Essays Archives

હિન્દુત્વની સામે અનેક આંતરરાષ્ટ્રીય ખતરાઓ ડોળા કાઢીને ઊભા છે. પરંતુ સૌથી મોટો ખતરો છે - આપણી નવી પેઢીમાંથી ઓસરતો જતો સદ્‌વાંચન પ્રેમ. આપણા આજના યુવાનમાં હિન્દુ સંસ્કૃતિની મહાન પરંપરા વિશે પાંચ સવાલના જવાબ આપવાની ક્ષમતા નથી. આપણી સંસ્કૃતિના શાશ્વત આધ્યાત્મિક ખ્યાલો વિશે એને કક્કાનીય ખબર નથી. કારણ ?
ઈતિહાસ પડખું ફરી રહ્યો છે. કલ્પના ન કરી શકાય એટલી હદે નવી પેઢી વળાંક લઈ રહી છે. વિકૃતિના નવા નવા અવતારો, આપણી નવી પેઢીને વિકારોના નવા નવા ઢોળ ચઢાવી રહી છે. 'અમારા જમાનામાં આમ હતું' કહેતી જૂની પેઢીનું નૂર જાણે હરાઈ ગયું છે કે નવી પેઢીનું યોગ્ય દિગ્દર્શન કરી શકે એવી ક્ષમતા જ સમાપ્ત થઈ ગઈ છે. અને સ્ટિયિરગ વિનાની ધસમસતી વેગવંતી મોટરકારની પેઠે, દિશાભાન વિના, આપણી નવી પેઢી જીવનનો ઢાળ સડસડાટ ઊતરી રહી છે. ક્યાં જઈ પહોંચશે ? ક્યાં જઈ અથડાશે ? કલ્પના કંપાવી મૂકે તેવી છે. આંખ ચોળીને જો આપણે બેઠા નહીં થઈ જઈએ, તો દિવસો એવા આવશે કે આપણે આપણું અસ્તિત્વ જ હારી બેઠા હોઈશું.
પણ આમ શાથી બની રહ્યું છે ?
જે દેશની યુવાપેઢી તે દેશની પરંપરાને સાચવતા ગ્રંથો પ્રત્યે ઉદાસ થાય છે એ દેશના પતનની તારીખ વિધાતા નિશ્ચિંત કરી નાંખે છે. હિન્દુત્વની સામે અનેક આંતરરાષ્ટ્રીય ખતરાઓ ડોળા કાઢીને ઊભા છે. પરંતુ એમાં સૌથી મોટો ખતરો છે - આપણી નવી પેઢીમાંથી ઓસરતો જતો સદ્‌વાંચન પ્રેમ. આપણા આજના યુવાનમાં હિન્દુ સંસ્કૃતિની મહાન પરંપરા વિશે પાંચ સવાલના જવાબ આપવાની ક્ષમતા નથી. આપણી સંસ્કૃતિના શાશ્વત આધ્યાત્મિક ખ્યાલો વિશે એને કક્કાનીય ખબર નથી. આપણા મહાન અવતારી પુરુષો, ૠષિમુનિઓ, સંતો, બ્રહ્મસ્વરૂપ સત્પુરુષોનાં જીવન અંગે બે-પાંચ મિનિટ ક્યાંયે બોલવાનું થાય તો આપણી આજની યુવાપેઢી ક્ષુબ્ધ બની જાય છે ! કારણ ?
એક જમાનાનો આપણો યુવાન વાતચીતમાં સહજતાથી શ્રીમદ્‌ભગવદ્‌ગીતાને ટાંકી શકતો. ઉપનિષદ્‌ અને મહાભારતનાં સુવાક્યો, ભર્તૃહરિનાં સુભાષિતો, નરસિંહ મહેતા કે મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી કે તુલસીદાસની અમૂલ્ય પંક્તિઓને વ્યવહારમાં પ્રયોજી શકતો. એ માત્ર ગોખણપટ્ટી નહોતી, ઉત્તમ વિચારોની અભિવ્યક્તિ હતી. આજે ક્યાં ગઈ છે એ પરંપરા ?
સદ્‌વાંચન આપણી અમૂલ્ય ધરોહર છે. આપણા મહાપુરુષોનાં અમૂલ્ય જીવનચરિત્રો, એમનાં ઉપદેશ ગ્રંથો કે કીર્તનોનાં પુસ્તકોમાં, જીવનને સાર્થક બનાવવાની અદ્‌ભુત તાકાત છે. ઉદાહરણ તરીકે બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તનું જીવનચરિત્ર લઈએ. 'બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત'ના જીવનચરિત્રને વાંચતાં 'ભગવદ્‌ ગોમંડલ કોશ'ના મુખ્ય સંપાદક શ્રી ચંદુલાલ વિદ્યાધિકારી પ્રફુલ્લિત થઈ ઊઠ્યા. તેમણે લખ્યું છે કે આ ગ્રંથ દિવ્ય શ્રેયસ્કર છે તેમ પ્રેયસ્કર પણ છે. વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડૉ. આર. એમ. પટેલ લખે છે : 'આધ્યાત્મિક સાધક માટે ગુરુ-શિષ્યના સંબંધ માટે આવું પુસ્તક મેં ક્યાંય જોયું નથી.' હમણાં જ ટી.વી.-ફિલ્મોના ક્ષેત્રે દિગ્દર્શકની કારકિર્દી ધરાવતા એક યુવાન સત્સંગીએ કહ્યું કે તેણે ભગવાન સ્વામિનારાયણથી લઈને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સુધીના તમામ વિસ્તૃત જીવનચરિત્ર ગ્રંથો (આશરે કુલ ૧૦,૦૦૦ પૃષ્ઠ !) વાંચ્યાં છે. એમની વાત સાંભળતાં જ મન પુલકિત થઈ ઊઠ્યું. તેમણે કહ્યું કે તેમણે દુનિયાભરનાં કેટલાંય પુસ્તકો વાચ્યાં છે પરંતુ આ ગ્રંથો વાંચતાં જે શાંતિ અને સાર્થકતાનો અનુભવ થાય છે તે વર્ણવી શકાય તેવું નથી.
હા, તો આ આપણી વિરાસત માટે આપણે કેમ સજાગ થતા નથી ? આપણી હિંદુ સંસ્કૃતિના આ અમૂલ્ય વારસા સમાં પુસ્તકો - ગ્રંથો માટે, આપણા આત્માના અમૂલ્ય ઔષધ સમા એ શબ્દવિશ્વ માટે, આપણા સંપ્રદાયની - સત્સંગની પુષ્ટિનાં એ અમૃત પોષકતત્ત્વો માટે આપણે સતત તરસ્યા રહેવું જોઈએ. એને બદલે પરિસ્થિતિ કેમ વિપરીત છે ?
ક્યારેક એમ લાગે છે કે વાંક માબાપનો જ છે. પોતાનાં સંતાનોમાં સારાં પુસ્તકો માટે રુચિ પેદા કરવી કે એમને સારાં પુસ્તકો આપી વાંચતાં કરવાં, એમને વાંચનવિવેક શીખવવો એ જવાબદારી પ્રત્યેક શિક્ષિત માબાપે સ્વીકારવી જ જોઈએ. આપણે જ આપણાં સંતાનોને સારાં પુસ્તકોનો સંગ નહીં આપીએ તો બીજું કોણ એ કરશે? બચપણથી જ એનાં રમકડાં કે એનાં કપડાં પાછળ, કે એના મનોરંજન પાછળ જેટલું ધ્યાન આપીએ છીએ, તેટલું તેને નાની ઉંમરથી જ સંસ્કાર આપે તેવાં પુસ્તકો-ગ્રંથોના માર્ગે ચઢાવવામાં કેમ નહીં રખાતું હોય ?
આપણે જ આપણી હિંદુ સંસ્કૃતિને વારસામાં નહીં સિંચીએ તો શું મુસલમાનો કે ઈસાઈઓ સીંચશે ? પ્રત્યેક મુસ્લિમ પોતાના બાળકને કુર્આનની આયાતો શીખવવા ઉત્સુક હોય છે. પણ હિંદુઓમાં ? પ્રત્યેક મુસલમાન બચ્ચો ગળું ખંખેરીને ત્રાડ પાડીને નમાજ પઢી લે છે, પણ કેટલાંય હિંદુ પરિવારોમાં પ્રાર્થનાના બે શબ્દો બોલતાંય ફેં પડે છે ! તો, આ સંસ્કારો સીંચશે કોણ ? હિંદુઓના પેટનું પાણી કેમ હલતું નથી ?
પ્રત્યેક મા-બાપ પોતાનાં સંતાનોને તે પાપા પગલી કરતાં શીખે ત્યારથી જ સદ્‌વાંચનનો માર્ગ ચીંધે તો હિંદુસ્તાનનું ભાવિ કંઈક નિરાળું હશે.
ખૂબ ઓછાં માબાપ ચિંતિત હોય છે - સંતાનોની વાચનભૂખ પ્રદીપ્ત કરવા માટે. સંતાનોની શાળાકીય પરીક્ષાઓ માટે ધીમે ધીમે માબાપની જાગૃતિ વધી રહી છે, પરંતુ ધાર્મિક, આધ્યાત્મિક કે આપણી સંસ્કૃતિની સનાનત પરંપરાનાં પુસ્તકોના અભ્યાસ માટે મહદ્‌ અંશે માતાપિતાઓ સુષુપ્ત છે ! કુંભકર્ણોની પ્રતિકૃતિ બનીને નિદ્રાધીન છે ! નિર્લેપ છે ! નિશ્ચિંત છે! અહીં ધર્મદેવનું સ્મરણ થાય છે. અયોધ્યા-છપૈયામાં બાળ ઘનશ્યામની માત્ર દસ વર્ષની ઉંમરે, તમામ શાસ્ત્રોનું અધ્યયન કરાવનાર ધર્મદેવ જેવા પિતા આજે ક્યાં છે ? જે પોતાનાં સંતાનોને ધાર્મિક-આધ્યાત્મિક-નૈતિક પુસ્તકો વંચાવવા-ભણાવવાનું પોતાનું નૈષ્ઠિક કર્તવ્ય સમજતાં હોય, અને એ અદા કરતા હોય ! અને એનું પરિણામ આપણે જોઈ પણ શકીએ છીએ.
કોલેજ-શાળાના ઉપલકિયા શિક્ષણનાં પુસ્તકોના ઉપલકિયા અભ્યાસ સિવાય આપણી નવી પેઢીને વાચનની જાણે ભૂખ જ નથી. અને આંગળીના વેઢે ગણાય એવા યુવાનોમાં વાચનની ભૂખ છે પણ કેવા વાંચનની? આધ્યાત્મિક વાચનની તો નહીં જ નહીં.
કોલેજોની બહાર ચાલતી ટોળાશાહીમાં, અભદ્ર ટોળટપ્પાં અને ખીખવાટામાં ખખડતી આપણી નવી પેઢીને સદ્‌વાંચન કે ધાર્મિક વાંચન પ્રત્યે, પૂર્વે ક્યારેય નથી થઈ એવી અરુચિ પેદા થઈ છે.

તો એને કેવાં પુસ્તકોમાં રુચિ છે ? જાણવું છે ?
થોડા વિદ્યાર્થી મિત્રોને મળવાનું થયું ત્યારે જાણવા મળ્યું કે થોડો ઘણો વાંચનનો શોખ ધરાવનાર વિદ્યાર્થીઓ, વધુમાં વધુ તો છાપાંઓ, છાપાંઓની છીછરી પૂર્તિઓ, સ્પોટ્‌óસ કે ફિલ્મી મેગેઝિનો અને અન્ય સાપ્તાહિક મેગેઝિનો વાંચે. વધુમાં ક્યારેક 'જનરલ નોલેજ' માટેનાં પુસ્તકો વાંચે. જોક્સ, કોમિક્સ કે કારકિર્દીને લગતાં પુસ્તકો વાંચે. આશ્ચર્ય એ થયું કે ધાર્મિક વાંચન, આધ્યાત્મિક વાંચન કે વિચારપ્રેરક વાંચનનું ક્યાંય સ્થાન જ નથી ? 'જનરલ નોલેજ'માં પણ આનો ક્યાંય સમાવેશ નહીં ?
એક જાણીતી બુકશોપના માલિકે કહ્યું : 'મારાં યુવક-યુવતી ખરીદારોએ ક્યારેય આધ્યાત્મિક કે નૈતિક વિચારપ્રેરક પુસ્તક માંગ્યું જ નથી. છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ !'
થોડા સમય પૂર્વે એક તરુણને મળવાનું થયું. તેણે વાંચેલાં પુસ્તકો વિશે કહેતાં એની જીભ થોથવાતી હતી. સત્સંગમાં આવ્યા પછી એનો આત્મા ડંખતો હતો. માત્ર અગિયારમું ધોરણ ભણતા એ વિદ્યાર્થીએ કહ્યું કે 'હૉસ્ટેલમાં દાખલ થયો ત્યારે પહેલા જ દિવસે મારી પર રેગિંગ થયું. અને ગંદાં પુસ્તકોનો ખડકલો મારી સામે મૂકવામાં આવ્યો. મારી જ હૉસ્ટેલના એ વિદ્યાર્થીઓએ પરાણે એ પુસ્તકો મને વંચાવ્યાં. અને પછી લત લાગી. અમારી હૉસ્ટેલમાં ભણતો એક પણ વિદ્યાર્થી એવો નહીં હોય કે જેને આવાં પુસ્તકોની લત નહીં હોય !'
હા, એ માત્ર એક જ તરુણ, એક જ સ્કૂલ, કૉલેજ કે હૉસ્ટેલની વાત નથી. આ રોગની વ્યાપકતાનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. હલકી નવલકથાઓ ને વાર્તાઓ, હલકા જોક્સનાં પુસ્તકોની દુર્ગંધ આપણી નવી પેઢીમાં વસાઈ રહી છે.
એની સામે સારાં પુસ્તકોની ક્યાં ખોટ છે ? સ્વામિનારાયણ અક્ષરપીઠનાં કેટલાંક પ્રેરક પ્રકાશનોની સૂચિ અહીં સામેલ છે! કેટલી લાંબી સૂચિ છે! પરંતુ વિશાળ સમાજમાંથી એનો ઉપયોગ કરનારો વર્ગ કેટલો ? અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠનો વિશાળ ગ્રંથાગાર અને એવો વિશાળ સંદર્ભ ભંડાર જોઈને થયું - અમદાવાદની ૩૫ લાખ વસતીમાંથી આમાં રુચિ ધરાવનારી સંખ્યા કેટલી? અંગ્રેજીમાં કહેવાયું છે : Libraries are shrines where relics of the ancient saints full of true virtue, and without delusion or imposture, are preserved and reposed.’ પુસ્તકાલયો એવાં મંદિરો છે કે જ્યાં પ્રાચીન સંતો-મહાપુરુષોના સદ્‌ગુણોથી પરિપૂર્ણ અને પાખંડ રહિત નિર્ભ્રાન્ત અવશેષ સુરક્ષિત રાખવામાં આવે છે.
હા, તો એ મંદિરોની આજે શી દશા છે ? એ મંદિરોના પ્રાણ સમાં, મૂર્તિ સમાં ગ્રંથો-પુસ્તકોની આજે શી દશા છે ?
ગ્રીસમાં થીબ્સમાં એક પુરાણા પુસ્તકાલયના દ્વાર પર કોતરવામાં આવ્યું છે : 'આત્માનું ઔષધ !' પણ આ આત્માના ઔષધ પર અનેક અનેક અભદ્ર વિચારો ઓકતાં 'આત્માના વિષ' જેવા હલકાં પ્રકાશનોનો ઢગ છવાઈ જઈને દિનપ્રતિદિન નવી પેઢીને લલચાવતો રહે છે !
જ્યોર્જ બર્નાડ શો કહે છે : 'Very few books of any nationality are worth reading.' કોઈપણ દેશમાં ખૂબ જ થોડાં પુસ્તકો વાંચવા યોગ્ય હોય છે.
અને વાંચવા યોગ્ય પુસ્તકોમાંથી પણ, 'Some books are to be tasted, others are to be swallowed and only a few are to be chewed and digested.' બહુ થોડાં જ પુસ્તકો વારંવાર વાગોળવાનાં અને પચાવવા યોગ્ય હોય છે. પણ એવાં પુસ્તકો કોણ સૂચવે ? એ માર્ગે કોણ વાળે ? શું શિક્ષણ સંસ્થાઓ આને પોતાની જવાબદારી ગણશે ? ના. સાંદીપનિ ૠષિ જેવાં આશ્રમોની શિક્ષણ સંસ્થા કલ્પવી મુશ્કેલ છે. શિક્ષણ સંસ્થાઓને જ જ્યારે કોમર્શીયલાઈઝેશનનો હડકવા ઊપડ્યો છે, ત્યારે ત્યાંથી વિશેષ આશા રાખવી મુશ્કેલ છે. એમ લાગે છે કે માબાપ જ આ જવાબદારી સૌથી વધુ અસરકારક રીતે નિભાવી શકશે. અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા સત્પુરુષની આજ્ઞા તરફ દૃષ્ટિ રાખવામાં આવે તો જ વાંચનવિવેકની દિશા પ્રાપ્ત થાય છે. તા. ૧૧-૨-૯૭ના રોજ વડોદરા ખાતે વસંતપંચમીના ઉત્સવમાં ચાલુ સભાએ તેમણે લખેલો એક પત્ર વાંચનવિવેકની અદ્‌ભુત દિશા ચીંધે છે :

જીવનમાં વાંચવાની ટેવ પાડવી. પણ તેમાં ધાર્મિક અને આધ્યાત્મિકતાની વિશેષ દૃઢતા થાય તેવાં પુસ્તકો અને ગ્રંથો વાંચવાં.
જે પુસ્તકોમાંથી પ્રેરણા મળે ને આધ્યાત્મિક પ્રગતિ થાય એવાં વચનામૃત, સ્વામીની વાતો, ગુરુપરંપરાના જીવનચરિત્રનું નિયમિત વાંચન કરવું.
જેનાથી આજ્ઞા ને નિયમ-ધર્મની ગૌણતા થાય કે ખંડન થાય કે ભંગ (લોપ) થાય તે પુસ્તકો કે ગ્રંથોનું વાંચન ન કરવું.
વાંચન એકાગ્રતાથી કરવું. સાથે પ્રાર્થના કરતા રહેવું.
જે વાંચીએ એનું વારંવાર પુનરાવર્તન કરતાં રહેવું.

સ્વામીશ્રીનાં સૂચનો અમૂલ્ય છે. એને સૂચન તરીકે નહીં પણ એક દીર્ઘદ્રષ્ટા-જીવનદ્રષ્ટા વિભૂતિપુરુષની આજ્ઞા તરીકે જ સ્વીકારવાં જોઈએ.
પુસ્તકો કેવી ખાનાખરાબી સર્જી શકે છે ? ક્યારેક એમ લાગે છે કે પુસ્તકોની તાકાતથી આપણે સાવ અજાણ જ છીએ. અને એટલે જ પુસ્તકો પ્રત્યે આવી ઉપેક્ષા સેવાય છે. એક નાનકડા પુસ્તકની પણ તાકાત કેટલી હોય છે જાણો છો? પસ્તી તોળતા ત્રાજવાના સામા પલ્લે બેસવા જેટલી જ ? એમ માનનારાઓ થાપ ખાય છે. પૃથ્વીના નકશાઓ બદલી નાંખનારાં પુસ્તકોથી લાઇબ્રેરીની આલ્મારી ઊભરાય છે. ગમે તેવા સારા માણસને પણ ખૂંખાર ડાકુ, નામીચો ચોર કે વાસનિક-વ્યભિચારીમાં પલટી નાખવાની એમાં તાકાત છે. એના તરફ નજર કરવી ઘટે. જર્મનીના આપખુદી શાસક એડોલ્ફ હિટલરની આત્મકથા વર્ણવતું પુસ્તક 'Mein Kampf' વિશે કદાચ ઓછા ગુજરાતીઓ જાણતા હશે. પણ પશ્ચિમ જગતમાં એનો હાહાકાર છે. વિખ્યાત અમેરિકન લેખક નોર્મન કઝિન્સ લખે છે આ પુસ્તકના હાહાકાર વિશે : 'For every word in Mein Kampf 125 lives were lost, for every page 4,700 lives and for every chapter more than 1,200,000 lives.' આ પુસ્તકના એક એક શબ્દે ૧૨૫ લોકોની જિંદગી ખુવાર કરી છે, તેના પ્રત્યેક પૃષ્ઠે ૪,૭૦૦ લોકો અને પ્રત્યેક પ્રકરણે ૧૨ લાખ લોકોની જાન લીધી છે. આ પુસ્તકને લીધે જ, કદાચ, બીજા વિશ્વયુદ્ધનાં ખોફનાક પરિણામોનાં પિતામહોમાં હિટલર મોખરે છે.
અઢારમી સદીની અમેરિકાની ગુલામીપ્રથા સામે જેહાદ ઊઠી. અમેરિકામાં અકલ્પ્ય આંતરવિગ્રહ ફાટી નીકળ્યો અને એક જબરદસ્ત ક્રાંતિ થઈ, આખરે ગુલામીપ્રથા નાબૂદ થઈ. પણ એનું મૂળ કારણ ? 'Uncle Tom's Cabin' નામનું પુસ્તક. Harriet Beecher Stove નામના લેખકનું એ ફરજંદ. 'ધી ગ્રેઇટ બ્રિટિશ એમ્પાયર'ના ધી ગ્રેઇટ એમ્પરર કિંગ જ્યોર્જ ત્રીજાને સંબોધીને એણે લખ્યું : 'In England a king has little more to do than to make wars and capture places.' એમ કે ઇંગ્લેન્ડના રાજાને યુદ્ધો કરવાં અને જગ્યાઓ પડાવી લેવી એ સિવાય બહુ થોડું કામ કરવાનું હોય છે ! અને એનાં આવાં જલદ લખાણોએ ક્રાંતિની ધૂણી ધગધગાવી.
ભારતમાં ત્રણસો ત્રણસો વર્ષ સુધી શાસનની જડ જમાવનાર બ્રિટિશ સલ્તનતનો પાયો હચમચાવવામાં જેટલો ક્રાંતિકારીઓની શહીદીનો ફાળો છે, એટલો જ ગાંધીજીના સત્યાગ્રહોનો છે. કારણ કે ગાંધીજીના સત્યાગ્રહોએ ભારતભરની પ્રજાને અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવવામાં શામિલ કરી. પણ અત્યંત સફળ થયેલા આ સત્યાગ્રહોનું મૂળ ક્યાં છે ? સને ૧૯૦૭માં દક્ષિણ આફ્રિકામાં મોહનદાસ કરમચંદ ગાંધીના હાથમાં Henry David Thoreau (હેન્રી ડેવિડ થોરો)એ લખેલું પુસ્તક 'Civil Disobedience' આવી ચઢ્યું. અને એમાંથી થયો - ગાંધીજીના અસહકાર આંદોલનનો જન્મ. પાછળથી એ 'સત્યાગ્રહ' બન્યું. ૧૮૪૯માં એ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે ફક્ત આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોએ જ એ વાંચ્યું હતું. પણ ત્યાર પછીનાં ૧૦૦ વર્ષમાં લાખો લોકોનાં જીવન પર એનો સીધો કે આડકતરો જબરદસ્ત પ્રભાવ રહ્યો. આજેય છાશવારે 'બંધ આદોલનો' કે 'ભૂખ હડતાલો' કયા પુસ્તકના ચંદરવા નીચે ચાલે છે ?
હાથમાં તલવાર લઈને લાખો હિન્દુઓને ઇસ્લામ ધર્મમાં ઊંધા ગોઠણિયા વાળવા મજબૂર કરનાર ઔરંગઝેબનું પ્રેરકબળ કયું હતું ? 'કુર્આન'. 'કાફિરોની કતલ કરો યા મુસલમાન બનાવો'ના કુર્આનના આદેશે વિશ્વના કેટલા નકશાઓને ભૂંસી નાંખ્યા છે ? અંદાજ ખરો ?
કાર્લ માર્ક્સે લખેલું પુસ્તક 'Das Kapital' કે પ્લેટોએ લખેલું 'The Republic' હોય, ડાર્વિને લખેલું 'The Origin of Species' હોય કે સિગ્મંડ ફ્રોઈડે લખેલું 'The interpretation of Dreams' હોય, વિશ્વભરમાં એનાં આંદોલનો પ્રસર્યાં છે અને આજેય એની અસર નીચે વિશ્વ ઘસડાઈ રહ્યું છે. બીજી તરફ ઉત્તરપ્રદેશ, હરિયાણા કે રાજસ્થાન જશો અરે, ટ્રીનીદાદ જેવા વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓમાં કે મોરેશિયસમાં પણ આજે ઘરોઘર તુલસીદાસની માનસ-ચોપાઈઓનો અનેક પેઢીઓથી ચાલ્યો આવતો અક્ષુણ્ણ પ્રભાવ જામેલો જોવા મળશે. સ્વામિનારાયણ સંપ્રદાયનાં લાખો ઘરોમાં ઘરસભા દ્વારા જે પુસ્તકોના પાઠ થાય છે અને એનો જે પ્રભાવ જોવા મળે છે તેનાથી સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. વચનામૃત, સ્વામીની વાતો કે સત્પુરુષોનાં જીવન ચરિત્રોમાં જીવને શિવ બનાવવાની કેવી અદ્‌ભુત તાકાત છે! કિશોરલાલ મશરૂવાળા કહે છે કે આધ્યાત્મિક માર્ગે ચાલતાં કોઈ પણ સાધકને વચનામૃત જેવો ગ્રંથ વાંચ્યા વિના ભાગ્યે જ ચાલે. આપણા સદ્‌ગ્રંથોની આ અદ્‌ભુત આધ્યાત્મિક તાકાતથી આપણે આપણું અને આપણાં સંતાનોનું જીવન સાર્થક કેમ ન બનાવીએ ?
એક બીજી વાત.
એક સર્વેક્ષણ મુજબ દરરોજ ૫૦ લાખ ગુજરાતીઓ વર્તમાનપત્રો વાંચે છે. એની સામે સારાં પુસ્તકોની માત્ર ૧,૦૦૦ નકલો જ ખપે છે, અને તે પણ ચાર-પાંચ વર્ષે ! આવું કેમ બને છે ? શું આ ચિંતાપ્રેરક નથી ? એવું બનવું ન જોઈએ કે સારાં પુસ્તકોની ખરીદી માટે પડાપડી થાય ?
લાગે છે કે પુસ્તકો માટે માર્કેટિંગની ખૂબ જરૂર છે. માર્કેિટગનો આ યુગ છે. સામાન્ય ટૂથબ્રશ કે ગારમેન્ટથી લઈને મોંઘીદાટ લાખો રૂપિયાની મોટરકાર સુધી દરેક આઇટેમનું માર્કેટિંગ થાય છે. ઘરની બહાર નીકળો કે ઘરમાં હો, દિવસ-રાત અનેક અનેક જાહેરાતોનો મારો સૌના દિમાગ પર અથડાતો રહે છે. પરંતુ એમાં ક્યાંય કોઈ પુસ્તકની જાહેરાત જોઈ ? ખાસ કરીને ગુજરાતમાં ક્યારેય એવું જોયું ? 'રિડર્સ ડાઇજેસ્ટ'ના ગ્રાહક થનારને અનુભવ હશે કે દર મહિને, અનેક જાતનાં પુસ્તકોની જાહેરાતોનાં ભાતભાતના નુસખાવાળાં રંગબેરંગી ફરફરિયાં એમને લલચાવતાં હશે. અમેરિકન 'ટાઈમ' સાપ્તાહિકની માર્કેટિંગની યોજનાઓ દંગ કરી દે તેવી હોય છે. ભારતમાં થોડું ઘણું હિન્દી-અંગ્રેજી ભાષાનાં પુસ્તકોમાં આનું અનુકરણ થયું છે, પણ નહિવત્‌. કારણ ? સદ્‌પ્રેરણા આપતાં પુસ્તકોનાં પ્રકાશકો માર્કેટિંગની ભાતભાતની રીતો અપનાવે તો પુસ્તક મોઘુંદાટ બની જાય. અને ગુજરાતી પ્રજાની ખાસ માન્યતા એ છે કે ધાર્મિક પુસ્તકો મફતમાં મળે તો શ્રેષ્ઠ ! નહિતર ઓછામાં ઓછી કિંમતે મળવાં જોઈએ. એમાંય સહેજ મોંઘો ગ્રંથ હોય તો બે નકલ લેવા માટેય કન્સેશનના ખાસ પ્રયત્નો કરવાના.
ગુજરાતીઓ લગ્ન પ્રસંગોમાં કે ભોજન સમારંભોમાં અકલ્પ્ય ખર્ચાનો બોજ હસતે મોંએ વેઠે છે ! કપડાંમાં, ફિલ્મોમાં અને ફિલ્મોમાંથી શીખેલી ફૅશનોને પોષવામાં પૈસાનું પાણી કરનારાની સંખ્યા અચંબો પમાડે તેવી મોટી છે. પણ એવા ખર્ચામાંથી ફક્ત દસમા ભાગનો જ ખર્ચો જો પ્રેરક સાહિત્ય વસાવવામાં કરવામાં આવે તો? દીવાનખાનું સજાવવામાં લાખો રૂપિયા ખર્ચતા લોકો એના પાંચમા ભાગના ખર્ચમાંથી સારાં પુસ્તકો વસાવીને એનાથી દીવાનખંડને ખરા અર્થમાં સજાવે તો ? વિચાર પ્રેરક પુસ્તકોનું, સદ્‌ગ્રંથોનું જીવન- જરૂરિયાતમાં ક્યાંય સ્થાન જ નથી ! પહેરામણીમાં કે કરિયાવરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરાય છે ! ત્યારે સારાં પુસ્તકો પણ કરિયાવરમાં કે પહેરામણીમાં આપવાનું વિચારનારા કેટલા લોકો હશે ? એવો ચાલ ઊભો ન કરી શકાય ?
ફરીથી યાદ કરીએ કે જે દેશ, સમાજ, પરિવાર કે વ્યક્તિ ઉત્તમ સદ્‌ગ્રંથોની ઉપેક્ષા કરે છે, તે અધઃપતનની દિશા પકડે છે. ઇતિહાસમાંથી બોધપાઠ લઈને હવે પુસ્તકો તરફ આપણે આંખમિચાંમણાં છોડીએ તો સારું. જો કે, ઇતિહાસકાર બેનેડેટ્ટો ક્રોશે નોંધે છે તેમ 'ઇતિહાસ પાસેથી મનુષ્ય એક જ વાત શીખે છે. એ વાત એ છે કે મનુષ્ય ઇતિહાસ પાસેથી કંઈ જ શીખતો નથી.'

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS