Essays Archives

જગતની અનેક પ્રજાઓ પર હિંદુઓનો કેવો અદ્ભુત નૈતિક પ્રભાવ છવાયો હતો, તેનાં દસ્તાવેજી પ્રમાણો પર આપણે એક નજર કરી રહ્યાં છીએ. વિક્રમ સંવત પૂર્વે ભારત આવેલી ગ્રીક અને રોમન પ્રજાથી લઈને વીસમી સદીની બ્રિટીશ પ્રજા સુધી સૌ કોઈનાં હૃદય પર હિંદુઓએ તેમનાં ચારિત્ર્ય અને પ્રામાણિકતાની એક અજોડ છાપ ઉપસાવી હતી. તેની ગવાહી પૂરતા ઇતિહાસનાં એ પૃષ્ઠો જગતની લાઇબ્રેરીઓની આલમારીઓ પર આજેય પડ્યાં છે.
એમાનું એક પ્રકરણ છે – બ્રિટીશ અધિકારીઓ પર હિંદુઓની નૈતિકતાનો પ્રભાવ.
બ્રિટીશ પાર્લામેન્ટમાં હિંદુઓની નૈતિકતા વિશે સવાલ ઊભો થતો ત્યારે હિંદુઓની તારીફ કરવા માટે બ્રિટીશ અધિકારીઓ ગૌરવપૂર્વક કૂદી પડતા હતા, તેનાં કેટલાંક પ્રમાણો આ પૂર્વે આપણે જોયાં છે.    
સન 1813ની પાર્લામેન્ટરી ડિબેટ્સમાં એ દસ્તાવેજી પ્રમાણો નોંધાયેલા છે.
એ સમયે એલ્ફિન્સ્ટન, જ્હૉન માલ્કમ, ગ્રેમ મર્કર, કૅપ્ટન થોમસ સીડનહામ, કર્નલ થોમસ મુનરો, વિલ્બરફોર્સ વગેરે અધિકારીઓ હિંદુઓની નૈતિકતાની ખુલ્લેઆમ તરફેણ કરી રહ્યા હતા, તેમ બ્રિટિશ પાર્લામેન્ટના ‘હાઉસ ઑફ કોમન્સ’માં સર જ્હૉન માલ્કમ હિન્દુઓ માટે કહી રહ્યા હતા : ‘...They are for some of the finest qualities of the mind; they are brave, generous and humane, and their truth is as remarkable as their courage.’ અર્થાત્ હિંદુઓ મસ્તિષ્કની શ્રેષ્ઠતા, ગુણવત્તા ધરાવે છે. તેઓ શૂરવીર, ઉદાર અને માનવતાથી ભર્યા છે. અને તેમની સત્યનિષ્ઠા તેમની હિંમતની તોલે આવે તેવી નોંધપાત્ર છે. (Hansard's Parliamentary Debates, Vol. XXV, Pp. 553-554)
તે સમયે કોલોનલ થોમસ મુનરોએ ઉચ્ચારેલા આ શબ્દો યાદ રાખવા જેવા છે : ‘જો ખેતીની શ્રેષ્ઠ પદ્ધતિ, અજોડ ઉત્પાદન કૌશલ્ય, સુખ-સગવડો કે વૈભવ આપી શકે તેવું શ્રેષ્ઠ સર્જન કરવાની ક્ષમતા, ગામોગામ સ્થપાયેલી વાંચન-લેખન-ગણિત શીખવતી શાળાઓ, આતિથ્ય સત્કાર, સેવાની ભાવના અને સૌથી વિશેષ તો, સ્ત્રીઓ પ્રત્યેનો વિશ્વાસ, આદર અને શાલીનતાભર્યો વ્યવહાર - આ બધું જો સભ્ય લોકોની વ્યાખ્યામાં આવતું હોય તો યુરોપિયનો કરતાં હિન્દુઓ સહેજ પણ ઊણા ઊતરે તેમ નથી. અને જો બે દેશો વચ્ચે સભ્યતાનો વેપાર કરવાનો થાય તો હું ખાતરીપૂર્વક માનું છું કે ઇંગ્લૅન્ડ ત્યાંથી વહાણો ભરીને સભ્યતા આયાત કરશે, તેમાં જ તેને ફાયદો થશે !’(ibid. Vol. 3, p. 786)
હિન્દુઓની આધ્યાત્મિકતા, પ્રામાણિકતા વગેરેથી કેટલાક બ્રિટિશ અધિકારીઓ એટલી હદે પ્રભાવિત થયા હતા કે તેને કારણે તેઓ કેટલાક મિશનરી પાદરીઓના રોષનો ભોગ પણ બન્યા હતા, અને તેમના વર્તુળમાં ‘Braminised British’ તરીકે જાણીતા થયા હતા! (White Mughals, 2002, London, p. 48)
હિન્દુઓની અસ્મિતા માટે બ્રિટિશરો લડ્યા હોય તેવું પણ એક પ્રકરણ બન્યું, એ જ અરસામાં.
કેટલાંક અઠવાડિયાંઓથી ઇતિહાસનાં પ્રમાણોના આધારે હિન્દુઓની નૈતિકતાના પ્રભાવ પર આપણે એક દૃષ્ટિ કરી રહ્યા છીએ.
હા, ઇતિહાસ એટલે ભૂતકાળ. પરંતુ બધો જ ભૂતકાળ વાગોળવાનો નથી હોતો. ક્યારેક એમાં ઉકરડાની દુર્ગંધ પણ હોય છે. એ દુર્ગંધવાળો ઇતિહાસ આપણને કોઈ ખપનો નથી. કોઈનેય ખપનો નથી. પરંતુ ઇતિહાસમાં એવી કેટલીય બાબતો છે, જે આપણામાં આધ્યાત્મિકતાની સુગંધ ઉમેરી આપે છે, પવિત્ર પ્રેરણાઓની મહેક પ્રસરાવે છે, માનવધર્મની સુંદર ગાથાઓ સંભળાવે છે.
એટલે જ ભારતીય મનિષીઓએ ઇતિહાસની વ્યાખ્યા નિરાળી આપી છે :
ધર્માર્થકામમોક્ષાણાં ઉપદેશ સમન્વિતમ્,
પૂર્વવૃત્તં કથાયુક્તં ઇતિહાસં પ્રચક્ષતે.
ટૂંકમાં, જે પૂર્વ વૃત્ત દ્વારા ધર્મ-મોક્ષ આદિની પવિત્ર પ્રેરણા મળે તેનું નામ ઇતિહાસ.
હા, ઇતિહાસ કંઈક શીખવા માટે છે. બોધપાઠ માટે છે. જાતને સુધારવા માટે છે. પૂર્વે થયેલી સારી બાબતોનું પુનરાવર્તન થાય અને નઠારી બાબતોને ક્યારેય પુનઃ તક ન મળે એ શીખવા માટે ઇતિહાસ છે. ધર્મ પણ ઇતિહાસનું જ એક પાસું છે. પૂર્વે થયેલા અનુભવોના નીચોડ રૂપે જ જગતભરમાં ધર્મની બાબતો રજૂ થઈ છે. વિશ્વની કોઈ પણ આધ્યાત્મિક વિભૂતિ પણ ઇતિહાસનું જ એક પાત્ર છે, અને એમણે પણ ઇતિહાસનાં પાત્રોમાંથી જ પ્રેરણા મેળવી છે. ઇતિહાસને ધર્મ કે અધ્યાત્મથી ક્યારેય નોખો પાડી શકાય તેમ નથી. ઇતિહાસને ધર્મથી કે આધ્યાત્મિકતાથી નોખો પાડનારા લોકોને ક્યારેય ધર્મનું મૂળ તત્ત્વ હાથ આવતું નથી.
જેમાંથી પવિત્ર પ્રેરણાઓ મળે તેવી ભૂતકાળની વાતો એ જ ઇતિહાસ. બધો જ ભૂતકાળ પ્રેરણા આપનારો નથી હોતો. એટલે ત્યાં નિર-ક્ષીર વિવેકની જરૂર પડે છે. ભૂતકાળની બધી જ વિગતોને બદલે, પ્રેરણા આપે એવી કઈ વિગતો છે ? તેનું ચયન કરીને વિવેક પુરઃસર આપણે ઇતિહાસમાંથી આપણા પૂર્વજોની નૈતિકતાના પ્રભાવ વિશે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
હિન્દુઓના નૈતિક પ્રભાવને પુનઃ જાગૃત કરી શકાય તેમ છે, ઇતિહાસનાં પૃષ્ઠોને ઉકેલવાથી ઘણા વિકટ પ્રશ્નોમાંથી રસ્તો કાઢી શકાય તેમ છે. કેવો હતો હિન્દુઓની નૈતિકતાનો પ્રભાવ ? પૂર્વે આપણે જોયું છે, એ જ શૃંખલામાં વધુ આગળ સમજીએ.
ગ્રીક ઇતિહાસકારોના સમયથી લઈને શક, કુષાણ, હૂણ, ચીની પ્રજા, મોગલો, બ્રિટિશરો વગેરે જુદા જુદા પ્રાંતના વિદ્વાન વિદેશીઓએ હિન્દુઓની નૈતિકતા વિશે જુદા જુદા સમયે ખૂબ ગૌરવભેર લખ્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના ‘બોડન ચૅર ઓફ સંસ્કૃત’ના અધ્યક્ષ પ્રો. મોનિયર વિલિયમ્સ ‘India and the Indians‘ પુસ્તકમાં હિન્દુઓની ભારોભાર ગુણગાથા ગાય છે. તેઓ લખે છે : ‘હિન્દુઓ કરતાં વધુ ધર્મશીલ અને પોતાની ફરજ બજાવવામાં વધુ નિષ્ઠાવાન ધીરજવાળા પ્રામાણિક અને ખંતીલા લોકો મને યુરોપમાં ક્યાંય જોવા મળ્યા નથી...’(Modern India and the Indians, pp. 88, 128)


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS