવું કરે ત્યારે તો આશ્ચર્યની હદ કહેવાય !’
હવે વહાલાએ ધીરે ધીરે સાંખ્ય વિચારનો દોર હાથમાં લીધો ને વાત માંડી : ‘હમણાં સંતોએ કીર્તન ગાયાં તેમાં આવ્યું ને, ‘સંગ ચલત નહીં કોય...’ આ લોકની કોઈ વસ્તુ સાથે આવી શકતી નથી. બધું અહીં જ પડી રહે છે. દૃઢ આશરાવાળા ભક્તને અમારી મૂર્તિ વિના ક્યાંય ચિત્ત લાગે નહીં. એ તો કાળને પણ ગરદન મારે. ખરેખર મૃત્યુ દેહનું છે, જીવનું નથી. આત્મા તો અજર-અમર છે. એને કોઈ સાથે નાતો નથી. સંસારમાં સૌએ મિથ્યા નાતો જોડ્યો છે, એ એક વાર તો તૂટશે જ. એટલે, અવિચળ નાતો અમારી સાથે, અમારા એકાંતિક સાધુ સાથે કરી દેવો.’
પરબ્રહ્મની આ અમૃતવર્ષાથી ભટ્ટજીને અંતરે શાતા વળી ગઈ. અડધો શોક ઓસરી ગયો.