Essays Archives

ભગવાને આપેલી અદ્ભુત રહસ્યમય ભેટ - સુષુપ્તિ અવસ્થાની કેટલીક અવનવી વાતો...

કિશોર મિત્રો,
પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાને સફળ બનાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યા હશે. મોટા ભાગે વિદ્યાર્થીઓની એવી એક માનસિક વૃત્તિ હોય છે કે વર્ષના છેલ્લા દિવસોમાં, પરીક્ષા પૂર્વે મહેનત કરીને પાસ થઈ જઈશું. પરિણામે આખા વર્ષ દરમ્યાન જે વાંચ્યું હોતું નથી તે પૂરું કરવા માટે કેટલીય રાતોના ઉજાગરા આદરે છે, પરંતુ સારા વિદ્યાર્થી માટે કે વધુ નક્કર સફળતા ઇચ્છતા વિદ્યાર્થી માટે આ પદ્ધતિ કેટલી હિતાવહ છે ? એ અંગે વધુ ક્યારેક ચર્ચા પછી કરીશું પરંતુ અત્યારે તો એ ચર્ચીશું કે રાતોની રાતોના ઉજાગરા કરીને પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થી કેટલા અંશે એવી મહેનતનો લાભ ઉઠાવી શકે છે ?
ઉજાગરાની વાત કરતાં પહેલાં ઊંઘ એટલે શું ? એ સારી રીતે વિચારવું જરૂરી છે.
માનવદેહ કુદરતની અનેક કમાલોનું અદ્‌ભુત સ્થાયી પ્રદર્શન છે. બ્રહ્માંડની જેમ, માનવદેહનાં કેટલાંય આશ્ચર્યો હજુ આજેય વિજ્ઞાનીઓ માટે અણઉકલ્યાં રહ્યાં છે. તેમ શરીરની કેટલીય ક્રિયાઓ કે પ્રતિક્રિયાઓનું રહસ્ય વૈજ્ઞાનિકો આટલાં વર્ષોના અંતેય શોધી શક્યા નથી. માનવજીવનની એવી અનેક આશ્ચર્યકારક કમાલોમાં એક અદ્‌ભુત કમાલ છે ઊંઘ !
માનવજીવનની પાયાની જરૂરિયાતોમાં હવા, પાણી, ખોરાક ગણવામાં આવે છે. ભૌતિકવાદી સંસ્કૃતિ માનવજીવનની પાયાની જરૂરિયાતમાં રોટી, કપડાં અને મકાન ગણાવે છે પરંતુ તબીબો કહે છે : જીવનની સૌથી મોટી જરૂરત હવા-પાણી-ખોરાક ઉપરાંત ઊંઘ છે ! કૂતરાં, બિલાડાં, ગાય, ભેંસ કે પંખીઓ પણ નિદ્રા સિવાય ચલાવી શકતાં નથી ! રાત્રીનું નિર્માણ પરમાત્માએ જાણે ઊંઘ માટે જ કર્યું છે !
સરેરાશ, માનવી પોતાની જિંદગીનો ત્રીજો ભાગ નિદ્રામાં-સૂવામાં વીતાવે છે. એમ છતાં, જીવનના આ અતિ મહત્ત્વના વિષયને, હજારો વર્ષોની વૈજ્ઞાનિક શોધખોળોના અંતે પણ, વૈજ્ઞાનિકો યથાર્થ સમજી શક્યા નથી. કહોને કે ઊંઘની સાચી વ્યાખ્યા જ કરી શક્યા નથી. ઊંઘ કઈ રીતે આપણને તાજગીભર્યા 'ફ્રેશ' પ્રફુલ્લિત કરે છે એ બાબત હજુય વૈજ્ઞાનિકો માટે ખૂબ મોટો કોયડો છે.

દરેકને રાત્રે કેટલી ઊંઘ જોઈએ ?
સવારે સ્ફૂર્તિ સાથે જાગવા માટે દરેક વ્યક્તિને પૂરતી ઊંઘ જોઈએ જ. પરંતુ પૂરતી ઊંઘ એટલે કેટલી ? વર્ષોથી આ સવાલ પૂછાતો રહ્યો છે અને એ સવાલનો ચોક્કસ જવાબ મળવો મુશ્કેલ રહ્યો છે.
પૃથ્વીમાં પુખ્ત વયની માનવ વસ્તીને રાત્રીના ઊંઘના કલાકોના આધારે વહેંચવાની થાય, તો નિયમિત ત્રણ કલાક કે તેથી ઓછી ઊંઘ લેનારા કદાચ આંગળીના વેઢે ગણાય તેટલા જ મળી આવે. પાંચથી છ કલાકની ઊંઘ લેનારાની સંખ્યા ૧/૩ જેટલી કહી શકાય અને સાતથી આઠ કલાકની ઊંઘ ૧/૨ લોકો લે છે. કેટલાક તો નવ કલાક કે તેથી વધુ ઊંઘ લેનારા પણ હોય છે. બાકીના ૧/૬ લોકો નવ કે નવ કલાકથી વધુ અથવા પાંચ કલાકથી ઓછી ઊંઘ લેનારાઓ હશે.
આમ છતાં, મનોચિકિત્સકો વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ આઠ કલાક અને ઓછામાં ઓછી છ કલાકની નિદ્રાને સલાહભર્યું માને છે. વધુ પડતી ઊંઘ તેમની મગજની સક્રિયતાને ઘટાડે છે. ઓછી ઊંઘ તેમને થાકેલા રાખે છે. ખાસ કરીને પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓ રાત્રે ઓછી ઊંઘ લઈને મોડે સુધી વાંચતા રહે છે. પરંતુ અપૂરતી ઊંઘને લીધે એનો કોઈ વિશેષ લાભ થતો નથી. ઊલટું મન પર બોજ કે તાણનો વિશેષ અનુભવ થાય છે.

જો પૂરતી ઊંઘ ન મળે તો...
ઊંઘને આત્માના સુખના અનુભવ સાથે સરખાવવામાં આવે છે. ઊંઘ અને ભૂખ આગળ ગરીબ-તવંગર કે અભણ-વિદ્વાનના ભેદ મટી જાય છે. કદાચ માણસ ભોજન વિના ચલાવી શકે, પણ નિદ્રા વિના નહિ. નિદ્રા જીવનની અતિ અગત્યની જરૂરિયાત છે.
પરંતુ તેમ છતાં દુનિયાભરમાં અનિદ્રાનો રોગ વ્યાપક બનતો જાય છે. અપૂરતી ઊંઘને લીધે દરરોજ દુનિયાએ કેટલાં ખરાબ પરિણામો જોવાં પડે છે ! ભયંકરમાં ભયંકર માર્ગ અકસ્માતો, રેલ અકસ્માતો, વિમાન અકસ્માતો કે આંતરરાષ્ટ્રીય સ્તરની હોનારતોમાં અપૂરતી નિદ્રાને લીધે આવતી તંદ્રાનો મોટો ફાળો રહેલો છે !
'વર્લ્ડ બુક ઑફ એનસાઈક્લોપીડિયા' નોંધે છે કે 'નિદ્રાનું એક સૌથી મોટું કાર્ય આપણા ચેતાતંત્રને પુનઃ તાજગીભર્યું કરવાનું છે.'
નિદ્રા દરમ્યાન આપણા શરીરમાં એવાં કેટલાંક પરિવર્તનો થાય છે કે જેને લીધે આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દિવસભરની થકવી નાંખતી પ્રવૃત્તિઓની કોઈક પ્રતિક્રિયા આપણા શરીરમાં નિદ્રા દરમ્યાન થાય છે. કેટલાક તબીબો નિદ્રાને, નગરમાં રાતે કામ કરતી એવી મેઇન્ટેનન્સ પ્રવૃત્તિ સાથે સરખાવે છે, જે બીજા દિવસની પૂર્વ તૈયારીરૂપે રાત્રે નગરમાં બધું સ્વચ્છ કરી નાંખે, રિપૅર કરી નાંખે.
જીવનના અગત્યના અંગ સમી આવી ઊંઘને ઊડાડી દેવી, ઊંઘ હરામ કરી દેવી એ ખૂબ મોટી સજા કર્યા બરાબર છે. ‘Sleep-deprivation-experiment’માં વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે જો માણસની ઊંઘ ઊડાડી દેવામાં આવે, તો એ હકીકતે ખૂબ મોટો અભિશાપ બની રહે છે. તેમણે નોંધ્યું છે કે ૨૪ કલાક સુધી કોઈને સતત જાગતો રાખવામાં આવે તો તેની શારીરિક-માનસિક-બૌદ્ધિક કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા માંડે છે.
વર્લ્ડ બુક ઑફ એન્સાઈક્લોપીડિયા નોંધે છે કે બે દિવસ ઊંઘ વિના ગાળે તો વ્યક્તિ એકાગ્રતા ગુમાવી બેસે છે. રોજબરોજના કામકાજમાં પણ વારે વારે ભૂલો પડે છે. વારે વારે શરતચૂક થાય છે. ઊંઘ ન લેવાને કારણે સ્વભાવ ચીડિયો થઈ જાય છે.
ત્રણ દિવસથી વધારે ઊંઘ વિના ગાળે તો વિચારશક્તિ મંદ પડે છે, દૃષ્ટિક્ષમતા ઘટે છે, શ્રવણેન્દ્રિય પણ મંદ પડે છે, અને જે વસ્તુ હકીકતે ન હોય તેવી વસ્તુ હોવાનો ભ્રમ (hullucination) થાય છે.
ચાર દિવસથી વધુ ઊંઘ ન મળે તો કેટલીક થોડી રોજિંદી શારીરિક પ્રવૃત્તિ કરવાની ક્ષમતા જ રહે છે. જે કામ કરવામાં સહેજ પણ એકાગ્રતાની જરૂર પડે કે માનસિક શ્રમ થાય એવું કોઈપણ કામ કરવાની ક્ષમતા ખલાસ થઈ જાય છે. સાડા ચાર દિવસ સતત ઉજાગરા પછી ચિત્તભ્રમ અને દૃષ્ટિભ્રમ થાય છે.
જો સતત દસ દિવસ સુધી કોઈને ઊંઘવા દેવામાં ન આવે, તો તેની માનસિક, બોદ્ધિક અને શારીરિક કાર્યો કરવાની ક્ષમતા લગભગ ખલાસ જ થઈ જાય છે. એનું મગજ કોઈ જ નિર્ણય લઈ શકતું નથી. યાદશક્તિ ક્ષીણ થઈ જાય છે. દસ દિવસથી વધુ જાગતો રાખવામાં આવે તો તેને ચિત્તભ્રમ થઈ જાય છે. ધીમે ધીમે તેની ઇચ્છા શક્તિ શૂન્યવત્‌ થઈ જાય છે અને જીવનથી અત્યંત કંટાળો પ્રેરતી ગાઢ હતાશા-નિરાશામાં ધકેલાઈ જાય છે.
એટલા માટે જ રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓને ક્યારેક કેટલાય દિવસો સુધી જાગતો રાખવામાં આવે છે અને એક પણ ઝોકું ન આવે તેની તકેદારી રાખીને એને એવી અત્યંત દયનીય પરિસ્થિતિમાં મૂકી દે છે કે તે તરત જ બધી કબૂલાત કરવા માંડે. યુદ્ધના સમયમાં પકડાયેલા યુદ્ધ કેદીઓના મોંએથી માહિતી કઢાવવા માટે પણ ઘણીવાર આ રીત અજમાવવામાં આવે છે.
અપૂરતી ઊંઘને લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. દમ જેવા શ્વસનતંત્રના રોગીને શરદી વગેરે રોગોના હુમલા તરત જ આવે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને હાઈ બ્લડ પ્રેશર અત્યંત વધી જાય છે. આમાંથી ક્યારેક હૃદયરોગના હુમલા કે પક્ષાઘાતના હુમલાની શક્યતા પણ વધી જાય છે. અપૂરતી ઊંઘ બીજા અનેક મનોરોગ ઊભા કરે છે. મન વ્યગ્ર બની જાય છે. સ્વભાવ અત્યંત ચીડિયો બની જાય છે. પરિણામે શરીરની અન્ય જૈવિક પ્રવૃત્તિઓ પર પણ તેની અસર પડે છે અને શરીર રોગોની ગર્તામાં ધકેલાય છે !

અનિદ્રાના રોગીઓ માટે...
નિદ્રારોગના નિષ્ણાત ડૉ. જેફરી જે. લિપ્સિત્ઝ છેલ્લાં કેટલાંય વર્ષોથી ‘Sleep Disorders Centre of Metropolitan Torronto’ ખાતે નિદ્રા વિષયક સંશોધનો કરી રહ્યા છે. અનિદ્રાના રોગીઓ માટે તેમનાં કેટલાંક નોંધપાત્ર સૂચનો આ રહ્યાં :

બપોરે મોડે સુધી ઊંઘ ન લો. બને ત્યાં સુધી બપોરની ઊંઘ લેવાનું ટાળો.
ખુરશી કે સોફા પર કે જે તે આસન પર સૂઓ નહીં. (ખુરશી કે સોફા પર સૂનારને કરોડરજ્જૂના, કમરના કે ગરદનના પ્રશ્નો પણ થાય છે.) સૂવા માટે અનુકૂળ પથારી જ રાખો. પૂરતું અંધારું, ઘોંઘાટ-અવાજ રહિત, અનુકૂળ શાંત વાતાવરણ પસંદ કરો.
સૂવા જતાં પહેલાં ચા કે કૉફી પીવાનું ટાળો.
ટી.વી. - ફિલ્મો કે બિનજરૂરી વાંચન ટાળો.
સૂવાના કલાકો નિયમિત બનાવો; જેથી શરીરની જૈવિક પ્રક્રિયાનો લય (Bio-Rhythm) નિયમિત બને.
રાત્રે હળવું આધ્યાત્મિક વાંચન, (ભગવાન કે ભગવાનનાં-સંતનાં ચરિત્રો) કે હળવું સંગીત કે ભક્તિ સંગીત સાંભળી શકાય.
રાત્રે હૂંફાળા (ગરમ નહીં) પાણીથી સ્નાન કેટલાક માટે હિતાવહ બને છે.
રાત્રે સૂવાના સમય પહેલાં ધીમે ધીમે ઘર-ધંધાના કામકાજ આટોપીને તેની ચિંતામાંથી કે આવતીકાલના કાર્યક્રમોની ચિંતામાંથી મુક્ત થઈ જાઓ.
અનૈતિક આચરણને લીધે ઉત્પન્ન થયેલો ભય અનિદ્રાનો રોગ પ્રેરે છે. દિવસે એવું નૈતિક સાદગીપૂર્ણ પવિત્ર જીવન જીવવું કે રાત્રે ઊંઘ આવે.

અનિદ્રાના રોગમાં દવાઓ કેટલી ઉપયોગી ?
ટી.વી.-રેડિયોનો અવાજ, ટ્રાફિકનો અવાજ કે અન્ય કોઈ પણ ઘોંઘાટ કરતાં અનિદ્રાનું સૌથી મોટું કારણ ચિંતા છે. દવાની આડ અસર, તાવ, દમ, શરદી, બ્લડ પ્રેશર જેવાં કારણોને બાદ કરતાં અનિદ્રાનું ૭૦„ કારણ ચિંતા અને લાગણીના આવેગો છે.
અનિદ્રાથી પેદા થતી હતાશાપ્રેરક બેચેનીને દૂર કરવા લોકો ઊંઘની ગોળીઓનો ઉપયોગ કરે છે. પણ દુનિયાભરના ડોક્ટરો એની સામે લાલબત્તી ધરે છે. તબીબો કહે છે કે આજ સુધીમાં એવી એક પણ દવાની શોધ થઈ નથી કે જે તદ્દન તંદુરસ્ત-નોર્મલ ઊંઘનો અનુભવ કરાવે.
દુનિયાભરના તબીબો કહે છે કે ઊંઘની ગોળીઓ અતિ અનિવાર્ય સંજોગો સિવાય ન જ લેવી જોઈએ. ઊંઘ માટેની દવાની ગોળીઓ મોટે ભાગે સારી નિદ્રાનો અનુભવ કરાવવાને બદલે ઊલટું બેચેનીનો અનુભવ કરાવે છે. આ ગોળીઓ લાંબા સમય સુધી લેવામાં આવે તો શરીરના ચેતાતંત્ર પર તેની મોટી અસર થાય છે. તેનાથી યાદશક્તિ ઘટે છે. ઊંઘની ગોળીને લીધે 'NREM'ની ઊંઘ(પ્રગાઢ નિદ્રા)ની અવસ્થા બરાબર અનુભવાતી નથી તેમ, અત્યંત જરૂરી 'REM' ઊંઘ(સ્વપ્ન અવસ્થા)ની અવસ્થા પણ ખલેલભરી રહે છે. આ ગોળીઓની સૌથી બૂરી અસર એ છે કે તે એક વ્યસનના રૂપમાં ફેરવાઈ જાય છે. ધીમે ધીમે ગોળીઓનો ડોઝ વધારતાં વધારતાં શરીર એક સમયે એનું બંધાણી જ થઈ જાય છે. અને વધુ પડતી ગોળીઓ ક્યારેક મૃત્યુ સુધી ઢસડી જાય છે.
સામાન્ય કારણોસર અનિદ્રાનો પ્રશ્ન થાય તો ઊંઘની ગોળી લેવાને બદલે અન્ય ઉપાયો અજમાવવા જોઈએ. અતિ આવશ્યક જણાય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ જ ઊંઘની ગોળી લેવી જોઈએ. પોતાની જાતે ક્યારેય ઊંઘની ગોળીઓ ન જ લેવી જોઈએ. કેટલાક ડૉક્ટરો ઊંઘની ગોળી લેવાને બદલે નિયમિત ચાલવા જવાની સલાહ આપે છે.
આમ તો અનિદ્રાનું મૂળ કારણ કોઈક ચિંતા જ હોઈ શકે છે. એથી સૂતી વેળાએ ઊંડા શ્વાસોચ્છ્‌વાસ સાથે નામજપ-માળા, પ્રાર્થના, આધ્યાત્મિક વાંચન કે શયન માનસીપૂજા ખૂબ ઉપયોગી બને છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કે મંદિરો-તીર્થોની સ્મૃતિ કરવાથી પણ મનની વ્યગ્રતા ઘટે છે, પરિણામે ગાઢ નિદ્રા માટેની ભૂમિકા રચાય છે.

અનિદ્રાથી વિરુદ્ધ અતિનિદ્રા
અનિદ્રાનાં પરિણામો ભયજનક છે, તેમ અતિનિદ્રા પણ ભયજનક છે. અનિદ્રાને ઈન્સોમ્નીયા કહે છે, અતિનિદ્રાને નાર્કોલીપ્સી (Insomnia and Narcolipcy) કહે છે. બે વચ્ચે ફર્ક એ કે અનિદ્રાના રોગીને રાત્રે ઊંઘ આવતી નથી, તો અતિનિદ્રાવાળા દિવસે પણ બરાબર જાગ્રત રહી શકતા નથી. બોસ સાથે વાતચીત કરતાં કરતાં જ સૂઈ જાય, પાર્ટીના અત્યંત રોમાંચક-ઉત્તેજક વાતાવરણમાંય સૂઈ જાય, ડ્રાઇવીંગ કરતાં કરતાં સૂઈ જાય, અરે ! પોતાના જ લગ્નની ચોરીમાં જ ઝોકે ચઢી જાય ! ગમે ત્યાં ગમે ત્યારે ૫ થી ૨૦ મિનિટ માટે સૂઈ જાય ! એના સ્નાયુઓ ઢીલા થઈ જાય, જાગૃતિ અને નિદ્રાની સ્થિતિ વચ્ચેની તંદ્રામાં સરી પડે અને શરીર જાણે ખોટું પડી ગયું હોય તેવો અનુભવ કરે ! ક્યારેક ચિત્તભ્રમ કે અર્ધસ્વપ્નાવસ્થાનો અનુભવ થાય છે. આનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવામાં આવ્યું નથી.

બાળકો કેટલું સૂએ છે ?
બાળકોની ઊંઘના કલાકોમાં પણ ખૂબ વિવિધતા છે. જન્મ પછી બહારની દુનિયા સાથે ધીમે ધીમે સંપર્કમાં અવાય એ માટે જ જાણે કુદરતે શિશુઓને વિપુલ ઊંઘનું વિશિષ્ટ ઉપકરણ આપ્યું છે. નવજાત શિશુઓ પોતાનો ૮૦„ સમય સૂવામાં ગાળે છે ! એટલે કે રોજના ૧૮ થી ૧૯ કલાક સૂએ છે! જન્મ પછી શરૂઆતના પાંચ અઠવાડિયા સુધી સાતથી આઠ છૂટક છૂટક ગાળામાં તે કુલ ઊંઘ લે છે ! દરેક ગાળો વધુમાં વધુ ચાર કલાકનો હોય છે. છ એક અઠવાડિયા પછી કેટલાક બાળકો રાત્રે એક સાથે છ કલાક ઊંઘી શકે છે.
છ મહિના પછી બાળકની ઊંઘ ૧૮ કલાકની થાય છે. જેમ જેમ બાળકની ઉંમર વધતી જાય, તેમ તેમ ઊંઘનું પ્રમાણ ઘટતું જાય છે. બે વર્ષ સુધીમાં ઊંઘનું પ્રમાણ ૧૨ થી ૧૪ કલાક થઈ જાય છે.
ઇલેક્ટ્રો-એન્સિલોગ્રાફી પરથી વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે નવજાત શિશુઓને અડધો અડધ ઊંઘ R.E.M. (Rapid Eye Movement) સાથેની હોય છે. એટલે કે અર્ધોઅર્ધ ઊંઘમાં સ્વપ્નાવસ્થા હોય છે. બે વર્ષ સુધીમાં તો તે ઘટીને ૧/૪ થઈ જાય છે. અને પાંચ વર્ષે તેની સ્વપ્નાવસ્થાનો ગાળો ૧/૫ થઈ જાય છે. સરેરાશ પુખ્તવયના માણસ માટે પણ સ્વપ્ના-વસ્થાનું અંદાજિત પ્રમાણ એ જ રહે છે.
હળવાં હાલરડાં કે નાની નાની પંચતંત્રની વાર્તાઓ બાળકોને શાંત ઊંઘ પ્રેરે છે. બાળકોને ભય ઉપજાવે તેવાં પ્રાણીઓ કે રાક્ષસો-ભૂત જેવાં પાત્રોની વાતો તેને ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. બાળકો રાત્રે ભૂલમાં પણ ટી.વી. સામે ન બેસે કે ટી.વી.-રેડિયોના ઘોંઘાટથી દૂર રહે તે ખૂબ ઇચ્છનીય છે, કારણ કે એના કોમળ મન પર કોઈક ભય ઉપજાવનારું દૃશ્ય ક્યારે અંકિત થઈ જાય એ નિશ્ચિત કહી શકાતું નથી.

Other Articles by સાધુ અક્ષરવત્સલદાસ


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS